જગ્ગા(રણબીર કપૂર), મણીપુરનો એક એવો બાળક જે બોલવામાં અચકાય છે. એના પરિવારમાં માતા કહો કે પિતા માત્ર એક જ વ્યક્તિ છે – ટુટીફૂટી (શાશ્વત ચેટરજી). જેને તે હોસ્પિટલમાંથી મળ્યો હોય છે. બંન્નેના જીવનમાં ત્યારે ટર્ન આવે છે જ્યારે એક ઈન્ટેલિજન્સ અધિકારી(સૌરભ શુક્લા) ટૂટીફૂટીને એક ભેદી પત્ર આપે છે. એ પત્ર બાદ ટૂટીફૂટી જગ્ગાને હોસ્ટેલમાં મોકલીને કોઈ રહસ્યમય મિશન પર ચાલ્યો જાય છે. જગ્ગાને તે દર વર્ષે તેના જન્મદિવસે વિશ્વના જૂદા જૂદા ખુણેથી એક વીડિયો કેસેટ મોકલે છે. જેમાં તે જગ્ગાને બર્થ ડે વિશ કરીને દુનિયાભરનું એ નોલેજ આપે છે જે દરેક માતા-પિતાએ પોતાના સંતાનને બુદ્ધિશાળી બનાવવા આપવુ જોઈએ. એ કેસેટ્સમાંથી મળતા જ્ઞાન અને શાર્પ ઓબ્ઝર્વેશન્સ સ્કિલથી જગ્ગા ભલભલા કેસો ઉકેલતો થઈ જાય છે. એવામાં તેની જિંદગીમાં લંડનમાં ભણેલી અને કોલકાતામાં કામ કરતી ઈન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટ શ્રુતિ સેનગુપ્તા(કેટરીના કેફ)ની એન્ટ્રી થાય છે. જેને એક કેસમાંથી બહાર નીકળવામાં જગ્ગા મદદ કરે છે. જગ્ગાના એક બર્થ ડે પર ટૂટીફૂટી તરફથી પેલી કેસેટ આવતી નથી અને સમાચાર મળે છે કે તે હવે આ દુનિયામાં નથી. પણ જગ્ગા એ સ્વિકારવા તૈયાર નથી. તે શ્રુતિ સાથે ટુટીફૂટીની શોધમાં નીકળે છે એ સાથે જ સ્ટાર્ટ થાય છે એક મ્યુઝિકલ-મિસ્ટિરિયસ-એડવેન્ચરસ રાઈડ. ઠેર ઠેર સિચ્યુએશનલ અને સ્લેપસ્ટિક કોમેડીની ભરમાર ધરાવતી એ રાઈડ સુભાષચંદ્ર બોઝે નોર્થઈસ્ટમાં શોધેલા એક ગુપ્ત માર્ગથી શરૂ કરીને 1995માં ખરેખર બનેલા પુરૂલિયા આર્મ્સ ડ્રોપિંગ કેસ જેવા જ એક રેકેટ સુધી પહોંચે છે. જગ્ગા દ્વારા પાલક પિતાની શોધના છેડા છેક ઈન્ટરનેશનલ હથિયાર સોદા સુધી લંબાય છે.
આ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ બસુનો એક ડ્રિમ પ્રોજેક્ટ હતો. કેટ-રણબીરના સંબંધોમાં ખટરાગથી માંડીને અનેકાએક વિઘ્નો આવવા છતાં તેમણે મેકિંગમાં કોઈ બાંધછોડ ન કરી ને નિર્માણમાં લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો. સુત્રો તો ત્યાં સુધી કહે છે કે, ‘જગ્ગા જાસુસ’ પ્રત્યે બસુને એટલો ‘અનુરાગ’ હતો કે તેમણે આ ફિલ્મ બનાવીને કોઈને પણ ન બતાવી, કેટ-રણબીરને પણ નહીં. આ ફિલ્મમાં તેમની સ્ટોરીટેલિંગની સ્ટાઈલ કાબિલ-એ-દાદ છે. ફિલ્મના મોટાભાગના સંવાદો ગીતોમાં છે. આ એક નવો પ્રયોગ છે. જગ્ગા બોલવામાં અચકાતો હોવાથી પોતાની વાત કહેવા માટે ગીતોનો સહારો લે છે. એને જે વાત કહેવી હોય તેનુ ગીત બનાવીને કહે છે. તેમણે અનેક રેફરન્સ પરથી ઈન્સપાયર્ડ થઈને જગ્ગા નામના એક એવા કેરેક્ટરનું સર્જન કર્યુ છે, જે બાળકોને ચોક્કસ ગમશે અને જેમાં એક આખી સિરિઝ ક્રિએટ થવાની પણ સંભાવના છે. એટલે જ કદાચ અંતમાં તેમણે બીજો ભાગ બનવાના સંકેત આપ્યા છે.
ફિલ્મે એડિટિંગ ટેબલ પર ઘણો સમય પસાર કર્યો હોવાનુ વર્તાઈ આવે છે. અનેક વિવાદો બાદ ગોવિંદાના કેમિયોવાળો આખો ટ્રેક નીકળી ગયો છે. એ જ રીતે જે જીમ કેરીના ફિલ્મના એક દ્રશ્ય અને એક ઈન્ટરનેશનલ ટ્રેન્ડ પરથી ઈન્સ્પાયર્ડ હોવાની ચર્ચા હતી એ મોં પર ટેપ લગાવીને ચહેરો વિકૃત બનાવવાવાળો રણબીરનો સિન પણ નીકળી ગયો છે. જે ટ્રેલરમાં હતો. બાય ધ વે ફિલ્મનો પ્લોટ જેના પર આધારિત છે એ દેશના સૌથી રહસ્યમય પ્રકરણો પૈકીના એક એવા પુરૂલિયા આર્મ્સ ડ્રોપિંગ કેસ પર તો એક અલાયદી સસ્પેન્સ થ્રીલર બની શકે તેમ છે. રવિ વર્મનની સિનેમેટોગ્રાફી કમાલની છે. પડદા પર ‘ડિઝનીબ્રાન્ડ’ કલર્સના આખેઆખા ડબલા ઢોળ્યા હોય એવું લાગે. તો કેટલાક દ્રશ્યો કોઈ સારી એનિમેટેડ મુવી જોતા હોય એવા લાગે. જોકે, ફિલ્મનો પ્લોટ ક્યાંક અમેરિકન મ્યુઝિકલ ક્રાઈમ કોમેડી ‘સિંગિંગ ડિટેક્ટિવ’ જેવો તો ટચુકડા પ્લેનની ચેઝ જેવા કેટલાક દ્રશ્યો અને હેરસ્ટાઈલ ‘ટીનટીન’ની પણ યાદ અપાવે. ફિલ્મ ‘એસ વેન્ચ્યુરા’ માં પણ જીમ કેરીની હેર સ્લાઈલ લગભગ આવી જ હતી. રિલિઝ બાદ હવે ફિલ્મના કેટલાક સ્લેપસ્ટિક કોમેડીના દ્રશ્યો બસુની જ ‘બરફી’ની જેમ ક્યાંકથી સીધા જ ‘કંટ્રોલ સી કંટ્રોલ વી’ થયા હોવાની વિગતો પણ નીકળી આવે તો નવાઈ નહીં!
ફિલ્મ જુઓ એટલે સમજાઈ જશે કે રણબીરે આ ફિલ્મ પ્રોડ્યુસર બનવાનુ નક્કી શા માટે કર્યુ હશે. જગ્ગા કોઈપણ યુવા હીરો માટે એક ડ્રિમ કેરેક્ટર છે. પરાણે વ્હાલુ લાગે એવું. રણબીરની એક્ટિંગ પરફેક્ટ છે. શ્યામક દાવરે કોરિયોગ્રાફ કરેલા સ્ટેપ્સ એણે બહુ સરસ એક્સપ્રેશન સાથે પડદે ઉતાર્યા છે. કેટરીનાએ પોતાની ભૂમિકા ઠીકઠાક નીભાવી છે. એના ઉચ્ચારણોમાં ઈમ્પ્રુવાઈઝેશન છે અને જે બાકી છે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ. એટલે જ હવે આ ફિલ્મની જેમ જ ડિરેક્ટર પણ તેને ‘લંડનમાં ભણેલી’ બતાવી દેતા હશે, એટલે ઉચ્ચારણશુદ્ધિની માથાકૂટ જ નહીં! LOL ‘કહાની’નું પેલુ નમસ્કાર કહીને બધાને ભડાકે દેનારુ ‘બોબ બિશ્વાસ’નું ખુંખાર પાત્ર યાદ છે? એ પાત્ર ભજવનારા શાશ્વત ચેટરજીએ જ આ ફિલ્મમાં ટૂટીફૂટી એટલે કે જગ્ગાના પાલક પિતાનું પાત્ર ભજવ્યુ છે. પાત્રમાં બરાબર ઘુસી ગયો છે એ માણસ. સૌરભ શુક્લાએ એઝ ઓલ્વેઝ પોતાનુ બેસ્ટ આપ્યુ છે.
આ ફિલ્મનું એક્ટિંગ પછીનું સૌથી સબળ પાસુ મ્યુઝિક જ છે. આખી ફિલ્મ ગીતોના માધ્યમથી થતા સંવાદો પર જ ઊભી છે. અરિજિતસિંહ સહિતનાઓએ ગાયેલા ગીતો ઓલરેડી હિટ છે. સંગીત પ્રિતમે આપ્યુ હોવાથી સ્વાભાવિક રીતે જ ‘ગલતી સે મિસ્ટેક’ની ધૂન મેક્સિકન પોપ ડીજે ટ્રાયો 3BallMTYના આલબમ intentalo પરથી અને ‘ઉલ્લુ કા પઠ્ઠા’ સોંગની શરૂઆતમાં આવતુ ‘ઉલઉલે’ કોઈ ઈંગ્લિશ સોંગમાંથી ઈન્સ્પાયર્ડ કે કોપી હોવાની ચર્ચા છે. આગળ જતા અન્ય સોંગ્સની પણ ગંગોત્રી જાહેર થાય તો પણ નવાઈ નહીં, નહીં તો એ સોંગ્સની ‘પ્રેરણા’ પ્રિતમે ક્યાંથી લીધી છે એ અંગે જગ્ગા જેવા કોઈ જાસુસને પણ રોકી શકાય છે! ઓવરઓલ આ ફિલ્મ ફેમીલી એન્ટરનેટર છે. અચુક જોવા જેવી અને બાળકોને તો ખાસ બતાવવી.
ફ્રિ હિટ :
અમિતાભ બચ્ચને મોરલી કુમાર વિશ્વાસનો વિરોધ કરવાની જરૂર નહોતી.
– અંજુમ રજબઅલી
(રાઈટર્સના હકો અને કોપિરાઈટ અંગેની ચળવળ માટે જાણીતા બોલિવૂડ રાઈટર)
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૧૫-૦૭-૨૦૧૭ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply