રિવ્યુઃ ટર્નીંગ થર્ટી
મિડ-ડે તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત
ઢળતી જવાની
શું આજની યુવતી માટે ત્રીસ વર્ષના થઈ જવું એટલી બધી ભયાનક અને ત્રાસદાયક ઘટના છે? આ ફિલ્મમાં સ્ત્રીની ત્રીસ વર્ષની સપાટીને અતિશયોક્તિપૂર્વક પેશ કરવામાં આવી હોવા છતાં આહલાદક તાજગી વર્તાય છે.
રેટિંગ – બે સ્ટાર
એક મોડર્ન, ઈન્ટેલિજન્ટ, ફેશનેબલ અને આકર્ષક યુવતી લેડીઝ રૂમના મિરર સામે અક્કડ ભી રહીને ટીશર્ટ ઠીક કરી રહી છે. બાજુમાં એક મધ્યમવયસ્ક સ્ત્રી લિપસ્ટીક કરતી કરતી સહાનુભૂતિપૂર્વક કહે છેઃ સ્તનો ઢીલાં થઈ ગયાં છે, નહીં? લેડીઝ લોકો ત્રીસીમાં આવે એટલે આવું થાય જ. જોને, મારેય એવું જ થયું. મારી વેડિંગ એનિવર્સરી નજીક આવી રહી છે. હું તો બૂબ-જોબ કરાવવાની છું, મારા હસબન્ડને સરપ્રાઈઝ આપવા. મારું માન, તુંય બૂબજોબ કરાવી લે. (બૂબ-જોબ એટલે પ્લાસ્ટિક સર્જરી વડે સ્તનોને આકર્ષક બનાવવાં.)
બીજું દશ્ય. એડવર્ટાઈઝિંગ એજન્સીમાં કામ કરતી એ જ અપરિણીત યુવતી આ વખતે કોઈ પાર્લરમાં છે. તેનું બોડીમસાજ કરી રહેલી ઔરત ધીમેથી પૂછી લે છેઃ મેડમ, સારું માંહ્યલું વાઈબ્રેટર જોઈએ છે? આપણી પાસે ઘણી વરાયટી છે. (તે બીજા એક સેક્સટોયની પણ ઓફર કરે છે, પણ સુરુચિ ભંગ થવાના ડરે અહીં તેનો ઉલ્લેખ થઈ શકે તેમ નથી.) યુવતી ચીડાઈને કહે છેઃ કેમ? મારા મોઢાં પરથી તને એવું લાગે છે કે હું સેક્સલેસ લાઈફ જીવું છું? ઔરત જવાબ આપે છેઃ મેડમ, નારાજ ન થાઓ, મને તો એક નજરમાં ખબર પડી જાય કે સ્ત્રી ફ્રસ્ટ્રેટેડ છે, એને પૂરતું શરીરસુખ મળે છે કે પછી કોરીધાકોડ છે.
આ દશ્યો, પાત્રો, એમની વાતો અને કલ્ચર તમને ઈન્ટેસ્ટિંગ લાગે છે યા તો તેની સાથે આઈડેન્ટિફાય કરી શકો છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો વેલકમ ટુ ‘ટર્નંિગ થર્ટી’. જો તમને ઉપરના સંવાદો અમેરિકન ટીવી સિરિયલ ‘સેક્સ એન્ડ ધ સિટી’ ટીવી સિરીઝના માહોલ જેટલી પરાયા લાગતા હોય અને ફક્ત બે જ દશ્યોની વિગતોના લસરકાથી ખીજ ચડી ગઈ હોય તો, પ્લીઝ, ‘ટર્નંિગ થર્ટી’ દેખાડતા થિયેટર તરફ ટર્ન પણ ન થતા.
સેક્સ એન્ડ સિટી ઓફ મુંબઈ
બોલીવૂડમાં ‘ચિક ફ્લિક’ની સિઝન બેઠી છે કે શું? (‘ચિક ફ્લિક’ એટલે હીરોલોગને બદલે ખૂબસૂરત નાયિકાઓ કેન્દ્રમાં હોય તેવી ફિલ્મ.) હજુ ગયા અઠવાડિયે બે મેઈન હિરોઈનવાળી ‘નો-વન કિલ્ડ જેસિકા’ આવી અને આ વખતે આ, ‘ટર્નંિગ થર્ટી’. ગુલ પનાંગ બીજા શહેરમાંથી મુંબઈમાં સેટલ થયેલી સફળ કરિયર વુમન છે. એનું ઓગણત્રીસમું વર્ષ પૂરું થવાને હવે અઠવાડિયું જ બાકી છે. એનો ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરતો હે્ન્ડસમ બોયફ્રેન્ડ (સિદ મક્કર) સરસ રસોઈ સુદ્ધાં બનાવી જાણે છે. ત્રીસમા બર્થડે પર એ ગુલ પનાંગને લગ્ન માટે પ્રપોઝ કરવાનો છે. પરફેક્ટ લાઈફ છે. પણ ઓચિંતા જ છોકરો ગુલને પડતી મૂકીને પૈસાદાર ઘરની એકની એક દીકરી સાથે સગાઈ કરી નાખે છે. ગુલને જોબ પરથી કાઢી મૂકવામાં આવે છે. પળવારમાં બધું હતું-ન હતું થઈ જાય છે અને પછી….
ચાર મળે ચોટલા….
મુંબઈ અને દિલ્હી જેવાં મહાનગરોમાં કોન્વેન્ટીયું ધાવણ ધાવીને ત્રીજીચોથી પેઢી જુવાન થઈ રહી છે. ‘ટર્નંિગ થર્ટી’ આવી ‘અમેરિકનાઈઝડ ઈન્ડિયન’ પેઢીનું પ્રતિબિંબ પાડવાની કોશિશ કરે છે. ઓફિશિયલી આ હિન્દી ફિલ્મ છે, પણ એના અડધા કરતાંય વધારે સંવાદો અંગ્રેજીમાં છે. પાત્રોની માત્ર બોલી નહીં, તેમના વિચારોની ભાષા પણ અંગ્રેજી છે. એમના ઉદગારો અને રિફલેક્સ એકશન અંગ્રેજી છે. આ ફિલ્મ અંગ્રેજીમાં જ ‘જણવામાં’ આવી છે. અપીલના સંદર્ભમાં આને ‘ટર્નંિગ થર્ટી’નો આ માઈનસ પોઈન્ટ ગણી શકો. આ એક ટિપિકલ મલ્ટિપ્લેક્સ મૂવી છે, જેની સાથે ફક્ત અને ફક્ત મહાનગરોનો અમુક જ વર્ગ આઈડેન્ટિફાય કરી શકશે.
મુંબઈના મોડર્ન કલ્ચરની વાત છે એટલે, નેચરલી, યુવતીઓ પબ-સ્પા-કોફી શોપ્સમાં મહાલે છે, ગાડી ડ્રાઈવ કરતાં કરતાં અંગ્રેજીમાં ભૂંડાબોલી ગાળો બોલે છે, એક હાથમાં દારૂની પ્યાલી ઝાલી બીજા હાથે સિગારેટના કશ પર કશ લે છે, ગર્લી પાર્ટીમાં સ્ટ્રીપટીઝ કરતાં કરતાં ક્રમશઃ નગ્ન થઈ રહેલા બાવડેબાજ છોકરાઓ સાથે બિન્દાસ નાચે છે અને લગ્ન પહેલાં એક કરતાં વધારે પાર્ટનરો બદલીને બિસ્તરમાં કયો બોયફ્રેન્ડ બેસ્ટ છે તે વિશે ડિસ્કશન કરે છે. ગુલ પનાંગનો એનો એક કલીગ બાઈ-સેક્સ્યુઅલ છે, એક કોલેજફ્રેન્ડ લેસ્બિયન છે અને બીજી પ્રેગનન્ટ ફ્રેન્ડનો પતિ એકસ્ટ્રા-મેરિટલ અફેર્સ કરતો ફરે છે. ટૂંકમાં, સેક્સના મામલામાં ફર્સ્ટટાઈમ ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવે પૂરતી વરાયટી પિરસી છે.
‘સોલ્યુશન ઓફ વન મેન ઈઝ અનધર મેન,’ એક યુવતી કહે છે. ‘નો! સોલ્યુશન ઓફ મેન ઈઝ અ ન્યુ હેર કટ!’ બીજી યુવતી એક્સપર્ટ કમેન્ટ આપે છે. ત્રીસ વર્ષની ગુલ પનાંગ ઓચિંતા જ ‘મેનલેસ, જોબલેસ’ થઈ ગઈ છે. એક સખી એને આશ્વાસન આપે છે, ‘આજના જમાનામાં તો થર્ટી ફાઈવ ઈઝ ન્યુ થર્ટી.’ બીજી બહેનપણી એજ-લિમિટ ઓર પાછળ ઠેલે છે, ‘ના રે ના, આજકાલ તો ફોર્ટી ઈઝ ન્યુ થર્ટી!’
શું આજની યુવતી માટે ત્રીસ વર્ષના થઈ જવું આટલી બધી ભયાનક, અસલામતીની ભાવનાથી કચડી નાખે એવી, ત્રાસદાયક ઘટના છે? ફિલ્મ જોતી વખતે અને જોયા પછી પહેલો સવાલ આ ઉઠે. સ્ત્રીની ત્રીસ વર્ષની સપાટીને અહીં અતિશયોક્તિપૂર્વક પેશ કરવામાં આવી છે.
અમુક દશ્યોનું ડિટેલિંગ સરસ થયું છે. જેમ કે, ત્રીસમી બર્થ-ડે પાર્ટીની રાત પછી અસ્તવ્યસ્ત થઈ ગયેલું ઘર, બાથરૂમમાં લટકતી ફેન્સી બ્રા, વગેરે. આ એક આધુનિક સ્ત્રીના દષ્ટિકોણથી જોવાયેલી દુનિયા છે. તેને કારણે ફિલ્મના એક મોટા હિસ્સામાં આહલાદક તાજગી વર્તાય છે. ફિલ્મમાં હ્યુમરના સરસ છાંટણા છે. બોયફ્રેન્ડ પડતી મૂકે એટલે ગુલ પનાંગ પોકે પોકે રડે છે અને વચ્ચે વચ્ચે પોતાના દુખડા લેપટોપ પર ટપકાવતી જાય છે. ગુલ પનાંગના રડવાના, ગાડી ડ્રાઈવ કરવાના, ઓફિસ પોલિટિક્સના, દુખી થવાનાં દશ્યો જોકે એક તબક્કા પછી રિપીટિટીવ થવા માંડે છે. ગુલનું પાત્ર સારું ઉપસ્યું છે, પણ આવું તમામ કેરેક્ટર્સ માટે કહી શકાય તેવું નથી. ખાસ કરીને ઓફિસનાં પાત્રો કાર્ડબોર્ડ કટઆઉટ જેવા સપાટ થઈ ગયાં છે. ગુલ પનાંગ ફિલ્મની લગભગ તમામ ફ્રેમમાં છે. એનો અભિનય ખાસ્સો રિયલિસ્ટીક અને મજાનો છે. બાકીનાં કલાકારો ઠીકઠાક છે. . ફિલ્મનો જે રીતે સુખદ અંત લાવવામાં આવ્યો છે તે સગવડીયો છે.
જો તમારો ટેસ્ટ આ પ્રકારની ગર્લી ફિલ્મો માટે કેળવાયેલો હોય તો જ ‘ટર્નંિગ થર્ટી’ જોજો. નહીં તો દૂર રહેજો.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply