કનૈયાલાલ માણેકલાલ મુનશી જેટલા પોતાની કૃતિઓથી ઓળખાય છે તેટલા જ ડૂમાની કૃતિઓની ઉઠાંતરીના કારણે પણ ઓળખાય છે. ગુજરાતમાં ડૂમાની ઓળખ જે રીતે થઈ તે તેને પણ ગમ્યું ન હોત. ડૂમાની ચોપડીમાંથી મુનશી કોપી કરીને લખતા તે વિશે પણ અગાઉ એક વખત વાત કરી હતી. હવે જાણીએ કે શું ખરેખર મુનશી ડૂમાને કોપી કરી, તેમની ચોપડી સામે રાખીને લખતા હતા.
ના. મુનશીએ ખૂદ વિવેચક વિશ્વનાથ ભટ્ટની સામે સ્વીકાર્યું અને આત્મકથા અડધે રસ્તેમાં પણ લખ્યું છે કે, ‘ડૂમા એ મારે મન નવલકથાકાર નથી. મારી કલ્પનાસૃષ્ટીનો વિધાતા છે. એનું ઋણ કદી નાકબૂલ કર્યું નથી. મે ડૂમાની કથાઓનો અનુવાદ કર્યો. તેની કલાનું અનુકરણ કર્યું. – એવી અગણિત ટીકાઓ મારા પર થઈ છે. અને એ ટીકાઓમાં રહેલું સત્ય મેં સદાય સ્વીકાર્યું છે.’
જે લોકોને મુનશી અને તેમની કૃતિઓની ઉઠાંતરી વિશે જાણવું હોય, તો મુનશી પોતાની આત્મકથા અડધે રસ્તેના એક પ્રકરણમાં તેમના વિરોધીઓનું નામ લીધા વિના કે એક શબ્દ પણ ઉચ્ચાર્યા વગર ઘણું બધું કહી ચૂક્યા છે. મુનશી કહે છે, ‘કહેવાનું ન હોય તો સ્વર્ગ જોયાનું પણ શું કામનું ?’
તેઓ ડૂમાને દૂમા કહી બોલાવતા હતા. થ્રી મસ્કેટીયર્સ નવલકથામાં જે હતું તે અગાઉ તેમણે કોઈ જગ્યાએ વાંચ્યું ન હોવાથી રાજીના રેડ થયા હતા. અંદર થયેલા ઉફાણને સમાવવા માટે તેઓ દલપતરામ પાસે ગયા અને ડૂમાની થ્રી-મસ્કેટીયર્સની આખી કથા કહી દીધી. ગુજરાતી સાહિત્યમાં કદાચ એ પ્રથમ સ્પોઈલર હોય શકે છે. પણ દલપતરામ તેનાથી ગુસ્સે નહોતા થયા. તેમણે શાંતિથી આખી કથા સાંભળી જેથી વાંચવું ન પડે.
માત્ર દલપતરામ નહીં. કનૈયાલાલની કથાનું ભોગ તેમના પરિવારને પણ બનવું પડ્યું. એ વખતે મુનશીની કથા સાંભળ્યા વિના છૂટકો નહોતો. મનોરંજનનું કોઈ સાધન હાથવગુ નહીં. મુનશી બા અને બહેન સામે બોલતા અને તેઓ સાંભળ્યા રાખતા. કોઈના ચહેરા પર કંટાળાનો ભાવ તરી આવે તો તુરંત મુનશી આ કથામાં મીઠું મરચુ ભભરાવી દેતા હતા. જેથી કથામાં પરિવારના લોકોનો રસ જળવાય રહે અને કોઈ એમ ન કહે કે મુનશી રસ વિનાનું વાંચે છે.
દર વર્ષે મુનશી ડૂમાને વાંચતા હતા. એ સમયે સાક્ષરો ઓછા હતા અને લેખકો તો ઓછા જ હતા. સારી કૃતિઓ પણ ઓછી હતી. સોશિયલ મીડિયા પર એક વિધાન ફરે છે, ‘તમારી કથા પહેલા કહેવાય જ ચૂકી છે, ફક્ત તમારા દ્રારા નથી કહેવાય એટલે તમારે લખવું પડશે.’
લેખક બનવાનો આરંભ વાંચકથી થાય છે અને જો કોઈને વધારે વાંચી લો તો સાફ છે તમે એ જ બની જાઓ જે એ હતાં. પ્રભાવમાં આવી જાઓ. રતિલાલ બોરીસાગરના નિબંધો વાંચી મરક-મરક પુસ્તક માટે જ્યોતીન્દ્ર દવેએ લખેલું, ‘મને તો એવું લાગ્યું કે ક્યાંક આ મેં જ તો નથી લખ્યું ને.’ જે રતિલાલજીએ મરક-મરકમાં પણ સમાવ્યું છે.
મુનશી સાથે પણ આવું જ થયું. ઉપર વર્ણવેલી ઘટનાને તેઓ પોતાના શબ્દોમાં કંઈક આ રીતે મૂલવે છે, ‘કથા લખવાની કલામાં દૂમા મારો ગુરૂ છે. નવો ચિતારો પોતાના ગુરૂનાં અમર ચિત્રોની અને શબ્દસિદ્ધિને સેવી કાવ્યો લખતો થાય છે. એ જ રીતે દૂમાની કલાના પરિચયથી બાળપણથી મારામાં રહેલી કથાકારની કલાને સ્વરૂપ મળ્યું. તેજ મળ્યું, પ્રેરણા મળી, મે ઈરાદાપૂર્વક એનો અનુવાદ કદી કર્યો નથી ને પાત્ર કે વસ્તુનું અનુકરણ જાણીને કર્યું નથી. પણ દૂમાની કલાની અસર મારી કૃતિઓમાંથી ગઈ નથી.’
તેઓ વિવેચકોને છેલ્લે છેલ્લે સંભળાવતા પણ ગયા કે, ‘આવા સાહિત્યસ્વામીની કલાની પરમ જ્યોતિમાંથી મેં મારો ઘરદીવડો ચેતાવી ગુજરાતના સાહિત્યમાં જરાક પણ પ્રકાશ પાડ્યો છે એમ કોઈ માને, તો હું મારું કર્યું સાર્થક થયું માનીશ.’
પ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ ભટ્ટના હાથે ચોપડીઓના એ રીતે છોતરાં ઉડતા કે ચોપડીઓ ખૂદ આત્મહત્યા કરવાનું વિચારી લેતી. વિશ્વનાથ ભટ્ટે જ મુનશીને ‘ચોરશિરોમણિ’ જેવું વણમાંગ્યું તખલ્લુસ આપી દીધેલું હતું. તેઓ વિવેચન મુકુરમાં લખે છે, ‘હ્રદય અને હ્રદયનાથ નામના આખેઆખા પ્રકરણના ઘણા બધા સંવાદો તેમજ મુંજાલના પાત્રની થોડી રેખાઓમાં કાર્ડિનલ રિશિલ્યૂ દેખાય છે. વેરની વસૂલાત એ ડૂમાની કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોનું અને પાટણની પ્રભુતા તેમ જ ગુજરાતનો નાથ એ થ્રી મસ્કેટિયર્સ તથા ટ્વેન્ટીઈયર્સ આફ્ટરની સંયોજનનો શંભુમેળો છે.’
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલોને પણ વિશ્વનાથ ભટ્ટે છોડી નહોતી. નંદશંકરની નવલકથા નામના લેખમાં તેઓ લખે છે, ‘કરણઘેલોમાં પ્રતિબિંબિત સમાજજીવન સમકાલીન સૂરતનું છે. સૂરતના લોકોનાં રિતરિવાજ ઉત્સવો તેમ જ એ અરસામાં બનેલ ઘટનાઓનું વર્ણન નંદશંકરે કરણઘેલોમાં પ્રગટ દેખાઈ આવે તે રીતે કરેલું છે. ઉપરાંત તેમણે મેકોલની ગદ્યશૈલીની સીધી અસર ઝીલી છે. આબુ અને અંબાજીના વર્ણનો સીધાં જ રાસમાળામાંથી ઉપાડેલાં છે. તેનો એકરાર પણ ત્રીજી આવૃતિમાં કરેલો છે.’
મુનશીની ચોપડી પ્રસિદ્ધ થઈ ત્યારે રામચંદ્ર દામોદર શુક્લ નામના લેખકે તમામ કૃતિઓને વિગતવાર વાંચી. સામે ડૂમાની ચોપડીઓને પણ વાંચી. અને પછી મુનશીને ઘેરામાં લીધા. હવે પછી નીચે લખેલું છે તે પાટણની પ્રભુતા અને થ્રી મસ્કેટિયર્સ વચ્ચેની સમાનતાઓ છે. જે રામચંદ્રભાઈએ તારવેલી.
‘પાટણની પ્રભુતામાં આરંભમાં દેવીપ્રસાદ પાટણ જવા અશ્વ ઉપર નીકળે છે. ત્યાં અશ્વ ઠોકર ખાય છે. થ્રી મસ્કેટિયર્સમાં આર્ટેગ્નન પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી પેરિસ તરફ જવા નીકળે છે. ત્યાં ઘોડાની કઢંગી સ્થિતિ હાસ્યાસ્પદ બને છે. એક પ્રકરણનું નામ ભૂત છે. તો બીજાના પ્રકરણનું નામ Unknown. એવી જ રીતે આનંદસૂરિ મુંજાલને મળવા જાય છે તો થ્રી મસ્કેટિયર્સમાં મો.બોનેસ્યૂ કાર્ડિનલ રિશલ્યૂને મળવા જાય છે. મુંજાલના વ્યક્તિત્વનું વર્ણન અને તેની સામે રિશલ્યૂના વ્યક્તિત્વનું સામ્ય એક છે. મૃત્યુ સમયે કર્ણદેવની અને બર્નજોક્સની સ્થિતિ એક સમાન છે. દેવપ્રસાદની શૂરવીરતા સામે આર્ટેગ્નનની સાહસિકતા અને દેવપ્રસાદની મૃત્યુની ઘટના અને બકિંગહમની હત્યાનો પ્રસંગ પણ એક સમાન છે.’
શુક્લનાં વિવેચન પછી તો વિશ્વનાથ ભટ્ટના બાવળાઓમાં બળ આવ્યું અને તેઓ ફકરાંઓ પર ઉતરી આવ્યા. તેમણે મુનશી અને ડૂમાની કૃતિના સંવાદોની સરખામણી કરી. થ્રી મસ્કેટિયર્સ અને બાદમાં મુનશીની પાટણની પ્રભુતા વિશે વિશ્વનાથ ભટ્ટે વિવેચન મુકુરમાં જે લખ્યું તેનો એક ફકરો જોઈએ.
‘Buckingham remained for a moment dazzled :…. Anne of Austria Made Two Steps Forward ; Buckingham Threw Himself at her feet.’
‘તેને જોઈ રાણી ગભરાટમાં પડી – આમ શું કરે છે ?- જે કહેવું હોય તે કહે; પણ એક વખત, મહેરબાની કરી તું કહે તો તને પગે લાગું, મને આટલું કરી આપ.’
મુનશીએ જેમને નોકરી પર રાખેલા અને જેઓ એક ખીલે બંધાયને રહે એમ નહોતા તે વિજયરાય વૈદ્ય પણ મુનશી સામે બાખડેલા. તેમની ચર્ચાઓ વર્તમાન પત્રોમાં પણ છપાતી હતી. જેમ અત્યારે લોકો ફેસબુકમાં બે લેખકોના ડખ્ખામાં મજા લેતા હોય છે તેમ વિજયરાય વૈદ્ય અને મુનશીના ડખાની પણ લોકો છાપામાં વાંચી મોજ લેતા હતા, ફક્ત તેમની પાસે અભિવ્યક્તિ માટેનું મંચ ન હતું. મુનશી સાથે થયેલા ઝઘડા પછી એક દિવસ વિજયરાય વૈદ્ય ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતા. તેમની સામે એક ભાઈ બેઠો હતો. તેણે વિજયરાયને ઓળખી જતા કહ્યું, ‘ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
વાત એવી બનેલી કે સાહિત્ય સેવકોવાળી સેવકગણની મૂળ યોજના કોની, મારી કે તમારી આ મુદ્દે ધીંગાણું થયું. આ વિચારનો જન્મદાતા હું છું એમ કહી વિજયરાય વૈદ્યએ મુનશીને કહ્યું, ‘મા સરસ્વતીના સોગન ખાઈને પારખું લેવું હોય તો કનુભાઈ મુનશીને બળતી આગમાં હાથ ધરવો. હું પણ એ રીતે અગ્નિમાં હાથ ધરવા તૈયાર છું. દાઝે એ ખોટો.’ આ વાત પર મુનશીએ હળવેકથી ઠંડુ પાણી રેડી દીધું હતું.
મુનશીના સાહિત્યિક દુશ્મનો લોકપ્રિય થયા તેની પાછળનું કારણ પણ મુનશીની જબ્બર લોકપ્રિયતા જ હતી. સામેની બાજુ વૈદ્ય, ભટ્ટ, શુક્લ આ પણ કંઈ જેવા તેવા વિવેચકો નહોતા. મુનશીની કૃતિમાં આટ આટલું પકડી લેનારા કેટલું ઝીણું કાતીને વાંચતા હશે ?
વિજયરાય વૈદ્ય અને મુનશીના ડખ્ખાનો અગાઉ એક લેખમાં ઉલ્લેખ કરેલો તે ફરી કરું છું. વિજયરાય વૈદ્યએ કહેલું, ‘વેરની વસૂલાત અને પાટણની પ્રભૂતા જે મકાનમાં બેસીને લખાઈ તે મકાનમાં એ નવલોના કર્તાની પાડોશમાં નિવાસ કરનારા ઓછામાં ઓછા બે પ્રતિષ્ઠિત સાહિત્યસેવકોને મુંબઈમાં આ લખનારે કાનોકાન આમ નિ:સંકોચ કહેતા સાંભળ્યા છે : અમે નજરે જોયેલું કે મુનશી ડૂમાની ચોપડીને આંખ સામે રાખીને જ પોતાની વાર્તાઓ લખતા હતા.’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે. હવે તે લોકપ્રિય થયો છે તો મને ક્રેડિટ નથી આપી રહ્યો. ડૂમાએ કોર્ટ બહાર મેકેટ સાથે સેટલમેન્ટ પાર પાડ્યું હોવાનું પણ ફ્રાન્સના સાહિત્યપ્રેમીઓ કહે છે. ડૂમાને તો એટલા અફેર હતા કે ફ્રાન્સની નવી પેઢી કોલર ઊંચો કરીને કહી શકતી હતી અને આજે પણ કહે છે, ‘ડૂમો મારો દાદો છે.’
~ મયૂર ખાવડુ
Leave a Reply