રિવ્યુ- દો દૂની ચાર
મિડ-ડે તા. ૯ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
કમાલ કા કાર-નામા
આ આહલાદક સોશ્યલ-કોમેડી ફિલ્મમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવાની કમાલની તાકાત છે
રેટિંગ – ત્રણ સ્ટાર
આ ફિલ્મની એકેએક ફ્રેમમાંથી મિડલક્લાસ દિલ્હી છલકાય છે. મુખ્ય પાત્ર બાપડો એવો સીધોસાદો અને ગરીબ઼ ગાય જેવો છે કે એના માટે ‘હીરો’ શબ્દ વાપરવાની ઈચ્છા ન થાય. તે ટીચર છે, પ્રાઈવેટ સ્કૂલ અને કોચિંગ ક્લાસમાં ગણિત ભણાવે છે. હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં સ્કૂલટીચરને મેઈન હીરો દેખાડવો તે હિંમતનું કામ છે. છેલ્લે આપણે ‘તારે જમીં પર’માં આમિર ખાનને ટીચરના રૂપમાં જોયેલો, ‘દો દૂની ચાર’માં રિશી કપૂર મહિને ટોટલ વીસ હજાર કમાતો માસ્તર બન્યો છે. કશાક નવા ખર્ચની વાત આવે એટલે તેની પત્ની નીતૂ સિંહકપૂર ધડ્ દઈને કહી દે છે- આપણો મહિનાનો ખર્ચ ચોવીસ હજાર છે, ઓલરેડી માઈનસમાં ચાલીએ છીએ, હવે આ નવા ખર્ચનું સેટિંગ કેવી રીતે કરવાનું?
આ ફિલ્મનું સૌથી કમાલનું પાસું એનું કાસ્ટિંગ છે. ‘પરંપરાગત’ રીતે વિચારવામાં આવે તો આવી રિયલિસ્ટીક ફિલ્મમાં આધેડ માસ્તરનો રોલ હોય એટલે કાં તો નસીરૂદ્દીન શાહને લેવાય યા તો અનુપમ ખેરની પસંદગી થાય. ઓમ પુરી કે ફારૂખ શેખ પણ ચાલે… પણ રિશી કપૂર? કપૂર ખાનદાનના આ નબીરાએ અંગત રીતે મિડલ ક્લાસ હોવું એટલે શું તે કદી અનુભવ્યું નથી અને ઈવન સ્ક્રીન પર પણ ખાસ ગરીબ રોલ કર્યા નથી. ફિલ્મ શરૂ થતાં જ પાવરફુલ રોમેન્ટિક ઈમેજ ધરાવતા આ કપલને અસલી મિડલક્લાસ લિબાસ અને માહોલમાં જોઈને સૌથી પહેલાં તો આંચકો લાગે, પણ થોડી જ મિનિટોમાં આ આંચકો સુખદ બની જાય છે અને તમે એમની સાથે એવા કનેક્ટ થઈ જાઓ છો કે જાણે તેમને વર્ષોથી ઓળખતા હો.
વસમો વાહનયોગ
દુગ્ગલ ફેમિલી પાસે વાહનના નામે માત્ર ખખડધજ સ્કૂટર છે અને હવે તો એના પર પણ તોફાની છોકરાઓએ વલ્ગર ચિતરામણ કરી મૂક્યું છે. રિશી કપૂરની બહેન રીતસર ધમકી આપે છે- મારા જેઠના દીકરાના લગ્નમાં મેરઠ આવો ત્યારે કારમાં જ આવજો, નહીંતર ન આવતા. તમારી પાસે હજુ મોટર આવી નથી અને ઠોઠું સ્કૂટર જ ચલાવ્યા કરો છો તે વાતે મારે સાસરામાં કેટલું નીચાજોણું થાય છે! દિલદાર નીતૂભાભી કહી દે છે- ચિંતા ન કર, અમે કારમાં જ આવીશું! બસ, આ કાર ખરીદવાની લાહ્યમાં ઘરમાં અને ઘરની બહાર કેવા કેવા ખેલ થાય છે એની વાત આ ફિલ્મમાં મજા પડી જાય તે રીતે કહેવામાં આવી છે.
રમૂજ અને રિયલિઝમ
‘દો દૂની ચાર’ એક આહલાદક ફિલ્મ છે. ફર્સ્ટટાઈમ રાઈટર ડિરેક્ટર હબીબ ફૈઝલે દેખીતી રીતે નાનકડી લાગતી વાતને વળ ચડાવીને મસ્ત બહેલાવી છે. હબીબ મિડલક્લાસ શહેરીઓની માનસિકતાને ઝીણવટપૂર્વક સમજે છે અને તેને વાર્તામાં વણી લઈ અસરકારક રીતે પડદા પર ઉતારી શક્યા છે.
‘દો દૂની ચાર’નું દુગ્ગલ ફેમિલીનું ઘર ખરેખર ઘર છે, સ્ટુડિયોનો સેટ નહીં. ડિટેલીંગ એટલું બધું સરસ છે કે હાઙ્ખલનો સીન હોય તો દર્શક તરીકે તમને કિચનમાં થતા વઘારની રીતસર વાસ આવે. ખોબા જેવડા બેડરૂમના ડબલબેડની સસ્તી બેડશીટનો સ્પર્શ તમે અનુભવી શકો. મધ્યમવર્ગીય પરિવારની હાડમારીઓ વિશેની આ ફિલ્મ સતત હાસ્યવ્યંગની સપાટી પર તરતી રહે છે. પરિવારના ચારેચાર સદસ્યોનું પાત્રાલેખન સરસ થયું છે. રિશી કપૂર લગ્નમાં પાડોશીની કાર ઉધાર માગીને મહાલવા જાય ત્યારે વર્ષો જૂના ફોર્મલ સૂટ નીચે સ્પોર્ટ્સ શુઝ ઠઠાડે છે. એ આદર્શવાદી શિક્ષક છે, ખોટું કરવાની કલ્પના માત્રથી તેને ગિલ્ટ થવા લાગે છે. બેટિંગના રવાડે ચડી ગયેલા દીકરાને તે તરત માફ કરી દે છે, કારણ કે એક વાત તેને બરાબર સમજાઈ ગઈ છે- સંતાનોની માત્ર સ્કૂલ ફી ભરી દેવાથી ફરજ પૂરી થઈ જતી નથી, એમનાં સપનાં પણ પૂરાં થવા જોઈએ.
નીતૂ કપૂર ઝિંદાદિલ ઔરત છે. નણંદને સાસરિયા સંભળાવી ન જાય તે માટે તે સોનાની બંગડી વેંચી નાખતા બે વાર કરતી નથી. એ પતિને ભલે નહોરિયાં ભરાવતી હોય, પણ પતિના આત્મસન્માનની તેને સૌથી વધારે ખેવના છે. કોલેજિયન દીકરી ફાયરબ્રાન્ડ છે. બ્રાન્ડેડ ટીશર્ટની પ્રાઈઝ મળે તે માટે એ ચક્રમ જેવી પ્રમોશનલ કોમ્પિટીશનમાં ભાગ લે છે. પૂરક પાત્રોમાં સીધાસાદા દેખાતા અજાણ્યા કલાકારોને લેવામાં આવ્યા છે, જે ફિલ્મના રિયલિઝમને વધારે તીવ્ર બનાવે છે.
આ યશ ચોપડાનું ગ્લેમરસ દિલ્હી નથી. આ દિલ્હીવાસીઓને ઘણી વસ્તુઓ ‘બેટર’ નહીં, પણ ‘મોર બેટર’ લાગે છે. અહીં શાદીની ધમાલ છે, પણ એમાં ક્યાંય કશુંય ફિલ્મી નથી. હા, એન્ડમાં મેકડોનાલ્ડ્’ઝમાં થતી બર્ગર-ફાઈટ થોડી લાઉડ લાગે છે ખરી, પણ એક આ તો ક્લાઈમેક્સ છે અને પાછી કોમેડી ફિલ્મ છે તેથી તે સિકવન્સ ખાસ ખૂંચતી નથી. ફિલ્મમાં સતત વપરાયેલા દીકરીના વોઈસ-ઓવર બિનજરૂરી છે. તે ફિલ્મમાં કશું ઉમેરતા નથી, બલકે નડ્યા કરે છે. જો વોઈસ-ઓવર રાખવા જ તેવો આગ્રહ હોય તો નીતૂ કપૂરની કોમેન્ટ્રી વધારે એન્ટરટેનિંગ બની શકત.
આપણા વિચારો અને સંસ્કારવર્તુળ પર સ્કૂલના શિક્ષકોની ઊંડી અસર રહી જતી હોય છે. વર્ષો પછી પત્નીબાળકો સાથે જૂના શિક્ષકોને મળવામાં અલગ આનંદ મળતો હોય છે. આ ફિલ્મ પ્રેક્ષકોને જૂના ફેવરિટ ટીચરોની યાદ અપાવશે. સમગ્રપણે, શોબાજી વગરની આ એક હલકૂફુલકી, ખુશનુમા અને સુંદર ફિલ્મ છે. ટેલેન્ટેડ નવા ડિરેક્ટરો દ્વારા બનાવવામાં આવતી આ પ્રકારની સ્મોલબજેટ ફિલ્મોને ઉત્તેજન મળવું જોઈએ અને રિશીનીતૂએ આવી સેન્સિબલ ફિલ્મોમાં કામ કરતા રહેવું જોઈએ. જો તમને ‘ખોસલા કા ઘોસલા’ પ્રકારની ફિલ્મો ગમતી હશે તો ‘દો દૂની ચાર’ ચોક્કસ આનંદિત કરશે. આ અઠવાડિયે આમેય ‘મોર બેટર’ ચોઈસ પણ ક્યાં છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply