નાક… શરદી અને આબરૂ જવા સિવાય આપણે નાકને યાદ નથી કરતા. ધીરૂભાઈ સરવૈયા પોતાના જોક્સમાં કહેતા હોય છે, એક તો ગામનાની આબરૂ ઓછી એમાં નાક કપાવાની વાતો કરતા હોય. મોરબીની સભામાં શ્રીમાન નરેન્દ્ર મોદી એવું બોલ્યા કે મચ્છુ હોનારત થયું ત્યારે ઈન્દિરા ગાંધી નાક ઢાંકીને ચાલતા હતા. જ્યારે સંઘના કાર્યકરો લોકોની સેવા કરતા હતા, એટલે નાક પાછુ હાઈલાઈટ થઈ ગયું. સોશિયલ મીડિયાનો જમાનો હોવાથી ઈન્દિરા ગાંધીના મચ્છુ હોનારત સમયના ફોટા વાયરલ થવા લાગ્યા. મર્જ થવા લાગ્યા, કોલાજ થઈને નરેન્દ્ર મોદી સાથે જોડાવા લાગ્યા. એટલે નાકની તો કથા કરવી રહી. સાહિત્ય અને તેમાં પણ હાસ્ય સાહિત્ય સાથે ન જોડાઈએ તો પણ નાક ઘણું બધુ કરી શકે છે, પેટ જેવા તેના અવયવો ન હોવા છતા, તે ઘણી વાતોને પચાવી શકે છે. રાજાના માથામાં મુગટ હોય છે, પણ તેની આબરૂનું ચીરહરણ તો નાકથી જ થાય છે. દિલને ઠેસ વાગે જ્યારે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે, પણ કપાય તો નાક જ છે. દુનિયામાં એકમાત્ર શુપર્ણલખા એવી નારી હતી જેનું અપમાન અને તલવાર આ બંન્નેથી નાક કપાયું અને પછી રામાયણ થઈ. નાકની પણ એવી જ રામાયણ છે, તેની તમને આગળ ઉપર ખબર પડશે. પણ લાંબુ વાંચવાની હિંમત રાખજો બાકી હું નાક વિશે એક જોક્સ કહી નાખું. કુતરાની નાકને દુનિયાની સર્વશ્રેષ્ઠ નાકનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. પણ કોઈવાર કુતરો પણ અવળચંડાઈ કે ભૂલ કરે. શિયાળો હોવાથી એક ભાઈ રોજ ચાની દુકાને જતા અને ચા પીતા. બાજુમાં ચાવાળાનો કુતરો આંટા મારતો હોય, કુતરો પોતાના સ્વભાવ પ્રમાણે કોઈને પણ સુંઘે, પછી ખ્યાલ આવે કે આ રોજની આઈટમ છે એટલે કરડે નહીં. એકવાર કુતરાએ પેલા કાયમી ગ્રાહકને બટકુ ભરી લીધુ. ડોક્ટર પાસે ઈન્જેક્શન મરાવ્યા. પેલા ભાઈએ ડોક્ટરને પૂછ્યું, ‘આ કુતરૂ મને રોજ સુંઘતું અને હું કાયમી ઘરાક હતો એટલે કરડતું પણ નહીં, આજે વળી કેમ કરડ્યું ?’
ડોક્ટરે જવાબ આપ્યો, ‘કંઈ નહીં તમે શિયાળો હોવાથી ચાર દિવસથી સ્નાન ન હતું કર્યું, તમારા સ્નાન ન કરવાના કારણે કુતરાના નાકને પણ સુંઘવામાં ભૂલ થઈ ગઈ અને બચકુ ભરી લીધું.’ એટલે શિયાળામાં કુતરાના નાકનું પણ ધ્યાન રાખવું.
નાકનું વિજ્ઞાન
નાક કંઈ જેવું તેવું નથી. શરીરના મોટાભાગના અંગોમાં નાક ન હોય તો કેવું લાગે ? તે આપણે હોલિવુડ ફિલ્મોના મનઘડત રાક્ષસોને જોઈ અનુમાન લગાવી શકીએ. પણ નાક નાક છે. ઈઝરાયલમાં ઈબ્રાહિમ તામિર નામનો એક પી.એચડીનો વિદ્યાર્થી હતો. મૂળ કામ તો તેનું કેમિકલ એંન્જીનીયરીંગનું, પણ નાક વિશે જાણવાનું તેને ખૂબ ગમે. 1793 લોકોના નાકની તસવીરો તેણે મંગાવેલી અને અભ્યાસ કરતો હતો. પોતાના થીસીસમાં તેણે રજૂઆત કરી કે દુનિયામાં સ્ત્રી અને પુરૂષોને 14 પ્રકારના નાક હોય છે. માણસના શરીરનો બાંધો કેવો છે, તે પ્રમાણે જ નાક પોતાનું આકાર ધારણ કરે છે. તો પણ થોડા કિસ્સાઓમાં લોકોનું શરીર મોટુ હોય, પણ નાક નાનું કે શરીર નાનું અને નાક મોટું હોય તેમ પણ બને. અગાઉ હું મુછ વિશે લખી ગયો કે પોતાના પિતાને હોય તેવી પુત્રને મુછ ન પણ હોય. શરીરનું નાક એવું એકમાત્ર અંગ છે, જે જેનિટિકલી વારસામાં પ્રાપ્ત નથી થતું. પિતા અને પુત્ર કે માતા અને પુત્રનું નાક જુઓ તો ખ્યાલ આવે કે સરખું છે, મગર સાહિબાન કદરદાન મહેરબાન વો અલગ હૈ !
નાકને સ્ત્રી સશક્તિકરણની વાતનો પહેલાથી ખ્યાલ છે. એટલે તે સ્ત્રીઓમાં પુરતો વિકાસ 15થી 17 વર્ષની ઉંમરે, જ્યારે પુરૂષમાં 17થી 19 વર્ષની આયુમાં થાય છે. ભાયડા આમાં પણ સ્ત્રીઓથી પાછળ છે, એ નોટબુકમાં નોંધવું. નાક દુનિયાનું સૌથી મોટુ ફિલ્ટર મશીન છે. કોઈ આરો પ્લાન્ટ કરતા પણ તેના સુક્ષ્મવાળ ધુળ કે રજકણોને અંદર જતા અટકાવે છે. તો પછી મોદી સાહેબ સાચા કહેવાય મોં ઢાંકવાની જરૂર શા માટે પડી ? પણ નાક વાયરસને અંદર પ્રવેશતા નથી રોકી શકતું એટલે મોદી સાહેબ આ મુદ્દે ખોટા પણ કહેવાય. ફિંગરપ્રિન્ટની માફક આપણા નાકની સ્મેલપ્રિન્ટ પણ અલગ હોય છે. કોઈ બે વ્યક્તિ એકસરખી સુગંધનો આનંદ ન માણી શકે. ઉહારણ આપું…. ચાલો આપી દઉં. રમેશ ભાઈ ફોગનો સ્પ્રે લગાવે એટલે એકને વહેલી સુગંધ આવે જ્યારે બીજાને મોડી દુર્ગંધ આવે. સમજને વાલે કો ઈશારા કાફી !!!
દુનિયાના તમામ વ્યક્તિઓને ડર લાગતો હોય છે, બ્રામ સ્ટ્રોકરને પણ ! પણ ડરની એક સુગંધ છે. ડરની સ્મેલ આવે ત્યારે આપણે ડરીએ છીએ. નાક 10,000 જેટલી ગંધ માણી શકે છે, પણ હાલના ધુમાળાવાળા વાતાવરણને જોતા ક્યાંક તો એ સ્મેલ માણસ ભૂલી ચૂક્યો છે અથવા તો કોઈ માણસ આટલી સ્મેલ લઈ જ નથી શકતો. તો પણ નાક એક કલાકમાં 100 સુગંધ લઈ શકે. પણ એટલી સુગંધો દુનિયામાં નથી… હા, દુર્ગંધો બિલ્કુલ છે !
ભારતના લોકોનું નાક ઓલમ્પિક રમતોમાં ઉતારવું જોઈએ. કારણ કે નાક 100 માઈલ પ્રતિ કલાકની સ્પીડે છીંક ખાય છે. ભારતમાં આ તીવ્રતા માપવામાં નથી આવી બાકી આ આંકડાની તીવ્રતા 200ની હોય. દોડવામાં નંબર ન આવે પણ છીંક ખાવામાં નંબર આવી જાય. મહિલાઓ આપણા કરતા વધારે સુંઘી શકે છે, પુરૂષ એટલે જ કદાચ પીડાતો હશે ? ઉપરથી સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે તેની સુંઘવાની ક્ષમતામાં વિસ્મયજનક વધારો થઈ જાય છે. ગર્ભનાળ દ્વારા બાળકને આની જાણકારી મળતી રહે છે અને પછી બાળકનો જન્મ થાય ત્યારે તમે જોયું હશે કે બાળક કોઈ બીજા પાસે રડતુ હોય શકે, પણ માતાજી આવે એટલે શાંત થઈ જાય. આ બધુ નાકના કારણે છે મિત્રો… ઓઓઓઓ
50 વર્ષે સુંઘવાની શક્તિ ઓછી થાય અને 80 વર્ષે ખત્મ થઈ જાય. નાકથી આબરૂ નથી જતી આબરૂ આવે પણ છે, ન્યુઝિલેન્ડમાં માઓરી નામની એક પ્રજાતિ છે, આ પ્રજાતિના લોકો નાકને પકડી દબાવે જેને શુભકામનાઓ કહેવામાં આવે. લો કરલો બાત. આપણે અહીં બેસતા વર્ષના દિવસે આવું હોય તો લોકો નાકની સાઈઝ ગુસ્સામાં વધારી નાખે.
નાકના પ્રકાર
આમ તો નાક વિશે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની માફક વિવિધ પ્રકારો વર્ણવવામાં આવ્યા હોય તો મેં વાંચ્યા નથી, પણ નાકના અંગ્રેજીમાં 12 પ્રકાર છે. દુનિયામાં 24 ટકા લોકોને ફ્લેશી નોઝ હોય છે, આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આવા પ્રકારની નાક હતી. હોલિવુડ સેલિબ્રિટી એમ્મા સ્ટોનને છે તે ટર્નડ અપ નોઝ છે, રોમન નોઝવાળા હેન્ડસમ પુરૂષો હોય જેમ કે રિતિક રોશન, દુનિયામાં 9 ટકા લોકોને બમ્પી નાક હોય છે, હેલન મિનર જેવી નાક હોય તેને ધ સ્નબ નોઝ કહેવાય, લાંબી નાકને હોક નોઝ કહેવાય, જેનિફર એનિસ્ટન જેવી નાક હોય તેને ગ્રીક નોઝ કહેવાય જેને ગુજરાતીમાં તીખી નાક કહે છે (આગળ સમજાશે) બિયોન્સ જેવા નાકને ન્યુબીન નોઝ કહેવાય, ચીનમાં અને એશિયાના લોકોને જે થાય તેવા પ્રકારની નાકને ઈસ્ટ એશિયન નોઝ કહેવાય, નાકનો એક પ્રકાર અમેરિકાના 37માં રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન પરથી આવ્યો છે, તેને લાંબી નાક હતી એટલે તેને નિક્સન નોઝ નામ આપ્યું જે ઈન્દિરા ગાંધીને પણ હતી. તો બિલ ક્લિન્ટન જેવી નાક હોય તેને બલ્બસ નોઝ કહેવાય, બાકી વધે તે છેલ્લો પ્રકાર કોમ્બો નોઝ…. આપણા સંઘાઈની…
નાક અને સામુદ્રિકશાશ્ત્ર
વિજ્ઞાનની પેલી પાર પણ એક દુનિયા વસવાટ કરે છે. જે તમે ગુજરાત સમાચારમાં દેવેશ મહેતાની અગોચર વિશ્વ કોલમમાં નોંધ્યું હશે. વાત શ્રદ્ધા અંધશ્રદ્ધાની નથી, તો પણ નાકને લઈ સામુદ્રિકશાશ્ત્ર વાળા બિઝનેસ કરે છે. હવે તો સમાચારની સાઈટો પણ તેમાં કુદી ચુકી છે. તો કેવા પ્રકારની નાકવાળા કેવા હોય છે એક આછેરી માહિતી. સામુદ્રિકશાશ્ત્ર મુજબ નાકને પર્સનાલિટી સાથે સરખાવવામાં આવે છે. તેમાં સ્ત્રીના જ ગુણગાન ગાવામાં આવ્યા છે. જે સ્ત્રીની નાક લાંબી હોય તેને વધારે પુત્રો થાય છે, તે બુદ્ધિમાન હોય છે. કોઈવાર આવી સ્ત્રીઓ કારણ વિનાની ગુસ્સો પણ કરે છે. જે કન્યાની નાક મોટી હોય તે પરિવાર સાથે મિલનસભર રહી શકે છે, તથા શાંત મગજની હોય છે (આવુ જરૂરી નથી) જે સ્ત્રીનું નાક સાવ ચપટુ અને પાતળુ હોય તે ભણેલી હોય તો પણ બુદ્ધી વિનાની વાતો કર્યા કરે છે (આ છે) જે સ્ત્રીના નાકનો આગળનો ભાગ લાલ હોય તે પરેશાન રહ્યા કરે છે. જેને નાકની ડાબી બાજુ તલ હોય તે પતિને ખૂબ પ્રેમ કરે છે. જમણી બાજુ તલ હોય તો ભાગ્યશાળી અને સારો પુત્ર આપે છે. જેને નાકની સેન્ટ્રલમાં તલ હોય તો તે ધનવાન બને છે. જે સ્ત્રીની નાક પોપટ જેવી હોય તે ઘરનું કામ પટોપટ પતાવી નાખે. હવે પુરૂષોમાં કંઈક અલગ જ છે. પાતળા નાકવાળા વધારે ક્રિએટીવ હોય, સીધી નાકવાળાઓ પોતાના પર કાબુ રાખી શકે, નાકનું ટીચકુ ઉપર ચઠેલું હોય તો દિલના સાફ અને દોસ્તમિજાજી હોય, તીખી નાક મોટાભાગે યુરોપિયન પુરૂષોને હોય છે અને આવા લોકો રોમેન્ટીક હોય છે. તીખી નાકને બીજા શબ્દોમાં ગ્રીસ નોઝ પણ કહેવાય. કારણ કે ત્યાંના લોકોને આવી નાક ઉદ્દભવે છે. અને નાની નાકવાળાઓને ગુસ્સો ખૂબ આવે છે.
નાકનો રેકોર્ડ
ઈટાલીમાં મેહમેટ ઓઝયુરેક નામનો વ્યક્તિ વસવાટ કરે છે. હજુ જીવતા છે, કોઈ લેખકને ઈટાલી બાજુ પ્રવાસ કરવાનું થાય તો મળવાનું ચુકતા નહીં. આ માણસના નાકની લંબાઈ 8.8 સેન્ટિમીટર એટલે કે 3.46 ઈંચ છે. આ રેકોર્ડ સેટ થયાની તારીખ છે 18 માર્ચ 2010 અને હજુ સુધી કોઈ નાકનો નબીરો આ રેકોર્ડ તોડી નથી શક્યો, પેદા થાય તો અલગ વાત છે !
ફિલ્મોમાં નાક
આમ તો ફિલ્મોમાં તેરી નાક કટ ગઈ, તેરી નાક કે નીચે સે લે જાઉંગા આ સિવાય નાક ઉપર કશુ લખવામાં નથી આવ્યું. બોલિવુડના અને ગુજરાતી સિનેમાના લેખકો નાક પર સંશોધન નથી કરતા, બાકી નાક ઉપર મસ્ત મજાના ડાઈલોગ લખાઈ શકે. આ વર્ષે આવેલી બાહુબલી ફિલ્મમાં એક જોરદાર ડાઈલોગ હતો, કટપ્પા બિજ્જલદેવને સણસણતો જવાબ આપે છે, ‘નહીં પ્રભૂ કુત્તા હું સુંઘ લીયા.’ અને થીએટરમાં તાળીઓ પડવા માંડે છે. નોકરને કુતરો કહેવો અને કુતરો પાછો પોતાના સ્વમાનને બચાવવા માટે એમ કહે કે નહીં કુત્તા હું સુંઘ લીયા એટલે તે ખુદની તારીફ જ કરી નાખે છે કે, મારૂ નાક તો કુતરા જેટલું જ સંવેદનશિલ છે. હું ચબરાક છું, હું જાંબાજ યોદ્ધો છું. આ સિવાય કોઈ ફિલ્મમાં નાકને લઈ તમને ડાઈલોગ યાદ આવતા હોય તો કોમેન્ટમાં લખજો. પણ ડાઈલોગ બાહુબલી વાળી નાકને ટક્કર આપવો જોઈએ !!!
આભૂષણ
કાળી હોય, ધોળી હોય, ચહેરાનો નક્શો બગડેલો હોય તો પણ છોકરી જ્યારે નાકમાં નથણી પહેરે ત્યારે કેટલી સુંદર લાગે ? અતિ સુંદર એટલે જ આપણી દેવીઓ નાકમાં નથણી પહરે છે. કોઈ ફોટામાં નથણી વગરના માતાજી સુંદર ન લાગે. ચામુંડા માતાથી અંબા સુધી ભલે રાક્ષસોને હણતા હોય ત્યારે તેમનો ચહેરો ગુસ્સામાં હોવાનો, પણ તેના નાકની નથણીને જુઓ ત્યારે તે સૌમ્ય મિજાજની જ લાગશે. એટલે જ સ્ત્રીઓએ લગ્ન બાદ તો નથણી પહેરીને જ રાખવી. સોનાક્ષી સિંહાનું માથુ ભલે ફુટબોલ જેવડુ હોય અને કેટરિનાને અભિનય ન આવડતો હોય, પણ તેની નથણી સાથેની શકલની કલ્પના કરો જોઈએ ? એક સંશોધન મુજબ તો પુરૂષોને નથણીવાળી સ્ત્રીઓ ખૂબ ગમે છે. પણ પુરૂષ નથણી પહેરે તે નથી ગમતું, આ વિદેશીઓ ક્યાં ક્યાંથી લાવ્યા ?
વર્તમાન પરિસ્થિતિ
વર્તમાન પરિસ્થિતિ વિશે કહું તો અગાઉ પ્રસ્તાવનામાં આપણે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઈન્દિરા ગાંધીના નાકને લઈ શાબ્દિક ચાબખા કરેલા. ઈન્દિરાએ મચ્છુ હોનારત સમયે નાક ઢાંક્યું હતું. જેથી મોરબીવાળાઓ કોંગ્રેસને મત ન આપે ? જે હોય તે નાકના રાજકારણમાં આપણે નથી પડવું. પણ ઈન્દિરાના નાક પર ઘણી કોમેન્ટો ભૂતકાળમાં થયેલી. તેમના નાક પર કાર્ટુનો બનતા. એકવાર તો ભરસભામાં ઈન્દિરા ગાંધી બોલતા હતા, ‘શું આવી જ રીતે દેશ બનાવશું ? શું આવી જ રીતે વોટ આપશું ?’ એટલામાં ક્યાંકથી પત્થર ઉડતો ઉડતો આવ્યો અને ઈન્દિરા ગાંધીના નાક પર વાગ્યો. પણ એ આર્યન લેડીએ ભાષણ ખત્મ ન કર્યું. બોલ્યા જ રાખી. વિરોધીઓને જે કરવું હોય તે કરે. થોડા દિવસો સુધી ઈન્દિરા ગાંધી પ્રચારમાં મશગુલ રહ્યા, પણ નાક પર પાટો હતો તેની અખબાર વાળા અને લોકો મજાક ઉડાવતા હતા. લખવામાં આવતું કે ઈન્દિરાનું નાક બેટમેન જેવું થઈ ગયું છે. આ આખો પ્રસંગ સાગરિકા ઘોષે પોતાની કિતાબ ઈન્દિરા: ઈન્ડિયાસ મોસ્ટ પાવરફુલ પ્રાઈમ મિનિસ્ટમાં નોંધ્યો છે. આમ તો ઈન્દિરા ગાંધીને છોડી દઈએ તો નાક તો યાદવ પરિવારનું પણ મોટુ છે. જેના પર અનગિનત કાર્ટુનો બન્યા છે. મુલાયમ સિંહ યાદવને જુઓ કે દિકરા અખિલેશને જુઓ. રાજકારણમાં લાંબી નાકનો રેકોર્ડ તેમણે અકબંધ રાખ્યો છે અને રાખશે….
પણ હવે બસ બાકી નાક ઉપર ઈશાન ભાવસારને પણ કેટલુંય લખવાનું છે, બધુ હું આ એક લેખમાં સમાવી લઈશ તો તે શું કરશે ? એટલે નાક વિશે બીજા લોકો શું કહે છે, તેના લેખનો ઈન્તેઝાર હું અને સોશિયલ મીડિયાની જનતા કરશે ઈશાન ભાવસાર…
~ મયુર ખાવડુ
Leave a Reply