Sun-Temple-Baanner

Roman Holiday – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Roman Holiday – Hollywood 100


મૈં ગલીયોં કા રાજા, તૂ મહલોં કી રાની

મુંબઈ સમાચાર – બુધવાર સપ્લીમેન્ટ – મણકો 1

કોલમ: હોલીવૂડ 100: મરતાં પહેલાં અચૂક જોવી પડે એવી વિદેશી ફિલ્મો

‘રોમન હોલીડે’ એટલે અલ્લડ રાજકુમારી, થનગનતો યુવાન અને અફલાતૂન પ્રેમકહાણી. આ ઓલ-ટાઈમ-ગ્ર્ોટ રોમેન્ટિક કોમેડીથી સિનેમાજગતને એક અદભુત અભિનેત્રી મળી – ઑડ્રી હેપબર્ન.

* * * * *

તો આજથી શરુ થઈ રહી છે સિનેમાપ્રેમીઓને મજા પડી જાય એવી બ્રાન્ડ-ન્યુ કોલમ. યાદ રહે, કોલમના શીર્ષકમાં ‘હોલીવૂડ’ શબ્દ પ્રતીકાત્મક રીતે વપરાયો છે. અહીં આપણે માત્ર અમેરિકન યા તો હોલીવૂડની ફિલ્મો જ નહીં, પણ વિશ્વભરની શ્રેષ્ઠતમ ફિલ્મો વિશે વિગતે વાત કરીશું. શરુઆત કરીએ ‘રોમન હોલીડે’થી.

ફિલ્મમાં શું છે?

એન (ઑડ્રી હેપબર્ન) પશ્ચિમના કોઈ દેશની રાજકુમારી છે. આ દેશ જોકે ક્યો છે એનો ખુલાસો આખી ફિલ્મમાં એકેય વાર કરવામાં આવતો નથી. ભારે જીવંત અને ચંચળ છે આ રુપકડી રાજકુમારી. એ પોતાના રસાલા સાથે યુરોપના કેટલાક દેશોનાં પાટનગરોની મુલાકાતે નીકળી છે. ટૂર હાઈ પ્રોફાઈલ છે એટલે એ અખબારોમાં એની સારી એવી ચર્ચા છે. રાજકુમારીએ સ્વાભાવિક રીતે જ એણે પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું હોય, ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલવાનું હોય. ઈટાલીના પાટનગર રોમમાં એનની ધીરજ ખૂટે છે. બરાબરની ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે એ. એનું દિમાગ શાંત કરવા ડોક્ટર એને દવા આપે છે. અકળાયેલી રાજકુમારી ગુપચુપ પોતાના દેશની એમ્બેસીમાંથી છટકે છે. એ રોમમાં રાવ-રસાલા કે કોઈ પણ જાતને બંધન વગર સાવ એકલપંડે ભટકવા માગે છે.

ફરતાં ફરતાં એ કોઈ બેન્ચ પર આડી પડે છે. ડોક્ટરે આપેલી દવાની અસરને લીધે એની આંખ મળી જાય છે. હવે થાય છે આપણા હીરોની એન્ટ્રી. એનું નામ છે જૉ બ્રેડલી (Gregory પેક). એ રોમમાંથી પ્રસિદ્ધ થતાં ‘ડેઈલી અમેરિકન’ નામના અખબારનો રિપોર્ટર છે. બ્રેડલીને કલ્પના પણ કેવી રીતે હોય કે બેન્ચ પર આ રીતે સૂતેલી આ યુવતી રાજકુમારી હશે? એન પણ પોતાની અસલિયત છુપાવવા ખુદને એન્યા સ્મિથ તરીકે ઓળખાવે છે. એની પાસે ફદિયું ય નથી. દવાની અસર પણ હજુ પૂરેપૂરી ગઈ નથી. બ્રેડલી એક સજ્જનને શોભે એ રીતે એને ટેક્સીમાં ઘર સુધી મૂકવા આવવાની ઓફર કરે છે, પણ રાજકુમારીજી સહકાર આપે તોને? મૂંઝાયેલો બ્રેડલી યુવતીની સલામતી ખાતર નછૂટકે પોતાના ઘરે લઈ જાય છે. ફ્લેટ એટલો ટચૂકડો છે કે રાજકુમારી પૂછી બેસે છે, ‘શું આપણે લિફ્ટમાં છીએ?’ બ્રેડલી કહે છે, ‘ના ના, આ મારું ઘર છે!’ એન તો હકથી પલંગ પર કબ્જો જમાવીને ઊંઘી જાય છે. બ્રેડલી પછી ઊંચકીને એને કાઉચ પર સૂવડાવી દે છે. એનનો મહારાણી જેવા વર્તાવથી બ્રેડલીને ભારે નવાઈ લાગી રહી છે.

બીજે દિવસે એનને સૂતી છોડીને બ્રેડલી કામ પર ભાગે છે. આજે એણે પ્રિન્સેસ એનની પ્રેસ કોન્ફરન્સમાં જવાનું હતું! એડિટર પૂછે છે કે ભાઈ, કેમ મોડું થયું? બ્રેડલી કહી દે છે: પ્રિન્સેસ એનનો ઈન્ટરવ્યુ લઈને આવી રહ્યો છું, સર. એડિટર તાડૂકે છે: તું મને બેવકૂફ સમજે છે? રાજકુમારી ઓચિંતા બીમાર થઈ ગઈ હોવાથી પ્રેસ કોન્ફરન્સ તો કેન્સલ થઈ ગઈ છે! બ્રેડલી છોભીલો પડી જાય છે. એડિટર એને પ્રિન્સેસ એનની તસવીર દેખાડે છે. બ્રેડલીની આંખો ચાર થઈ જાય છે. પોતે જેને અબળા સમજીને પોતાની ઘરે લાવ્યો છે એ બીજું કોઈ નહીં, પણ ખુદ પ્રિન્સેસ જ છે! બ્રેડલીને તરત એક સ્કૂપ દેખાય છે. એ ગુમાનથી કહે છે: સાહેબ, ફિકર ન કરો. મને થોડો સમય આપો. હું પ્રિન્સેસ એનનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ તમને આપું છું. બદલામાં તમારે મને પાંચ હજાર ડોલર ચૂકવવા પડશે. તંત્રી કહે છે: પણ ન લાવ્યો તો? બ્રેડલી છાતી ઠોકીને કહે છે: તો પાંચસો ડોલર હું તમને સામા આપીશ!

બ્રેડલી ફટાફટ ઘરે પાછો જાય છે. રાજકુમારીને એ કહેતો નથી કે પોતે પ્રેસ રિપોર્ટર છે. બ્રેડલી એને આખું રોમ ઘુમાવવાનો પ્રસ્તાવ મૂકે છે. રાજકુમારી જોકે ના પાડીને નીકળી જાય છે. બ્રેડલી જેવા પાક્કો પત્રકાર આટલી મોટી સ્ટોરી આસાનીથી થોડો છોડી દે? એ યેનકેન પ્રકારેણ એનને મનાવી જ લે છે. બન્ને આખો દિવસ રોમમાં ખૂબ રખડે છે. બ્રેડલીનો ફોટોગ્ર્ાાફર દોસ્ત અગાઉથી નક્કી કર્યા મુજબ બન્નેની પાછળ પાછળ ફરીને ચુપચાપ તસવીરો ખેંચતો રહે છે. બ્રેડલીને સમજાય છે કે એનનું સપનું તો કોઈપણ નોર્મલ સ્ત્રી જેવું સીધુંસાદું જીવન જીવવાનું છે. એ બે દિવસથી ગાયબ છે એટલે એમ્બેસીમાં ધમાલ મચી છે. આખરે ગવર્મેન્ટ એજન્ટસ એને શોધી કાઢે છે. એમનાથી બચવા ફરી ભાગાદોડી અને ધમાચકડીનો સિલસિલો શરુ થાય છે. આ ઘટનાપ્રચુર સહવાસ દરમિયાન બન્ને એકમેકના પ્રેમમાં પડી જાય છે. અલબત્ત, રાજકુમારી જાણે છે કે આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી. બ્રેડલીને અલવિદા કહીને એ ભારે હૈયે એમ્બેસી જતી રહે છે.

દરમિયાન તંત્રીને બાતમી મળે છે કે રાજકુમારી ખરેખર માંદી નહીં, પણ ગાયબ હતી. એને શંકા છે બ્રેડલી પાસે નક્કી રાજકુમારી વિશે કંઈક ઈન્ફર્મેશન છે. એ માહિતી કઢાવવાની બહુ કોશિશ કરે છે, પણ બ્રેડલી એક જ વાત કહ્યા કરે છે: હું રાજકુમારી વિશે કશું જ જાણતો નથી. એણે નક્કી કરી નાખ્યું છે કે પોતાની પાસે રાજકુમારી વિશે એક અક્ષર પણ નહીં લખે. એણે ફોટોગ્ર્ાફરને પણ મનાવી લીધો છે.

ફિલ્મની ક્લાઈમેક્સ ખૂબ સુંદર છે. બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. પ્રિન્સેસ પોતાના શાહી પોશાકમાં મંચ પર બેઠી છે. સામે પત્રકારો ગોઠવાયા છે. એમાં બ્રેડલી અને એના ફોટોગ્ર્ાફર દોસ્તને જોઈને રાજકુમારી ચોંકે છે. ફોટોગ્ર્ાફરે ગઈ કાલે લીધેલી તસવીરો એક કવરમાં ચુપચાપ રાજકુમારીને સોંપી દે છે અને કહે છે: આ છે તમારી રોમન હોલીડેની યાદગીરી! બ્રેડલી ઈશારાથી એને દૂરથી કહે છે કે રાજકુમારીજી, ડોન્ટ વરી. તમારું સિક્રેટ ક્યાંય બહાર નહીં જાય! પ્રેસને સંબોધતી વખતે રાજકુમારી સાંકેતિક રીતે બ્રેડલીનો આભાર માને છે, એના પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય છે. રાજકુમારી ઊભી થઈને હૉલનાં દરવાજા તરફ ડગલાં માંડે છે. એ જાણે કે વિચારી રહી છે કે રોમની આ મુલાકાત ક્યારેય નહીં ભુલાય. બ્રેડલી સાથે આકસ્મિકપણે બંધાયેલો અને અચાનક અધૂરો રહી ગયેલો સંબંધ હવે આખી જિંદગીનું સંભારણું બની રહેશે! બ્રેડલી એને જતાં જોઈ રહે છે. ના, હિન્દી ફિલ્મના નાયકની જેમ બ્રેડલી મનોમન એવું બિલકુલ બોલતો નથી કે પલટ, પલટ… એક છેલ્લી નજર મારા પર ફેંક! અહીં બ્રેડલી બિલકુલ મૌન રહે છે, એને માનભેર જવા દે છે. આ ગરિમાભરી ક્ષણ પર ફિલ્મ પર પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

59 વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ અફલાતૂન બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મે દર્શકોને મુગ્ધ કરી નાખ્યા. એક સીધાસાદા નોર્મલ જુવાન માટે પ્રિન્સેસને પ્રેમ કરવો કદાચ અલ્ટિમેટ ફેન્ટસી છે. ‘રોમન હોલીડે’માં આ ફેન્ટસી કમાલ રીતે આકાર લે છે. આખી ફિલ્મ દરમિયાન મરક મરક થતા દર્શકનું હૃદય ક્લાઈમેક્સ વખતે સહેજ ભારે બની જાય છે.

આખેઆખી રોમમાં શૂટ થઈ હોય એવી આ પહેલી અમેરિકન ફિલ્મ છે. તમામ ડિપાર્ટમેન્ટ્સમાં અવ્વલ સાબિત થયેલી આ ફિલ્મને કંઈકેટલાય અવોર્ડ્ઝ મળ્યા. શૂટિંગ પૂરું થયું પછી હીરો ગ્ર્ોગરી પેકે ડિરેક્ટર વિલિયમ વાઈલરને કહી રાખ્યું હતું: ઑડ્રીને આ ફિલ્મ માટે ચોક્કસપણે ઓસ્કર મળવાનો છે. તમે લખી રાખો! એવું જ થયું. ઑડ્રી હેપબર્ને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી લીધો. ફિલ્મને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) અને બેસ્ટ રાઈટિંગ માટેના ઓસ્કર પણ મળ્યા. ઑડ્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી સવી હતી. આ ફિલ્મ તેનો પહેલો મોટો બ્રેક હતો. ‘રોમન હોલીડે’એ એને રાતોરાત દુનિયાભરના પ્રેક્ષકોની સ્વીટહાર્ટ બનાવી દીધી.

મજા જુઓ. Gregory પેક અને ઑડ્રી હેપબર્ન કંઈ આ ફિલ્મ માટે ઓરિજિનલ ચોઈસ નહોતાં. મૂળ તો ફ્રેન્ક કાપ્રા આ ફિલ્મ ડિરેક્ટ કરવાના હતા. કેરી ગ્ર્ાન્ટ અને એલિઝાબેથ ટેલરને મુખ્ય ભુમિકામાં લેવાની એમની ઈચ્છા હતી. પણ પરિસ્થિતિ બદલાઈ અને ડિરેેક્ટર તરીકે વિલિયમ વાઈલરની વરણી થઈ. એલિઝાબેથ ટેલર કોઈક કારણસર આ ફિલ્મ ન કરી શકી. તેથી ઑડ્રી હેપબર્ન નામની નવોદિત એક્ટ્રેસની વરણી કરવામાં આવી. કેરી ગ્ર્ાાન્ટે એવું કારણ આપ્યું કે ઑડ્રી સાથે મારી જોડી નહીં જામે, એની સામે હું બહુ મોટો દેખાઈશ. આથી તેઓ પણ ખસી ગયા અને એમની જગ્યાએ Gregory પેક ગોઠવાઈ ગયા.

રાજકુમારીના રોલ માટે ઓડ્રીની પસંદગી શી રીતે થઈ એની કથા પણ ખૂબ ઈન્ટરેસ્ટિંગ અને જાણીતી છે. બન્યું એવું કે ઑડ્રી સ્ક્રીન ટેસ્ટ આપવા માટે આવેલી ત્યારે કેમેરામેનને ખાનગીમાં સૂચના અપાઈ હતી કે ડિરેક્ટર ‘કટ’ બોલે પછી પણ તું કેમેરા બંધ ન કરતો, શૂટ કરવાનું ચાલુ રાખજે. કેમેરામેને એવું જ કર્યું. ‘કટ!’ સાંભળ્યાં પછી ઑડ્રી ડિરેક્ટર સાથે સીન ડિસ્કસ કરવા લાગી. એની હાવભાવ, એની હાથ ઉછાળીને વાતો કરવાની સ્વાભાવિક મુદ્રાઓ કેમેરામાં ઝીલાતી ગઈ. પ્રોડ્યુસર-ડિરેક્ટર વિલિટમ વાઈલરને સ્ક્રીન ટેસ્ટ કરતાંય ઑડ્રીની નેચરલ પર્સનાલિટી એટલી બધી ગમી ગઈ કે એને જ ફિલ્મની લીડ હિરોઈન બનાવવાનો નિર્ણય કરી લીધો. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!

* * * * *

‘રોમન હોલીડે’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર-પ્રોડ્યુસર: વિલિયમ વાઈલર
કલાકાર : Gregory પેક, ઑડ્રી હેપબર્ન
કથા : ડાલ્ટન ટ્રમ્બો
સ્ક્રીનપ્લે : ડાલ્ટન ટ્રમ્બો, ઈઆન હન્ટર, જોન ડિગટન
દેશ : અમેરિકા
ભાષા : અંગ્ર્ોજી
રિલીઝ ડેટ : 27 ઓગસ્ટ, 1953
રનિંગ ટાઈમ : 1 કલાક 58 મિનિટ

અવોર્ડઝ : ઑડ્રી હેપબર્નને બેસ્ટ એક્ટ્રેસ માટેનો ઓસ્કર, બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ. ઉપરાંત બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ રાઈટિંગ માટે ઓસ્કર અવોર્ડઝ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.