સાહિત્યમાં શત્રુતા હોવી જરૂરી છે, પણ મીઠી, કંઈક હસાવે એવી, ડાયરીના પાનામાં સુવાળા અક્ષરોએ નોંધી શકો એવી. અમારી કોલેજ માટે એવું કહેવામાં આવતું કે જે લોકો છરી લઈ મારવાની વાતો કરતા હોય, એ બે જણા કોલેજની બહાર સાથે ચા પીતા હોય, પાછા આગ્રહ પણ કરતા હોય, થોડીક લેજો હો.. મોટાભાઈ…
અગાઉ અંગ્રેજી સાહિત્યના મૂળ ચંદ્રકાંત બક્ષી કહેવાતા અર્નેસ્ટ હેંમિગ્વે ઉપર મેં આર્ટિકલ લખેલો. તેમાં ગ્રેટ ગેટસ્બીના રાઈટર ફિઝરગેરાલ્ડે તેમને મસમોટો પત્ર લખેલો. હેંમિગ્વેની નવી કૃતિના તેમણે ઘજાગરા ઉડાવી દીધેલા. કેમ લખવું એ તેમને શિખવાડેલું. હેંમિગ્વે સાથે દુશ્મીની કરવી એટલે વિશ્વયુદ્ધ છેડવા બરાબરનું કાર્ય હતું. તેમની પાંચ લાઈનની ટિકાનો હેંમિગ્વેએ ચાર શબ્દોમાં જવાબ આપેલો, જેનું અહીં વર્ણન કર્યા જેવું નથી. ફિઝરગેરાલ્ડે બાદમાં ખાસ પત્રો લખવાનું તેમાં પણ હેંમિગ્વેને લખવાનું છોડી દીધેલું. ચંદ્રકાંત બક્ષી અને વિનોદ ભટ્ટ વચ્ચે પણ આવો જ સંબંધ હતો. પણ મીઠો હતો. એકબીજાની ટિકા કરી લે, પછી ભેગા પણ થઈ જાય. જેને વિનોદભાષામાં ‘‘લવ-હેટ્રેડ’’ કહેવાય.
તમે યાદ આવ્યામાં બીજો જ આર્ટિકલ વિનોદ ભટ્ટે ચંદ્રકાંત બક્ષી પર લખેલો છે અને 2015માં તેમણે સાક્ષરભૂમિ નડિયાદમાં ચંદ્રકાંત બક્ષી વિશે પ્રવચન પણ આપેલું. અલબત એ પ્રવચન નિયમ પ્રમાણે વિનોદ ભટ્ટના બાળપણ અને કોલેજના કિસ્સાઓથી શરૂ થયું અને મુળ વાત પર આવ્યા ત્યારે ચાર લોકો વિશે તેમણે બોલ્યું. સૌ પ્રથમ વાત કરી તારક મહેતાની પછી ઓડિયન્સને પૂછ્યું હવે ત્રણ બાકી છે, ચંદ્રકાંત બક્ષી, ઝીણાભાઈ દેસાઈ અને શેખાદમ આબુવાલા તમે કહો તેના પર બોલું. અને ઓડિયન્સે કેકાર કર્યો, ચંદ્રકાંત કેશવલાલ બક્ષી. બક્ષીની વાતો આજે અને ત્યારે પણ જાણવા માટે લોકો આતુર હોય છે, એ ઓડિયન્સમાંથી જ ખબર પડી જાય. ગુજરાતી ભાષા માટે તે સારી નિશાની છે. અને પછી વિનોદ ભટ્ટે શરૂ કર્યું.
ચંદ્રકાંત બક્ષી મુંબઈ રહે અને વિનોદ ભટ્ટ અમદાવાદમાં. કોઈવાર અમદાવાદ આવે ત્યારે નવભારત સાહિત્ય મંદિરની ઓફિસે બેઠા હોય. ત્યાંથી વિનોદ ભટ્ટને ફોન કરે, ‘આપને અનુકુળતા હોય તો હું અહીં મહેન્દ્ર ભાઈ પાસે બેઠો છું, થોડીવારમાં આપના ઘરે પધારૂ.’ વિનોદ ભટ્ટ હા પાડે એટલે બક્ષી દસ મિનિટમાં વિનોદ ભટ્ટના ઘરે. વિનોદ ભટ્ટ હાથ જોડી આવકાર આપે, ‘આવો બક્ષીબાબુ’ અને પછી જતી વેળાએ બોલે ‘આવજો બક્ષીબાબુ.’ બાકી વચ્ચેની દોઢ કલાકની ખાલી જગ્યા ચંદ્રકાંત બક્ષી પુરી લેતા. બડબડબડ… બક્ષી એકલા જ બોલતા હોય અને વિનોદ ભટ્ટ સાંભળતા હોય. વિનોદ ભટ્ટે નોંધ્યું છે કે, ‘હું સારો શ્રોતા બનવાનું બક્ષી પાસેથી શીખેલો.’ આ ચર્ચામાં બે-ત્રણ ભાષાનો બક્ષી ઉપયોગ કરી નાખે. બક્ષી વિનોદ ભટ્ટના નવા ફઈબા પણ થઈ ગયેલા, તેઓ વિનોદ ભટ્ટને વિનોદ બાબુ કહી બોલાવે.
એકવાર આવી જ રીતે નવભારત સાહિત્ય મંદિરની ઓફિસે બક્ષીજી બિરાજમાન હતા. નિયમ અનુસાર વિનોદબાબુને ફોન કરવામાં આવ્યો અને એ જ સ્પીડે વિનોદ બાબુની ઘરે અને પછી આવો બક્ષીબાબુ થયું. ચર્ચા ચાલતી હતી અને બક્ષીએ પૂછ્યું, ‘સાહિત્યમાં તમારૂ કોઈ યોગદાન ખરૂ વિનોદબાબુ ?’
વિનોદ ભટ્ટ થોડા મુંઝાયા પછી તેમણે બાજુમાં એ જ વખતે તેમની છપાયેલી બુક તેમના હાથમાં આપી. આ પહેલા 1962માં તેમની પહેલું સુખ તે મુંગી નાર પ્રગટ થયેલી જે અત્યારે મુંગીનાર નથી જડતી એ મુજબ અપ્રગટ છે. બક્ષીબાબુએ તુરંત વચ્ચેના પાના ફેરવ્યા. પછી સીધા તેમના પુસ્તકોની લિસ્ટના પાને ગયા. બક્ષીનો ‘હું’ મોટો એટલે તેમને લાગ્યું હશે કે ક્યાંક વિનોદજી મારાથી તો આગળ નથી નિકળી ગયાને ? ત્યાં બક્ષીબાબુએ જોયું તો વિનોદબાબુએ પોતાના તમામ પુસ્તકોની બાજુમાં પ્રકાશન વર્ષ લખેલું હતું. બક્ષી બોલ્યા, ‘આ સારૂ કર્યું, પ્રકાશન વર્ષ લખવું જોઈએ તમને ખબર છે આની શરૂઆત કોણે કરી ?’
બોલવાનો વારો આવ્યો હોવાથી વિનોદબાબુ ખુશ હતા. ત્યાં બક્ષી બોલી ગયા, ‘મેં કરી !’ અને કોલરને પણ બે વાર ઉંચો કર્યો. વિનોદબાબુને વચ્ચે બોલવાનું મન થઈ ગયું, ‘બેશક આ વસ્તુની શરૂઆત બે જ લોકોએ કરી પ્રથમ આપે અને બીજા રિપીટ બીજા નર્મદે…. !!!’
બક્ષીબાબુ આ વિનોદવૃતિ ત્યારે સમજી ન શક્યા અને હા પણ પાડી દીધી. એ પછી બક્ષી અને તેમનો મોટો ‘હું’ આખી દોઢ કલાક ચાલુ રહ્યો. અને ક્રમાનુસાર વિનોદ ભટ્ટ બોલ્યા, ‘ઓકે બક્ષીજી આવજો….’
અને ત્યાં તો કુમારમાં વિનોદ ભટ્ટની વિનોદની નજરે છપાવા લાગી. તેમાં ચંદ્રકાંત બક્ષીનો વારો પણ આવી ગયો. બક્ષીબાબુએ તુરંત વિનોદબાબુને ફોન કરી કહ્યું, ‘ઈન્ડિયા ભરમાં આવું તગડુ હ્યુમર મેં જોયું નથી.’ એટલે વિનોદ ભટ્ટે પણ આવો હ્યુમર નહતો જોયો ! પછી કોઈકે ચંદ્રકાંત બક્ષીને ધીમેથી કહ્યું, (તેને ખ્યાલ કે બોમ્બ ફુટવાનો જ છે, તો ધીમે અવાજ ભલે આવતો) ‘આમા તમારી પ્રશંસા નથી તમને વાઢી નાખ્યા છે.’ એટલે બક્ષીએ ફરી એ લેખ વાંચ્યો. હકિકતે વિનોદે વાઢી જ નાખેલા.
હવે બક્ષીનું કેવું કે વિનોદ ભટ્ટ જો પોતાનો નવો ફોટો ચંદ્રકાંત બક્ષીને મોકલે તો તેઓ પોતાના દસ ફોટા મોકલે. એક સાઈકલ પર બેસેલો, એક દાઢી વધારેલો (જેના માટે એકાદ મહિના મહેનત કરી હોય) એટલે કોઈ વાતમાં બક્ષી પાછીપાની ન કરે. હવે વિનોદના વિનોદની નજરેમાં પોતાના પર થયેલા આ ચાબખા જોઈ તેમણે ઈન્ટરવ્યૂ આપ્યો. બક્ષીને ક્યારેક કોઈ મોટી એનાઉન્સમેન્ટ કરવી હોય તો ઈન્ટરવ્યૂ આપતા. ત્યારે યાસીન દલાલ એક મેગેઝિન ચલાવતા. તેમની મેગેઝિનમાં ઈન્ટરવ્યૂ કર્યો અને બોલ્યા, ‘વિનોદ ભટ્ટે મારી પીઠમાં ખંજર ભોંક્યું છે.’
આ મેગેઝિને ત્યારે વિનોદ ભટ્ટનો જવાબ લીધો, બક્ષી આવું કહે છે, તમે શું કહો છો ? વિનોદ ભટ્ટે પોસ્ટકાર્ડમાં જ જવાબ આપ્યો કે, ‘મેં તો છાતીમાં ખંજર ભોંકેલું આ તો પીઠ પાછળ નીકળ્યું એટલે ગેરસમજ થઈ ગઈ હશે.’ હવે બક્ષીબાબુ રઘવાયા થયા.
બક્ષી પ્રોફેસર હતા ત્યારે એક છોકરીએ ત્યારના પ્રિન્સિપાલને કહ્યું, ‘સાહેબ હવે મારે હિસ્ટ્રી નથી ભણવું, મારે પોલિટિકલ સાયન્સ ભણવું છે, પ્લીઝ વિષય બદલાવી આપો.’
પ્રિન્સિપલે પૂછ્યું, ‘થયું શું ? બક્ષી પાસે ત્રણ જ વિદ્યાર્થી છે અને તેમાં તુ નીકળી જઈશ તો બક્ષીનો ક્લાસ વિખાય જશે.’
પેલી છોકરીએ જવાબ વાળ્યો, ‘સાહેબ એ અમને હિસ્ટ્રી નથી ભણાવતા, આત્મકથા ભણાવે છે.’ પછી તો આ જ કોલેજમાં વિનોદ ભટ્ટને લેક્ચર લેવા જવાનું થયું. ભાષણ આપવા માટે ત્યારે માધવસિંહ સોલંકી અને વિનોદ ભટ્ટ સાથે બક્ષીબાબુ બેઠા હતા. બક્ષીની ટેવ કે પ્રવચનમાં છેલ્લે વારો લે. અને પછી એક કલાક બોલે. અગાઉના પ્રવચનકારોએ તેમની ટિકા કરી હોય તો છેલ્લે જોરદાર બેટીંગ કરે. ત્યાં વિનોદ ભટ્ટથી બક્ષી વિશે એક લાઈન આડી બોલાઈ ગઈ. જ્યારે બક્ષીનો વારો આવ્યો તો પ્રવચનની શરૂઆત તેમણે આવી રીતે કરી, ‘હું ઈચ્છું તો અબઘડી આ બંન્નેનો ફેંસલો કરી શકું.’ વિનોદ ભટ્ટે માધવસિંહ સામે જોયું અને બચી ગયા એ મુદ્રામાં શાંત થઈ ગયા.
વિનોદ ભટ્ટે નોંધ્યું છે કે બક્ષી જેવા તેવાને પોતાના દુશ્મન નથી બનાવતા, મિત્ર નહીં પણ દુશ્મન બનાવ્યા એ વિનોદ ભટ્ટ માટે ગર્વની વાત છે. વિનોદજીની દિકરી મોના અને વિનસે પીએચડી માટે પૂછેલું. વિનોદ ભટ્ટે મોનાનો સબ્જેક્ટ કહી દીધો પણ વિનસનો સબ્જેક્ટ સાયકોલોજી હોવાથી તેમણે કહ્યું, ‘તારે કંઈ ઉંડુ ઉતરવાની જરૂર નથી, ચંદ્રકાંત બક્ષી વિશે તું કરી શકે છે, સાઈકોલોજી વિષય માટે તારે તેમને મળવાની પણ જરૂર નથી.’
વિનોદ ભટ્ટને વારંવાર પેલી બક્ષીની કોલેજમાં ભાષણ આપવા માટે જવાનું થતું. અને ત્યાં બક્ષીબાબુનો ભેટો થઈ જતો. એકવાર આમ જ ભાષણ આપવા ગયા અને પ્રશ્નોતરી સેક્શનમાં એક છોકરી પૂછી બેઠી, ‘સર, અમારા બક્ષીબાબુ વિશે તમે શું માનો છો ?’
બક્ષી સામે નજર કરી પછી વિનોદ ભટ્ટ બોલ્યા, ‘બેન મારે તેમના જ ઘરે જમવા જવાનું છે, તું મને ભૂખ્યો રાખવા માંગે છે.’
વિનોદની નજરેમાં બક્ષીનું છપાયું એ પછી બક્ષી પોતાના સ્વભાવ મુજબ બળવા પર ઉતરી આવેલા. ફરી એક પ્રવચનમાં વિનોદ ભટ્ટની ટિકા કરી. જ્યારે જમવા માટે ભેગા થયા ત્યારે વિનોદ ભટ્ટને કહ્યું, ‘કેમ છો વિનોદ બાબુ ?’ વિનોદ ભટ્ટે પૂછ્યું, ‘હમણાં મારી આલોચના કરતા હતાં એ બક્ષી સાચા કે આ બક્ષી સાચા ?’ અને વિનોદને ભેટી પડ્યા.
ચાર પાનાની છેલ્લી લીટીમાં વિનોદ ભટ્ટે સુંદર લખ્યું છે. અત્યારે આપણી પાસે બક્ષી તો શું બક્ષીનો ડુપ્લિકેટ પણ નથી. છે (?) સાહિત્યમાં આવો વધુ કોઈ લવ-હેટ્રેડનો સંબંધ હોય તો મુજ અજ્ઞાનીને અચૂકથી જણાવશો.
~ મયુર ખાવડુ
Leave a Reply