રિવ્યુઃ ‘ક્રૂક’ – ઈટ્સ ગુડ ટુ બી બેડ
મિડ-ડે તા. ૯ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
વેરી બેડ
ફ્રેશ વિષય પર વાહિયાત ફિલ્મ કેવી રીતે બનાવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે
રેટિંગ – એક સ્ટાર
હેલ્પ! કોઈ તાત્કાલિક ચુલબુલ પાંડેને તેડાવો. જો એનાથી કામ થઈ શકે તેમ ન હોય તો રજનીકાંતના રોબો ચિટ્ટીની બટાલિયનને બોલાવો…. પણ મહેરબાની કરીને આ ક્રૂક એટલે કે બદમાશ ઠગને પકડો અને નજર સામેથી દૂર કરો. સાચ્ચે, નજીકના ભૂતકાળમા મહેશ-મૂકેશ ભટ્ટના બેનરમાં બનેલી કોઈ ફિલ્મે ં આટલા દુખી નથી કર્યા. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા વાંશિક હુમલા જેવા તાજા અને વર્જિન વિષયને કેટલી ખરાબ રીતે ટ્રીટ કરી શકાય તેના પર ઈન્સટન્ટ પીએચ.ડી. કરવું હોય તો આ ફિલ્મ જરૂર જોવી. પેલા ઈમરાન હાશ્મિને ‘વન્સ અપોન અ ટાઈમ’ પછી લોકોએ માંડ જરાક ગંભીરતાથી લેવાનું શરૂ કરેલું ને ત્યાં આ ‘ક્રૂક’ આવી. આ તો એક ડગલું આગળ વધીને આઠ ડગલાં પાછળ જવા જેવી વાત થઈ. જેવા ઈમરાનના અને ઓડિયન્સના નસીબ.
આતંક હી આતંક
આ ફિલ્મની વાર્તા શું છે, એમ? આ તો અત્યંત કઠિન પ્રશ્ન થયો, છતાં કોશિશ કરીએ. ઈમરાન હાશ્મિ, એની આદત મુજબ, આડી લાઈને ચડી ગયેલો યુવાન છે. એના વાલી ગુલશન ગ્રોવર એને યેનકેન પ્રકારેણ ઓસ્ટ્રેલિયા મોકલી આપે છે. અહીં તેનો ભેટો નવોદિત નેહા શર્મા સાથે થાય છે, જે રેડિયો જોકણ છે અને ઓસ્ટ્રેલિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન ચલાવે છે. એક બાજુ આ બણે વચ્ચે લવસ્ટોરી શરૂ થાય છે અને બીજી બાજુ ઈન્ડિયન્સ પર અટેક્સ શરૂ થાય છે. નેહાને જડભરત જેવો મોટો ભાઈ છે, અર્જુન બાવેજા, જેને આપણે ‘ફેશન’ ફિલ્મમાં જોયો હતો. અર્જુન બાવેજા ઓસ્ટ્રેલિયનો સામે ખાર ખાઈને બેઠો છે.
પછી છેને ઓસ્ટ્રેલિયનોની ગેંગ અને અર્જુન ધીંગાણે ચડે છે. એક મિનિટ, કોઈ ગોરી સ્ટ્રિપ ડાન્સર પેલાને પ્રેમ કરે છે એવું પણ કંઈક છે. પછી પેલાનો ભાઈ અને પેલીની બહેન વચ્ચે પેલું થાય છે અને પછી છેેને… ઓહો સ્ટોપ! ઈનફ!
ન ધડ ન માથું
આ ફિલ્મ એટલી અનોખી છે કે વાત ન પૂછો. ઓસ્ટ્રેલિયામાં પંજાબી છોકરાઓનું ટોળું બતાવ્યું છે, જેની સાથે ઈમરાન હાશ્મિ રહે છે. ડિરેક્ટરને થાય કે હાલો હાલો, અહીં કોમેડી નાખીએ. આથી પાઘડીધારી સરદારો ઓચિંતા કોમેડી કરવા માંડે અને બેકગ્રાઉન્ડમાં કરણ જોહરની પંજાબી ફ્લેવરવાળી ફિલ્મોમાં સાંભળવા મળે તેવા ચિત્રવિચિત્ર અવાજો ગાજવા માંડે. પછી ડિરેક્ટરને થાય કે હાલો હાલો, હવે લવસ્ટોરીમાં કંઈક કરીએ. આથી ઈમરાન અને નવોદિત નેહા ધડ્ દઈને ગીતડાં ગાવા માંડે. અચ્છા, ઈમરાન પાસે શું નવું કરાવી શકાય? આઈડિયા! આ વખતે તેને ઈન્ડિયન હિરોઈનને નહી, બલકે ગોરી છોકરીને બચ્ બચ્ બચીઓ ભરતા દેખાડીએ તો? વાહ. ભેગાભેગા ખૂનના બદલાનો એંગલ પણ ઘુસાડીએ તો? આહા. ક્યા બાત.
આ ધડમાથા વગરની ફિલ્મમાં નથી કોઈ કોઈ કેન્દ્રીય વિચાર કે નથી કોઈ દિશા. રંગભેદ અને વંશિય આક્રમણ જેવા સંવેદનશીલ મુદ્દા પર નથી કોઈ પ્રકારનો અભ્યાસ થયો કે નથી તેને સમજવાની કોશિશ કરવામાં આવી. હીરો ઓચિંતા વિલન બની જાય છે અને વિલન ઓચિંતા હીરો. ફિલ્મના અડધોઅડધ ડાયલોગ્ઝ ઇંગ્લિશમાં છે. સ્ક્રીનપ્લે અને કેરેક્ટરાઈઝેશન? ભલા મા’ણા, આવું પૂછાય? ફિલ્મની ક્લાઈમેક્સ તો હસીહસીને બેવડ વળી જવાય એવી છે. સાયકો અર્જુન બાવેજા ‘બહન કે બદલે બહન..’ કરતો કોઈ ગોરી કન્યા પર અત્યાચાર ગુજારતો હોય ત્યાં એક પૂરક પાત્ર (જેનું મુખ્ય કામ તો કોમેડી કરવાનું હતું) હાથમાં પાવડો લઈને આવે અને એને (એટલે કે અર્જુનને) ધીબેડી નાખે. મારતો મારતો એ બોલતો જાયઃ ‘બુરે વો નહીં, બુરે હમ થે…. બૂરે વો નહીં, બૂરે હમ થે!’ એક્સક્યુઝ મી? રાઈટરડિરેક્ટર કયાંક એવું કહેવા તો નથી માગતાને કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને એટલા માટે હુમલા કરવામાં આવ્યા કેમ કે આપણે એ જ લાગના હતા?
આ ફિલ્મના તમામ માઈનસ પોઈન્ટ્સના મૂળમાં છે નિષ્ઠાનો અભાવ. કોઈના અભિનય વિશે વાત કરવાનો અર્થ નથી, કારણ કે પટકથા જ એટલી વાહિયાત છે કે દુનિયાના શ્રેષ્ઠ કલાકારોને લાવો તો પણ આ ફિલ્મમાં કશું જ ઉકાળી ન શકે. બિચારી નેહા શર્મા. અભાગણીને લોન્ચ થવા માટે આ જ ફિલ્મ મળી?
ડિરેક્ટર મોહિત સૂરી અસલી જીવનમાં એકટ્રેસ ઉદિતા ગોસ્વામીના પ્રેમમાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે મોટા ઉપાડે કહેલું કે મેં નક્કી કર્યું છે કે ‘ક્રૂક’ હિટ જાહેર થશે તે પછી જ ઉદિતાને લગ્ન માટે પ્રપોઝ કરીશ. અરેરે. મોહિતે હવે કાં તો થૂંકેલું ગળવું પડશે યા તો નવી ઘોડી નવો દાવ રમવો પડશે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply