એક વિપક્ષી નેતાએ જનતાને સંબોધન કરતા અને સતાધારી પક્ષની ટીકા કરતા કહ્યું, ‘હું પૂછવા માગુ છું મારા મિત્રને, કે રસ્તાને પગ નથી, તે એક જ જગ્યાએ સ્થિર રહે છે, તેને કોઈ ધક્કો મારીને દોડાવી કે ચલાવી નથી શકતું, તે ભાખોડિયા પણ ભરતું નથી, છતાં ખાડો ‘પડી’ કેમ જાય છે, એનો તેમણે સંસંદમાં જવાબ આપવો પડશે ?
જૂનાગઢમાં ગિરનાર પર્વત સિવાય ખાડાનું પણ અદકેરૂ મહત્વ સચવાયેલું પડ્યું છે. બે ચાર ટુરિસ્ટો મુલાકાતે આવેલા ત્યારે તેમણે રસ્તા પરના ખાડાને જોઈ અંગ્રેજી ભાષામાં છીછી કર્યું હતું. નગરની આબરૂ સાચવવા માટે ભોમિયાએ કહ્યું, ‘તમે જેને તમારી ભાષામાં છીછી કરો છો ત્યાં વાસ્તવમાં ભીમ અને હિડિમ્બ વચ્ચે યુદ્ધ થયેલું. આ બધા એમના ગદાના જ પ્રહાર છે.’ સમગ્ર વિશ્વમાં ભોમિયો જ એક એવો છે, જેણે કહેલ ખોટો ઈતિહાસ પણ લોકો સાચો માની લે છે. ભોમિયાનું સામાનાર્થી નેતા છે.
તો ભોમિયાની વાત માની ટુરિસ્ટો ફોટોગ્રાફ પાડવા માંડ્યા. એટલામાં નજીકમાં આવેલી કાપડની દુકાનનો માલિક બહિર્ભવ પામ્યો. તેણે પેલા અંગ્રેજી મુલાકાતીઓને વધુ જ્ઞાન આપતા તેમની ભાષામાં કહ્યું, ‘તમે ડાયનાસોર વિશે તો સાંભળ્યું જ હશે ? ફિલ્મોમાં જોયું પણ હશે ?’
પેલા ટુરિસ્ટોએ હસતા હસતા માથુ ડોલાવ્યું.
દુકાનના માલિકે કહ્યું, ‘આ ગાઈડ તમને નહીં કહે પણ હું કહું છું. રસ્તામાં જે જુઓ છો ને, તે ડાયનાસોરના જમાનાના વિશાળકાય અમીબા છે. તમે સેમ્પલ પણ લઈ જઈ શકો છો. બિલકુલ મફત છે.’ દુકાનવાળાની વાત સાંભળી વિદેશીઓ ખુશખુશાલ થઈ ગયા. ભોમિયો અને દુકાનદાર એકબીજાની સામે દરિદ્ર બનીને હસવા લાગ્યા.
મારા બેરોજગાર મિત્રો જૂનાગઢ જ નહીં સમગ્ર ગુજરાતમાં પડેલા મોટા મોટા ગાબડાને જોઈ કહે છે, ‘કેટલાક ગરીબોના પેટનાં ખાડા પૂરવા માટે રોડમાં ખાડા પડવા જરૂરી છે.’
મને થાય છે કે એ ગરીબોના પેટ નક્કી ખાડા જેટલા જ મોટા હશે. રોડ પર હેલમેટ અથવા તો વાહનની કોઈ પણ વિગતો લીધા વિના નીકળો, તો કેમ પોલીસભાઈ પૂછ્યા વિના ચબરખી ફાડી નાખે છે ? તેમ રોડ તૂટે તો તેના નાણાં ઉઘરાવવાની પણ જનતા જોગવાઈ હોવી જોઈએ ને ?
હમણાં એક લેખક અમદાવાદનાં તૂટેલા રોડમાં ગબડી પડ્યા. આ ઘટનાથી સાહિત્ય જગતને અવગત કરવા માટે તેમણે પ્રથમ મને ફોન કરી કહ્યું, ‘જૂલે વર્નને પાતાળ પ્રવેશ નવલકથા લખવાની પ્રેરણા ગુજરાતમાંથી જ મળી હશે.’ આમ કહી તેમણે ખાડાઓ પર એક કવિતા લખી નાખી, જે વેદના કોઈ સમજી નહોતું શકવાનું. ઘણી કવિતાઓ અને ખૂદને પડેલો માર વ્યક્તિ પોતે જ સમજી શકે છે.
ગત્ત વર્ષની વાત છે. ગાંધીનગર ચાની કિટલીએ હું બેઠો હતો. એવામાં બે યુવા નેતાઓ આવ્યા. મારી બાજુમાં જગ્યા લીધી અને રાજકારણની વાતો કરવા માંડ્યા. એ વખતે ટીવી પર ચંદ્રયાન-2નું ચંદ્રની ધરતી પર ઉતરાણ ન થયું, તે બરાડા પાડી પાડી એન્કરો બોલતા હતા. પંદર મિનિટ સુધી ટીવી જોયા પછી મારી બાજુમાં બેઠેલા યુવા રાજકારણીએ કહ્યું, ‘મનજી, આ ચંદ્ર પર પાણી છે કે નહીં તેની તો મને ખબર નથી, બાકી રાજકારણીઓ તો છે જ હો…’
‘કેમ?’ અબુધ યુવા રાજકારણીએ તેની સામે બત્રીસી બતાવતા પૂછ્યું.
‘આ જોને ચંદ્રયાન-2ને બે ખાડાઓ વચ્ચે ઉતરાણ કરવાનું હતું. અને એ જ ન કરી શક્યું. ત્યાં ખાડા છે મતલબ ત્યાં કેટલાક નેતાઓ છે જ.’
વચ્ચે હું બોલ્યો, ‘એ તો સર્વવ્યાપી પ્રાણી છે.’ બંન્ને કટાણું મોઢું કરી ચાલ્યા ગયા. પણ મેં એ વાતનો તાગ મેળવી જ લીધો કે ભવિષ્યમાં મારે આ બેમાંથી એક ને મત નાખવો પડશે.
ગુજરાતની જનતા ભોળી છે. કોઈ નેતા ચૂંટણી ઢંઢેરામાં હું રોડ રસ્તા ઠીક કરી દઈશ આવું વચન લેખિતમાં નથી આપતો. પ્રાથમિક સુવિધાઓના વચનો જ ઢંઢેરામાં ન હોય તો શું કરવું ? ચૂંટણી ટાણે મારા મિત્રએ એક નેતાની સભામાં બૂમ પાડી પૂછેલું, ‘ગુજરાતમાં જેટલા બમ્પ મજબૂત છે તેટલા રોડ કેમ નથી ?’
બુદ્ધીશાળી નેતાએ જવાબ વાળ્યો, ‘ચિંતા કરોમાં, હું સતા પર આવીશ તો તમારા રોડને જ બમ્પ બનાવી દઈશ. સમસ્યામાંથી છૂટકારો.’ તેણે ફટાફટ જવાબ વાળ્યો અને આગલી હરોળમાં બેઠેલા તેના અનુયાયીઓ તાળીઓ પાડવા લાગ્યા.
શહેરોમાં પડતા ખાડાઓથી તો જંગલનો રાજા સિંહ પણ ચિંતિત છે. તેણે એક મિટિંગ બોલાવી સૌને સંબોધન કરતા પૂછ્યું, ‘આપણામાંથી કેટલાક જાનવરો ખાડો ખોદવાનું કાર્ય જાણે છે, પણ હવે આપણે જાણવું પડશે કે શહેરમાં એવું કોણ આવી ગયું છે જે ખાડો ખોદી આપણા કૌશલ્ય પર તરાપ મારી રહ્યું છે. જો આમ જ રહેશે તો જાનવરો જંગલમાંથી શહેરમાં મફતના ખાડાઓમાં રહેવા ચાલ્યા જશે. તેઓમાં એદીપણું આવી જશે. તો બોલો કોણ છે ?’
રાજા સિંહ દહાડતા રહ્યાં પણ એકેય જાનવર કશું બોલ્યો નહીં. માણસની જેમ.
વચ્ચે અમારા શહેરમાં સ્વિમિંગ પુલનું ઉદ્ધાટન કરવાનું હતું. એક નેતા આ માટે પધારવાના હતા. તેમને અગાઉથી જાણ કરેલી કે તમામ નાગરિકો જોઈ શકે તે રીતે સ્વિમિંગ પુલનું આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે.
નેતાજી ગાડીમાંથી ઉતર્યા. તેમને ઉતાવળ હતી. હાથ જોડ્યા વિના જ બાજુમાં ઉભેલા એક છોકરા પાસેથી કાતર માંગી. તેણે કાતર આપી, તો નેતાજી દોડ્યા અને સામે રહેલ રિબીનને કાપી નાખી. આ મહાન કાર્ય કર્યા પછી એ ખુદ જ તાળીઓ પાડવા માંડ્યા. સર્વ અતિથિઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. નેતાજીએ જે પીળા કલરની રિબીન કાપી એ ડાઈવર્ઝનની હતી અને ત્યાં વિશાળકાય ખાડો પડી ગયો હતો.
જ્યારે તેમને સમગ્ર વિગતની જાણ થઈ તો સેક્રેટરીનાં કાન પાસે આવી બબડ્યા, ‘નાગરિકો જોઈ શકે એવો સ્વિમિંગ પુલ છે એમ કહ્યું હતું, એટલે મને તો આ જ લાગ્યો. ’
સેક્રેટરીએ સાંત્વના આપતા કહ્યું, ‘કંઈ વાંધો નહીં, પણ આ ખાડાનું રસ્તારૂપે ખાતમુર્હત તો તમે ગત વર્ષે જ કરી ચૂક્યા હતા. આજે ઉદ્ધાટન કરી નાખ્યું.’
હવે આજે સવારના છ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણએ મારા સપનામાં આવી મને જે વાત કહી એ વિગતવાર તમને કહું. આ લેખ લખવા માટે પણ કૃષ્ણ જ નિમિત્ત બન્યા છે. તેમણે મને કહ્યું, ‘આટલા બધા લેખકોએ મારા પર ઢસડી નાખ્યું, તો તારો શું વાંક, તું પણ લખ…’ હવે એમણે મને જે તમને કહેવા કહ્યું એ કહું.
આજે કર્ણે અર્જૂનને ફરી પડકાર ફેંક્યો, કે તું કેશવને પણ સાથે લઈ લે ધરતી પર આપણે ફરી એક વખત યુદ્ધ કરીએ. આ વખતે મારી યુદ્ધવિદ્યા હું ભૂલી નહીં જઈશ. કૃષ્ણએ કર્ણને સમજાવ્યું કે શ્રાપ હજુ ઉતર્યો નથી. રહેવા દે, પણ કર્ણ ન માન્યો. અંતે કૃષ્ણએ યુદ્ધ માટે હામી ભરવી પડી. આ બાજુ કર્ણનો રથ અને આ બાજુ અર્જૂનનો રથ. અર્જૂનના સારથી કૃષ્ણએ રથ દોડાવ્યો, સામેથી કર્ણના સારથીએ પણ ઘોડાને દોડાવવા માટે સોટીશિક્ષા કરી. કર્ણ તીર લઈ મારવા જ જતો હતો ત્યાં તેનાં રથનું પૈડુ કોર્પોરેશનના તૂટેલા રોડમાં ફસાઈ ગયું. કર્ણના મોઢા પર રોષ તરી આવ્યો, એ નિરાશ થઈ ગયો. સામેથી કૃષ્ણએ કહ્યું, ‘મેં ન હતું કહ્યું અંગરાજ, શ્રાપ ઉતર્યો નથી.’
~ મયૂર ખાવડુ
Leave a Reply