મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !
એમાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી, જુદા જુદા અવાજે કલરવ કરીને ગાનારા-બોલનારા પશુ-પક્ષીઓ રહે. તો એમાં અલગ અલગ કદના જેમકે કદાવર હાથી જેવા મદમસ્ત-મતમસ્ત, તો ગેંડા જેવી જાડી ચામડીવાળા, તો બીજી બાજુ બુદ્ધિની જાગીર એના બાપની જ હોય એમ સમજનારા શિયાળ જેવા રાજરમત કરનાર કપટી પ્રાણી પણ રહે.
આટઆટલી વિવિધતા છતાંય જંગલમાં દરેકનું સમાન પ્રભુત્વ હતું. ટૂંકમાં સાપ જેવા ઝેરી હોય કે કીડી જેવા નાનાં હોય કે પછી માછલી અને ગોકળગાય જેવા કોમળ કેમ ના હોય ! જંગલમાં દરેકનું એક અલગ અને મહત્વનું સ્થાન હતું.
આમ દરેક પોતપોતાનું જાતે જ ફોડી લેતા. બને ત્યાં સુધી કોઈ પારકી પંચાયતમાં ખાસ પડતું નહિ ! જો કે એકવાર એક હાથીએ મચ્છરની બાબતમાં ડખો કરેલો ! અને મચ્છરનું કોઈ મહત્વ જ નથી ! એતો નકામું ખાલી ખાલી બમણ્યા જ કરે છે… નકામા સાલા મચ્છર ! એવું કહીને મચ્છરને સામાન્ય અને બિનઉપયોગી સમજવાની ભૂલ કરેલી. એ ભૂલ હાથીભાઈને એવી તો ભારે પડેલી કે ના પૂછો વાત ! અને વિફરેલા મચ્છરે હાથીભાઈની એવી હાલત કરી કે જંગલ બહારનાં માણસોમાં પણ એ બાબતની કહેવત પડી ગયેલી.
એટલું જ નહિ પણ એકવાર આવી જ ભૂલના કારણે બધી કીડીઓએ સાથે મળીને, હાથીભાઈને એવો પાઠ ભણાવેલો કે ના પૂછો… આમ હવે આખુંય જંગલ આવી ધટનાઓથી સબક લઈને, કોઈની બાબતમાં ડખોડખલ કરતું નહિ. ને આવી જ ઘટનાઓના કારણે એમ રીવાજ પડી ગયેલો કે કોઈએ કોઈને નાનો મોટો એમ કહેવું નહિ. ત્યાર પછી લગભગ બધાય પોતપોતાની મોજમાં જ રહેતા.
હા, ક્યારેક એવું બનતું કે માન-અકરામો-પુરસ્કારો માટે જંગલમાં ઝઘડો થયા કરતો. દરેક જમાને યુદ્ધના સાધનો અલગ હોવાના… આ જંગલમાં પણ એ નિયમ લાગુ પડે જ ને ! અહિ દરેકનું યુદ્ધ અલ્પજીવી રહેતું. કારણ એ હતું કે બધાય પક્ષી-પ્રાણી-જીવજંતુ વોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર વગેરે સામાજિક મીડિયા માધ્યોમોમાં ઝપાઝપી કરી હોય, એમ શબ્દયુદ્ધ લડીને સંતોષ માની લેતાં ! અને પોતાને કોઈ મહાભારતના યુદ્ધનો શૂરવીર યોદ્ધા હોય એમ સમજીને, આખો દિવસ લડત આપ્યા બાદ ઘરભેગાં થઈ ઘસઘસાટ સૂઈ જતાં.
હમણાંની જ વાત છે પેલા બગલકાલિયા બગલાએ જંગલના મંત્રીની ખુશામતમાં એક ગીત લખેલું. એ જ ગીત નવશિખિયા નાટકબાજ મોરભાઈએ ભૂલમાં એમના નાટકમાં લઈ લીધેલું. અને પછી તો શું વિવાદ થયો હતો… ના પૂછો વાત ! આ બાબતને રાજનીતિનો મુદ્દો બનાવીને ઘણા પત્રકારોએ રિપોર્ટ પણ કરેલો. આખરે ગીત ભૂલમાં બીજાના નામે ચડાવાઈ ગયાની બાબતે મોરભાઈને માફી માંગવી પડી. એટલું જ નહિ પેલા નાટકબાજ પોપટિયાએ તો મોરભાઈને ટોણો પણ માર્યો કે નાટકફાટક તારું કામ જ નથી ! તું તારી રીતે સ્કૂલ-કૉલેજમાં ભણાવી ખાય એ જ બરાબર છે બકા ! અને તારે મારા જેવો નાટકબાજ બનવું હોય ને તો એના માટે જો… મારે છે એવું ચેલા મંડળ જોઈએ સમજ્યો?
◆ ◆ ◆ ◆
સમય એવો હતો કે મોરભાઈને રાત્રે ઊંઘ જ ન આવી. નાટકબાજ પોપટિયાનો ટોણો, વીંછીએ મારેલા ડંખ જેવો પીડા આપી રહ્યો હતો.
“ઇકે સામે પોપટિયાને આવડું મોટું ચેલામંડળ ! અને મારે કાંઈ કે’તા કાંઈ નઈં? મારેય એન હરખું ચેલામંડળ તો હોવું જ જોવે!’’
મોરભાઈ તો વિચારોના વંટોળે ચડીને આખી રાત જાગ્યા અને સવાર પડતાં જ ચા-પાણી કરીને નીકળી પડ્યા રખડવા. પાકું નક્કીપણું કે રખડી-રખડીને, કાગળો લખી લખીને આપણે પણ એક મંડળ તો બનવું જ જોવે !
પણ આખરે મોરભાઈને હતાશા જ મળી! જંગલ છે ને ભાઈ ! જંગલમાં તો ટકવું પણ અઘરું પડી જાય ! ઉપરથી પાછું મોરભાઈની જાત ! પીંછાનોય ભાર હોય ને એટલે થાકીય જવાય.
હારીથાકીને મોરભાઈ હાથીભાઈ જોડે સલાહ લેવા ગયા. હાથીભાઈ તો દાદો બનીને હીંચકે બેઠા હતા ! સલાહ વેચવાનું તો એમને ખુબ જ ગમે હોં ! વહેંચવાનું નહિ વેચવાનું.
મોરભાઈને એક સલાહ લાખ રૂપિયામાં પડી. અને વળી ઉપરથી હકસાઈ તો હોય જ ને ! મોરભાઈએ આ એક સલાહના બદલામાં આખા જંગલનો સર્વોચ્ચ સાહિત્યિક એવોર્ડ હાથીભાઈને મળે એ માટે ચાપલૂસી કરવાની હતી. અને એ ચાપલૂસીમાં અન્ય દસને જોડવાના પણ ખરા ! મતલબ, હાથીભાઈએ તો ખુદનું મંડળ મોટું કરવાનો કારસો ઘડી કાઢ્યો !
એટલે હવે મોરભાઈ માટે હાથીભાઈની સલાહ એમ હતી કે નાટકના શો કરવા. એમાં કાંઈ કરવા જેવું હતું નહિ પણ લાભ તો અનેક હતા. એક તો શો નો શો થઈ જાય, અને બીજું કે કળાની કળા પણ થઈ જાય ! ને ઉપરથી વાસ્તવિક જીવનમાં પણ એ લાગણીવેડાયુક્ત નાટ્યકળાથી લોકોને ઉલ્લું બનાવી શકાય, એવો કસબ પણ આવડી જાય ! કામ એક લાભ અનેક !
અનેક જગ્યાએ નાટકો કરીને મોટામોટા લોકો મોરભાઈના ચાહક બને અને જંગલના સાહિત્યિક મંડળમાં જ નહીં જાહેર જીવનમાં પણ એની ઓળખાણ મોટી થાય એ તો વળી નફાનોય નફો !
મોરભાઈને તો આ હાથીભાઈની સલાહ જબ્બર ફળી ! થોડા જ સમયમાં મોરભાઈ ફેમસ ! અને લાખના કરોડ ઉપજી ગયા. હવે તો મોરભાઈ પાસે પેલા પોપટિયા કરતાં પણ મોટું ચેલામંડળ હતું. મોરભાઈ તો ફૂલ્યાફાટી જાય અને આમ ઠેકડા મારે ને તેમ ઠેકડા મારે !
એટલું જ નહિ હાથીભાઈના ઇશારે જંગલના અન્ય પ્રાણીઓ પણ મોરભાઈની વાહવાહીમાં જોડાયા. એટલે મોરભાઈને… માફ કરજો, હવે આપણે મોરભાઈને ખાલી મોરભાઈ જ કહીશું? અરે… એતો એમનું અપમાન કહેવાય ! હવેથી એમને નાટયકાર મોરભાઈ કહીશું.
હવે મોરભાઈને જંગલના વિશિષ્ટ પદો ઉપર સ્થાન મળવા લાગ્યું. એટલું જ નહિ ખુદ સલાહ આપનારા હાથીભાઈના વરદહસ્તે એમને “મહાનાટકબાજ” ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા ! એટલું જ નહિ, હવે પછી કોઈપણ મહાન નાટકબાજ બને તો એને “મહાનાટકબાજમોરેશ્વર” એવોર્ડ દર પાંચ વર્ષે આપવામાં આવશે ! એવી ઘોષણા પણ કરવામાં આવી.
મોરભાઈને આ નાટ્યકળા એવી તો ફાવી ગઈ કે એ અત્યંત સહજતાથી પોતાની નાટ્યકળા વડે કોઈને પણ હસાવી કે રડાવી શકતા. અરે ! આરામથી ગમે તેવાને પોતાની ઘટાટોપ પીંછા ફેલાવનારી કળાથી ડરાવી પણ શકતા.
એકવાર એમના ઉપર વાઘભાઈએ હુમલો કર્યો હતો. ત્યારે એમના પીંછા ફેલાવા માત્રથી જ વાઘભાઈ ઉભી પૂંછડીએ ભાગી છૂટેલા ! “મહાનાટકબાજ” મોરભાઈનાં પીંછાની ભભક જ એવી હતી કે ગમે તેવો હોય એ અંજાઈ જાય ! એટલે જ તો ગેંડા જેવા જાડી ચામડીના પ્રાણી પણ “મહાનાટકબાજ” મોરભાઈનાં પ્રશંસક ભક્ત બની ગયેલ. પછી બિચારી ઢેલનું તો કહેવાનું જ શું હોય ! ઢેલ તો ઢેલ પેલા પોપટભાઈની મંડળીમાંથી કાબર, કોયલ અને મેનાએ તો રીતસરનો બળવો કરીને પક્ષપલટો જ કરી લીધો ! મહાનાટકબાજ મોરભાઈના પીંછાની ભભક જ એવી… અને વળી, આતો દૂષમાદૂષમ કાળ ! આખા સાહિત્યિક જંગલમાં કોઈ આવો બીજો કલાધર મળે જ નહિ !
મોરભાઈને તો બધે જ મૌકા…મૌકા… મૌકા…મૌકા…જેવું જ હતું.
હવે મોરભાઈનું માનપાન હતું. મોરભાઈ જેના માથા ઉપર પીંછું મૂકે એ “મહાનાટકબાજમોરેશ્વર” બની જતો…
મોરભાઈ તો કિંગમેકર જેવું અનુભવી રહ્યા. પણ હવે મહાનાટકબાજ મોરેશ્વર એકનું એક નાટક ભજવી ભજવીને કંટાળવા લાગ્યા. આખાય સાહિત્યિક જંગલમાં ક્યાંય કોઈ ખૂણો બાકી રાખ્યો ન હતો. એકનો એક શો ચાલ્યા જ કરતો, એટલે મોરભાઈએ એમના ચેલાઓને પણ હવે કામગીરી સોંપી. પણ મહાનાટકબાજ મોરેશ્વરજીને આ બિરૂદ હવે જૂનું પડવા લાગ્યું. એટલે એમણે એમના ચાપલૂસ ચેલામંડળમાંથી અમુકને ભાડે લખવા માટે રાખ્યા. મજૂરિયા લખે અને મહાનાટકબાજ મોરેશ્વરજી ઉડતું ઉડતું થોડુક વાંચીને, થોડુંઘણું મઠારીને નીચે લેખકશ્રી એમ કરીને પોતાની સહી કરી દેતા.
બસ થોડા જ સમયમાં તો મહાનાટકબાજ મોરેશ્વરજી તો મહાવિદ્વાન સર્જક બની ગયા. એટલું જ નહિ સાભાઓમાં પોતાને સિદ્ધ કરવા ચહેરાના હાવભાવથી એવું સહજ રીતે જતાવી દેતા કે પોતે મહાજ્ઞાની છે. અને એ કળા તો નાટકબાજી કરીકરીને જ ફળી હતી ! હવે એક કાર્યક્રમમાં તો એવું બન્યું કે ‘મહાનાટકબાજ’ની ઉપાધિ આપનાર ખુદ હાથીભાઈથી પણ ઊંચા આસને બેસાડવામાં આવેલા, ત્યારે તો એમણે ભારે રમૂજ કરેલી.
હાથીભાઈના માથે !… હેં ના હોય? હા, આમ હાથીભાઈના માથે ચડીને… પેલી પીંછા ફેલાવીને એકવાર વાઘને ભગાડી મૂકેલો ને ! હા, બસ બસ… એ જ પીંછા ફેલાવનારી નાટ્યકળાથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધેલા.
એમની આ સાહસિક સાહિત્યિકકળા ઉપર ઓવારી જઈને પેલા બટુકબોડિયા દેડકાએ તો ડ્રાઉં ડ્રાઉં કરીને આખી ભક્તિભાવયુક્ત પ્રશસ્તિ જ લખી કાઢી.
આમ, દરેક જગ્યાએ વખણાઈ ગયેલા મહાનાટકબાજ મહાવિદ્વાન મોરેશ્વરજીનું એકબાજુ વજન વધ્યું તો બીજી બાજું પીંછાનું વજન વધ્યું !
◆ ◆ ◆ ◆
મોરભાઈનું તો આમ જ અટક્યા વિના જ ચાલ્યા કરતું. પણ મોરભાઈને જંગલની ટેકરીઓનો શોખ હતો. એ જંગલની ટેકરીઓ ઉપર એમની ચેલામંડળી સહિત ઠેકડા માર્યા કરતા. એક દિવસ તેઓ એમની ચેલામંડળી સાથે જંગલના છેડા પર આવેલી એકલી-અટૂલી ટેકરીની ટોચ પર આવી પહોંચ્યા !
અરે ! આતો નવી જ ટેકરી ! અહિ તો આપણે કદીય આવેલા જ નહિ ભાઈ ! મોરભાઈએ ચેલામંડળી સાથે આશ્ચર્યની મુદ્રા સાથે વાત કરી.
આ ટેકરીની ટોચ પર એક નાનીક ગુફામાં વિનમ્ર નામે એક સિંહ રહેતો. એ એટલો વિનમ્ર કે જંગલના અન્ય કોઈને કદીય નડેલો નહિ. બસ, એને એની રીતે જ રહેવાનું ગમતું. એ દરેકને આદરની નજરે જોતો. એટલે જ તો ! જંગલમાં કદી સિંહની વાત થતી નહિ. અને ક્યારેક સિંહ જંગલમાં ફરતો હોય ને કોઈ એને જોઈ જાય અને માનપાન આપે તો એ સામેથી ના પાડી દેતો ! વાર્ષિક સભામાં પણ એ એનું સિંહાસન છોડીને બધાની વચ્ચે જઈને બેસી જતો. એનું માનવું હતું કે દરેક જીવનું મહત્વ છે. ઉંમર અને હોદ્દાનું અભિમાન ન હોય, કેમ કે બુદ્ધિની બાબતમાં કોઈ નાનું મોટુ હોઈ શકે ખરું ભલા ? એ નાના જંગલનો રાજા હોવા છતાં એની ખુમારી ચક્રવર્તીઓ જેવી હતી.
આવા ફિલસૂફ સિંહભાઈને ત્યાં ભૂલથી પહોંચી ગયેલા આ મોરભાઈએ વિચાર્યું કે આ ટેકરી પણ આપણી વિજય પતાકા નીચે હોવી જોઈએ. એટલે પોતાની મંડળી સમેત નાટકનો એ શો કરવાનું નક્કી કર્યું. આખો શો પૂર્ણ થયો. સિંહભાઈને પણ આખું નાટક ગમ્યું… પણ ત્યાં મોરભાઈ અહંકારના આવેશમાં ભાન ભૂલી બેઠા ! અને પેલી હાથીભાઈના માથે ચડી જઈને, જે અદ્ભુત પીંછા ફેલાવનારી કળા બતાવેલી. અને જેનાથી એક સમયે વાઘભાઈને પણ ડરીને ભાગવું પડેલ ! હા, બસ-બસ… એ જ મહાનાટ્યકળા સિંહભાઈને બતાવી બેઠા… અને એટલું જ નહિ ! સદાય વિનમ્રતાની અને કરુણાની મૂર્તિ જેવા સિંહભાઈની સામે શક્તિ પડકાર ફેંક્યો ! અને ગુમાની અવાજમાં છટાથી પૂછ્યું – જોયો છે ક્યાંય મારા જેવો મહાનાટકબાજ ?
જોઈ છે ક્યાંય મારા ચેલા-ચમચાઓ જેવડી મોટી સેના? ક્યાંય કોઈની પાસે જોઈ છે? છે કોઈ મારા જેવો કલાધર?
સિંહભાઈ મહાનાટકબાજ મોરભાઈની પાસે જઈ, પંજો ઉઠાવીને મોરભાઈના બેડા ઉપર સહેજ થાબડીને શાબાશી આપતાં કહ્યું : “ વાહ! શાબાશ… તમારા જેવો મહાનાટકબાજ આખા જંગલમાં બીજો કોઈ જ નથી !’’
મહાનાટકબાજ મોરભાઈની મંડળીમાં સોપો પડી ગયો !… વાતાવરણમાં એકાએક શોકાકુલશાંતિ છવાઈ ગઈ ! શાબાશીના વજનથી ઢળી પડેલા મોરભાઈને હેબતાઈ ગયેલા મંડળીના ચેલા- ચાપલૂસ નાટકબાજો બૂમો પાડીને જગાડવા મથામણ કરી રહ્યા.
મોરભાઈ !… મોરભાઈ!…. મોરભાઈ?….
– જયેશ વરિયા ( તારીખ 19-11-2018 )
Leave a Reply