સ્ત્રી સંવેદના વિશે હર કોઈ વાત કરે છે… પણ પુરુષની સંવેદના વિશે કોઈ વિચારે છે પણ ખરા..
જેમ એક સ્ત્રી માં બને પછી જ પૂર્ણ સ્ત્રી બને છે… તેમ પુરુષ પિતા બને પછી જ સંપૂર્ણ બને છે ત્યાં સિવાય પુરુષ અધુરપ જ મહેસુસ કરે છે. હા, સ્ત્રી હંમેશા પોતાની વાત કે પોતાના વિચારો કોઈ ને કોઈ સ્વરૂપે વર્ણવી શકે છે પરંતુ પુરૂષ ક્યારેય પોતાની વાત કે પોતાના વિચારો વ્યવસ્થિત સ્વરૂપે કહી શકતો નથી. કારણ કે પહેલેથી જ એવું માની લેવામાં આવ્યું છે કે સ્ત્રી એ લાગણીશીલ છે તો શું પુરૂષ લાગણીવિહીન હોય છે ના, કદાચ પોતાની લાગણી સાચી અને સાદી રીતે વર્ણવી શકવામાં સ્ત્રી જેટલો ચપળ પુરૂષ બની શકતો નથી. અને નાળીયેરની જેમ બહારથી હંમેશા સખ્ત દેખાતો પુરૂષ અંદરથી કે અંતર મનથી ક્યારેક મૃદુ પણ બની શકે છે… એવું આપણે વિચાર સુદ્ધા કરતા નથી. એક વર્ગ, વ્યક્તિ કે સમુહ કોઈક વાર ખોટું કે ખરાબ એટલે દર વખતે અને દરેક એવા એવું સમજી લેવું શું યોગ્ય છે..
ગમ્મે તેટલા અભિમાનમાં સ્વમાનમાં જીવતો પુરુષ જયારે સંતાનનો પિતા બને છે ત્યારે તેમાં પુરુષત્વ કરતા પ્રેમાળ, દેખભાળ અને ચિંતા કરનાર પિતા નજર આવે છે. ઘણી વખત આ ચિંતા, લાગણીઓ મૌન બની જતી હોય છે. અંતરમાં રહી જતી હોય છે. માં, બહેન, પત્ની કે પ્રેયસી સામે પુરુષત્વ દાખવતો એ વ્યક્તિ દીકરી સામે માત્ર અને માત્ર એક પિતા બની જાય છે. દીકરી માટે એના બધા જ સમીકરણો બદલાઈ જઈ એક પ્રેમાળ પિતા બની જાય છે. તો ક્યારેક એ જ પિતા પોતાના દીકરામાં પોતાનું જ પ્રતિબિંબ જુએ છે. દીકરામાં તેને પોતાનું બાળપણ અને યુવાની દેખાયા કરે છે.
માં એક ઉત્તમ શિક્ષક છે જે સંસ્કાર, સભ્યતા અને વિચારો શીખવે છે જયારે જીવનમાં આવતા સંઘર્ષો, નવા માર્ગોમાં પિતા એક માર્ગદર્શક બની રહે છે. પિતા એક વટવૃક્ષ છે જેની છત્રછાયામાં સંપૂર્ણ પરિવાર હૂફ અનુભવે છે.
આજે સ્ત્રી રક્ષણના ઘણા કાયદાઓ બન્યા છે. પણ શું કોઈ પણ કાયદો માનસિક પિડા દૂર કરી શકે ખરા માત્ર સ્ત્રી જ નહિ પુરૂષ પણ ઘણી વખત માનસિક તણાવથી પીડાતો હોય છે પણ તેની માનસિકતા કે તેની સંવેદના કોઈ સમજી શકે છે ખરું…?
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૫ )
Leave a Reply