પાત્રની સાથે જ તમારી જન્મતારીખ ફેન્સ દ્વારા સેટ કરી દેવામાં આવે ત્યારે કેવી ફિલીંગ થાય? જે. કે. રોલિંગ સાથે પણ એવું જ થયું છે. હાલમાં જ રોલિંગે પોતાનો 53મો બર્થડે મનાવ્યો. ઢગલાબંધ સાઇટથી લઇને હેરી પોટરના ઓફિશ્યલી પેજ પર પણ એક જ વાત હતી. આજે હેરી પોટર ત્રેપન વર્ષનો થયો.
તમારા પાત્રની સાથે જ તમારી ઉંમર વધતી હોય, એક રાઇટર તરીકે કેવું થ્રિલિંગ રહે ? પણ રોલિંગના કિસ્સામાં આ ચીરાયુ બનીને નથી રહેવાનું. તે મરી જશે. પેદા થવું અને મૃત્યુ પામવું આ બે જ જીવનના ઉદેશ્યો છે. બીજા આપણે વેઠીને મનાવવાના છે. રોલિંગ પણ એક સમયે આ દુનિયામાંથી જવાની છે, પણ તેનું પાત્ર અલવિદા નથી કરવાનું.
અત્યારે તો રોલિંગ લખવા સિવાય ફેન્ટાસ્ટિક બીટ્સની ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં લાગી છે. તેની રાઇટીંગ કરિયર ખાસ્સી લાંબી રહી. એટલી લાંબી અને એવી દિલચસ્પ રહી કે અજાણ્યા નામે બુક છપાવ્યા બાદ તે વેચાઇ નહીં અને પછી જ્યારે રોલિંગે સમાચારમાં આવી કહ્યું કે પેલો લેખક તો હું જ છું, તો બુક ન્યૂયોર્ક ટાઇમ્સની યાદીમાં બેસ્ટ સેલર બની ગઇ. આવી રહસ્યમય રોલિંગે લખવા માટે શું પ્રેરણા આપી છે? નવલકથા (!) સોરી કવિઓ…
~ અત્યારે જમાનો ઓનલાઇનનો આવ્યો છે. કેટલાક પ્લોટ્સ પણ ઓનલાઇન વેચાઇ રહ્યા છે, જેના દલાલો કોણ ખ્યાલ નથી, પણ રોલિંગનું માનવું છે કે લખતા પહેલા તમારે તમારા જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ. તમારી આજુબાજુના વાતાવરણને એક પાત્રમાં તબ્દિલ કરતા શીખો. તમે જે છો તે રહો, તો પણ કોઇ વાંધો નથી. મેઇન પ્રોટોગોનીસ્ટ બનશો તો પણ કોઇ ફર્ક નહીં પડે. પણ તમારી નવલકથામાં તમારું જ કંઇ નહીં હોય તો લોકોને જાણવાની મઝા નહીં આવે.
લોકો વાંચી વાંચીને અને જીવી જીવીને રાઇટર બનતા હોય છે. આ સડી ગયેલું વિધાન ગુજરાતીમાં અઢળક વાર સાંભળ્યું હશે, હવે જીવીને લેખક બનવાનો સમય છે. પણ તમને જીવતા આવડવું જોઇએ. પેસેન્જર ફિલ્મનો ડાઇલોગ છે, સ્પેસશીપમાં હું મારી રાઇટીંગ કરીયરને કેવી રીતે આગળ લઇ જઇશ જ્યારે મારી આજુબાજુ ધરતીનું વાતાવરણ જ નહીં હોય. હવે લોકો ફેસબુકમાં ચોંટી ગયેલા છે એટલે સારા પ્લોટ નથી મળતા. અને પ્લોટ જો જોતા હોય તો તમારી આજુબાજુ જ હોય છે. કોઇનું જીવન એ આખી નવલકથા લખવા માટે શક્ય એવો વિષય છે. અને ભારતની વસતિ 125 કરોડ છે.
~ એક નોટબુક હંમેશા તમારા હાથમાં રાખો. વિચાર એ ક્ષણ છે. ક્ષણની પણ ક્ષણ તમે ગણી શકો. વિચાર આવશે અને થોડી સેકેન્ડમાં ગાયબ થઇ જશે. તમે બસમાં બેઠા છો અને અચાનક એક વસ્તુ જોઇ તમારા મગજમાં કંઇક ક્લિક થાય છે. આ ક્લિકને ભવિષ્યમાં 500 પાનાનો થોથો બનાવવા માટે એક નોટ હંમેશા તમારી પાસે હોવી જોઇએ.
છાપામાં છપાતી ધટના એ તમારા માટે કંઇ નથી બાકી ધૈવત ત્રિવેદીએ 64 સમરહિલ એક નાનકડી કાપલીમાંથી પ્રેરિત થઇ લખી નાખી હતી. નવલકથા ઘડવા માટેનો નિયમ છે. માઇક્રોફિક્શન તૈયાર હોવી જોઇએ. વિચારોની માઇક્રોફિક્શન, જેને તમે તમારી નોટબુકમાં રાખી શકો. જ્યારે જરુર પડે ત્યારે આજુબાજુમાંથી કંઇક લઇને ટપકાવી નાખો.
~ સમય લેવાની તાતી જરુર છે. નવલકથા લખવાની કોઇ ઉંમર નથી હોતી. જેના વિષે પણ આપણે ઢસડી ચૂક્યા છીએ. ગુલઝારે કેટલી લેટ નવલકથા લખી ? મહેશ ભટ્ટ છેક 60 પર પહોંચ્યા ત્યારે હાથ અજમાવ્યો.
તમારી આજુબાજુની કે તમારી પોતાની પાત્રસૃષ્ટિને બરાબર જીવવાનો મોકો આપો. રિ-રાઇટ કરો. સ્ટીફન કિંગ કોઇ નવલકથા પર હાથ અજમાવે પછી તે નવલકથા અધૂરી રહી જાય. એ નવલકથા લખવા માટે તેમણે ઘણા પ્રયોગો અગાઉથી કર્યા હોય. આગામી નવલકથામાં ભૂત કેવા પ્રકારનું દેખાશે તેનું સ્કેચ પણ તેમણે તૈયાર કર્યું હોય. થાય એવું કે બધું બરાબર ચાલતું હોવા છતા તેમને મજા ન આવે એટલે નવલકથા સાઇડમાં મુકી દે. બીજી નવલકથા પર હાથ અજમાવે. પણ હા લખતી વખતે કોઇ કાગળ તેમણે ફાડી નથી નાખ્યું. તમામ નવલકથાઓની અલગ-અલગ નોટ્સ તેમણે રાખી છે. સમય આવ્યે બે ત્રણ કે વીસ વર્ષ પછી પણ તેમણે તે નવલકથા પર કામ શરુ કર્યું છે.
સ્ટીફનના શબ્દોમાં કહીએ તો, તપેલીમાં તમે કંઇ પકવતા હો ત્યારે ચમચો લઇ તેમાં રહેલા સ્વાદિષ્ટ વ્યંજનને હલાવો ત્યારે તે વધારે પાકે, વધારે હલાવો… વધારે, શેક ઇટ, શેક ઇટ… અને જે બને તે જીભ માટે ચાખવા યોગ્ય હોય.
~ સૌથી અઘરી વસ્તુ, જે આ વાંચશે તેમાંથી ખૂબ ઓછા કરી શકશે. રોજ લખો. એક ફકરો, બે ફકરો, ત્રણ કે એક હજાર શબ્દો રોજ લખો. કાં પછી આઠ પાના લખો. પણ રોજ લખો. લખો તે છપાવાનું નથી, હા ફેસબુકમાં મારી જેમ મુક્યા મુક થશો કે નિજાનંદ માટે લેખનપટ્ટી કરશો તો પણ ચાલશે, પણ રોજ લખવાના કારણે લખાણ સુધરતુ જાઇ છે. શબ્દો નવા મળે (વાંચવાના કારણે) પણ તે શબ્દો યાદ ત્યારે આવે જ્યારે તમે રોજ લખાણપટ્ટી કરતા હો.
પાછા સ્ટીફન કિંગ પર આવીએ તો તે રોજના છ પાના લખી નાખે છે. માથે ધોળા વાળ આવ્યા પણ રોજના છ પાના લખવાની ટેવ તેમની ગઇ નહીં. હારૂકી મુરાકામી એક દિવસમાં કંટાળો ન આવે ત્યાર સુધી લખે છે, અને જેટલું લખ્યું તે ખુદને સારું ન લાગે ત્યાર સુધી રિ-રાઇટ કર્યા કરે છે. સુઝાન સોન્ટોગનું ક્વોટેશન ફેમસ છે, 1977માં તેની ડાયરી હાથમાં આવી ત્યારે તેણે કહેલું, હું રોજ સવારે ઉઠીને લખું છું, મેં લોકોને કહી રાખ્યું છે મને સવારમાં ફોન ન કરવો. આ સિવાય તેની ડાયરીનું એક વિધાન મને ખૂબ ગમે છે, હું સવારે લખું છું, સાંજે વાંચુ છું.
1948માં પુલિત્ઝર પ્રાઇઝ જીતનારા ડબલ્યુ એચ ઓડિન રોજ 6 વાગ્યે ઉઠતા અને સાડા અગિયાર વાગ્યા સુધી લખતા. ઇ.બી વ્હાઇટે કહેલું, હું લખું નહીં તો સમજુ છું હું મરી ગયો. 1954ના ઇન્ટરવ્યૂમાં નોબલ પ્રાઇઝ વિનર રાઇટર અર્નેસ્ટ હેમિંગ્વેએ કહેલું, હું રોજ સવારે ઉઠીને લખું છું. માયા એન્ગોલોનું જો નામ સાંભળ્યું હોય તો સવારે સાડા પાંચે ઉઠે છે અને 2 વાગ્યા સુધી લખલખ જ કરે છે. જ્હોન સ્ટેઇનબેક શિખામણ આપે છે કે, રોજ એક પાનું લખો અને તેને પરફેક્ટલી રિ-રાઇટ કરો. રે બ્રેડબ્યુરીનું કહેવું છે કે, દર અઠવાડિયે એક ટૂંકી વાર્તા તો લખો જ. 52 ભંગાર વાર્તાઓ તમે નહીં લખી શકો, પરંતુ આ પહેલા પથારીમાં સુઓ તો એક સારી ટુંકી વાર્તા વાંચી લેવી. અને છેલ્લે એન્થની ટ્રોલોપ જેઓ દર કલાકે 250 શબ્દો ઢસડી મારતા હતા.
તો રોલિંગની ચોથી ટીપ્સ છે રોજ લખો, થોડુ થોડુ લખી શરુઆત કરો પણ રોજ લખો.
~ તમારા સબ્જેક્ટને સોશિયલ મીડિયા ફેન્સ સામે રાખો. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારો સબ્જેક્ટ બરાબર છે કે નહીં તે તમારી આજુબાજુના તમારા જેવા લોકો તમને કહેશે. શીખામણ આપશે અને તેને અમલમાં લાવવો કે નહીં તેની ખબર પડશે. ગુજરાતીઓ માટે જેની પાસેથી તમે શીખામણ લઇ શકો તેને પર્સનલમાં મેસેજ કરવો. આ તમારા હિતમાં રહેશે.
~ નિરાશ ન થતા. આમ તો રોલિંગને પણ પ્રકાશકોએ રિજેક્ટ કરેલી. રોલિંગની પહેલી નવલકથા 43 વખત રિજેક્ટ થયેલી. પણ આ તો બધાને ખબર હશે એટલે આ ટીપ્સમાં કંઇ છે નહીં, પણ રોલિંગની સિક્રેટ ટીપ્સ તમારી સાથે શેર કરું છું.
~ નવલકથાનો પહેલો ડ્રાફ્ટ ફિનીશ કરો એટલે તેને ત્યાંજ છોડી દો. એક અઠવાડિયા બાદ તે ડ્રાફ્ટ ફરી વાંચો. જો તમને લાગે કે બરાબર છે, તો આગળ ચલાવો બાકી તેને ત્યાંજ છોડી દો. કારણ કે એક અઠવાડિયા પછી કોઇ ડ્રાફ્ટ વાંચો ત્યારે તમારી આંખો ફ્રેશ હોય છે. જો તે ડ્રાફ્ટને ત્યારે જ બે ત્રણ વાર વાંચી લીધો, તો ગયા કામથી. તમને પોતાને જ લાગશે મેં મોટું તીર માર્યું છે. ગુજરાતીઓએ આ ટીપ્સને ફોલો કરવી જોઇએ.
~ મયૂર ખાવડુ
Leave a Reply