આપણા ક્ષેત્રની સૌથી મજેદાર વાત એ છે કે કોઇ એક પુસ્તક અથવા તો ફિલ્મને એક વખત જોઇ તમે તેને વ્યાખ્યાના દોરડે ન બાંધી શકો. બીજી ત્રીજી વખત જોઇએ ત્યારે તેમાંથી ઘણું શીખવા મળતું હોય છે. આપણે આપણી આદતોથી હેરાન છીએ! આપણે ફિલ્મોનું રસ-પાન વારંવાર કરીએ છીએ, પણ પુસ્તક એક વખત વાંચ્યા બાદ બીજી વખત તેને હાથ નથી અડાવતા. એક પુસ્તકના એક પાને કંઇક લખેલું હોય, પણ તમારામાં જો લેખકનો જીવડો હોય, તો તેમાંથી મારા માટે લખવા નવું શું નીકળી શકે તે વિચારમાં વાગોળતા સારી કૃતિનો સારો મેસેજ તમે ભૂલી જાઓ. આ તમારી કે મારી સાથે નથી બનતું હોતું. આ દરેક વાચક અને લેખક સાથે બનતી દૈનિક ક્રિયા છે.
મારી પાસે મોટાભાગના પુસ્તકો છે, જેમાંથી અનાયાસે કેટલાકને આપણે હાથ પણ અડાવ્યા નથી, તે પુસ્તકોમાંથી જે ગમે તેને વારંવાર વાગોળી લઇએ. બે વસ્તુ હું વારંવાર કરું છું. આપણે કેટલું ભંગાર લખી ગયા તે ચેક કરવાનું અને બીજુ હેરી પોટર ફિલ્મો દર વર્ષે ચોમાસાના ગાળામાં જોવાની. તો આ વખતનું રિપીટ ટેલિકાસ્ટ કંઇક આવું રહ્યું.
> હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર
જેની લાઠી તેની ભેંસ કટારના લેખક મધુસુદન પારેખે જ્યોતિન્દ્ર વિશે કહ્યું છે,”હાસ્યમાં અત્યારે ઘણા જ્યોતિઓ પ્રકાશે છે, પણ જ્યોતિન્દ્ર માત્ર એક જ છે.” તમારે જ્યોતિન્દ્ર વિશે જાણવું હોય તો જ્યોતિન્દ્રની અપ્રાપ્ય એવી આત્મકથા વ્યતીતને વાગોળુ છું વાંચવી. તેમણે પોતાના વિશે કેટલું લખ્યું હશે તે હું ન કહી શકું. કારણ કે તે આપણા હસ્તે હજુ આવી નથી. ખાસ કરીને જ્યોતિન્દ્ર વિશેનું સમગ્ર: વિનોદ ભટ્ટ લખી ચૂક્યા છે. તેમનું પુસ્તક સંપાદિત કર્યું તેમાં, પોતાના શ્રેષ્ઠ લેખોનું સંપાદન કર્યું તેમાં પણ જ્યોતિન્દ્ર પહેલા જ નિબંધમાં આવ્યા.
વિનોદની નજરેમાં પણ જ્યોતિન્દ્ર આવ્યા અને તેમના વિશે વિનોદે મસમોટુ ચરિત્રકથન કર્યું છે તેમાં પણ આવ્યા… આ સિવાય જ્યોતિન્દ્ર માત્ર આપણા માટે એક રમૂજ ઉત્પન્ન કરનારા માણસ થઇને રહ્યા બાકી કંઇ નહીં.
વિનોદ ભટ્ટે તેમનું ચરિત્ર લેખન કરતા, વિદેશી ચાર પાંચ હાસ્યલેખકોના નામ ટપકાવી લખ્યું છે કે, જ્યોતિન્દ્ર આ કક્ષાના લેખક હતા. જ્યોતિન્દ્રના નસીબ કેવા કહેવાય, હું તે ચાર -પાંચમાંથી એક પણ અંગ્રેજી લેખકને ઓળખતો નથી, પણ હા જ્યોતિન્દ્રને ઓળખું છું. તમારે કોઇપણ શિષ્ટ-પ્રશિષ્ટ-અર્વાચીન પ્રકારના હાસ્ય નિબંધનો સંગ્રહ વાચકોના હાથમાં આપવો હોય. તો તેનું સંપાદન કરતી વેળાએ તમારા મગજમાં પહેલું નામ જ્યોતિન્દ્રનું ઘૂંટાઇ આવે.
રમણભાઇ નીલકંઠ ચીઠ્ઠી નામના હાસ્યનિબંધથી રમૂજ ઉત્પન્ન કરી ગયા. જોકે આ પહેલા તેમણે ભદ્રંભદ્ર જેવી સમાજ અને ધર્મ પર કટાક્ષ કરતી નવલકથા લખી પોતાનું નામ ગુજરાતી સાહિત્યમાં અમર કરી નાખેલુ. જ્યોતિન્દ્રના જ સમકાલીન એવા ધનસુખલાલ મહેતાએ હાસ્ય નિબંધો અને અમે બધાં નવલકથા જ્યોતિન્દ્ર સાથે લખી. આ સિવાય જ્યોતિન્દ્ર પછીના હાસ્યલેખકો પણ સારા એવા ગાજ્યા. એમાના ઘણા ખરા માત્ર ગાજ્યા જ પણ વરસ્યા નહીં.
જ્યોતિન્દ્રનું લખાણ ઘણા સમયે પહેલા વાંચ્યું હતું. પરંતુ ત્યારે મુગ્ધવયમાં હતા. તેમની લખેલી વાતમાં હાસ્ય આવે છે તેનો ખ્યાલ નહોતો. માત્ર ખોટી બે આની અને સોય દોરો પાઠ ભણાવતી વખતે સાહેબ થોડુ મરક મરક કરી લેતા એટલે ખ્યાલ આવતો કે આ હાસ્યરસ હોવો જોઇએ.
વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત તેમના પુસ્તકમાં જ્યોતિન્દ્રના ચૂંટેલા હાસ્ય નિબંધો છે. આ સિવાય મારી નોંધપોથી, રંગતરંગ, પાનનાં બીડા…. એક વસ્તુ કહી દઉં. તમારે ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકભાષાનો પ્રયોગ કરતા શીખવું હોય તો જ્યોતિન્દ્રને વાંચવા. તેમના નિબંધોમાં પાંડિત્ય ઠાંસીઠાંસીને ભરેલું હોય છે. વિનોદ ભટ્ટે તેમના વિશે કહેલું કે, ‘જો તેમની અંદરના હાસ્યલેખક અને પંડિત વચ્ચે ટક્કર થાય, તો પેલો પંડિત ચંદ ક્ષણોમાં હાસ્યલેખકને માત આપી દે.’ એટલે જ જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્ર છે અને રહેશે.
તેમના હાસ્યનિબંધોમાં આવતા અનુભવ, રસપ્રચૂરતા, સાહિત્યનો ઉંડો અભ્યાસ, કવિ ન હોવા છતા કવિ કરતા સારું છંદનું આલેખન, સંસ્કૃત સાહિત્યની મબલક પ્રેક્ટિસ અને વસ્તુને પણ પરિસ્થિતિ બનાવી વાચક સમક્ષ રજૂ કરવાની કળા. આટલી વસ્તુઓ તેમના નિબંધમાં હોવાથી તેઓ જ્યોતિન્દ્ર છે અને તેમના પછીના દસ નંબર ખાલી રાખી, જે અગિયારમાં આંકડા પછીના હાસ્યલેખકો આવે છે તે વિનોદ, હાસ્ય, કટાક્ષ, વીટ એવું બધું કરે છે, પણ તે કોઇ લેખકમાં પાંડિત્ય જોવા નથી મળતું. પાંડિત્ય હોવાના કારણે જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્ર છે. અને તેનો અનુભવ કરવા પાનનાં બીડા, મારી નોંધપોથી સહિતનું લખાણ વાંચવુ.
> માલગુડીનું વિશ્વ
માલગુડીના વિશ્વમાં હું કેદ થયેલો છું. કોઇ સાહિત્યકાર દ્વારા પોતીકા શહેરની કલ્પના કરવી, ગામના પાદરમાં એક મોટી અંગ્રેજ અમલદારની મૂર્તિ મુકવી, ટેમ્પો સાઇઝની ગામડામાં આવતી બસ, ગામ વચ્ચે વહેતી સર્યૂ નદી જેનું પાણી ખૂંટતું નથી, બે અંગ્રેજી સ્કૂલો, ચળવળ કરતા માલગુડીના લોકો, જે પ્રમાણે લખેલું હોય તે મુજબ અનુસરવું અને કલાકારો પાસેથી પુસ્તકના ડાઇલોગ પણ બદલ્યા વિના કામ કરાવવું. આ માત્ર ડિરેક્ટર શંકરનાગ જ કરી શકે.
મેં ગુજરાતી અનુવાદમાં માલગુડીના ટાબરિયા વાંચી છે. હરિન્દ્ર ભટ્ટે તેનો ભવાનુવાદ કર્યો છે. એટલે મૂળ કૃતિ છે, તે મુજબ નથી જળવાઇ. તેમાં કાપકૂપ કરવી પડી છે. પણ કોઇ પ્રકરણને જો સાતમાં ધોરણના વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં દાખલ કરવું હોય તો હરિન્દ્ર ભટ્ટના ભાવાનુવાદને તક મળવી રહી.
માલગુડી ડેઇઝ મેં અંગ્રેજીમાં વાંચી છે. બાદમાં હિન્દી… આ પહેલા સિરીયલ જોયેલી. સિરીયલ અને પુસ્તક આ બંન્નેમાં તસુભાર પણ ફર્ક નથી. હા, કેટલાક પ્રકરણો બજેટના કારણે લેવામાં નથી આવ્યા. પણ બજેટથી કહી દઉં કે માલગુડી એ સમયની સૌથી મોંઘી સિરીયલ હતી.
સ્વામી, રાજમ, સોમુ, શંકર, સેમ્યુલ. આ પાત્રો આંખમાં વસી ગયા છે. તમારા ક્લાસમાં આજે પણ એક એવો છોકરો હોવાનો જે ક્લાસનો મોનીટર અને સાહેબનો ચમચો હોય, તેમનો હાથ પરાણે પોતાની માથે ફેરાવી માર્ક્સ લઇ જતો હોવાનું ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને લાગે (સોમુ)
ક્લાસમાં એક એવો છોકરો પણ હોય જેની સાથે તમે દોસ્તી કરવા ઇચ્છુક હો, પણ તમારી ઇચ્છાની વિરૂદ્ધ જ તમારો પાક્કો દોસ્તાર હોવાનો (અમીર રાજમ, ગરીબ ગદાધારી મણી)
તમને હેરાન કરતો પણ તમારાથી કોઇવાર ડરતો છોકરો પણ તમારી ક્લાસમાં જ હોય (સેમ્યુઅલ)
એક એવો છોકરો પણ હોવાનો જેને કોઇ તેના નામે ન બોલાવે (મટર-હુલામણું નામ)
વિરોધી ટીમ સામે તમારી ટીમ ક્રિકેટ મેચ રમાવાની. તમારી રજા હોય ત્યારે બાપુજીની પણ દુર્ભાગ્યવશ રજા હોવાની. વારંવાર તમને ભણવાનું (વેકેશનમાં-પણ) કહી હેરાન કર્યા કરે. તમારી નોટ તપાસ્યા કરે. એક દાદી હોય જેની સાથે તમને ગપ્પા લડાવવાની મઝા આવે. મમ્મી જે રખડવા ન દે… નદી હોય, ભૂત હોય અને કેટલુ બધુ જે તમારી અને મારી સાથે બની ગયું હશે. અને ભૂલકાઓ સાથે ભવિષ્યમાં બનવાનું હશે. સૃષ્ટિમાં બધુ બદલશે પણ બાળપણ નહીં બદલે.
આ છે તો નારાયણનું જ બાળપણ. નારાયણે ખુદને સ્વામીમાં ઢાળી દીધા છે. જોકે સ્વામી એન્ડ ફ્રેન્ડ્સથી માલગુડી પૂર્ણ નથી થઇ જતી. તે પછી આવે વેન્ડર્સ સ્વીટ (જે પુસ્તકનું વિવેચન કરી ચૂક્યા છીએ) અને પછી વારો આવે….
> માલગુડીનો આદમખોર
પહેલી નજરે માલગુડીનો આદમખોર કોઇ વાઘ હશે તેવું લાગે, જીમ કોર્બેટના મેન ઇટર્સ ઓફ કુમાવના કારણે સાહિત્યપ્રેમીઓમાં આવી શંકા વાંચ્યા વિના સેવાયેલી. પણ અહીં પ્રિન્ટર નટરાજનના મકાન ઉપર રહે છે ખાટકી વાસુ. જે પ્રાણીઓની ચામડી ઉતારી લેતો હોય છે. તેનો આ ધંધો છે. પ્રાણીઓના શરીરમાં મસાલો ભરવો. બિચારો પ્રિન્ટર નટરાજન ફસાયેલો છે. કરે તો શું કરે? ઉપરથી ખાટકી ગુસ્સેલ સ્વભાવનો. જે નટરાજનની બિલાડીને પણ ચાઉં કરી જાય છે. અહીં પ્રતીક તરીકે આદમખોર ખાટકી છે. અને શાકાહારી મનુષ્ય તરીકે પ્રિન્ટરને ચિતરવામાં આવ્યો છે. આખરે થાકીને પ્રિન્ટર…..
> માલગુડીની વાર્તાઓ
ત્રીજા નંબરે આવે છે માલગુડીની વાર્તાઓ. કોઇએ એસ્ટ્રોલોજર્સ ડે વાંચી છે? માલગુડી ડેઇઝમાં એસ્ટ્રોલોજર્સ ડે આવે છે, પણ તે વાર્તા પડદે ઢાળતા એટલી અસરકારક નથી દેખાતી. મજા જ નથી આવતી. બાકી વાંચતી વખતે તેનો અંત રૂંવાટા ઉભા કરી દે. માલગુડીની આવી અઢળક વાર્તાઓ. આ સિવાય માલગુડીનું કલેક્શન જે હિન્દીમાં પણ છે અને અંગ્રેજીમાં એટલે મોજો પડી જાય. પણ સૌથી વધારે આહલાદક લાગશે નારાયણની ઓટોબાયોગ્રાફી. એ વાંચી તેની તુલના અને પૃથ્થકરણ માલગુડી સાથે કરવું એટલે સ્વામીના સીધા મુળીયા નીકળશે આપણા નારાયણમાં. તો પહેલા સમસ્ત માલગુડી અને બાદમાં આત્મકથા વાંચવી.
રસ્કિન બૉન્ડ એક સ્કૂલની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમને કેટલાક બાળકોએ પૂછેલું, દાદા આ રસ્ટિ તમે પોતે જ છોને અને રસ્કિન બોન્ડ હસવા લાગેલા. કંઇક આવું જ ગ્રેહામ ગ્રીનમાંથી પ્રેરણા લઇ લખવૈયા બનવાની વાટ પકડનારા આપણા નારાયણમાં છે. નારાયણની આ કૃતિ સિવાય અંદર રહેલા ચિત્રો જે તેમના ભાઇ લક્ષ્મણે દોરેલા છે તે ઇલ્યુસ્ટ્રેશન એડિશનમાં જોવાની મઝા જ અલગ છે.
> ગાઇડ
નારાયણની ગાઇડ જેની સૌરભ શાહ હમણાં સિરીઝ ચલાવી રહ્યા છે. ગાઇડ ફિલ્મમાં એક વસ્તુની મઝા ન આવી કે ડિરેક્ટરે માલગુડી ટાઉનનું નામ કાઢી નાખ્યું. હવે તો દુનિયા નષ્ટ થઇ જાય તો ભલે બાકી માલગુડી ચીરંજીવી રહેવું જોઇએ. થાય કે બાળકો અને સોશિયલ લાઇફ પર લખનારા નારાયણની કલમ માલગુડીના કોઇ ખૂણે લવસ્ટોરીને પણ લઇ આવી શકે છે. વાહ…
> એવા રે અમે એવા
દાદાને મળુ મળુ કરવામાં તે ચાલ્યા ગયા. મને આ વાતની પહેલાથી ખબર હતી. જ્યારે નલિની બહેનનું અવસાન થયેલું ત્યારથી એકલો હોવ તો ભણકારા વાગતા કે, હવે દાદા નહીં જીવી શકે. મને આ વાતની કેમ ખબર પડી કે નલિની બહેન વિના વિનોદ ભટ્ટ હવે એક ક્ષણ પણ જીવવાના નથી? તેમની આત્મકથા એવા રે અમે એવા વાંચ્યા પછી.
આ આત્મકથામાં હાસ્ય અને કરૂણ રસ ભેગો કરી વાચક સામે પીરસવામાં આવ્યો છે. ક્યાંક લેખક ગરીબીના દિવસો નજીકથી દેખાડે, જ્યારે વિનોદ દાદા પાસે પહેરવા ચંપલ ન હોય અને પિતાશ્રી (મોટાભાઇ) ના ચંપલ પહેરી સ્કૂલે ચાલ્ય જાય. સારી વસ્તુ વાપરવાનો મોહ તેઓ જતો ન કરી શકે.
પિતાશ્રીના હાથે વારંવાર માર ખાવો અને પછી સ્કૂલના દિવસોથી લઇને અંત સુધી ધીંગામસ્તી કરવી. વિનોદ ભટ્ટે પોતાની આત્મકથામાં એક વાક્ય સરસ લખ્યું છે, ‘મને કોઇ નશો નથી, કારણ કે જીવનમાંથી જ મને નશો મળી ચૂક્યો છે. પાનનો પણ નશો નથી.’ આ આત્મકથામાં તેઓ પોતાની બંન્ને પત્નીઓને કેવો પ્રેમ કરતા તે વિશેની વાત અને લેખક કેવી રીતે બન્યા તેનું ગલોટીયા ખવડાવી દેતું હાસ્ય, જો તમારી અંદર વિવેચક હશે તો તેનું વિવેચન નહીં કરી શકે તેની ગેરન્ટી.
મૃત્યુ સાથે આ આત્મકથાની શરૂઆત થાય છે. અને હાસ્ય રૂદનમાંથી આપણને પસાર કરતી ગાડી કોઇ પહાડમાં જોરથી વિનોદની માતાનો સ્વર વિનીયા આવતો હોય ત્યાં એકલા છોડી જાય છે. મને જ્યારે સમય મળે ત્યારે તેમાના એકાદ બે પ્રકરણ કાઢી વાંચી લઉં. મન હળવું થઇ જાય.
> અમે બધાં
મુરબ્બી ઇશાન ભાવસારે આ પુસ્તકનું વિવેચન કરતા કહેલું કે નવલકથાને પ્રથમ પ્રકરણથી વાંચવામાં આવે કે અંતથી…. કોઇ ફર્ક પડવાનો નથી. જેષ્ઠથી અનુજ અને અનુજથી જેષ્ઠ જેવું છે. અને આપણે તેમની સાથે સહમત છીએ.
સુરત સોનાની મૂરતથી શરૂ થતી નવલકથા, ત્યારે સુરતની હયાતીના હસ્તાક્ષર કેવા હતા તેનો આછો એવો પડછાયો આપણી અંદર પાડી દે. પછી પ્રથમ પુરૂષ એકવચનથી આપણા નાયક બિપીનના પરિવારની વાત બિપીન ખુદ કરે. ગુજરાતી સાહિત્યમાં આવો પ્રયાસ થયો નથી. એટલે આ કથા ક્લાસિક છે. ટાઇમલેસ ક્લાસિક. આજે મોબાઇલ યુગ આવ્યો છતા તેના રસમાં કોઇ પ્રકારનો બદલાવ નથી આવ્યો.
દરેક પ્રકરણ વાંચતી વખતે બે લેખકો ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેમાંથી ક્યુ પ્રકરણ ક્યા લેખકે લખ્યું હશે તેની તમે જો જ્યોતિન્દ્રને વાંચ્યા હશે તો ઓળખ કરી શકશો. આજે હાસ્યનું આટલું વાંચ્યા પછી કહી શકુ કે, હાસ્યનિબંધમાં માત્ર હાસ્યરસ મળે, પરંતુ હાસ્યનો કોઇ દળદાર ગ્રંથ જેમ કે આત્મકથા કે નવલકથા હોય, તો તેમાં બે રસ એક સાથે દોડતા હોય.
અમે બધાંના પ્રથમ પ્રકરણમાં જ્યારે બિપીનની મા મંગળાને પ્રસુતીની પીડા ઉપડી છે, ત્યારે પરિવારના લોકો જ પરિસ્થિતિને એટલી દુષ્કર બનાવી દે કે, આપણને નાયકના પિતા પર દયા આવી જાય. લાગે કે બીચારાની ખો ભૂલાવી દેશે.
નાયક બીપીનના જન્મ થતાની સાથે જ રમૂજી પ્રસંગો આવે. જેમાં તેના પૂર્વજો વિશે તો પેટમાં દુખવા માંડે. “મારા પૂર્વજોના” લેખક એ સો ટકાની ગેરન્ટી સાથે કહી શકુ કે, તેમાં જ્યોતિન્દ્રએ પીછી મારી છે. કારણ કે તે તો વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત જ્યોતિન્દ્રના હાસ્યના પુસ્તકમાં પણ સમાવિષ્ટ છે. આંગળીના વેઢે ગણી શકાય તેવી ગુજરાતી સાહિત્યની ક્લાસિકકથાઓ અને લોકપ્રિય નવલકથાઓના ધોધ વચ્ચે અમે બધાં ન વાંચે તેનો તો જન્મ જ એળે ગયો કહેવાય.
આ લિસ્ટ તો હજુ લાંબું થઇ શકે તેમ છે, પણ હવે તમારો વધારે સમય ન લેતા BBC ગુજરાતીની જેમ કહું તો, આ ને આના સિવાય બીજુ ઘણું બધું…
~ મયૂર ખાવડુ
Leave a Reply