ઉતરાણ અને જીવનમાં ઘણી સામ્યતા છે.
ઉતરાણ માં પતંગ આકાશમાં ચગે છે અને એની દોર પતંગ ચઢાવનારના હાથમાં હોય છે.પતંગ ઊંચે ચઢવા માટે ઘણા પાસા જવાબદાર છે. પતંગ હવામાં રહી શકે એવી જોઈએ, દોરી પાકી જોઈએ, હવા માફકસરની જોઈએ, પતંગ ચઢાવવાનો શોખ જોઈએ અને પતંગ ચઢાવતા આવડવું જોઈએ. આ બધું હોય તો પતંગ તો ચઢે અને દોરી પાક્કી હોય તો કોઈકનો પતંગ અચૂક કપાય પણ આપણા કરતાં પણ બીજાની દોરી વધારે સારી હોય ત્યારે આપણો પતંગ કપાય. ક્યાંક ભરાઈ જાય, કોઈ વચ્ચેથી તોડી લે, હવા પડી જાય ત્યારે પણ પતંગ અને દોરીનું જોખમ.પણ શોખીનો માટે પતંગ ચઢાવવાનો આનંદ અનોખો છે, અવર્ણનીય છે.
જીવનનું પણ આવું જ છે. બધું જ બરાબર હોય, જિંદગીને એના પાટા ઉપરથી ઉતરવાનું કોઈ કારણ ના હોય, લાગે કે સ્ટેશનને હજુ બહુ વાર છે, જિંદગીના સૌંદર્યને માણવાના મૂડ માં હોઈએ, જિંદગીને પામવાની હજુ બાકી હોય, યુવાન હોઈએ, તંદુરસ્ત હોઈએ, જિંદગી આનંદથી જીવવા માટેના બધા પરિબળો પૂરતાં હોય ત્યારે અચાનક, કોઈ જ અણસાર વિના જીવનદોર કપાઈ જાય એવું બને.ત્યારે તમારા નજીકની વ્યક્તિઓ સ્તબ્ધ થઈ જાય, અચંભિત થઈ જાઓ, આક્રંદ અને હૈયાફાટ રુદન કરવા સિવાય કંઈ જ ના કરી શકે. કારણકે જીવનની દોર ઈશ્વરે હંમેશા એમના હાથમાં જ રાખી છે. ક્યારે કોની દોર ઉપર ખેંચવી અને ક્યારેક કોઈ કારણ વગર જ કોઈની જીવનદોર તૂટી જાય અને અકલ્પીત રીતે તમે બાઘા બનીને ઈશ્વરની લીલાને જોયા જ કરો અને રોયા કરો ,એ સિવાય તમે કંઇજ કરી શકો નહીં. જનારને ખબરજ ના હોય કે આવનારી પળે યમરાજનું તેંડુ છે અને એને આવજો કહેવાનો પણ કોઈને મોકો ના મળે, આ છે જીવન, આ છે મૃતય, આ છે શાશ્વત સત્ય.
મારા વ્હાલા દીકરાને પણ ઉતરાણ નો ખુબ શોખ હતો. એની દીકરીને આજે પપ્પા વગર સુનું સુનું લાગે છે. જીગરની જીવનદોર પણ આમ જ કપાઈ ગઈ, હજુ આજે પણ એ વાત માનવા મન તૈયાર નથી કે આવું થાય જ કેમ? શું કારણ? શું વાંક?
ક્યાંક આકાશમાં એ તારો બનીને ટમટમતો હશે અને પતંગની દોરને અને જીવનની દોરને સરખાવતો હશે.
ખૂબ ખૂબ શાંતિમાં હોય એ જીવાત્મા.
~ પ્રફુલ્લા શાહ ‘પ્રસન્ના’
Leave a Reply