રિવ્યુઃ નો વન કિલ્ડ જેસિકા
વીમેન પાવર… ઝિંદાબાદ!
આ વર્ષનો પ્રભાવશાળી પ્રારંભ કરતી આ ફિલ્મમાં કઈ હિરોઈન બાજી મારી જાય છે? ઉત્તર સ્પષ્ટ છેઃ વિદ્યા, વિદ્યા અને સાડી સત્તર વાર વિદ્યા.
રેટિંગ – સાડા ત્રણ સ્ટાર
વોટ અ બ્રિલિયન્ટ બિગિનિંગ! ૨૦૧૧ની ફિલ્મી શરૂઆત આના કરતાં બહેતર ન હોઈ શકત. રાની મુખર્જી અને વિદ્યા બાલને છેલ્લાં બે અઠવાડિયાં દરમિયાન ગણી ગણાય નહીં એટલી ચેનલોના ઢગલાબંધ શોઝમાં હાજર રહીને ‘નો વન કિલ્ડ જેસિકા’ વિશે ઢોલનગારાં વગાડ્યાં છે. એમનું ચાલત તો દૂરદર્શનના ‘કૃષિ દર્શન’ કાર્યક્રમમાં જઈને પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કરી આવત. થેન્ક ગોડ, આ બન્ને કન્યાઓ અને ફિલ્મના ‘દ-દ-દ-દ-દ-દિલ્લી-દિલ્લી…. ’ પ્રોમોએ જે હાઈકલાસ હવા ભી કરી હતી તે પોકળ સાબિત થઈ નથી. ઠીક ઠીક અપેક્ષા સાથે ફિલ્મ જોવા જઈએ અને તે ખરેખર સારી નીકળે ત્યારે મન પ્રસન્ન થાય જ.
છેલ્લે હીરો વગરની કઈ સારી ફિલ્મ આવી હતી? સારી નટશૂન્ય ફિલ્મ બનાવવી એ દાળભાત વગર સંતોષકારક ગુજરાતી થાળી પીરસવા જેવી અઘરી વાત ગણાય. થ્રી-એન્ડ-હાફ ચિયર્સ ટુ ડિરેક્ટર-રાઈટર રાજકુમાર ગુપ્તા… જે આ કઠિન કામ સરસ રીતે પાર પાડી શક્યા છે.
રીલ પ્લસ રીઅલ
ફિલ્મની શરૂઆતમાં જ જેમ ઘોષિત કરવામાં આવે છે તેમ, આ ફિલ્મ અતિ ચર્ચાસ્પદ બનેલા જેસિકા લાલ મર્ડર કેસમાં થોડી કલ્પનાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવી છે. ૧૯૯૯માં દિલ્હીની એક પેજ-થ્રી પાર્ટીમાં લગભગ ૩૦૦ માણસોની હાજરીમાં એક રાજકારણીની બિગડી હુઈ ઔલાદ જેસિકાને ગોળીએ દઈ દે છે. શા માટે? ડ્રિન્ક્સ ખતમ થઈ જવાથી બારટેન્ડર જેસિકા (નવોદિત મીરા)એ એને શરાબનો એક ગ્લાસ બનાવી ન આપ્યો એટલે. પહેલા પોલીસ કેસ અને પછી કોર્ટ કેસ થાય છે. વગદાર રાજકારણી સામ-દામ-દંડ-ભેદ અજમાવીને સાક્ષીઓને ફોડી લે છે. જેસિકાની બહેન સબ્રિના (વિદ્યા બાલન) બિચારી બહુ ભાગાદોડી કરે છે, પણ પુરાવાના અભાવે આરોપીઓ છૂટી જાય છે. આખરે એક ફાયરબ્રૅન્ડ ટીવી જર્નલિસ્ટ મીરાં (રાની મુખર્જી) આ મામલો પોતાના હાથમાં લે છે. સ્ટિંગ ઓપરેશન જેવા હથકંડાઓ અપનાવીને તે આરોપી અને કોર્ટમાં ઉધી ગુલાટ ખાનારા સાક્ષીઓને પોતાની ચેનલ પર ખુલ્લા પાડે છે. દેશભરમાં જાગેલાં તીવ્ર તરંગોને પ્રતાપે સરકાર અને ન્ચાયતંત્ર પર દબાણ વધે છે. કેસ રી-ઓપન થાય છે અને આખરે ગુનેગારોને યોગ્ય સજા મળે છે.
મહત્ત્વની ફિલ્મ
આ સમગ્ર ઘટનાક્રમ એટલો દમદાર અને મેઘધનુષી છે કે તે આપોઆપ સિનેમા, નાટક કે પુસ્તક માટેનું કસદાર મટિરીયલ બની રહે. અલબત્ત, મસાલો સારો હોવો એક વાત છે અને તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ રસોઈ યાને કે સારી ફિલ્મ બનાવવી તે તદ્દન જુદી વાત છે. વાસ્તવિક જીવનમાં બનેલા અને ખૂબ ગાજેલા બનાવ પરથી ફિલ્મ બનાવતી વખતે તેના પર નીરસ ડોક્યુમેન્ટરી બની જવાનું જોખમ ઝળુંબતું હોય છે. સામે પક્ષે, જો તથ્યો સાથે વધારે પડતા ચેડા કરવામાં આવે તો વાત સચ્ચાઈથી દૂર રહી જાય છે અને તે વિકૃત સ્વરૂપે પડદા પર પેશ થાય છે. યુવાન લેખક-દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા આ બન્ને અંતિમો વચ્ચે આબાદ સંતુલન સાધી શક્યા છે. ભરઉઘમાં સૂતેલી વિદ્યા બાલનને મધરાતે જગાડતા મોબાઈલ ફોનવાળા પહેલાં જ દશ્યથી ખુશખુશાલ જેસિકાની અંતિમ ફ્રીઝ ફ્રેમ સુધી આ ફિલ્મ દર્શકને ચસોચસ પકડી રાખે છે અને યોગ્ય જગ્યાએ આઘાત, પીડા, નિરાશા અને પોઝિટિવિટી જેવી એકાધિક લાગણીઓ જગાવતી જાય છે.
ફિલ્મના બે ચોખ્ખા ભાગ પડી ગયા છે. ફર્સ્ટ હાફ વિદ્યા બાલનનો અને સેકન્ડ હાફ રાની મુખર્જીનો. હવે સૌથી મહત્ત્વનો સવાલઃ આ બન્નેમાથી કઈ હિરોઈન બાજી મારી જાય છે? ઉત્તર સ્પષ્ટ છેઃ વિદ્યા, વિદ્યા અને સાડી સત્તર વાર વિદ્યા. ફિલ્મના કેન્દ્રમાં રહેલી જેસિકા ફેશનેબલ, હિપ અને હોટ છે, જ્યારે એની ચશ્માંધારી નાની બહેન સબ્રિના (એટલે કે વિદ્યા) ટિપિકલ બહેનજી છે. એની બોડી લેંગ્વેજ ભલે સુસ્ત લાગતી હોય પણ સીધીસાદી દેખાતી આ છોકરડી અસામાન્ય આંતરિક તાકાત ધરાવે છે. આ કિરદારને વિદ્યાએ ગજબની આંતરસૂઝથી આત્મસાત કર્યો છે. વિદ્યાની સબ્રિના ક્યારેય લાઉડ કે મેલોડ્રોમેટિક બનતી નથી. એ જોરજોરથી ચિલ્લાતી નથી કે આંખોમાંથી આંસુઓના ઘોડાપૂર વહાવતી નથી. ઉલટાનું, વિદ્યા ક્યારેક પોતાના કિરદારને અન્ડરપ્લે કરતી હોય તેવું લાગે. બહુ જ સંયમિત છે એનું પર્ફોર્મન્સ અને કદાચ એટલે જ ગિલોલમાંથી છૂટેલા પથ્થરની જેમ તે દર્શકના ચિત્તતંત્રને વાગે છે.
કોર્ટ કેસમાં વર્ષો વીતતાં જાય છે એ વિગત અહીં કૉલાજથી દર્શાવવામાં આવી છે. નિરાશ વદને બસ સ્ટોપ પર ઉભેલી વિદ્યા, રસ્તા પર લીંબુ શરબતનો ગ્લાસ મોઢે માંડતી વિદ્યા, સડક પર ઉભેલા હાથી જેવા હાથીથી લગભગ ટકરાઈ જતી શૂન્યમનસ્ક વિદ્યા (આ નાનકડો શોટ પ્રતીકાત્મક છે), શાવર લેતી વખતે ચશ્માં તારવાનું ભૂલી જતી વિદ્યા… સબ્રિના એક સાવ સામાન્ય, પાવરફુલ કોન્ટેક્ટ્સથી જોજનો દૂર એવી મામૂલી નાગરિક છે તેવું હ્યદયભેદક સત્ય આ સિકવન્સમાં આબાદ ઉપસે છે. વિદ્યા બાલન વર્તમાન હિન્દી સિનેમાની સૌથી ઉત્તમ અભિનેત્રી છે તે હકીકત ‘ઈશ્કિયા’ પછી અહીં ફરી એક વાર પૂરવાર થાય છે.
રાની મુખર્જીનું પાત્ર એનર્જેટિક છે. તે બિન્દાસ ગાળો બોલે છે, પોતાને ગર્વથી ‘બિચ’ ગણાવે છે, સિગરેટ ફૂંકે છે, કામક્રીડા અને બોયફ્રેન્ડને પડતા મૂકીને ઓફિસે ભાગે છે અને સાડી પહેરી દેશના રાષ્ટ્રપતિ સાથે મિટીંગ કરે છે. આ બધું બરાબર છે, પણ ટીવી રિપોર્ટર-એન્કરનું તેનું પાત્ર બિબાંઢાળ બનીને રહી ગયું છે. ઈલેક્ટ્રોનિક મિડીયાની કાર્ય પદ્ધતિનું શ્રેષ્ઠ નિરૂપણ ‘પીપલી (લાઈવ)’માં થયું હતું. એના જેવું વાસ્તવિક નક્સીકામ અહીં થયું નથી. અલબત્ત, લાંબા સમય પછી રાનીને ફુલ ફોર્મમાં જોવાની મજા આવે છે, એણે પોતાનો રોલ ઈમાનદારીથી નિભાવવાની કોશિશ પણ કરી છે, પરંતુ સમગ્રપણે વિદ્યા જેવી સૂક્ષ્મતા અને અસરકારકતા તે લાવી શકી નથી.
‘દો દૂની ચાર’ અને ‘બેન્ડ બાજા બારાત’ના સંવાદોમાં માં દિલ્હીની કમાલની ખૂશ્બો આવી હતી. હવે જ્યારે જ્યારે દિલ્હીનું લોકાલ આવશે ત્યારે હબીબ ફૈઝલે લખેલી આ બન્ને ફિલ્મો સાથે તેની સરખામણી થયા વગર નહીં રહે. આ કક્ષાનું દિલ્હીપણું ‘જેસિકા…’માં નથી. પૂરક પાત્રોમાં નવાસવા અથવા ઓછા જાણીતા કલાકારોનું કાસ્ટિંગ સરસ થયું છે. જેસિકા બનતી નવોદિત મીરાં અને ભ્રષ્ટ પોલીસમેનના રોલમાં રાજેશ શર્મા નામનો એક્ટર ખાસ ધ્યાન ખેંચે છે. અમિત ત્રિવેદીનું સંગીત પાવરફૂલ છે.
‘જેસિકા….’ એક મહત્ત્વની ફિલ્મ બની રહેવાની. જોઈ કાઢો! 000
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply