જિંદગી કો કરીબ સે દેખો…
ઇસકા ચહેરા તુમ્હે રૂલા દેગા
મુંબઈ. પોશ વિસ્તાર. મોટો ઉદ્યોગપતિ. રૂપાળી સેક્રેટરી. બન્નેના વર્ણન માટે અત્યારે બહુ ટાઈમ નથી એટલે વાચકોની કલ્પનાશક્તિ પર છોડું છું. આ વાર્તાની શરૂઆત પણ તેના અંતથી કરવાની ઈચ્છા હતી. જેથી વાચકો શરૂઆતથી જ ચોંકી ઉઠે પણ સમય નથી. જવા દો. ફિર કભી.
ઉદ્યોગપતિ અને સેક્રેટરી સાથે હર્યા-ફર્યા. ખાધું-ખદોડયું. મજાના દિવસો અને એથી પણ મજાની રાતો હતી. ઉદ્યોગપતિ પાસે પૈસા એટલા વધુ હતા કે સેક્રેટરીને કદી એની ઉંમર વધુ લાગી નહીં. લિફ્ટમાં, કારમાં, ઓફિસમાં, સોફા પર બધે જ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી બધું જ ચાલતું રહ્યું.
વર્ષો વિત્યા. અનેક સેક્રેટરીઓ આવી અને ગઈ. પેલી સેક્રેટરીના પણ અનેક સાથીદાર બદલાયા.
… અને અચાનક જ કોઈ દિવસે પેલી સેક્રેટરીની અંદર #MeTooની પીડા જાગી ઉઠી. એણે પેલા ઉદ્યોગપતિને કોલ્સ કરવાના ચાલુ કર્યા. એને એ વાતનો અહેસાસ કરાવવા કે પત્ની અને બાળકો હોવા છતાં તેણે એની સાથે સબંધ રાખીને કેટલું ખોટું કરેલું! અન્યાયબોધ મજબૂત બનાવવા અને વાતમાં વજન લાવવા તેણે પેલા ઉદ્યોગપતિને એ પણ કહ્યું કે તેની પાસે પોતે પીડિત હોવાના પૂરાવા પણ છે. પેલો કરગરવા લાગ્યો. એણે એ પણ રેકોર્ડ કરીને પેલા ઉદ્યોગપતિના સર્કલમાં વાઇરલ કરી દીધું. વર્ષો પૂર્વેની બે દિવાલ વચ્ચેની વાત આજે અનેકના કાનની દિવાલો ભેદવા લાગી. જો ઉદ્યોગપતિનું બધું જ છાનું છતરાયું થાય તો મ્યુચ્યુલ અંડરસ્ટેન્ડિંગથી ભોગવેલી કેટલીક ક્ષણો બદલ તેણે વર્ષોની મહેનતથી સજાવેલી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કકડભૂસ થઈ જાય એમ હતી.
સામે પક્ષે પેલીને તો પર્સનલ લાઈફ જેવું કંઈ હતું જ નહીં અને પ્રોફેશનલમાં તો તે કુખ્યાત જ હતી. એના નવા બોસ સાથેના અફેરની તેના બીજા પતિને ખબર પડી જતા તેણે ઝઘડો કરેલો. જેના બદલામાં તેણે પતિ પર દહેજનો કેસ ઠોકી જેલભેગો કરાવેલો. જેની પાસેથી ભરણપોષણ અને સમાધાનના નામે તેણે 16 લાખ પડાવેલા તે પહેલા (એટલે એક નંબરના) પતિ પર તેણે ઘરેલુ હિંસાનો કેસ ઠોકેલો. કહે છે કે, હકિકત તો એ હતી કે તેના નવા પાવરફૂલ પોલિટીશિયન પુરુષમિત્રના માણસોએ તેના પહેલા પતિને ખોખરો કરેલો.
એની વે, પેલા ઉદ્યોગપતિને ડરના ક્લચમાં બરાબરનો ઝકડી તે હુકમનું પાનું ઉતરી. તેણે ઉધોગપતિને ચોખ્ખી ધમકી આપી કે, ‘મારું મોં બંધ રાખવાના અને સમાધાન પેટે મારે 50 લાખ જોઈએ. ભલે સુપ્રીમના ચુકાદા બાદ તમારો મારી સાથેનો સંબંધ ગુનો ન રહ્યો હોય પણ સુપ્રીમે વ્યભિચારને સામાજિક દુષણ તરીકે જોવાનું કહ્યું જ છે. જો પૈસા નહીં આપો તો હું તમારી સામે #MeToo કરીશ.’
પેલાને તમ્મર આવી ગયા. એ યાદ કરી રહ્યો એ છોકરીને જે કેટલાક વર્ષો અગાઉ એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતી. એને ખબર હતી કે હું પરણેલો છું છતાં પણ… એણે પહેલાં મારા પ્રત્યે આદર દર્શાવેલો. પછી પ્રેમ. પછી પ્રેમ, આદર, ફ્લર્ટ વગેરેના આવરણો શરીર પરથી ઉતાર્યા બાદ જે કરવાનું થતું હોય એ બધું જ એણે કરેલું. એવું નહોતું કે એ ડોસો સાવ જ નિર્દોષ હતો કે એને પામવાના એણે પણ કોઈ પ્રયાસ નહોતા કરેલા, પણ જે થયું એ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી થયેલું. એક-બીજાની મરજીથી થયેલું. એમાં ક્યાંય કોઈ જોર-જબરદસ્તી નહોતી. કોઈ જ #MeToo વચ્ચે નહોતું આવેલું. એણે ડોસાને જીવતેજીવ જન્નતના દર્શન કરાવેલા. હવે આજે આટલા વર્ષો બાદ અચાનક જ તે પેલી જન્નતસવારીનો ચાર્જ માંગી રહી હતી. એ પણ પૂરા પચાસ લાખ રૂપિયા.
પેલીએ જ્યારે સાથે હતી ત્યારે પણ બહુ ખર્ચો કરાવેલો. ડોસાથી બહુ રૂપિયા છૂટતા નહોતા. બાર્ગેનિંગ ચાલુ થયુ. લગભગ પાંત્રિસેક લાખમાં સોદો ફાઈનલ થવાનો જ હતો ત્યાં જીભાજોડીમાં પેલીની કમાન છટકી અને તેણે સમાધાનની રકમ વધારીને દોઢ કરોડ રૂપિયા કરી નાખી. એવું નહોતું કે ડોસો પૈસા નહોતો આપવા માંગતો કે એની પાસે એટલા પૈસા ચુકવવા જેટલી ક્ષમતા નહોતી. પેલી સાથેની મગજમારીમાં એને પણ ગુસ્સો આવતો હતો. વારંવાર એને કહી દેવાની ઈચ્છા થતી હતી કે તું તારી મરજીથી મારી સાથે સૂઈ ગઈ હતી અને હું બૈરી-છોકરાવાળો માણસ છું એટલે મને બ્લેકમેઈલ કરી રહી છે. સાલી ….. , તારા જેવી તો….. તારે પોતાને પરિવાર જેવું કંઈ છે નહીં એટલે પોસાય તને. ડોસો ઘણો ધુંધવાતો પણ પોતાના વકીલની સલાહના કારણે મગજ પર કાબુ રાખતો અને પેલી સાથે શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરતો. કોર્પોરેટ મિટિંગ્સમાં પોતાના પ્રેઝન્ટેશન પાવરથી વિદેશી બિઝનેસમેનને આપણ ભૂ પાઈ દેતો એ ઉદ્યોગપતિ પોતાના ભૂતકાળની એક ભૂલના કારણે એક છોકરી સામે લાચાર હતો. અને `તત…ફફ` થતો હતો. પેલીએ સમાધાનની રકમ ત્રણ ગણી કરી નાખી એનો ગુસ્સો અને એટલા રૂપિયા ક્યા એકાઉન્ટમાંથી ક્યાં બતાવીને ક્યાં પેમેન્ટ બતાવવું એ બધી ગણતરીના ચક્કરમાં મામલો થોડો વધુ ખેંચાઈ ગયો. એમાં પેલીએ સંયમ ગુમાવ્યો. એણે પ્રેશર બમણુ કરી નાખવાનું નક્કી કર્યુ.
એણે એક ફેસબુક સ્ટેટ્સ માર્યુ – #MeToo …
બસ આટલુ જ. મી ટુ અને ત્રણ ડોટ્સ. એ ત્રણ ડોટ્સ પેલા બુઢ્ઢાની છાતીમાં ત્રણ બુલેટ્સ વાગી હોય એ રીતે પડઘાયા. એને હળવો એટેક આવતા આવતા રહી ગયો. એનું નામ જાહેર થાય તો બીજે દિવસે મુંબઈના ટેબ્લોઈડ્સમાં છપાનારી ચીપ હેડલાઈન્સ અને સોશિયલ મીડિયામાં બનનારા જોક્સ નજર સામે તરવરવા લાગ્યા. વળી હાલ ચાલી રહેલી #MeeTooની મૌસમના કારણે એકવાર તેનું નામ એ ઝુંબેશમાં જોડાય એટલે એની જિંદગીમાં બીજી આવી અને ગયેલી છોકરીઓ પણ એમાં જોડાય એ નક્કી હતું. સહમતિથી થયેલા વ્યવહાર બદલ કેટકેટલા અપમાનો સહન કરવાના? ઘરમાં શું મોં બતાવવાનું? કંપની કઈ રીતે ચલાવવાની? ધંધો કઈ રીતે કરવાનો? શાખનું શું? મોટો છોકરો ભવિષ્ય પણ હવે તો ધો.8માં આવી ગયો છે. એની સ્કૂલમાં એની શું હાલત થશે? મારું નામ મોટું હોવાથી મામલો નેશનલ મીડિયામાં ચગવાનો. એના કારણે ભવિષ્યની સ્કૂલના બાળકો એની સામે કઈ નજરે જોશે? એને ચીડવશે તો? આ સંજોગોમાં પેલીને કેટકેટલા લોકો સપોર્ટ કરશે? આટલા વર્ષો બાદ મારું નામ ઉછાળવા પાછળના કારણો પણ એના સપોર્ટર્સ લઈ આવશે. મને કોણ સાંભળશે? મારો પક્ષ કોણ જાણશે? મને કોણ પૂછવા આવશે કે એ વર્ષોમાં એકચ્યુલી બન્યું શું હતું? આવા સેંકડો સવાલો એક સેકન્ડમાં એ બુઢ્ઢાના દિમાગમાં બુલેટટ્રેનથી પણ વધુ સ્પીડે દોડી ગયા. ગળુ સુકાવા લાગ્યું. હોઠ પર છારી બાઝી ગઈ. ધબકારાઓ પણ તેનું નિયંત્રણ નહોતુ. એને માત્ર એક જ ઉપાય સૂઝ્યો. જેને તેણે કાયમ નફરત કરી હતી એ જ ઉપાય. એની વિચારવાની શક્તિ બહેર મારી ગઈ હતી. કારણ કે તેને નજર સામે માત્ર પેલુ એક સ્ટેટ્સ જ દેખાતુ હતું – #MeToo
એ પાંચમા માળેથી નીચે કુદી ગયો. કદાચ એ વિચાર સાથે કે ન રહેગા સાંપ ન બજેગી… મારા મોત બાદ ગિલ્ટીના કારણે પેલી કંઈ પણ જાહેર કરવાનુ ટાળશે અને એટલિસ્ટ મારો પરિવાર તો આ નાલેશીથી બચી જશે. ઘણી વાર એકતરફી સત્યના સિક્કાની બીજી બાજુ ચુડેલના વાંસા જેવી હોય છે. ત્યાં સુધી પહોંચો એ પહેલા જ પેલી ચુડેલ ફાડી ખાય. એટલે એ દિશામાં મોં કરવાની હિંમત કોઈ કરતુ નથી. (ટોપીમાં રહેલી પંક્તિ : સુદર્શન કાફિર)
( ખાસ નોંધ : આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. )
~ તુષાર દવે ( સિટી ભાસ્કર, અમદાવાદ )
Leave a Reply