રાત્રે મઝહબી કાગળ આપીને આવી, અને ખાલાએ તેની પર નજર રાખવા મુકેલી છોકરીના સુઈ ગઈ ત્યાં સુધી જાગતી પડી રહી હતી. અને એના સુઈ ગયાની ખાતરી થયા બાદ, એ કંઇક લખવા બેઠી હતી. અને લગભગ અડધા કલાક બાદ પોતાના રૂમના બાથરૂમમાં ચાલી ગઈ હતી.
***
સવારે જયારે પેલી છોકરી ઉઠી, ત્યારે મઝહબી બાજુમાં સુતી ન હતી. પણ બાથરૂમમાંથી પાણી વહેવાનો અવાજ આવી રહ્યો હતો. જેથી એણે અંદાજ લગાવ્યો કે મઝહબી જ અંદર ફ્રેશ થઇ રહી છે. તેણે બારણે ટકોર મારીને અંદર પાણી બંધ કરવા કહ્યું, અને નીચે ચાલી ગઈ. બીજી બાજુ એ જ સમય પર રાઠોડે દેસાઈની કેબીનમાં મર્ડર અંગેની થોડીક કડીઓ મેળવી હતી.
***
પેલી છોકરીને નીચે આવ્યે પણ ખાસ્સો સમય વીતી ચુક્યો હતો, પણ હજી સુધી મઝહબી તૈયાર થઈને નીચે આવી ન હતી. એ જ અરસામાં ખાલા પણ વતનથી પાછી ફરી હતી. અને મઝહબીને બધાની સાથે ન જોતા અનાયસે જ એના રૂમમાં જઈ ચઢી હતી. બાથરૂમમાંથી હજી પણ પાણી વહેવાનો અવાજ આવી રહ્યો હતો. તેણે પણ બારણે ટકોરા માર્યા, પણ ન તો કોઈએ અંદરથી નળ બંધ કરી પાણી વહેતું અટકાવ્યું, કે ન અંદરથી કોઈએ જવાબ આપ્યો !
ખાલા લગભગ સળંગ દસ મિનીટ સુધી બુમો પડતી રહી, પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. આખરે એણે બુમાબુમ કરી મુકીને મઝહબીના ભાઈ અને અમી અબ્બુને બોલાવ્યા. તેમણે પણ બારણું તોડી નાખવા માંગતા હોય એમ ઠપકારવા માંડ્યું, પણ કોઈ જ જવાબ નહિ !
તેમને એક જ દહેશત હતી કે ક્યાંક મઝહબી ફરીથી ભાગી ન ગઈ હોય. તેમણે બાથરૂમના પાછળ તરફના વેન્ટીલેટર તરફ તપાસ કરાવી, પણ એ પહેલા જેવું જ સાબદું હતું. ક્યાંક કોઈ રીતે કાચ તોડવા કે હટાવવામાં આવ્યા ન હતા.
ભલે મઝહબીનો રૂમ ઉપલી મંજિલ પર હતો, પણ વેન્ટીલેટર થોડીક જ નીચે નીચેના એક રૂમની બારી પડતી હતી, અને એની છાજલી પરથી થઈને આરામથી નીચે સુધી ઉતરી શકાતું. પણ હવે જયારે એ સાબદું જ હતું માટે કોઈ પ્રશ્ન ન હતો. એનો એક જ અર્થ થતો હતો કે મઝહબીએ પોતાને બાથરૂમમાં લોક કરી છે. પણ એ શક્યતા જ હસી કાઢવા જેવી હતી. મઝહબી જેવી મેચ્યોર છોકરી આવી બાલીશ હરકત કરે એ તેના પરિવાર માટે ન જ માની શકાય તેવી વાત હતી.
એ જ અરસામાં બહાર મોહલ્લામાં વાત ફેલાઈ હતી કે ફરી મઝહબીએ કંઇક નવી હરકત કરી છે. અને જે રીતે તેના ઘરના લોકો બુમો પડી રહ્યા હતા, એ જોતા નક્કી કંઇક ગંભીર બન્યું હોવું જોઈએ. એ અવાજો સાંભળી બહાર ઉભા લોકોએ જાત જાતની અટકળો કરી હતી. અને અમુક તો તેના ઘરમાં અંદર સુધી ધસી ગયા હતા. બહાર ઉભા લોકોમાં જ એક રાઠોડે ગોઠવેલ કોન્સ્ટેબલ હતો, જે છુપી રીતે એના ઘરની આસપાસ નજર રાખી રહ્યો હતો. અને મઝહબીની ભાગી ગયાની અટકળો સાંભળી એને મનમાં એક ડર ઉઠ્યો હતો, કે જો આ માહિતી એણે રાઠોડ સુધી સમયસર ન પંહોચાડી તો એનું આવી બનવાનું છે, અને રીતસરનો ભાગતો જઈ એ ચોકી પર પંહોચ્યો હતો.
***
એ ચોકી પર પંહોચ્યો ત્યારે એ રીતસરનો હાંફતો હતો, તેના હાથ પગમાં એક અકથ્ય ધ્રુજારી હતી, એનો હોઠ એક છેડેથી ફફડતો હતો, અને એના શબ્દો જાણે ગળામાં જ અટકી પડતા હતા, માંડ પ્રયત્નો કરીને એ માત્ર એટલું જ બોલી શક્યો, “સર… એ છોકરી… મઝહબી…! જલ્દી ચાલો સર… જલ્દી…!”,
એ જયારે ચોકી પર આવ્યો ત્યારે રાઠોડ અને અન્ય લોકો મઝહબીના ઘર તરફ જ આવી રહ્યા હતા. અને હમણાં એ જે માહિતી લાવ્યો હતો એ તો તેનાથી પણ ચોંકાવનારી હતી. તેણે રાઠોડને જણાવ્યું કે મઝહબીના ઘર પાસે મોટું ટોળું ભેગું થયું છે, અને બધા જાત જાતની અટકળો લગાવી રહ્યા છે… અને અમુકનું તો કહેવું છે કે મઝહબી ફરી એક વખત ભાગી નીકળી છે !
અને એ સાંભળી રાઠોડ ચોંકી ઉઠ્યો. કારણકે ધરમના મર્ડરના વણઉકેલ્યા પાસા માત્ર મઝહબી જ ઉકેલી શકે તેમ હતું. તેણે તરત જ જીપગાડી તૈયાર કરવી અને જાતે જ ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. દેસાઈ, ગીરધર અને બીજા બે કોન્ટેબલ ગાડીમાં ગોઠવાયા, અને રાઠોડે વીજળીની ઝડપે ગાડીને મઝહબીના ઘર તરફ લીધી.
***
કોન્ટેબલ માહિતી આપવા ચોકી પર પંહોચ્યો, એ જ સમય દરમ્યાન મઝહબીના ભાઈએ ગુસ્સામાં આવી જઈ બાથરૂમનું બારણું તોડી પડ્યું હતું… અને અંદરનું દ્રશ્ય જોઇને જ એ પહેલવાન જેવો આદમી ત્યાં જ ઠરી પડ્યો !
***
રાઠોડ જયારે મઝહબીના ઘર નજીક પંહોચ્યો ત્યારે ખરેખરમાં મોટું ટોળું જમા થયેલું હતું. અને બધા પોલીસની જીપગાડી જોઈ વિખેરાયા હતા. અને રાઠોડ સીધો જ મઝહબીના ઘરમાં ધસ્યો હતો. ઘર આખુ ખુલ્લું હતું, અને બધા જ ઉપરી મંજિલના કમરામાં ભેગા થયા હતા. રાઠોડ અને તેની સાથે આવેલા બધા જ ઝડપથી ઉપરના રૂમમાં પંહોચ્યા હતા. અને જે ગતિથી એ ઉપર આવ્યા હતા એ જ ગતિથી એ ઉપરના રૂમનું દ્રશ્ય જોઈ ધીરા પડી ગયા હતા !
રૂમમાં એક ખૂણે મઝહબીની અમ્મી રડી રહી હતી, અને મઝહબીના અબ્બા તેમજ અન્ય થોડા પડોસી તેને શાંત પડી રહ્યા હતા. એક ખૂણામાં એક આધેડ વયની એક સ્ત્રી અને એક જુવાન છોકરી ઉભા કંઇક ઘુસપુસ કરી રહ્યા હતા. મઝહબીનો ભાઈ બાથરૂમના તૂટેલા બારના પાસે જ ફસડાઈને નીચે બેઠો પડ્યો હતો. એની આંખોમાં ન તો ગુસ્સો હતો, ન રુદન ! તદ્દન ભાવહીન લાલ આંખો સાથે એ બાથરૂમમાં અંદર તરફ નજર માંડીને બેઠો હતો !
રાઠોડે ધીરે ધીરે રૂમમાં પ્રવેશ કર્યો, હવે ધીરે ધીરે તેને બાથરૂમનું તૂટેલું બારણું દેખાતું હતું. રાઠોડને ત્યાં જોઈ ઘણાયને આશ્ચર્ય થયું હતું, પણ હમણાં કોઈ હરફ પણ ઉચ્ચારી શકવાની હાલતમાં ન હતું. રાઠોડ ધીરેથી ચાલતો બાથરૂમની સામે આવીને ઉભો રહ્યો, અને એણે અંદરનું જે દ્રશ્ય જોયું એ સાથે જ એનું મગજ બહેર મારી ગયું !
અંદર હજી પણ નળ ખુલ્લો હતો, અને પાણી વહી રહ્યું હતું. અંદર શેમ્પુની બોટલો, સાબુની ચકતીઓ, અને અન્ય સોંદર્યપ્રસાધનો તેમજ બાથરૂમ સાફ કરવાના ક્લીનર, એસિડના બોટલ વગેરે જેવી ચીજો વેરવિખેર પડી હતી. અને ગુલાબી રેશમી સલવાર કમીઝમાં એક છોકરી બાથરૂમના ફરસ પર નિરાંતે સુઈ ગઈ હતી… એ મઝહબી હતી ! જે દ્રશ્ય રાઠોડે જોયું એ જ તેની લગોલગ ઉભેલ દેસાઈએ જોયું, અને એક ડોક્ટર તરીકેની ફરજ નિભાવતા એ સીધો જ બાથરૂમમાં ઘુસી ગયો. રાઠોડ પણ તેની પાછળ થયો.
તેના મોઢામાંથી કંઇક ફીણ જેવું પ્રવાહી નીકળીને સુકાઈ ચુક્યું હતું, તે છતાય તેના ચેહરા પર એક નિરાંત દેખાતી હતી. ઘડીભર રાઠોડ મઝહબીને બસ જોઈ જ રહ્યો. તેને તો આ પરિસ્થિતિમાં પણ મઝહબીની સુંદરતા વિષે વિચારો આવતા હતા. એ દરમ્યાન દેસાઈએ મઝહબીની આંખો ઉંચી કરી કીકીઓ તપાસી, અને એક હાથથી તેની નાડી તપાસી. અને એક પણ શબ્દ ઉચાર્યા વિના હળવેકથી નકારમાં ધોકું હલાવ્યું, અને એનો હાથ છોળ્યો, જે ઝટકા સાથે નીચે પડ્યો. એનું પ્રાણ પંખેરું ઉડી ચુક્યું હતું ! અને માટે હવે તેને સમજાતું હતું કે શા માટે મઝહબીના પરિવારે ડોક્ટરને પણ બોલવાની તસ્દી ન લીધી.
રાઠોડ અને અન્ય કોન્સ્ટેબલ જેમ સલામી ઠોકવા માટે યાંત્રિક રીતે ટેવાયેલા હતા, બસ કંઇક એ જ રીતે મોતનો મજાલો પાડવા પણ ટેવાયેલા હતા. દરેકે પોતાની કેપ ઉતારી અને શોક વ્યક્ત કર્યો. રાઠોડને થોડીક ક્ષણો પહેલાના પોતાના જ વિચારો માટે ધ્રુણા થઇ આવી… ‘પોતે એક મૃતકની મોતના સમયે પણ તેની સુંદરતાને નીરખી રહ્યો હતો..! છી…!’, વિચાર કરતો એ બાથરૂમ બહાર આવી ગયો.
પણ એના મનમાં તો એક અલગ જ વાવઝોડું ઉઠ્યું હતું. એ કોરા કાગળમાં કંઇક હતું પણ કે નહી, એ માત્રને માત્ર મઝહબી જ કહી શકે તેમ હતું, પણ હવે એ કહેવા પૂછવા માટે એ પણ રહી ન હતી…!
હવે આ કેસ સોલ્વ થવો તો બાજુએ રહ્યો, પણ રાઠોડે તેની નોકરીથી પણ હાથ ધોવો પડશે એ વાત નક્કી હતી ! અને હમણાં એ આવી વાતો વિચારી રહ્યો હતો, એ બદલ એને પોતાની જ જાત પર ગુસ્સો આવતો હતો. પણ વિચારો પર ક્યાં કોઈનો કંઈ કાબુ હોય જ છે…!
પણ એ જ સમય દરમ્યાન એકાએક મઝહબીના ભાઈમાં કંઇક નવું જોમ ઉમેરાયું હતું. અને આમ વગર બોલાવ્યે પોલીસ પોતાના ઘરમાં આવી ચઢે એ વાત તેનાથી સહન ન થઇ.
એ ઉભો થયો અને બહારનો રસ્તો બતાવતાં કડક શબ્દોમાં બોલ્યો,
“ઇન્સ્પેકટર, અમે કોઈ કમ્પ્લેન નોંધાવી નથી… એટલે તમારે વગર બોલાવ્યે આવી ચડવાની કોઈ જરૂર નહોતી… સો પ્લીઝ લીવ માય હાઉસ…., આ અમારો ઘરેલુ મામલો છે, અમે જાતે જોઈ લઈશું !”
“બેશક તમે કોઈ કમ્પ્લેન નથી નોંધાવી… અને અમે અહીં કંઇક અલગ કામ અર્થે આવ્યા હતા, પણ અહીં તો…”
“કયું કામ…”
“અમે ધરમના મર્ડર બાબતે મઝહબીની થોડીક પૂછપરછ કરવા આવ્યા હતા…”
“વ્હોટ? ધરમનું મર્ડર…? પણ એમાં મઝહબીની ઇન્ક્વાયરી કેમ…?”, અને ક્ષણભરના વિલંબ બાદ જાણે રાઠોડને તોછડાઈથી બોલ્યો, “રાઠોડ તું ભલે ઓફિસર રહ્યો, પણ એ ન ભૂલીશ કે તું હમણાં વગર બોલાવ્યા મારા ઘરમાં ઉભા રહી મારી જ બહેન પર શંકાઓ કરી રહ્યો છે…”
“લિસન… મને કોઈના ઘરે વગર બોલાવ્યે જવાનો શોખ નથી. હું મારી ડ્યુટી નિભાવી રહ્યો હતો… પણ મને ખરેખર નહોતી ખબર કે મઝહબી…, આઈ એમ સોરી…!”, એની આંખમાં સહેજ પાણી તરી આવ્યું, અને એ જોઈ મઝહબીના ભાઈને વિશ્વાસ આવ્યો કે રાઠોડ સાચે જ ઓચિંતો આવી ચડ્યો હતો, એને મઝહબીના મોત અંગે કશી જ ખબર ન હતી.
“વેઇટ અ મિનીટ…”, રૂમની બહાર તરફ જઈ રહેલા રાઠોડને તેણે અટકાવતા પૂછ્યું, “મને એમ કહીશ કે આ ધરમનું મોત કઈ રીતે થયું, અને તું મઝહબીની પુછપરછ કરવા શું કામ આવ્યો હતો…?”
અને રાઠોડે ઝડપથી ગઈ કાલ રાતની મઝહબીની સ્ટેશનની મુલાકાત, સવારે ધરમની મોતના સમાચાર અને પછી ચર્ચાઓ બાદ જોડેલી કડીઓની વાત કહી સંભળાવી. મઝહબીના અમ્મી અબ્બુ અને તેનો ભાઈ આશ્ચર્યથી એ વાત સાંભળી રહ્યા. અને રાઠોડે વાત પૂરી કરી ત્યાં જ મઝહબીની અમ્મી ગુસ્સામાં બોલી ઉઠી,
“મતલબ રાઠોડ તું મારી દિકરીને ખૂની કરાર આપી રહ્યો છે…!?”, રડીને લાલ થઇ ગયેલી એ આંખોમાં રાઠોડ પ્રત્યેનો તિરસ્કાર હતો કે પછી મઝહબીના નિર્દોષ હોવા વિશેનો વિશ્વાસ, એ ત્યાં ઉભા કોઇથી સમજી શકાતુ ન હતું.
“મેં એવું ક્યાં કહ્યું છે અમ્મીજાન કે મઝહબી જ ખૂની છે… અને હું તો માત્ર મારી ડ્યુટી નિભાવી રહ્યો છું…!”, અનાયસે જ રાઠોડથી ‘અમમીજાન’ બોલી જવાયું, અને એ સાંભળી ઘડીભર રૂમમાં સોંપો પડી ગયો. રાઠોડ જેવા વ્યક્તિ પાસે આવા મમતભર્યા શબ્દોની આશા કોણે રાખી હોય… પણ દરેકના કેટલા બધા એવા પાસા હોય છે જે ક્યારેક અજાણતા જ વ્યક્ત થઇ જાય છે, તો ક્યારેક જિંદગીભર અવ્યક્ત રહી જાય છે.
પણ બધાણે આશ્ચર્ય થાય એવી વાત તો મઝહબીના ભાઈએ કરી… ! તેણે રાઠોડને જે કોઈ કામગીરી કરવી હોય એ બદલ મંજુરી આપી, અને પોતે આ કેસમાં હવે સંપૂર્ણ સહકાર આપશે તેમ પણ જણાવ્યું. ઘડીભર તો રાઠોડને પણ નવાઈ લાગી હતી, પણ કદાચ એ મઝહબીના મોતથી ડઘાઈ ચુક્યો હતો, માટે જ હમણાં એ પોલીસને સહકાર આપવા માંગતો હતો. અને રાઠોડે પણ તેને કામગીરીના પેપરવર્ક કરી આપવાનો સધિયારો આપ્યો હતો.
અને ત્યારબાદ પોલીસે સૌથી પહેલા બાથરૂમને બહરથી સીલ કર્યુ, અને અંદર તરફની એક એક ચીજની સ્થિતિનું ડીટેઇલમાં નીરીક્ષણ કરવા માંડ્યું.
અને એ દરમ્યાન પણ રાઠોડના ચેહરા પર નોકરી ગુમાવાનો સાફ વર્તાતો હતો !
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply