કોઈને પણ એમ પૂછવામાં આવે કે તમે કોનાથી પ્રભાવિત છો તો જવાબ મળે કોઈ વ્યક્તિનું નામ. હંમેશા આપણે કોઈ બીજાથી જ શું કામ પ્રભાવિત થઈએ છીએ કે થવું જોઈએ શું આપણે આપણાથી પ્રભાવિત થઈ ન શકીએ આપણને હમેશા આપણામાં કેમ કઈક ખૂટતું જ લાગે અન્ય કોઈના પ્રભાવશાળી વ્યક્તિત્વથી પ્રેરાવા કરતા ખુદના વ્યક્તિત્વથી જ કેમ ન પ્રેરાયે કઈક તો હશે ને આપણામાં સારું. છતાં પણ જો અપૂર્ણતા લાગે તો કહી દેવું “નો વન ઈઝ પરફેક્ટ”
આપણને આપણો ગ્લાસ્ હમેશા ખાલી કે અડધો જ કેમ લાગતો હોય છે તો શું જેનાથી આપણે પ્રભાવિત છીએ કે હોઈએ એ શું સંપૂર્ણ હોય છે સવાલો ઘણા છે તેમ છતા ઉકેલ એક જ સ્વપ્રેમ.
આપણે સ્વને પ્રેમ કરતા જ ભૂલી ગયા છીએ. આપણને આપણા સિવાય બીજા બધા જ સંપૂર્ણ અને સારા લાગે છે. વળી પ્રશ્ન એમ પણ થાય કે ના ના હવે હોઈ કંઈ ખુદને તો પ્રેમ કરતા જ હોઈએ ને !! પણ માઈ ડીયર ફ્રેન્ડ, ખરેખર એ સ્વબચાવ છે. આપણે આપણો હંમેશા બચાવ કરવા જાત ચિંતા અને જાત મહેનત કરતા હોઈએ છીએ એને પ્રેમ કર્યો થોડો કહેવાય
જેમકે અમુક સંતાનો એવા હોય છે જે માતા-પિતા કહે એ જ અને એમ જ નિર્ણય આંખ મીંચીને સ્વીકારી લે છે. એટલે કે માતા-પિતાના પ્રભાવમાં જીવતા હોય છે. નો ડાઊટ સારું છે પણ એમાં ખુદ કોઈ પ્રયત્ન કે તસ્દી લેતા નથી. કારણ, અમુક અંશે તેમને ડર હોય છે કે જો મારો નિર્ણય ખોટો પડશે તો એટલે થયો સ્વબચાવ. અને માતા-પિતા નો નિર્ણય જો ખોટો પડે એટલે દોષના ટોપલા માં-બાપ પર.
એવું જરૂરી નથી કે માં-બાપ હંમેશા સાચા જ હોય. એ પણ આખરે માણસ છે અને તેઓ પણ પોતાના અનુભવમાત્રથી જ તો કહેતા હોય છે. બની શકે કે એમને અનુભવ થયો હોય, તેવો આપણને ન પણ થાય. પણ કહેવાનો મતલબ એમ છે કે એકદમ પ્રભાવિત થઈ, આપણી બુદ્ધિ બંધ કરી, આપણા અસ્તિત્વ કે કાર્યક્ષમતાની ઉપેક્ષા કરવી શું યોગ્ય છે નહિ ને !! બીજું એ કે દરેકના સ્વભાવ સરખા હોતા નથી વેલ, સ્વભાવ ના મુદ્દા પર ફરી ક્યારેક વિચારીશું.
મને જબ વી મેટ નો સંવાદ બહુ ગમે છે, “ મેં અપની ફેવરીટ હું.” ખુદના ફેવરીટ થવું એ પણ જરૂરી છે. કેમ આપણે ખુદથી જ પ્રભાવિત ન થઈ શકીએ. કેમ આપણે ખુદને પ્રેમ કે જેવા છીએ તેવા સ્વીકારી ન શકીએ આપણને આપણો ગ્લાસ હંમેશા અડધો કે ખાલી જ લાગે છે. અને બીજાનો ગ્લાસ હંમેશા અડધો ભરેલો કે સપૂર્ણ જ લાગે છે.
સ્વપ્રેમ એ સ્વાર્થ નથી. પણ હા, સ્વબચાવ એ ચોક્કસ સ્વાર્થ છે.
આ ડાહી ડાહી વાતો હું કરું છું એ પણ મારા ખુદના અનુભવ પરથી કહું છું. હું દ્રઢપણે માનું છું કે બાળક અને પુસ્તક આપણા જીવનને પરિવર્તન કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ કોઈ પ્રભાવ નથી બસ એક શીખવાની, જાતને જાણવાની એક દિશા પ્રક્રિયા છે. હું એમ પણ કહેતી નથી કે કોઇથી પ્રભાવિત ન થવું. બસ, સૌ પહેલા સ્વપ્રેમ સ્વીકારી ખુદથી પ્રભાવિત થઈ, પછી અન્યના પ્રભાવ સુધી પહોચવું.
ખરેખર , સ્વપ્રેમ સ્વીકૃતિથી વિશેષ સંતોષ અને સંપૂર્ણતા અન્ય કોઈના પ્રભાવ કે અભાવમાં તો નથી જ. માત્ર અને માત્ર આપણા સ્વભાવમાં છે અને ખુબ બેહતરીન છે.
આ સરસ ચાર લાઈન ક્યાંક વાચેલી.
ના કિસી અભાવ મેં જીયો
ના કીસીકે પ્રભાવ મેં જીયો.
યહ જિંદગી હૈ અપની,
આપ આપને સ્વભાવ મેં જીયો.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૦ )
Leave a Reply