તમામ ધર્મ-સંપ્રદાયનો વિરોધ કરીને પોતાના નામે પણ સંપ્રદાય ન બને એની તાકિદ કરનારા ઓશોને પણ લોકો પંથ કે સંપ્રદાય સમજવા લાગે ત્યારે કેવું લાગે? બિલકુલ એવું જેવું ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના અંતમાં અંધશ્રધ્ધાનો વિરોધ કરનારા કાનજીને જ ભગવાન બનાવીને અંધશ્રદ્ધાની એક વધુ હાટડી ખોલી દેવાય ત્યારે લાગે. એવું અત્યારે લાગી રહ્યુ છે જ્યારે ફોર્મ્યૂલા ફિલ્મોના યુગમાં ઈમ્તિયાઝ અલી જેવા યુવા દિગ્દર્શકો ફોર્મ્યૂલાથી હટકે ફિલ્મો લઈને આવ્યા અને હવે એ ‘હટકેપણુ’ જ તેમની ફોર્મ્યૂલા બની ગયુ છે. ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મ ‘ઈમ્તિયાઝ અલીની ફોર્મ્યૂલા’ ફિલ્મ છે. સોયના નાકા કરતા પણ સુક્ષ્મ અને અતાર્કિક પ્લોટ પર તેમણે પોતાની ફોર્મ્યૂલાનું ચણતર કર્યુ છે. અગાઉના યુગમાં જે રીતે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’કે રિવેન્જ ફોર્મ્યૂલા ચાલતી એ જ રીતે ઈમ્તિયાઝ અલીની ફિલ્મોની ફોર્મ્યૂલા એ છે કે કોઈ બે અજાણ્યા વ્યક્તિઓ અણધારી રીતે મળીને અનપ્લાન્ડ જર્ની પર નીકળે, એક-બીજાના પ્રેમમાં પડે, એ પ્રેમ વિશે કન્ફ્યુઝ થતા રહે અને સમાંતરે એ પાત્રોની પોતાની અંદરની જર્ની પણ ચાલતી રહે. અંતે તેઓ પોતાની જાતને શોધવામાં સફળ રહે. આ ફોર્મ્યૂલા પર બનેલી આ તેમની અત્યાર સુધીની સૌથી રેઢિયાળ અને બોરિંગ ફિલ્મ છે, જેમાં બે પાત્રોની જર્ની પૂરી થાય એની તમે પ્રાર્થના કરતા રહો છો. એ જર્નીથી કંટાળી તમારો માહ્યલો પણ અંદરની જર્ની છોડીને બહાર કુદીને સિનેમાઘરની બહાર નીકળી જવા તડપતો રહે છે.
ઈમ્તિયાઝ અલીએ સમજવું જોઈએ કે દર્શકો સિનેમાઘરમાં મનોરંજન માટે આવતા હોય છે જીવનનો બોધ મેળવવા નહીં. જે કંઈ પણ બોધ આપવો હોય એ સુગર કોટેડ હોવો જોઈએ, વાર્તામાં મુશ્કેટાટ વણાઈ જવો જોઈએ. દર્શકો સિનેમાઘરની સિટ પર બેઠા હોય છે બોધિવૃક્ષની નીચે નહીં કે તેઓ ‘હું કોણ છું’નું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ ક્ષણનો ઈંતજાર કરતા હોય. જ્યારે જે પણ ફિલ્મમાં બોધ વાર્તામાંથી કે મનોરંજનના સુગર કોટિંગમાંથી સ્હેજ પણ છુટો પડે એ સાથે જ દર્શકો બોર થવા લાગે છે. ફિલ્મો અલ્ટિમેટલી મનોરંજન માટે હોય છે જીવનજ્ઞાનના સત્સંગ માટે નહીં. અને કંઈક નવું હોય એ એકાદી વાર પૂરતુ બરાબર છે પણ દરેક ફિલ્મમાં એકની એક જ વાત રજૂ કરો તો દર્શકો કંટાળે કે નહીં ભાઈ? ઈમ્તિયાઝ અલી જેવા ટોચના દિગ્દર્શકો પણ આવી થાપ ખાઈ જતા હોય કે એકાદી થીમની આસ-પાસ બંધાઈ જતા હોય ત્યારે ગુજરાતી ફિલ્મ મેકર્સને કયા મોઢે કહેવું કે ફિલ્માં કે ફિલ્મના અંતે બોધ આપવાની ચળ ટાળો કે ત્રણ મિત્રો-ચાર મિત્રો કે એક હિરો અને ત્રણ મિત્રો-ચાર મિત્રોની ફોર્મ્યૂલામાંથી બહાર નીકળો. એની વે, આપણુ કામ પણ ક્યાં બોધ આપવાનુ છે…!
વાર્તાની વાત કરીએ તો યુરોપમાં સગાઈ કરનારી ગુજરાતી યુવતી સેજલ(અનુષ્કા શર્મા) પોતાની સગાઈની રિંગ ક્યાંક ખોઈ બેસે છે અને મૂળ પંજાબી ગાઈડ હેરી(શાહરુખ ખાન)ને પોતાની સાથે એની શોધમાં ધરાર ઢસડે છે. વકીલાતનું ભણેલી હોવાના કારણે એક નાની અમથી સમસ્યામાં પણ લિગલ પેપર તૈયાર કરનારી સેજલ ગળે ન ઉતરે એ રીતે રિંગની શોધમાં પોતાની જાતને અને હેરીને મુસિબતમાં મુકનારી ઉટપટાંગ હરકતો કરતી રહે છે. બસ પછી બંન્ને રિંગની શોધમાં નગરી નગરી દ્વારે દ્વારે રખડતા રહે છે. વાર્તામાં કોઈ મોટા ટર્ન એન્ડ ટ્વિસ્ટ નથી. નથી બહુ ચોટદાર સંવાદો. વચ્ચે વચ્ચે નાની મોટી કોમિક સિચ્યુએશન્સ અને કેટલાક ગીતો થોડી રાહત આપતા રહે છે. પણ ગીતોના કારણે ફિલ્મ લાંબી ખેંચાતી હોય એવું લાગ્યા કરે છે.
સેજલના કેરેક્ટરમાં ક્યાંક તમને ‘જબ વી મેટ’ની ગીત દેખાય તો ક્યારેક ‘કોકટેઈલ’ની મીરા-વેરોનિકાની છાંટ વર્તાય તો ક્યારેક તમે એનામાં ‘હાઈવે’ની વીરા જોઈ શકો. સેજલ રિંગ શોધતી હોવા છતાં એ અંદરથી ઈચ્છતી નથી હોતી કે રિંગ મળી જાય. રિંગ મળવાની ક્યાંક આશા ઝબકે તો તેના ચહેરા પર રિંગની શોધની જર્ની પૂર્ણ થવાના અંદેશની નિરાશા ઉતરતી દેખાઈ આવે છે. રિંગ શોધવાના ચક્કરમાં એ હેરી સાથેની એ જર્ની એન્જોય કરતી થઈ ગઈ હોય છે. ‘હાઈવે’ના પણ એક દ્રશ્યમાં વીરા કહે છે, ‘મેં વાપિસ નહીં જાના ચાહતી ઓર કહીં પહુંચના ભી નહીં ચાહતી, ચાહતી હું કી યે રાસ્તા કભી ખતમ હી ના હો.’
અનુષ્કા સળંગ નહીં પણ ક્યાંક ક્યાંક ગુજરાતી છાંટવાળી હિન્દી બોલે છે. ઓવરઓલ, એણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. શાહરુખ ખાનના ભાગે એ જ પોતાની રોમેન્ટિક ઈમેજ, થોડી ફિલોસોફી ભભરાવતા ડાયલોગ્સ અને થોડી કોમેડીથી વિશેષ કંઈ કરવાનુ આવ્યુ નથી. એ જ રીતે અરુ કૃષ્ણાંશ વર્મા, ચંદન રોય, એવલિન શર્મા અને સયાની ગુપ્તાના ભાગે નાના-મોટા સપોર્ટિંગ સિનથી વધુ કંઈ કરવાનુ આવ્યુ નથી. સ્ક્રિન પર મોટાભાગે શાહરુખ અને અનુષ્કા જ જોવા મળે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી હોવા છતાં માત્રને માત્ર સંવાદો આધારિત ટોકેટીવ ફિલ્મ હોવાથી દર્શકો સતત બોર થતા રહે છે. ફિલ્મના કેટલાક ગીતો સારા છે પણ સંગીત ઈમ્તિયાઝ અલીની અગાઉની ફિલ્મો જેવું જાદુઈ નથી.
જો તમે શાહરુખ ખાનના ડાયહાર્ડ ફેન હોવ તો જ સિનેમાઘર સુધી ધક્કો ખાજો બાકી ઈમ્તિયાઝ અલીની અગાઉની ફિલ્મો જોવાથી આનાથી વધુ મનોરંજન મળી રહેશે.
ફ્રિ હિટ :
આ ફિલ્મ જોઈને ‘સોનુ સોંગ’ની તર્જ પર હેરીની સેજલ પર સુઝેલુ ‘સેજુ સોંગ’ : સેજુઉઉઉ…તારી રિંગ જાય માહણીયાની ખાડમાં…!
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૦૫-૦૮-૨૦૧૭ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply