એક વેબસાઇટ પર લખેલું હતું કે બાળકોના નામ રાખતા સમયે આ આઠ ભૂલો ન કરો. જેનાથી બાળકોને ભવિષ્યમાં તકલીફ પડે. ભારતમાં તો કોઇપણ છોકરાનું નામ પાડો એટલે તેને બગાડવા વાળાની ફોજ તૈયાર જ હોય. જેમ કે હમણાં હમણાં એક નામ ચર્ચામાં છે. કુમાર….
મારા મનપંસદ છિછાલેદાર પેજ પર મસ્ત પોસ્ટ હતી, ‘કેવો જમાનો આવ્યો છે. બે વખત લગ્ન કર્યા તેને ‘’કુમાર’’ તરીકે ઓળખવામાં આવે છે.’ હજુ ગઇ કાલે જ કુમાર સ્વામીની પત્નીનો બાયોડેટા તપાસ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કુમાર તો કુમાર જ છે. કુમારસ્વામીની બીજી પત્ની ઘોડીયામાં હતી ત્યારે તેમણે પહેલા વેવિશાળ કરેલા હતા. અને બીજી પત્નીએ તેમની યોગ્યતાને સાચી ઠેરવતા 9 નાપાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. પણ મેટ્રીક પાસ કરી કે ન કરી તેનાથી તેની ખૂબસુરતીમાં કોઇ ફર્ક નથી આવ્યો.
ઘરના જમાઇને કુમાર તરીકે ઓળખવામાં આવે. કુમાર આવ્યા… આ બોલતા સામેવાળાને જે મઝા અને જમાઇરાજાને જે ઘા લાગે તેનું વર્ણન તો અહીં શક્ય જ નથી. ઘણા પરિવારમાં તો પ્રચલિત માન્યતા પ્રમાણે કુમાર સિતેર વર્ષની આયુએ પહોંચે તો પણ કુમારના હુલામણા નામે જ ઓળખાય.
ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચૈન્નઇ, કર્ણાટકા, તમિલનાડુ જેવા રાજ્યોમાં આઠમી સદીમાં કુમાર નામ બોલાતું હતું. મૂળ સંસ્કૃત ભાષામાંથી તેનો ઉદ્દભવ થયો. આપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે ચાર કુમાર હતા. સનક, સનાતન, સનાનંદ અને સનદ. મહાપુરાણના નામે ઓળખાતું સ્કંદ પૂરાણ, જેમાં કાર્તિકેયની લીલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં કાર્તિકેયને પણ કુમાર તરીકે જ ઓળખવામાં આવે છે.
2014માં સર્વે થયેલો ત્યારે એક ચોંકાવનારૂ તથ્ય બહાર આવ્યું હતું. ભારતના 94 ટકા લોકોની સરનેમ કુમાર છે. તેનું કારણ ખબર છે ? ભારતમાં પુત્ર જન્મ થાય એટલે તેના નામ પાછળ લખવામાં આવે, મયૂર કુમાર જગદીશભાઇ ચૌહાણ… એમાં ઘણા કુમારને અટક બનાવી દસમાના ફોર્મમાં લખી નાખે. પછી બધી જગ્યાએ ફોર્મ ભરતી વેળાએ એક ધમકી ઉચ્ચારવામાં આવેલી હોય, દસમાની માર્કશીટમાં જે નામ લખ્યું તે પ્રમાણે જ લખો. પછી લખાઇ પ્રમોદ કુમાર હરજીવનદાસ વાઘેલા. આમ ઘણાએ પોતાની મૂળ અટકની બાદબાકી કરી નાખી અને પાછળ રહી ગયું તે કુમાર.
હિન્દી સિનેમામાં ત્યારે કપૂર ખાનદાનનો દબદબો હતો. કપૂર સામે કોઇ ન ટકે. એટલે તેમની વિરૂદ્ધ એક પક્ષ ઉભો થયો જેનું નામ કુમાર. રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર અને હજુ ચાલ્યો આવતો રાજીવ ભાટીયા ઉર્ફે અક્ષય કુમાર.
ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તો શ્રેયસ તલપડે ડાઇલોગ બોલે છે, તારી સરનેમ બરાબર નથી, તું એક કામ કર તારા નામ પાછળ કપૂર કે કુમાર લગાવ અને આવનારા જન્મમાં શાહરૂખ ખાન કપૂર સરનેમ સાથે જન્મે છે. જેનાથી પેલા મનોજ કુમારને માઠુ લાગ્યું હોવુ જોઇએ. બાકી હાથ આડો રાખવો તે તો સ્વતંત્ર ભારતનો અધિકાર છે. તેમને તો એક્ટિંગ ન આવડતી એટલે હાથ આડો રાખતા હતા.
સંસ્કૃતનું નાટક કુમારસંભવ, ગુપ્ત યુગનો કુમારગુપ્ત. કુમારગુપ્ત તો એટલો ફેમસ થયેલો કે બાદમાં કુમારગુપ્ત દ્રિતીય અને તૃતીય પણ આવેલા. ત્યારે એવી અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી કે, જે રાજા ખૂબ પ્રતિષ્ઠિત થયો હોય, રાજાએ વૈભવ મેળવ્યો હોય તેના નામને રાખવાથી ફરી એ જ સુવર્ણયુગની શરૂઆત થાય છે. પણ અકબર બીજા ત્રીજા કે ઝાર ચોથા પાંચમા કે બીજાને જોતા ચોક્કસથી ખ્યાલ આવી જાય કે તેઓ ઇતિહાસના અભ્યાસુ નહીં હોય.
બાકી મારાથી પણ નહોતું રહેવાયુ એટલે પ્રતિલીપી પર મેં કુમારની અગાશી નામની મેમોરી લખી નાખેલી. જે મધુરાયની જ કુમારની અગાશી ટાઇટલ પરથી પ્રેરિત હતી.
~ મયૂર ખાવડુ
Leave a Reply