એક પ્રવચનમાં લાંબી સફેદ દાઢીવાળા કોઈ સાધુ પોતાના ભક્તોને પ્રાત:કાળે ઉઠવાનું મહત્વ સમજાવી રહ્યા હતા. ભક્તો એકચિતે સાંભળી રહ્યા હતા. સાધુએ કહ્યું, ‘સવારમાં ઉઠીને કોઈ દિવસ ડાબો પગ ધરતી પર ન મુકવો. નહીંતર આખો દિવસ અપશુકનિયાળ પસાર થાય છે.’
સાધુની આ વાત સાંભળીને એક યુવકે નીચે જોયું કે તેનો જમણો પગ તો છે જ નહીં. પગ તો એક માર્ગ અકસ્માતમાં કપાઈ ગયો હતો. તેણે સાધુને કંઈ કહ્યું નહીં. આજુબાજુના બે લોકોએ તેના પર નજર કરી પણ તે હસીને ફરી ભાષણ સાંભળવા લાગ્યો. સાધુએ આગળ ચલાવ્યું, ‘વર્ષની શરુઆતમાં, નહીં ને તમે કોયલને બોલતી તમારા ડાબા કાને પહેલા સાંભળો છો, તો સમજો કે તમારું આખું વર્ષ અપશુકનિયાળ પસાર થશે.’
આ વાત સાંભળ્યા બાદ બીજી હરોળમાં બેઠેલા એક યુવકે પોતાના જમણા કાન પર હાથ ફેરવ્યો. જે બાળપણમાં હોમવર્ક કરીને ન આવતા તેના શિક્ષક દ્રારા મરાયેલી થપ્પડથી કામ નહોતો કરતો. એટલે કે અર્ધો બહેરો હતો.
પ્રવચન પૂર્ણ થયા પછી પેલા સાધુએ સૌ ભક્તજનોને સંબોધીને કહ્યું, ‘આજે આ શહેરમાં મારું પ્રવચન પૂર્ણ થયું. હવે હું એ લોકોને સ્ટેજ પર આમંત્રિત કરવા માગુ છું જેમણે આપના શહેરમાં મારા પ્રવચનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો. કેવું કહેવાય અમે તો એકબીજાને જાણતા પણ નથી.’ ભીડમાંથી જમણા પગે લંગડો અને જમણા કાને બહેરો ઉભા થયા.
વિદેશની ઘણી વેબસાઈટો અને ત્યાંથી હિન્દી અને ગુજરાતીમાં પણ ડાબોડીઓને અપશુકનિયાળમાં ખપાવીને કંઈ કેટલું લખવામાં આવ્યું છે. હાથીને તાવ આવી જાય તેવી વાતોના ઢગલા છે. નકરો અંધવિશ્વાસ.
ઈશ્વરે ડાબોડીનું સર્જન એટલા માટે કર્યું કે જમોણીઓને તકલીફ ન પડે. પરીક્ષામાં કેટલાક ઠોઠ જમોણીઓને બેન્ચ પર ડાબોડીઓનો સથવારો મળી જાય તો મઝા આવી જાય છે. એકબીજાને તેઓ ગઠબંધનરૂપી ટેકો આપે છે. કોઈવાર ડાબોડી અને જમોણી બંન્ને ઠોઠ હોય ત્યારે કોણ કોનામાંથી લખે તે સુપરવાઈઝરને પણ ખબર નથી પડતી.
નિશાળમાં એક બેન્ચ પર ત્રણ વિદ્યાર્થીઓ બેસે ત્યારે તમે નોંધ્યું હશે. સાહેબ લખાવતા હોય તો બેન્ચ બદલવાનો વારો એ વિદ્યાર્થીનો જ આવે જે ડાબોડી હોય. અથવા તો ડાબોડીને બેન્ચના ખૂણામાં ફરજીયાતપણે બેસી લખવું પડે. અન્યથા કોણી વિદ્રોહ ફાટી નીકળે. આ સિવાય કોઈ વિકલ્પ નથી.
એક નવી શાળાનું ઉદ્ધાટન થવાનું હતું. આ માટે ટ્રસ્ટીએ દરેક ધોરણ માટે પચાસ બેન્ચો મંગાવી હતી. જેના પર બેસી જમોણી વિદ્યાર્થીઓ જ લખી શકે. બન્યું એવું કે એ વર્ષે પહેલા ધોરણમાં જ સતર ડાબોડી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. હવે જો તેઓ સાતમાં ધોરણ સુધી ભણે તો પણ બધી બેન્ચો બદલવી પડે અને બેન્ચો પહેલાથી બદલે અને વિદ્યાર્થીઓ સ્કૂલ બદલી નાખે તોપણ બેન્ચનો ખર્ચો તો માથે જ પડે. (નીચેની તસવીર)
ડાબોડીઓ તમને જીવનભર યાદ રહેશે, કારણ કે તેઓ લઘુમતીમાં આવે છે. જમોણીઓ બારેમાસ જેવા હોય છે. સંસ્કૃતમાં ધોરણ આઠમાં એક સુભાષિત પણ આવતો જેનું ગુજરાતી કંઇક એવું થતું કે લોકો જમણા હાથે લખે છે ડાબા હાથે નથી લખતા. जना: वामेन हस्ते…
અમેરિકામાં કોઈ નવા નવા માતા-પિતા બને અને તેમનો પુત્ર કે પુત્રી ડાબોડી હોય તો તુરંત તેઓ પાડોશમાં એ વાત ફેલાવી દેતા હોવા જોઈએ કે અમારે ત્યાં તો ભાવી પ્રેસિડેન્ટ પધાર્યા છે. આ તો રમૂજના ભાગરૂપે કહ્યું. બાકી અમેરિકાનાં ઘણા પ્રમુખો ડાબોડી હતા. ટ્રમ્પ જમોણી છે પણ ઓબામા ડાબોડી હતા એટલે સુવ્યવસ્થિત શાસન ચલાવી શક્યા આવી પણ એક થીયરી રાજકારણનાં રણમેદાનમાં ચાલતી હતી.
વિશ્વ ડાબોડી દિવસ રવિવારે કે બુધવારે આવે છે ત્યારે છાપાવાળાઓ ભરી ભરીને લખે છે. જમોણીઓને સલાહ પણ આપે છે કે ડાબા હાથે કામ કરશો તો મગજના બંન્ને ભાગ સક્રિય રહે છે. આવું વાંચનારા ઘણા વાંચકોના પોતાના મગજ પણ સક્રિય નથી હોતા. ચિંતા કરવાની જરુર નથી. જો તમે આવો લેખ વાંચ્યો છે તો ખુશ થાઓ, કારણ કે આ લખનારે પણ વાંચ્યો છે.
ડાબો હાથ બધી જગ્યાએ વગોવાયેલો છે. રામાનંદ સાગરની મહાભારતમાં જે અભિનેતા ભીમ બનેલો તે ડાબોડી હતો. દર્શકને તેનો પ્રહાર સટીક લાગતો, કારણ કે દુર્યોધન જમણી બાજુથી ફટકાર લગાવે તો ભીમને ડાબી બાજુ મારવાની મોકળાશ મળી જાય.
સફારી મેગેઝિને પણ પોતાના એક અંકમાં ક્રિકેટ અંગેનું વૈજ્ઞાનિક તારણ કાઢતા લખેલું કે જમોણીઓને સિક્સ ફટકારવામાં મહેનત કરવી પડે છે. ખૂબ તાકાત લગાવવી પડે છે. જેની તુલનાએ ડાબોડીઓ એ કામ સરળતાથી કરી લે છે. ઘણા ક્રિકેટરો આ કારણે જ ડાબોડી રમવાનું પસંદ કરે છે, પણ ક્રિકેટનો ઈતિહાસ બોલે છે કે ડાબોડી બેટ્સમેનો જેટલા સફળ નિવડ્યા છે તેટલા જથ્થાબંધ બોલરો સફળ નથી ગયા. તેમને ખૂબ પીટવામાં આવ્યા છે. પોપટ અને પોલબીર નામના કન્યા રાશિધારી વિહંગ/જાનવરો પણ ડાબોડી જ હોય છે. જેનાથી એમને કંઈ ફર્ક નથી પડતો.
રાજકારણમાં પણ લેફ્ટ વીંગની જેટલી ચર્ચા કરવામાં આવે છે તેટલી રાઈટ વીંગની ચર્ચા કરવામાં નથી આવતી. ‘જમણેરીઓ’ એવું બોલવામાં જીભને પણ સારું નથી લાગતું જેટલું ડાબેરીઓ બોલવામાં સારું લાગે છે. ડાબેરીઓના નેતાઓ ખ્યાતિ પ્રાપ્ત છે, કારણ કે તેમની સંખ્યા ઓછી છે. ક્લાસમાં કે ઓફિસમાં જેમ ડાબોડી તુરંત અલગ તરી આવે તેવું જ ડાબેરીઓનું રાજકારણમાં પણ છે. ચે ગુએરા, ફિડેલ ક્રાસ્ટો…
હવે જમણેરીઓ એમ વિચારતા હશે કે આ લેખ તો અમારા પર ટીકા કરતો છે. તો કહી દઉં કે ડાબોડીઓ પર પહેલા ખૂબ અત્યાચાર થતો. ઘણા ડાબોડીઓએ માતા પિતાના હાથનો માર પણ ખાધેલો જ હશે. એ ડાબોડી હોય એ વાતની ભનક માતા-પિતાને પડે એટલે હાથ પર ટપલી દાવ શરૂ થઈ જાય. તેના હાથ પર ખૂબ માર પડે. કેટલાક લોકો આ કારણે જ લખતા જમણે હાથે અને કામ ડાબે હાથે કરતા હશે, તો કેટલાક કામ ડાબે હાથે અને લખતા જમણા હાથે હોય છે. ક્રિકેટમાં આ વિષયનું ઉત્તમ ઉદાહરણ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક છે.
અમે નવા નવા N.C.Cમાં લાગેલા ત્યારે ડાએ અને બાએની પ્રેક્ટિસમાં બાએ એટલે કે ડાબી બાજુ ભૂલી જતા હતા. એક તો હિન્દીમાં સમજવામાં તકલીફ પડતી ઉપરથી ડાયે-બાયેમાં ડોગરાનાં હાથનો માર ખાવો પડતો હતો. આખી બટાલીયનમાં એક ડાબોડી હોય તો એ તુરંત કરી લેતો, પણ અમારી ભૂલનાં કારણે માર તો તેને પણ ખાવો જ પડતો હતો.
ભૂતકાળમાં ઘણી ડિટેક્ટીવ સિરીયલો આપણા આશ્ચર્ય અને જોવાનું કારણ એ રીતે પણ બનેલી કે તેનો ખૂની ડાબોડી હોય છે. તેણે જે તે વ્યક્તિને શરીરની જમણી બાજુ ચાકુ માર્યું હોય છે. જેથી હરખાતો ડિટેક્ટિવ બોલે, ‘ખૂની બાએ હાથ કા હૈ.’
આપણી ગુજરાતી વેબસાઈટો હિન્દીમાંથી અને હિન્દી વેબસાઈટો અંગ્રેજીમાંથી અનુવાદ કરી લખે છે કે ડાબોડીઓ હોશિયાર હોય છે. ઘણા લખે છે ડાબોડીઓ અપશુકનિયાળ હોય છે. ડાબી બાજુ અને અપશુકન વિશે ઉપર ટચૂકડી કથા લખેલી જ છે. જો ડાબોડીઓ સાચેક કેટલાક લોકો માટે અપશુકનિયાળ હોય તો આવનારું વર્ષ ખૂબ ખતરનાક રહેવાનું છે. 13 તારીખ હશે. શુક્રવાર પણ હશે. ‘Friday The Thirteen.’ અને એ પણ ડાબોડીઓના તહેવાર સાથે.
~ મયૂર ખાવડુ
Leave a Reply