વાત કરતા કરતા, કાંચીએ ડ્રીંક ની બોટલ ખોલી, અને બે ગ્લાસ ભર્યા. એને સિગારેટ પીતી જોયા બાદ, હવે ડ્રીંક કરતી જોવામાં મને કોઈ નવાઈ નહોતી લાગી રહી ! સામાન્ય રીતે, હું તો ક્યારેક જ પીવું છું… અને એ પણ બહુ ઓછું જ ! કારણકે, મને બહુ જલ્દી ચઢી પણ જતી હોય છે, એટલે હું વધારે પીવાનું પણ ટાળું છું ! અમે બંને એ ભરેલા ગ્લાસ ઉઠાવી, અને ‘ચીયર્સ’ કહી, ગ્લાસ અથડાવ્યા, અને મોઢે લગાવ્યા. અને એક એક ઘૂંટ માર્યો !
રૂમની બારી ખુલ્લી હતી, અને તેમાંથી બહારનો ઠંડો પવન અંદર સુધી આવી, અમને સ્પર્શી રોમાંચિત કરી જતો હતો. એક તો ઠંડો પવન, અને જોડે ચિલ્ડ ડ્રીંક ! જે અંદર ગયા બાદ ગજબની ગરમી પેદા કરતો હતો ! થોડીવારે બહાર વીજળી ના એક બે કડાકા થયા, અને જોરદાર વરસાદ વરસવાનો ચાલુ થઇ ગયો !
કાંચી તરત ઉભી થઇ અને બારી નજીક જઈને ઉભી રહી, ડ્રીંક કરવા લાગી. વચ્ચે વચ્ચે ક્યારેક હાથ બારી બહાર લંબાવી, પાણીના બુંદ ભેગા કરતી અને પછી પોતાના જ મોઢા પર એ બુંદો ની છાલક મારતી !
હું ત્યાં જ નીચે બેસી રહી શરાબ પીતો રહ્યો. અને જોડેજોડે વરસાદ સાથે મસ્તી કરતી કાંચીને જોઈ રહ્યો ! હવે મને શરાબ નો નશો ચઢી ચુક્યો હતો, અને હું એના કારણે ઉભો પણ થઇ શકતો ન હતો ! કાંચી ત્યાં જ ઉભી ઉભી વરસાદનો આનંદ માણતી રહી… અને હું એનો આનંદ માણતો રહ્યો !
થોડીવારે એ પાછી ફરી, અને મારી એકદમ લગોલગ આવીને બેસી ગઈ ! એ હજી પણ ચુપચાપ એનો ગ્લાસ પૂરો કરવામાં પડી હતી.
એની નજદીકી થી મને એક ગરમ હુંફ અનુભવાઈ રહી હતી !
એણે નાહ્યા બાદ, આજે પણ નીચે ચડ્ડો પહેર્યો હતો, જે ચુસ્ત રીતે એના સાથળો પર ચોંટેલ હતો ! અને ઉપર એણે સવારે પહેરેલો શર્ટ જ પહેરી રાખ્યો હતો.
મારી નજર વારંવાર એના પગ પર સ્થિર થઇ જતી હતી ! એને મારી એટલી નજીક જોઈ મારા મનમાં બીજા વિચારો આવવા માંડ્યા હતાં. અને મારા કાન એકદમ ગરમ થઇ ચુક્યા હતાં… !
“કાંચી…”, મેં નશામાં તેની તરફ જોતા કહ્યું.
તેણે મારી તરફ જોયું, પણ કંઈ બોલી નહિ. તેનો ચેહરો વરસાદી બુંદોથી ભીનો થઇ ચુક્યો હતો, અને તેના વાળ સહેજ વીખરાઈને ચેહરા પર પથરાયેલા હતા.
મેં મારી આંગળી થી તેના વાળ સરકાવી કાન પાછળ નાખ્યા. એ કઈ બોલી નહિ, બસ મને જોઈ રહી. એ જોઈ મારી હિમત વધી !
મેં એનો ચેહરો મારી બે હથેળી વચ્ચે દબાવ્યો… એ ક્ષણભર અચંબાથી જોઈ રહી !
અને મેં એકાએક તેના હોઠ પર મારા હોઠ મૂકી દીધા ! એની આંખો સહેજ પહોળી થઈ ગઈ, અને મેં મારી આંખો મીંચી દીધી ! એ ક્ષણે ખબર નહી મને શું થઇ રહ્યું હતું… પણ હું જાણે મારી જાત પરનો કાબુ ગુમાવી ચુક્યો હતો !
મેં એના હોઠ મારા હોઠથી ચુમવાના શરુ કર્યા… અને એણે પણ કોઈ ખાસ વિરોધ ન દર્શાવ્યો !
એણે એનો ગ્લાસ નીચે મૂકી દીધો હતો, અને એના હાથ મારી પીઠ પર ફરી રહ્યા હતા… ધીરે ધીરે, એકદમ હળવેકથી… જાણે મારી પીઠ પર બે હાથ નહી, પણ બે સુંવાળા પીછા ફરી રહ્યા હોય તેમ !
મારા હાથ ક્યારે એના સાથળો પર ફરવા માંડ્યા હતા, એનું મને ભાન પણ ન હતું ! અમે બંને ચુંબનમાં લીન થઇ ચુક્યા હતા… !
મેં હવે ધીરેધીરે તેને ગાલ પર, કાન નીચે, ગરદન નીચે ચુંબનથી ભીંજવવા માંડી ! મારો હાથ અનાયસે જ તેના સાથળો પરથી થઇ, તેની ભરાવદાર છાતી પર ફરી રહ્યો હતો ! અને કદાચ મારા વધારે પડતા જોરથી તેની શર્ટના ઉપરના બે બટન પણ ખુલી ગયા હતાં ! હું ક્યારેક તેના ગળા પર હોઠથી ચૂમતો તો ક્યારેક કાનની બુટ દાંતથી દબાવી દેતો ! એ હળવેકથી હુંકારા ભરી રહી, મારો સાથે આપી રહી હતી !
થોડીવારે મેં મારી માથું, તેની અડધી ખુલ્લી છાતીમાં ઘુસાવી દીધું… અને ઊંડા શ્વાસ લઇ, તેની ખુશ્બુ લેવા માંડ્યો ! એ પણ હવે બેકાબુ બની ચુકી હતી, અને મારા માથના વાળમાં હાથ ફેરવતા, મને ઉકસાવી રહી હતી ! અમે બંને લગભગ બેકાબુ બની ચુક્યા હતા… ! અમારી અંદરની હવસની ચિંગારીને, શરાબના નશાએ જાણે હવા આપવાનું કામ કર્યું હતું !
પણ એકાએક, એણે મારા વાળથી મને ખેંચી, મારું માથું તેની છાતીમાંથી બહાર ખેંચી લીધું !
હું એને ગુસ્સાથી જોઈ રહ્યો, મને કદાચ એ એનું એગ્રેશન લાગ્યું… પણ વાત કંઇક અલગ જ હતી !
એ એક ઝાટકા સાથે ઉભી થઇ, અને મને કોલર થી પકડી ઉભો કર્યો, અને પછી પલંગ પર પટક્યો. અને એ બાથરૂમ તરફ દોડી ગઈ !
બાથરૂમમાંથી રડવાના ડુસકા સંભળાતા રહ્યા, પણ હું નશાની હાલતમાં ઉભા થવા પણ સક્ષમ ન હતો. કાંચી એ જેમ મને પલંગ પર ધક્કો માર્યો, એમ જ હું ત્યાં પાડી રહ્યો હતો. અડધો પલંગ પર સુતો, અને અડધો પગ લબડાવતો !
નશાના કારણે મારી આંખો ભારે થઈ રહી હતી ! અને મને ઊંઘ આવી રહી હતી. પણ પરાણે હું ખુદને જગાવી રહ્યો હતો, અને થોડી થોડી વારે કાંચી ના નામની ધીરેથી બુમ પાડી રહ્યો હતો ! પણ કાંચી બહાર આવતી ન હતી… ! અને મને એમ જ ત્યાં ઊંઘ આવી ગઈ, ત્યાં સુધી એ બહાર ન આવી !
લગભગ સવારે વહેલા મારી આંખ ખુલી, અને મેં પથારીમાં પડ્યા પડ્યા આજુબાજુ નજર ફેરવી. કાંચી ક્યાંય દેખાતી ન હતી ! મારું માથું એકદમથી ભારે થઇ ગયું હોય તેમ લાગતું હતું… જાણે માથા પર બે વજનદાર પથ્થરોનો બોજ અનુભવાતો હતો !
મને ધીરે ધીરે રાત્રે થયેલી ઘટના યાદ આવી, અને હું શરમના માર્યે પાણી પાણી થઇ ગયો.
‘શું ખબર, કાંચી મારા વિષે શું વિચારતી હશે…?’
‘અને હમણાં કાંચી ક્યાં છે…? દેખાતી કેમ નથી..?’, એવા વિચારો કરતા હું પલંગ પરથી નીચે ઉતર્યો.
મને સહેજ ચકકર આવી ગયા, અને હું માંડ સંતુલન જાળવી શક્યો !
‘રાતની હરકત બાદ, કાંચી ચાલી તો નહિ ગઈ હોયને…!?’, એવો વિચાર મગજમાં આવ્યો અને કરંટની જેમ પસાર થઇ ગયો !
થોડીવાર એમ જ બેસી રહી, મેં બાથરૂમ તરફ પગ ઉપડ્યા. રાત્રે છેલ્લે કાંચી બાથરૂમમાં ગઈ હતી…
અને… દરવાજો ખોલ્યો ત્યાં જ કાંચી પર નજર પડી !
એ દીવાલ ના ટેકે નીચે બેઠેલી હતી, અને સુઈ રહી હતી. એના ચેહરા પર આંસુઓ સુકાઈને કાળા પડી ચુક્યા હતા ! હું ક્ષણભર એને જોઈ જ રહ્યો, ‘શું આ છોકરી શું મારાથી એટલી બધી ડરી ગઈ હશે, જે આખી રાત બાથરૂમમાં જ બેસી રહી !’ એ વિચારતા જ મને પોતાની જાત પર દ્રુણા થઇ આવી !
“કાંચી…”, મેં ધીરેથી બુમ પાડી.
એ અચાનક જ ઝબકી ને જાગી ગઈ, અને મને અપલક જોઈ રહી. હું શરમથી નીચું જોઈ ગયો.
“ચાલ, તૈયાર થઇ જા… નહિતર આપણને નીકળવામાં મોડું થશે !”, મેં કહ્યું, અને બાથરૂમ બહાર આવી ગયો.
એ મારી પાછળ બહાર નીકળી, અને મારી બેગમાંથી કપડા કાઢી ફરી બાથરૂમમાં ચાલી ગઈ !
અમે બંને તૈયાર થઇ, સામાન લઇ નીચે આવ્યા. અને કારમાં ગોઠવાયા !
આજે કાંચી એ રીસેપશન પર કોઈ વાત પણ ન કરી, કે ન કાર ચલાવવા આગ્રહ કર્યો ! મેં ગાડી ચલાવી, અને હાઇવે પર દોડાવવા માંડી ! પણ આજે અમારી બંને વચ્ચે એક ભયંકર શાંતિ છવાયેલી હતી ! ડર લાગે તેવી શાંતિ ! અને એથી વિશેષ મને મારા કર્યા પર ક્ષોભ થઇ રહ્યો હતો. આવેશમાં આવી, મારાથી એ હરકત થઇ હતી… જે માટે હમણાં હું, ભારોભર પસ્તાઇ પણ રહ્યો હતો !
ગાડીના કાચમાં ખુદ સાથે નજરો મળતી, અને શરમના કારણે ઝુકી જતી ! મારે એની માફી માંગવી હતી, પણ મારા શબ્દો ગાળામાં આવી અટકી જતા હતા ! આખરે ક્યા મોઢે એની સાથે વાત કરવી !
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |
Leave a Reply