શીર્ષક : Love, Lust અને લગ્ન !
આજે ઘણા સમય પછી મારી સવાર સાત વાગ્યે થઇ. આજે વહેલું ઉઠવું જરૂરી જો હતું ! ગઈકાલે રાત્રે કાર્તિકનો ફોન આવ્યો હતો, કહેતો હતો કે આજે બપોર સુધી જ મળી શકે એમ છે. બપોરે એની બેંગ્લોર માટેની ફ્લાઈટ છે. અને આપણે રહ્યા મિત્ર-ઘેલા ! તરત જ મળવા માટે હામી ભરી દીધી. પણ યાર, એ પણ શું દિવસો હતા, જયારે મિત્રોને મળવા ન તો ક્યારે ફોન કરવા પડતા કે ન તો સમયની પાળ બાંધવી પડતી. ખેર, હવે તો એક સમયનો મારો દોસ્ત ‘કાત્યો’ આજે ‘મોટો માણસ’ થઇ ગયો છે, અને મને મળવા માટે યાદ પણ રાખે છે… મારે મન અમારી મિત્રતામાં એટલું પણ પુરતું છે !
બરાબર નવના ટકોરે હું એણે આપેલી હોટેલના સરનામે જઈ પંહોચ્યો. અને મારા ધાર્યા મુજબ હજી પણ ભાઈ સા’બ તૈયાર નહોતા થઇ રહ્યા. કમરે ટુવાલ બાંધી રૂમ આખામાં આંટા મારી રહ્યા હતા. અને મને બારણે આવેલો જોઈ તરત મને ભેટવા દોડ્યો પણ ખરો, પણ ઉતાવળમાં ક્યાંક ટુવાલ ન પડી જાય એમ વિચારી અટકી ગયો. હું હળવેકથી – ટુવાલ પડી ન જાય એવી ચોકસાઈ રાખીને – એને ભેટ્યો. અને અમારા વચ્ચે, ‘યાર ઘણા સમય પછી મળ્યો ને ? જો તો કેટલો બદલાઈ ગયો છે તું…’, વગેરે જેવી થોડીક ઔપચારિક વાતો થઇ. એના વિશેના મારા અનુમાન પરથી કહું તો એ, એ જ અસમંજસમાં હતો કે એણે આજે કપડાં ક્યા પહેરવા, અને હમણાં એના પલંગ પર પડેલી ખુલ્લી બેગ જોઈ હું એ અનુમાન પર મહોર પણ મારી શકું એમ છું. પણ મને આવેલો જોઈ એણે એ ગડમથલ એક બાજુ પડતી મૂકી, બાથરૂમમાં જઈ કપડા બદલી આવ્યો. અને પોતાની એ જ જૂની આદત મુજબ સિગારેટ સળગાવી કશ મારતા રહી મારી સામેની ખુરશીમાં ગોઠવાયો.
“ભાભી કેમ છે ? અને મારો ભત્રીજો ? હવે તો ઘણો મોટો થઇ ગયો હશે, નહીં ?”
“હા. ભણવા પણ જાય છે હવે તો. અને તારા ભાભી પણ મજામાં છે. ક્યારેક ઘરે પણ આવ, તો રૂબરૂ મુલાકાત પણ કરાવું.”, મેં કહ્યું. પણ મને મારો જ અવાજ બોદો લાગ્યો. એમાં આગ્રહનો રણકાર નહોતો, કે નહોતી આવકારની ભાવના !
“આવીશ. ચોક્કસ આવીશ.”, કહેતાં તેણે એક બીજી સિગારેટ મારી સામે ધરી. શરૂઆતમાં તો મેં આનાકાની કરી, પણ એ પણ મારી એ આદતથી બખૂબી વાકેફ હતો, એટલે જ એણે સિગારેટ આપવા લંબાવેલો હાથ પાછળ ન લીધો. અને મેં એના આગ્રહને તાબે થઇ સિગારેટ લઇ ફૂંકવી શરૂ કરી.
“ચાલ, તને તારી માશુકા સાથે મળાવું ! આઈ એમ શ્યોર, તું એને મળવા માટે તો આનાકાની નહીં જ કરે.”, આંખ મીંચકારીને કહેતાં એ ઉભો થયો અને અંદરના રૂમ તરફ ચાલ્યો.
ઘડીભરમાં તો મારા હાથના રુંવાટા ઉભા થઇ આવ્યા. શું સાચે જ કાર્તિક ‘એને’ મારી જોડે મળવા લાવ્યો હશે ? પણ મારી એ કલ્પનાના મહેલોમાં હું ઘડીભર વિહરું એ પહેલા જ કાર્તિકે મારી સામે ચા ની ટ્રે મૂકી તેને જમીનદોસ્ત કરી દીધા. અને ટ્રે સામે જોઈ રહેતા અમે બંને ખડખડાટ હસી પડ્યા. આને હજી પણ મારી આવી અમસ્તા જ કહેલી વાતો યાદ છે એમ વિચારતા મારી આંખમાં સહેજ પાણી આવ્યું. પણ એ પાણી હસી હસીને બેવડ વળી જવાને કારણે આવ્યું હોયે એમ મેં ઢોંગ કર્યો.
“તને… હજી પણ યાદ છે આ..!”, હું હજી સુધી મારું હસવું અટકાવી નહોતો શક્યો.
“કોલેજ બહારની કીટલીવાળા કાકાને તું હાકલ પાડીને કહેતો, ‘ચચ્ચા, આજ બહોત પ્યાસ લગી હૈ. જરા માશુકા કે દીદાર તો કરવા દીજીએ !’, અને એ પછી એ કાકા હસતાં હસતાં તારી સામે ‘સ્પેશિયલ ચા’ મુકતા એ વાત તો હું ક્યારેય ભૂલી શકું એમ નથી.”, કહેતાં તેણે કપમાં ગરમ પાણી, થોડુંક દૂધ, અને સુગર ક્યુબ્સ નાંખી ‘સો કોલ્ડ ચા’ બનાવી. ‘આવી ચા પીવા કરતાં ચા નો વિરહ ભોગવવો આગળ પડે. ચાની લિજ્જત તો કીટલીએ ભાઈબંધો સાથે જ આવે !’, મારા હોઠ સુધી આવેલું વાક્ય હું ગળી ગયો. અને એની ‘મોંઘી ચા’ પીવી શરુ કરી.
એણે પણ પોતાની અનુકુળતા મુજબની ચા બનાવી મને કંપની આપવી શરુ કરી. અને થોડીવાર રહી પોતાના મજાકિયા સ્વભાવ અનુસાર બોલ્યો, “તો તને શું લાગ્યું, હું સાચે જ પેલીને – તારી માશુકાને – લઇ આવ્યો હોઈશ ?”
એની વાત સાંભળી મારાથી ખાંસી ખવાઈ ગઈ. મેં ચા બાજુ પર મૂકી અને રૂમાલથી મોં લુંછતાં કહ્યું, “તારું કંઈ કહેવાય નહીં. તું તો લઇ પણ આવે.” અને અમે જોડે હસી પડ્યા.
“ચાલ, કમ સે કમ, તારા કેસમાં માશુકાના નામ પર એક ‘ચોક્કસ વ્યક્તિ’ નું નામ નક્કી તો હોય છે ! મારી જોડે કોઈ આવી મજાક કરે તો પહેલા મારે એને ઉભો રાખીને પૂછવું પડે, ‘અલ્યા ભાઈ, મારે તો એવી કેટલીય માશુકાઓ હતી, અને છે… તું કઈ વાળીની વાત કરે છે ?’, કહેતાં એ હસવા માંડ્યો. મને એની વાતમાં કંઈ હસવા જેવું ન લાગ્યું, છતાં મેં ફિક્કા હાસ્ય સાથે તેમાં સાથ પુરાવ્યો.
હા, કાર્તિકને ઘણા સમયથી એવી આત્મશ્લાઘા ખરી, કે એની માટે છોકરીઓ કંઈ પણ કરી છુટવા તૈયાર ! અને એથી વિશેષ તો એ પોતાને કળયુગનો ‘કાનજી’ ગણાવે છે !
“કાર્તિક, હું કહેતો હતો કે…”
“કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ એમ જ ને ?”, મારી વાતને વચ્ચેથી અટકાવીને જ એણે કહ્યું. અને વાત આગળ ચલાવતા બોલ્યો, “હું ક્યારનો એ જ વિચારતો હતો કે મારા પરમ મિત્રએ મારા લગ્નની ચિંતાનો મમરો હજી સુધી કેમ નથી મુક્યો ? અને ત્યાં જ તો આપશ્રી બોલી ઉઠ્યા.”
“પણ હજી કેટલો સમય કાર્તિક ?”
“અરે હજી મારી ઉંમર જ શું છે? માત્ર ત્રીસ ! અને લગ્ન વગેરેમાં પડીશ તો કારકિર્દી પર બરાબર ધ્યાન નહીં આપી શકું.”
અને ફરી એક વખત એણે પોતાની સાથેની કોલેજકાળમાં ઘટેલી એ ઘટના મને કહી સંભળાવી. કે કઈ રીતે એના માસીએ એક ‘સારી, સુંદર, અને સંસ્કારી છોકરી’ જોડે એનું ચોકઠું ગોઠવ્યું હતું. પણ એનું મન તો ક્યાંક બીજે જ ચોંટેલું હતું. અને માત્ર એટલું જ નહીં, એ બીજા સંબંધમાં એણે ઘણી હદો વટાવી હતી. પણ એણે પોતાની કારકિર્દીને લક્ષમાં લેતાં, માસીની પસંદગીથી માંડી પોતાના એ ‘અંગત સંબંધ’ સુધી બધાનો છેદ ઉડાવી મુક્યો હતો. અને પોતાની જીદ પર અડગ રહી ગ્રેજ્યુએશન બાદ શહેર બદલી નાંખી પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું ! અને એક રીતે જોઈએ તો એનું એ સાહસ પણ દાદ માંગી લે તેવું હતું. અને એની નિષ્ઠાને કારણે જ આજે એ પત્રકારત્વમાં એક સારા હોદ્દા પર પંહોચ્યો હતો !
આર્થિક રીતે જોઈએ તો એની સામે હું ખુબ નાનો લાગુ. સ્નાતક થયા બાદ મેં એક સામાન્ય કારકુન બનવાનું પસંદ કર્યું. અને ત્રણ આંકડાની સામાન્ય નોકરીમાં ત્રણ જીવનો ગુજરાન ચલાવું છું ! એની સામે કાર્તિક પોતે એકલો છ આંકડાની રકમનો હકદાર હતો. આમ જોઈએ તો પત્રકારત્વમાં સંઘર્ષ તો ખરો જ. પણ કાર્તિકે પોતાની આવડત કામે લગાડી, ‘અન્ય કામો’ (બે નંબરી) ધંધામાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. અને આજે એનું પરિણામ મારી સામે જ હતું !
કાર્તિકને પોતાની વાતો કરવાની ઘણી મજા આવતી. એની સાથે જયારે પણ મુલાકાતો થતી ત્યારે એની વાતો એના પરથી શરુ થઈને એના પર જ પૂરી થતી. એને ભાગ્યે જ સામે વાળાની વાત જાણવાની ઉત્કંઠા થતી હશે. અલબત્ત, એ મને મજાકમાં કહેતો પણ ખરો કે હું ખુબ સારો શ્રોતા છું. એની હંમેશાની એકની એક વાતો પણ ફરી એટલા જ રસથી સાંભળતો હોઉં છું ! અને હમણાં પણ હું એ જ કરી રહ્યો હતો.
થોડીવાર પછી એણે પોતાના સંઘર્ષની વાતો પર પૂર્ણવિરામ મુક્યું. અને મને એરપોર્ટ સુધી આવવા માટે આગ્રહ કર્યો. અને એમ પણ કાર્તિકને મળવાના હેતુથી મેં અડધા દિવસની રજા તો મૂકી જ હતી, માટે હું તેને એરપોર્ટ સુધી મુકવા આવવા સહમત થયો. અમે ટેક્સીમાં બેસી એરપોર્ટ તરફ રવાના થયા. હવે અમારી વચ્ચે વાતો થવી બંધ થઇ ગઈ હતી. પણ હું સતત ઈચ્છતો હતો કે એ બોલતો રહે. કારણકે જો એવું જ મૌન છવાઈ રહેશે તો સંબંધની કૃત્રિમતા છતી પણ થઇ જાય !
“કાર્તિક, આ પડાવ પર હવે એકલું નથી લાગતું ?”, મેં એને બોલતો કરવા પૂછ્યું.
“એકલું…? ના દોસ્ત ના. મારે જોઈએ એવી ‘કંપની’ મને મળી શકે છે. એ પણ જેટલો સમય સુધી હું ચાહું ત્યાં સુધી… પછી ચાહે એ એક કલાક હોય, એક રાત કે પછી એક અઠવાડિયું !”, કહી પોતે કોઈ મોટું કારસ્તાન કર્યું હોય એવી મુસ્તાકીથી એ હસ્યો. હું પણ ફિક્કું હસ્યો. એણે પોતાના એ ‘શોખ’ની વાતો ઉત્સાહ સાથે કહેવી શરુ કરી. અને મેં સાંભળતા રહી હળવો નિશ્વાસ મુક્યો. કારણકે એ બોલતો રહે એ જરૂરી હતું. આમ તો એની વાતોમાં કંઈ નવીનતા નથી હોતી, પણ રખેને ક્યાંક નવું જાણવા મળી પણ જાય !
મારી આંગળીઓ તો શું એના વેઢા પણ ગણતા ગણતા ખૂટી જાય એટએટલા ‘રસપ્રદ કિસ્સાઓ’ એ સંભળાવી શકતો હતો. પણ એક કિસ્સો એ ક્યારેય સંભળાવવાનો ચૂકતો નહીં. પાંચ વર્ષ પહેલાનો એનો એરપોર્ટ પરનો એ અનુભવ ! જયારે એરપોર્ટ પર એણે એક છોકરીને એનો સરકી ગયેલો સ્કાર્ફ રીટર્ન કર્યો હતો અને કાવ્યાત્મક ઢબે કહ્યું હતું, ‘યું બેખબર ના રહા કિજીએ મહોતરમા, આપસે જુડી હર ચીઝ કયામત ઢા સકતી હૈ !’, અને બદલામાં એ છોકરીએ ‘શુક્રિયા જનાબ’ કહેતાં શરમાઈને સ્કાર્ફ લઇ લીધો હતો. અને પછી જોગાનુજોગ એ ફ્લાઈટમાં એ બંનેની સીટ પણ લગોલગ હતી. અને પછી તો ઘણી વાતચીત, નંબર એક્સચેંજ, અને પછી વધતી મુલાકાતો. અને વધુ એક છોકરીના પ્રેમ પર હાવી થતી કાર્તિકની હવસ ! આજે તો કાર્તિકને એ છોકરીનું નામ પણ યાદ નથી, પછી એ ક્યાં છે, કે શું કરે છે એ તો પૂછવું પણ દુર રહ્યું !
કાર્તિકની વાતોમાં જ અમારો સમય પસાર થતો ગયો, અને અમે એરપોર્ટ પર પંહોચ્યા. હજી ફ્લાઈટ બોર્ડ થવામાં થોડીક વાર હતી. અમે એક કેફેમાં જઈને બેઠા. અને કોફીના ઘૂંટ ભરતાં ભરતાં મેં એને જીવનમાં સ્થાયી થવાની સલાહો આપવા માંડી. પણ એ ભાઈ સા’બ સાંભળે ત્યારે ને ! અને મારી વાત હજી પૂરી પણ નહોતી થઇ અને એને જાણે ઝાટકો લાગ્યો હોય એમ એ ઉભો થઇ કેફેની બહાર નીકળ્યો. હું ખુરશી પર બેસી રહી એને જોઈ રહ્યો. થોડેક આગળ જઈ એણે નીચે પડેલો એક સ્કાર્ફ ઉઠાવ્યો, અને એક છોકરીને આપતા રહી એની સાથે વાતોએ વળગ્યો. હું મારી આંખો સામે ઈતિહાસને એક વખત પુનઃજીવિત થતાં જોઈ રહ્યો !
થોડી જ વારમાં કાર્તિક હરખાતો રહી મારી પાસે પાછો આવ્યો, અને ઉત્સાહભેર બોલ્યો, “તેં જોઈ એને ? આઈ એમ ડેમ્મ શ્યોર, શી ઈઝ ધ વન, ફોર વ્હુમ આઈ એમ લુકિંગ ફોર ! અને તને ખબર છે, અમારી સીટ્સ પણ બાજુબાજુમાં જ છે.”
મને એની વાતનો સહેજ પણ આનંદ ન થયો. એની માટે બધી છોકરીઓ શરૂઆતમાં ‘ધેટ વન’ જ હોય છે. એક વધુ સહી ! ક્યારેક તો મને ખુદને એનો મિત્ર કહેતાં પણ શરમ આવતી હોય છે ! ના, ના એમ તો એ દિલથી ખુબ સારો માણસ છે, પણ હું એનો મિત્ર હોવા છતાં એને સાચો માર્ગ નથી બતાવી શકતો એ જાણી પોતાની જાત પર શરમ અનુભવતો હોઉં છું ! ખેર, સમય આવ્યે એ સમજી જાય તો એની માટે જ સારું છે !
“ચાલ, હવે નીકળું. જલ્દી જ મળીશું.”, કહેતાં એ મને ભેટ્યો.
“હવે આવતી વખતે તો ઘરે જ આવવું પડશે.”, કહેતાં મેં બનાવટી આવકાર આપ્યો. કોણ જાણે કેમ હું ક્યારેય ઈચ્છતો નહોતો કે એ મારા ઘરે આવે ! હું એમ જ ચાહતો કે અમારી મુલાકાતો આમ જ બહાર હોટલોમાં થતી રહે અને અમારી મિત્રતા ટકી રહે, જેથી હું એના વિશે અને એના જીવનમાં ચાલતી નવાજુની જાણતો રહું !
એને વિદાય આપી હું એરપોર્ટ બહાર નીકળ્યો. અને ચાલતા જ ઘરની રાહ પકડી. કારણકે હું તો ઈચ્છતો જ હતો કે મને ઘરે પંહોચવામાં મોડું થાય. કારણકે ઘરે મારે મારી પત્નીના કેટકેટલાય આડકતરી રીતે પૂછાયેલા પ્રશ્નોનો સામનો કરવાનો હતો. અને એની કાર્તિક વિશેની જીજ્ઞાસા હું ન સમજી શકું એટલો મુર્ખ તો નથી જ ! આજે પણ મારી એક સમયની માશુકાનું ક્યાંક નામ પણ ઉચ્ચારાય તો મારી ઉત્કંઠા વધી જતી હોય છે. અને તેમાં પણ એ તો સ્ત્રી હ્રદયની ખરીને !
ક્યારેક અમસ્તા વિચાર પણ આવે છે, શું કાર્તિકને કોઈએ કીધું જ નહીં હોય, અથવા એને કેમેય કરીને ખબર જ નહીં પડી હોય કે એક સમયની એની ત્યકતા આજે મારી પત્ની છે ? અને કાર્તિકનું એને બે જીવની કરીને ચાલ્યા ગયા બાદ એણે આત્મહત્યાની રટ લીધી હતી, અને એવા સમયે મારે એનો હાથ પકડવો પડ્યો હતો. અને કોલેજકાળમાં એ સંબંધમાં એણે જે હદ વટાવી હતી એનું પરિણામ આજે મારા આંગણે રમતું હોય છે ? શું એને ક્યારેય એમને મળવાનું કે એમના વિષે વધારે જાણવાનું મન જ નહીં થતું હોય ? કે પછી એને આવા આડંબરની આદત પડી ચુકી છે !
આમ જોઈએ તો અમારા બંને માટે આમ જ અજાણ્યા બની રહેવું જરૂરી છે… કારણકે એ જ અમારી કહેવાતી ‘મિત્રતા’ ટકાવી રાખવાના હિતમાં છે ! જો એ મિત્રતા જ નહીં હોય તો એના વિશેની મારી પત્નીની જીજ્ઞાસા હું કેમ કરીને સંતોષીશ ! અને હજી તો મારે એની ખુશી માટે કાર્તિકને ‘સ્થાયી’ થવા માટે પણ સમજાવવાનો છે !
એરપોર્ટથી થોડેક આગળ ચાલ્યા બાદ માથા ઉપરથી એક વિમાન ઉડીને પસાર થયું. અને આકાશ તરફ જોઈ રહી મારાથી નિશ્વાસ નાખતાં બોલી જવાયું, “જ્યાં સુધી એને ‘લવ’ અને ‘લસ્ટ’ વચ્ચેનો ભેદ ન સમજાય ત્યાં સુધી એ ‘લગ્ન’ જેવા પવિત્ર બંધનમાં ન બંધાય એ જ સારું રહેશે !”
– Mitra ❤
Leave a Reply