રાઠોડની ગાડી ચોકમાં પંહોચી એ પહેલા જ પોલીસ ફોર્સ ચોકમાં મદદ માટે પંહોચી ચુક્યું હતું. પણ તેમની પાસે આદેશ છોડી શકે તેવા અધિકારી કક્ષાના આદમીની કમી હતી, અને એ ફરજ રાઠોડે નીભાવવાની હતી, અને માટે જ એક કોન્સ્ટેબલે જેવી રાઠોડની ગાડી જોઈ કે તરત જ તેને બોલાવવા ધસી આવ્યો હતો.
થોડીક જ ક્ષણ પહેલા રાઠોડની આંખો મઝહબીના એ છેલ્લા શબ્દો વાંચ્યા બાદ ભીંજાયેલી જોવા મળી હતી, અને પછી તરત જ બેકાબુ બનતી ભીડને જોઈ તેની આંખોમાં લોહી તરી આવ્યું હતું.
તેણે નીચે ઉતરીને કાગળ જીપમાં અંદર બેઠા દેસાઈને સોંપ્યો, અને પિસ્તોલ પર હાથમાં મુકતાં કહ્યું, કે ‘જે પહેલા થયું એ હવે નહિ થાય’, દેસાઈને એનો અર્થ ન સમજાયો…, પણ ત્યારબાદ રાઠોડ બોલ્યો હતો કે ‘એ મઝહબી અને ધરમની આખરી ઈચ્છા પૂરી કરાવીને જ જંપશે…!’ હવે રાઠોડના એ વાક્યનો સંદર્ભ દેસાઈને એ કાગળમાંથી મળવાનો હતો, માટે તેણે એ કાગળ વાંચવો જ રહ્યો !
એ જ દરમ્યાન બેકાબુ બનતી ભીડ તરફથી ત્રણ ચાર પથ્થર પોલીસ જીપ પર ઉછડ્યા હતા, અને એ જોઈ રાઠોડનો પિત્તો છટક્યો હતો. દેસાઈ રાઠોડને શાંતિથી, ગુસ્સા વીના કામ લેવાની સલાહ સૂચનો આપે એ પહેલા જ રાઠોડ ભીડ તરફ ધસ્યો હતો !
જેમ કૃષ્ણ જન્મ બાદ નદીએ બે ફાંટે વહેચાઈને રસ્તો કરી આપ્યો હતો, એમ જ કોન્સ્ટેબ્લ્સએ રાઠોડને જોઈ ભીડને ધક્કા મારીને સહેજ રસ્તા જેવું કરી આપ્યું હતું. રાઠોડે સૌથી પહેલા જીપગાડી આગળ પ્રોટેક્શન ગોઠવવાનું કહ્યું, અને ત્યારબાદ ભીડને શાંત કરવાની કોશિશોમાં પડ્યો.
પણ ઠેર ઠેરથી ચીચીયારીઓ, જોર જોરથી બોલાતા ધાર્મિક નારાઓ, એકબીજાના ધર્મનિ નીચા બતાવવા લગાવવામાં આવતા નારાઓ, અને એકબીજાને કાપી નાખવાની ધમકીઓ સુધીની વાતો એ ચોકમાં ઉઠતી હતી. અને ભીડના એ ભંયકર અવાજમાં રાઠોડને કદાચ પોતાનો અવાજ પણ સંભળાતો ન હતો… અને આખરે એણે ગુસ્સામાં આવી પોતાની પિસ્તોલ હાથમાં લીધી અને ધડાધડ બે બુલેટનો હવામાં ફાયર કર્યો…!
એ જોઈ જીપમાં બેસીને કાગળ વાંચી રહેલ દેસાઈ ચમક્યો, તેને તો એમ જ લાગ્યું કે ગુસ્સામાં આવીને રાઠોડે ભીડ પર જ ફાયર કર્યું હશે, પણ એ ફાયર એક ચેતવણી સ્વરૂપે હવામાં કરવામાં આવ્યું હતું.
ઘડીભર ભીડમાં સોંપો પડી ગયો, અને થોડાક લોકોએ દોડાદોડી પણ કરી મૂકી. પણ એ ચેતવણી સ્વરૂપના ફાયર બાદ રાઠોડમાં ઔર કોન્ફિડન્સ વધ્યો. તે રીતસરનો તાડૂક્યો,
“ખબરદાર, જો કોઈએ એક ઇંચ પણ આગળ વધવાનું સાહસ કર્યું છે… તરત જ આ આખી ફોર્સને ‘ફાયર’ ના ઓર્ડર છોડવામાં આવશે, અને જ્યાં છો ત્યાં જ ભૂંજાઈ જશો…!”
“અરે તમે પોલીસ છો કે હેવાન ! તમારું કામ રક્ષણનું છે કે ભક્ષણ નું…?”, ભીડના એક ખૂણેથી અવાજ ઉઠ્યો.
“રક્ષણ અને ભક્ષણ બંને…! જ્યાં જેની જરૂર પડે ત્યાં તે કામ કરવું એ અમારી ફરજ છે…!”, રાઠોડે અટ્ટહાસ્ય કરતા કહ્યું.
“તમારી ડ્યુટી સ્ટેશનમાં છે, ત્યાં જાઓ… અને અમને અમારું કામ કરવા દો…!”, બીજી તરફના ભીડમાંથી અવાજ આવ્યો, અને એ સાથે ફરીથી ચિચિયારીઓ અને નારાઓ ઉઠવા માંડ્યા.
રાઠોડે ફરી હાથ હવામાં ઉપર કર્યો, પણ ફાયર કરવાની જરૂર ન પડી. થોડોક ગણગણાટ કરતા ભીડ જાતે જ શાંત થઇ ગઈ.
“હું પણ મારું કામ જ કરી રહ્યો છું…”
“શું જોઈએ છે તારે…?”, હિન્દુ ટોળામાંથી એક આગેવાને આગળ આવીને પૂછ્યું.
“મારે વાત કરવી છે, આ બંને ટોળાના આગેવાનો સાથે…!”
“આ સમય વાત કરવાનો નહિ… કંઇક કરી બતાવવાનો છે, આ લોકોને તો એવી મોત આપીશું કે એમની આવનારી સાત પેઢીઓ યાદ રાખશે….!”, સામેની ભીડમાંથી એક જણે આગળ આવતા કહ્યું.
“હોલ્ડ ઓન… હોલ્ડ ઓન…”, રાઠોડ બોલ્યો, “… આપણે કંઇક વચ્ચેનો રસ્તો નીકાળી શકીએ તેમ હોઈએ પછી આ બધાની શું જરૂર છે…!”, કહેતા તેણે આંખનું પોપચું સહેજ નમાવ્યું.
“એટલે..? શું કરવાનું છે..?”, આગળ આવેલા માંથી એક જણે પૂછ્યું.
“કંઈ નહી… બસ મારે તમારા બંને ગ્રુપના આગેવાનો સાથે થોડી વાત કરવાની છે બસ…!”
રાઠોડની વાત સાંભળી બંને જૂથ મુંજાવા માંડ્યા, આવા સમયમાં ભીડએ પોલીસ સાથે કંઇક તોડ પડ્યો હોય એવા તો કેટલાય કિસ્સા તેમણે સાંભળ્યા, જોયા હતા… પણ રાઠોડ તો ખુદ પોલીસ હોવા છતાં તોડ પડવાની વાત કરી રહ્યો હતો !
આખરે થોડાક વિચારવિમર્શ બાદ બંને ટોળામાંથી એક એક સભ્યને આગળ મોકલવામાં આવ્યા, અને એ બંને રાઠોડ પાછળ ચાલતા જીપગાડી નજીક પંહોચ્યા.
ગાડી નજીક પંહોચતાં જ રાઠોડે ગાડી પાસે ઉભા કોન્સ્ટેબલોને આંખથી ઈશારો કર્યો, અને તરત જ તેઓ એકશનમાં આવ્યા અને એ બંને આગેવાનોને પકડી પાડીને ઉભા રહી ગયા, એક કોન્સ્ટેબલે એકની છાતી પર રાયફલની નળી ટકાવી, અને રાઠોડે પોતે બીજા આગેવાનના માથા પર પોતાની પિસ્તોલ તાંકી !
લગભગ બે જ સેકન્ડમાં એ આખી ઘટના સર્જાઈ હતી, અને એ જોઈ ભીડ બેકાબુ બની બુમાબુમ પાડવા માંડી હતી, અને હથીયારો ઉગામતા રાઠોડ તરફ ધસી રહી હતી… પણ સૌના આશ્ચર્ય વચ્ચે હજી પણ પોલીસ ફોર્સ તેમને આબાદ રીતે ભીડને અટકાવીને ઉભી હતી ! અને હવે તેમના આગેવાનો રાઠોડના કબજે હતા, માટે તેઓ વધારે કોઈ એક્શન એમ પણ લઇ શકવાના ન હતા…!
“રાઠોડ આ ગદ્દારી છે…!”, રાઠોડે જે વ્યક્તિ પર પિસ્તોલ તાંકી રાખેલ એ બોલ્યો…, બાજુમાં રાયફલની અણી પર ઉભેલના તો ધબકાર જ બંધ થઇ ચુક્યા હોય એમ એ રાઠોડને જોઈ રહ્યો હતો.
“આ ગદ્દારી નહી, રણનીતિ છે દોસ્ત…!”, રાઠોડ હસતા હસતા બોલ્યો.
“આ કેવી રણનીતિ રાઠોડ…? તું એ ન ભૂલીશ કે તું પોતાના જ લોકો પર બંદુક તાકીને ઉભો છું…!”, એ ફરી રોષમાં આવીને બોલ્યો.
“અરે હટ…! શું અમારા લોકોને, તમારા લોકો… હું હમણાં નથી હિન્દુ, કે નથી મુસ્લિમ ! હું હમણાં પબ્લિક સર્વન્ટ છું… અને મારી ડ્યુટીના ભાગરૂપે મારે ગમે તેને શૂટ કરવાનું થશે, તો હું એક સેકન્ડ પણ નહી ખચકાઉં…!”
“… અને તને લાગે છે તું અમને – નિર્દોષ વ્યક્તીઓને – શૂટ કરીશ, અને આ ભીડ તમાશો જોતી ઉભી રેહશે…!?” તેણે ધમકી આપતા કહ્યું.
રાઠોડ ફરી હસ્યો અને બોલ્યો,
“આ ભીડ…? તું આ મને આ ભીડની ધમકી આપે છે….!? તમારી આ ભાડુતી પ્યાદાઓની ભીડ એ માત્ર બે પાંચ ટીયર ગેસના હુમલાની ઘરાક છે… તરત જ ઉભી પુંછડીએ ભાગવા મંડશે…! અને રહી વાત તમારા બંનેની…! તો પોતાને નિર્દોષ વ્યક્તિમાં ગણવાની ભૂલ ક્યારેય ન કરતા, તમે આ ભીડને બહેકાવવાનો ગુનો તો કર્યો જ છે, અને એ ઉપરાંત પણ તમારી આખી કુંડલી મારા હાથમાં આવતા વાર નહિ લાગે !
અને રહી વાત શૂટ કરવાની… તો એ તો હું હમણાં પણ કરી શકું છું…! આ સામે જેટલા પણ કોન્સ્ટેબલ દેખાય છે ને, એ બધા જ તેના સાહેબ માટે કોર્ટમાં ગવાહી આપવા પણ તૈયાર થઇ જશે, કે રાઠોડ સાહેબે સેલ્ફ ડિફેન્સમાં ગોળીબાર કર્યો, અને બંને ઈસમો માર્યા ગયા…!”
રાઠોડની વાત સાંભળી બંને જણ થડકી ઉઠ્યા, અને જે બંને લોકો થોડીક વાર પહેલા એકબીજાના દુશ્મન બનીને ઉભા હતા, તેમને હમણાં એકમાત્ર રાઠોડ તેમનો દુશ્મન લાગી રહ્યો હતો !
“તારે શું જોઈએ છે…?”, રાયફલની અણી પર ઉભેલ ઇસમે રાયફલ પકડતા કહ્યું, અને એ જોઈ રાઠોડે એને ઈશારો કરતા કહ્યું, “કોઈ હોંશિયારી નહી… નહિતર કોન્સ્ટેબલને માત્ર આંગળી હલાવવાની જરુ છે… અહીં ધડાકો થયો અને ગોળી તારા હૃદયની આરપાર…!”
“… અને રહી વાત, કે મારે શું જોઈએ છે…! તો મારે કંઈ નથી જોઈતું, મારે તો હજી પણ વાત કરીને જ સમાધાન કરવું છે… અલબત્ત મારે તમને કંઇક બતાવવું છે..!”, કહેતાં રાઠોડે અન્ય એક કોન્સ્ટેબલને ત્યાં ગોઠવ્યો અને પોતે જીપગાડીમાં બેઠા દેસાઈ તરફ આગળ વધ્યો.
આ સમગ્ર ઘટના ઘટી ત્યાં સુધીમાં દેસાઈ આખો કાગળ વાંચી ચુક્યો હતો, અને હવે શું કરી શકાય એના મનોમંથનમાં પડ્યો હતો.
“રાઠોડ… આ કાગળ…?”, તેણે નજીક આવેલા રાઠોડને પૂછ્યું.
“એ મેં વાંચ્યો દેસાઈ…! અને હમણાં એ મને આપ, મારે આ લોકોને એ કાગળ વંચાવવો છે…!”, કહેતાં તેણે એ કાગળ આંચકી લીધો, અને ફરી ગાડીની આગળ તરફ ચાલ્યો. અને તરત દેસાઈ પણ તેની પાછળ ઉતર્યો. અને એજ સમયે ગીરધર સ્ટેશનથી પાછો આવ્યો હતો, અને બંનેની સાથે કામગીરીમાં જોડાયો હતો.
“તમે બંને ધર્મના લોકો જેની માટે લડી રહ્યા છો, તેમને એક પણ વાર પૂછ્યું ખરી કે એ બંનેને શું જોઈતું હતું…!?”, રાઠોડે એ બંને આગેવાનોને પૂછ્યું.
“એમાં પૂછવાનું શું હોય, આમના ધર્મના છોકરાએ અમારા ધર્મની છોકરીને ભગાવી…!”
“અરે એણે ભગાવી તો ભગાવી, આમની મઝહબીએ તો એનું મર્ડર પણ કરી નાખ્યું એનું શું…!”
“મર્ડર કોણે કર્યું એ તો હવે બતાવીશું તમને…! અહીં ચોકમાંથી એક પણ જીવતો કેમનો જાય છે એ હું પણ જોઉં છું…!”, અને ફરી સામસામે દલીલો ચાલી.
રાઠોડે પોતાની પિસ્તોલ પર પકડ જમાવી અને તેમની સામે ધરી. થુંક ગળતા હોય એમ બંને શાંત થઇ ઉભા રહી ગયા,
“પતી ગઈ તમારી બકવાસ…? તો હું જે આપુ એ વાંચો…”, કહેતાં તેણે કાગળ તેમની તરફ આગળ કર્યો, પણ એ પહેલા દેસાઈએ એનો હાથ પકડીને રાઠોડને સાઈડ પર લઇ ગયો.
“હેવ યુ લોસ્ટ ઈટ રાઠોડ…? તું એમને આ આખો કાગળ વાંચવા આપીશ…?”, દેસાઈએ આશ્ચર્ય ઠાલવતા પૂછ્યું.
“અરે તો એમાં વાંધો શું છે…!”
“નથી…? કોઈ વાંધો નથી…!? અરે એમાં આખા કેસની વિગતો છે, અને એનાથી એ પણ ખબર પડી જશે કે આ કેસમાં તે જાતે કેટલી મોટી ઘીંસ ખાધી હતી, અને પછી શું તને લાગે છે આ લોકો તારી વાત માનશે…!? આ સમય સમજી વિચારીને ડગ ભરવાનું છે રાઠોડ, હમણાં થોડીક કપટનીતિ કે રાજનીતિ કરવી પડે તો પણ કરજે…!”
“મતલબ…?”
“મતલબ એમ કે, તારે એમને કાગળ વંચાવવો જ હોય તો અડધો વંચાવ, લગભગ છેલ્લા શબ્દો જે છે એ, આગળની કેસની વિગતો આમ પબ્લિકમાં મુકવી જરૂરી નથી…!”, રાઠોડને પણ દેસાઈની વાતમાં તથ્ય લાગ્યું, જો હમણાં રાઠોડને આ ભીડને પાછી વાળવી હોય તો તેની ઈમેજ ખરડાય એ ન જ પોસાય ! અને પછી વાત મનાવવી તો દુર, પણ વાત મુકવી પણ રાઠોડ માટે કપરી થઇ પડે.
તેણે ખુબીથી કાગળની ગડીઓ વાળી, જેથી માત્ર મઝહબીના થોડાક છેલ્લા કટાક્ષ તેમજ તેની છેલ્લી ઈચ્છા જ વાંચી શકાય ! અને એણે બંને આગેવાનોને એ વંચાવ્યું ! રાઠોડે બખૂબીથી પોતાનું કામ કર્યું હતું, એ સમજતો હતો કે જો આખી ઈમારતને તોડી પાડવી હોય તો તેના પાયા પર હુમલો કરવો એ જ ચતુરાઈ છે, માટે જ એણે બુદ્ધિ વાપરીને બંને કોમના આગેવાનોને જેર કર્યા હતા.
પત્ર વાંચ્યા બાદ બંને પર તેમની અસર દેખાતી હતી ! કારણ જે વ્યક્તિઓ માટે એ લડી રહ્યા હતા, એ પોતે જ હવે આ દુનિયામાં નહોતા, અને હવે એમના નામ પર લડી મરવું એ સાવ મુર્ખામી જેવી જ વાત હતી !
તેમણે રાઠોડ પાસે વિચારવા માટે નો સમય માંગ્યો, અને પોતાની ટોળીઓ નજીક સર્યા. પણ રાઠોડ પણ ચાલાક ઓફિસર હતો, તેણે તેમના પડખામાં રાયફલો ખૂંપાવીને તેમની ટોળીઓ નજીક મોકલ્યા !
લગભગ દસેક મીનીટના વિચારવિમર્શ બાદ સમાધાન થયું અને બંને ટોળીઓ પાછી ફરવા રાજી થઇ ! પણ જેમ થોડાક માથાફરેલ લોકો બધે હાજર હોય જ, એમ અહીં પણ થોડાક હતા ! જેમણે પથ્થર મારો, અને હો હા કરી મૂકી અને ના છુટકે રાઠોડને એક્શન લેવા બે ટીયર ગેસ ફોડવા પડ્યા. ભીડમાં ભાગમભાગ મચી ગઈ, પણ બંને આગેવાનોના આદેશ હતા કે કોઈ અટેક નહી કરે, અને માટે જ થોડીક નાસભાગ બાદ ભીડ વિખેરાવા માંડી !
***
માહોલમાં શાંતિ છવાયા બાદ રાઠોડે પોતાના ઉપરીને અહેવાલ આપ્યો, અને મઝહબી અને ધરમના ઘર નજીક પોલીસ પ્રોટેક્શન આપવાની વાત કરી. આ ઉપરાંત તેણે જે ઝડપે આ કેસ સોલ્વ કર્યો હતો એનાથી પ્રભાવિત થઇ તેના ઉપરીએ તેને અભિનંદન આપ્યા, અને CMના આગામી કાર્યક્રમમાં તેને એક ચંદ્રક અપાવવાની ભલામણ કરવા પણ કહ્યું હતું.
***
ચોક પરની કામગીરી પતાવ્યા બાદ તે તરત હોસ્પિટલ પંહોચ્યો. હોસ્પીટલમાં મઝહબી અને ધરમના પરિવારે હૈયાફાટ આક્રંદ માંડ્યું હતું. બંનેના સ્ટ્રેચર પાસપાસે ગોઠવવામાં આવ્યા હતા, અને તેની ફરતે તેમના સ્વજનો ઉભા હતા.
રાઠોડ તેમની નજીક ગયો, અને મઝહબીની નોટમાં લખેલ ઈચ્છા વિષે વાત કરી. અને એના આશ્ચર્ય વચ્ચે બંને પરિવાર કોઈ પણ દલીલ વિના રાજી થયા…! ‘કાશ, આ લોકોએ પહેલા આવી રજામંદી બતાવી હોત…!’, રાઠોડે મનોમન કહેતાં નિસાસો નાંખ્યો.
દેસાઈ અને રાઠોડે પેપરવર્કની કામગીરી પતાવી અને બંનેના શબ કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઇ જવામાં આવ્યા. દેસાઈ, રાઠોડ અને તેનો સ્ટાફ પણ તેમાં સામેલ થયો. અને સૌથી મોટું આશ્ચર્ય તો ગામ લોકોએ આપ્યું, જે ચોકમાં ટોળા વિખેરાયા હતા એ બધા જ હમણાં તેમની દફનવિધિમાં શોક વ્યક્ત કરતા હાજરી આપવા આવ્યા હતાં !
બેશક મઝહબી અને ધરમનું પ્રેમ પ્રકરણ નિષ્ફળ રહ્યું હતું, પણ ગ્રામજનોમાં વિરુધ ધર્મના લોકો પ્રત્યેની વેરભાવનામાં કંઇક અંશે ઓટ આવી હતી, અને એ જ આ પ્રેમ પ્રકરણની સફળતા હતી !
***
રાઠોડ ઘરે આવ્યો, અને લસ્ત થઇ પલંગ પર પડ્યો. એટલા બધા શરીરક અને માનસિક થાક બાદ પણ એને એની ડાયરી સાંભરી, અને એ ડાયરી ખોલી સ્ટડી ટેબલ પર ગોઠવાયો. એ ડાયરી એ રીતે લખતો જાણે કે એ ડાયરી એક જીવંત વ્યક્તિ ન હોય ! એણે લખવાનું શરુ કર્યું,
“ડીયર ડાયરી…
આજે ઘણા દિવસો પછી તને મળી રહ્યો છું. કારણકે સ્ટેશનમાં કામ કંઇક વધારે પડતું રહે છે. અને આજે એક ગુડ ન્યુઝ શેર કરવા આવ્યો છું. હા, એક વધુ ચંદ્રક મળવાનો છે !
પણ આ વખતે કંઇક ખૂંચી રહ્યું છે, આ ચંદ્રકએ કદાચ મઝહબી અને ધરમએ મારી રૂઢીચુસ્તતા પર મારેલો તમાચો હોય એમ લાગી રહ્યું છે ! હું આવો કેમ છું એની તને તો ખબર જ છે, આખરે તે મને બદલાતો જોયો છે… એ છોકરી, મઝહબી… એણે કાગળમાં લખ્યું હતું, કે એની વાત સમજવા પ્રેમમાં પડવું જરૂરી છે…! અને તું ક્યાં મારા અતીતથી વાકેફ નથી… પ્રેમ તો મેં પણ કર્યો હતો, મારી ઝાયરાને…! અને આજે જયારે એ હયાત નથી ત્યારે પણ મને તેના પ્રત્યે એટલો જ પ્રેમ છે, અને હંમેશા રેહશે !
અમે પણ પ્રેમ કર્યો હતો, ભાગવાની ગુસ્તાખી પણ કરી હતી… પણ અંજામ બદથી બદ્દ્તર આવ્યું, તેની જ કોમના લોકોએ પોલીસને વચ્ચે પાડ્યા વિના જ તેનું કાસળ કાઢી નાખ્યું…!
ત્યાર બાદ બસ ભણવું, અને પછી જોબ, બસ એમાં જ મેં મારી જિંદગી આપી દીધી, ન ફરી પ્રેમ કર્યો, ન કોઈ ગુસ્તાખી ! અને પોતાના અતીતના એ પાનાંનો સહેજ પણ ઉઘાડ, તો ક્યારેય કોઈ સમક્ષ નથી કર્યો, અને કદાચ ક્યારેય કરું પણ નહિ !
ઝાયરાના મોતના કારણે જ હું આવો થઇ ગયો હતો તેમ કહું તો પણ હું ખોટો નથી જ… કારણકે એક લેવલ સુધી તમે તમારી લાગણી સંગ્રહી રાખો ત્યાર બાદ તમે કાં તો તમે એને તાબે થઇ જાઓ છો, અથવા તો અનાયસે જ એનો પ્રતિકાર કરવા લાગો છો !
ઝાયરાની મોતની પણ કંઇક એવી જ અસર મારા પર થઇ… હું પ્રેમીઓને જ ધિક્કારતો થઇ ગયો હતો, કારણકે ઝાયરાના મોત માટે ક્યાંકને હું પોતાને પણ જવાબદાર ગણું છું…! પણ આટઆટલું થયા બાદ પણ ઝાયરાએ મારામાં જે પ્રેમી ગ્રંથો વાંચવાનો શોખ જગાવ્યો હતો એ આજે પણ બરકરાર છે…!
પણ આજે તારી સામે કબુલી લેવાનું મન થાય છે કે, કબાટ ભરીને વાંચેલા પ્રેમ પુસ્તકોએ જે નથી શીખવ્યું, એ મને મઝહબી અને ધરમે એક રાતમાં શીખવી દીધું…!
મઝહબી ધરમના કેસમાં હું એમને મદદ કરી શક્યો હોત, પણ હું કાયદામાં કેદ હતો, અને એથી પણ વિશેષ તો મારી રૂઢીચુસ્તતામાં…! આ કેસ મને મારા છેલ્લા શ્વાસ સુધી યાદ રેહશે એમાં કોઈ બેમત નથી જ…!
આજે એ અહેસાસ થાય છે કે પેલા લેખકે પણ સાચું જ લખ્યું હતું કે, ‘પ્રેમ એ તો વહેતું ઝરણું છે ! આપણે તેને લિંગ, જાતિ, ધર્મ, ઊંચનીચ, અમીરી ગરીબી, જેવા કેટલાય અન્ય પથ્થરોથી રોકવાનો પ્રયાસ કેમ ન કરી લઈએ…! પણ એ તો એનો રસ્તો કરીને વહી જ જવાનું છે !’
હા, આજે લાગે છે એ સાચો હતો… અમે સૌએ મઝહબી-ધરમના પ્રેમને ‘મઝહબ’ અને ‘ધર્મ’ ના પથ્થરોથી રોકવા ચાહ્યો, પણ એમનો પ્રેમ તો પોતાનો રસ્તો કરી જ લીધો !
ખૈર, આજે થાક ઘણો લાગ્યો છે માટે અહીં જ રજા લઉં છું…! આપણા બંનેને એક વધુ ચંદ્રક મુબારક, અને કંઇક અંશે બદલાયેલી માનસિકતા સાથેનું નવું વર્ષ મુબારક…! ઝાયરા તને પણ હેપ્પી ન્યુ યર ! લવ યુ !
અંતિમ વાક્ય લખતાની સાથે જ એ સખ્ત દિલ રાઠોડની આંખમાંથી એક આંસુ તેની ડાયરીના પાને પડ્યું, અને એ ત્યાં જ ડાયરી પર માથું ઢાળીને સુઈ ગયો !
[સમાપ્ત…]
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply