Book Name – લવલી પાન હાઉસ
Author – ધ્રુવ ભટ્ટ
ISBN No. – 9788180000000
Publishers – ગુર્જર પ્રકાશન
ધ્રુવ ભટ્ટ ! મારા પ્રિય લેખકોમાં ના એક. મને જ્યારે પણ કંઈક ફિલોસોફીકલ, કંઈક ઉંડાણવાળું, મગજને કસરત કરાવે એવું વાંચવાની ઈચ્છા થઈ હશે, ત્યારે મેં તેમને જ યાદ કર્યા હશે. તેમના દરેક પુસ્તકો શાંત ચિત્તે, સમય કાઢીને વાંચવા બેસવું પડે, તો જ સમજાય.
આ પુસ્તકનો સચોટ રીવ્યુ લખવો કે કથાની કોઈ ઘટનાઓને આલેખવી એ મારા માટે શક્ય નથી. ટૂંકમાં કથા એક એવાં નાયકની છે કે જેની જન્મદાત્રી રેલ્વેનો ડબ્બો છે! જી, હા. એ ત્યાંથી જ મળી આવ્યો હોય છે. છતાં તેને ઘણીબધી મા છે!! તેનો ઉછેર રેલ્વેસ્ટેશન પર કૂલીનું કામ કરતી સ્ત્રીઓ દ્વારા થાય છે, અને તરુણાવસ્થા મુસ્લિમ પરિવારમાં. તેનાં જીવનમાં આવતા દરેક પાત્રો તેને કંઈક શીખવતા રહે છે, જીવવાનું કારણ બનતા જાય છે. સમય સાથે માણસ ‘બદલાતો’ નથી, પણ ‘મેચ્યોર’ બનતો જાય છે.
આપણા સમાજમાં હિંદુ-મુસ્લિમના નામે અંધાધુંધ અત્યાચારો અને કકળાટ કરનારાઓ, ખરેખર માનવતા જ ભૂલી ગયાં છે. માનવ મટીને જ્ઞાતિ માટે લડી રહ્યા છે! કથામાં લેખકે ખૂબજ ચતુરાઈ થી માનવતા અને સમાજનું સાચું પ્રતિબિંબ ઉપસાવ્યું છે.
કથા, બાળપણ અને આધેડ ઉંમરની વચ્ચે હિલોળા ખાતી ખાતી આગળ વધે છે. દરેક નાના નાના રહસ્યો પોતાની પકડ મજબૂત બનાવતા રહે છે. લેખક તમને ક્યારે, ક્યાં સમયગાળામાં દોરી જશે તેનો ખ્યાલ પણ ના રહે અને તમે બસ પ્રવાહ સાથે કોઈ તણખલાની જેમ તણાતા રહો. એ જ વિશેષતા છે ‘ધ્રુવ’ ભટ્ટની!!
વાત કરું કથામાં આવતા પાત્રોની, તો અહીં કોઈ એકલ દોકલ પાત્રોનું નામ લઇ શકાય નહીં. છતાં જો નાછૂટકે કોઈ એક પ્રિય પાત્રનું નામ આપવું હોય, તો હું “રાબિયા”નું નામ લઈશ.
કથા વાંચતી વખતે હું -સફેદ સલવાર કુર્તામાં સજ્જ થયેલી, અડધાં મોં અને ગળા પર દુપટ્ટો વિંટીને, ગોઠણ અને પંજાને આધારે બેઠેલી એ પંદર-સોળ વર્ષની પ્રેમાળ, બુધ્ધિશાળી, મોટ્ટી નશીલી આંખો વાળી, અલ્લડ યુવતી- રાબિયાનાં પ્રેમમાં હતો! તેને ભૂલી શકવી સહેલું નથી. મારા પર એક અમીટ છાપ છોડીને જતી રહી એ. એટલે જ મને લાગે છે લેખકે છેલ્લું પ્રકરણ વધારે લાંબું લખવાની જરૂર હતી. રાબિયા માટે!
કથા નાયકના વિદેશ ગયા પછી રાબિયા સાથે શું થયું એ કથામાં દર્શાવ્યું નથી. કદાચ એ કારણે કે આખી કથા, કથા નાયક જ સંભળાવે છે. પણ મને એ નથી ગમ્યું. આ ઉપરાંત વલીભાઈ ‘લવલી’માં છેલ્લું પાન કોને માટે બનાવતા હતાં એ પણ સ્પષ્ટ થતું નથી. આમ છતાં હું આ પુસ્તક બીજીવાર વાંચવાનું પસંદ કરીશ.
– ભાવિક એસ. રાદડિયા
Leave a Reply