બસમાં બેઠો હોવ ત્યારે સપાટ જમીન. જ્યાં એકધારા ઘટાદાર વૃક્ષો હોય. કોઇ જગ્યાએ ઉંચા ટીલા હોય. હરીયાળુ મેદાન આવે અને વિચાર આવે કે, અહીંયા ઝુંપડી બાંધી રહ્યા જેવુ છે, વળી આ જમીન કોના બાપની ? વૃક્ષોની વચ્ચે ક્યાંક માચડો બાંધીને રહેવુ, પણ જ્યારથી શહેરમાં આવ્યો છુ. આ બધુ છુટી ગયુ છે. મારૂ ગિર, જૂનાગઢનું જંગલ. પહેલીવાર અમદાવાદ આવ્યો ત્યારે અહીં રહેવાશે કે કેમ તેવો વારંવાર વિચાર આવતો હતો, અને હવે અહીંના થઇને રહી ગયા. ભાષા બદલાઇ રહી છે. તેનો હવે ખ્યાલ આવવા લાગ્યો છે. જીભમાંથી કાઠિયાવાડી પણુ દુર થઈ રહ્યું છે. સારૂ કહેવાય કે ખરાબ કંઇ ખબર નથી પડતી. અચાનક કોઇને જવાબ દેવાય જાય, “ત્યાં સીધા ચાલ્યા જાવ ને” ત્યારે શબ્દનો ઉપયોગ કર્યા બાદ ખબર પડે કે, “હાઇલા જાવ.” એ કહેવાનું વિસરાય રહ્યું છે.
નથી નદી નાળા કોઇ ડેમ કોઇ જાનવર. મારા ખ્યાલ મુજબ જીવરાજ ચાર રસ્તા પાસે મગર આવી ચડે, તો મને મંગળ ગ્રહ પરથી કોઇ પ્રાણી આવ્યાનો અહેસાસ થાય. કારણ કે અહીંયા એવુ કંઇ છે જ નહિ. જૂનાગઢમાં બ્રમહેશ્ર્વર આશ્રમ નજીક તો મગર જોવા જતા. અમદાવાદમાં તો તમને કૂતરા હેરાન કરે.
લાઇફ ઓફ પાઇ નોવેલના રાઇટર યાન માર્ટેલની એવી ઇચ્છા કે હું ભારત જાવ. જંગલની વચ્ચે મારૂ ઘર હોય. મનમાં એવો ડર હોય કે કોઇ જંગલી જાનવર આવી જશે તો ? રોજ સવારે કોફીનો મગ ટેબલ પાસે પડ્યો હોય અને હું મારી નવલકથા લખુ. નવા નવા મળતા સબ્જેક્ટના કારણે જ રૂડયાર્ડ કિપ્લીંગ કદાચ એટલે જ ભારતના જંગલો વિશે કાલ્પનિક વાર્તા ઘડી લખતા હશે. એક દિપડો મારવા આવેલા જીમ કોર્બેટ ભારતમાં કાયમી રોકાઇ ગયા. સાલ્લી ઇન્ડિયન ફોરેસ્ટમાં રખડવાની મજા જ કંઇક અલગ છે. અને એ મઝા ઓર ત્યારે વધે જ્યારે ગિર હોય. ધ્રુવ ભટ્ટની અકુપાર વાંચવાનું મન થઈ ગયુ.
રોજ ફોરેનર જોવાના. કોઇ નવી ટીમ કેમેરો લઇ શુટિંગ માટે આવી હોય. નેસડા માંથી દુહા છંદ ચાલતા હોય. ક્યાંક રાડારાડ થઈ જાય. મારી ભેંસ સાવજ મારી ગયો. એટલે ભેંસને શોધવાની. જેના કારણે ડાલા મથ્થો સિંહ મળી જાય. રોજડુ આવી ચડે તો ભૂલથી લોકો સિંહ આવ્યાની વાતો કરવા માંડે. સાસણમાં કોઇને ઇંગ્લીશ આવડતુ હોય, તો પેલા ભૂરીયા જોડે વાત કરે. અને તો પણ પેલો વિદેશી એટલુ ફાસ્ટ બોલતો હોય કે આપણા લોકલ ઇંગ્લીશયન ભાઇને બાદમાં ખ્યાલ આવે, ઓહો આ તો રશિયાથી છે.
સૌથી વધારે મઝા એટલે જંગલમાં એકલા સફર કરવાની. એ પણ ચાલીને. પાછી તેવી રીતે સફર કરવી છે પણ હવે ટાઇમ નથી. એટલે સાથે લાવેલી રસ્કિન બોન્ડની કિતાબો વાંચી મન ભરીને કાલ્પનિક જંગલ ઉભુ કરી લેવાનું. મિસ યુ જંગલ ડે.
~ મયુર ખાવડુ
Leave a Reply