હોલીવુડ હન્ડ્રેડ : સનસેટ બુલેવાર્ડ : પહલે મીઠે સપનોં મેં ખોને દો…
Mumbai Samachar – Matinee- 31 May 2013
Column: હોલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
નામ, દામ, ચમકદમક, સફળતા અને સેલિબ્રિટી સ્ટેટસનો નશો ગજબનો હોય છે. આ બધું છીનવાઈ જાય ત્યારે માણસ ઘાંઘો થઈ જાય છે. એમાંય એ ફિલ્મસ્ટાર હોય તો તો ખાસ. ‘સનસેટ બુલેવાર્ડ’માં આવી જ એક વીતેલા જમાનાની અભિનેત્રીની રમૂજી-કરુણ વાત અફલાતૂન રીતે પેશ થઈ છે.
ફિલ્મ ૨૪ : સનસેટ બુલેવાર્ડ ફિ
* * * * *
‘હોલીવૂડ એટ ઈટ્સ વર્સ્ટ ટોલ્ડ બાય હોલીવૂડ એટ ઈટ્સ બેસ્ટ’ – આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ‘ટાઈમ’ મેગેઝિને તેના રિવ્યુમાં આ શબ્દો વાપર્યા હતા. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશેની ફિલ્મ છે. સાચા અર્થમાં એક માસ્ટપીસ.
ફિલ્મમાં શું છે?
ફિલ્મની શરુઆતમાં જ મહેલ જેવા વિશાળ બંગલાના સ્વિમિંગ પુલમાં એક ડેડબોડી તરતી દેખાય છે. પોલીસની જમઘટ થઈ ગઈ છે. મૃતદેહ હોલીવૂડમાં લેખક તરીકે સ્ટ્રગલ કરી રહેલા Joe (વિલિયમ હોલ્ડન) નામના યુવાનની છે. પોતાની આવી હાલત કેવી રીતે થઈ એની રામહાણી જાના ખુદના અવાજમાં શરુ થાય છે. છ મહિના પહેલાંની વાત છે. Joe બિચારો બેકાર હતો. માથા પર દેવું થઈ ગયું છે. ઘરનું ભાડું ભરવાનાય પૈસા નથી. એની કાર જપ્ત થવાની અણી પર છે, પણ એની પહેલાં તે નાસી છૂટે છે. સનસેટ બુલેવાર્ડ નામના લોસ એન્જલસના રસ્તા પર સૂમસામ દેખાતા એક વિશાળ બંગલાની સામે અચાનક કારનું ટાયર ફાટી જાય છે. Joe બંગલાના ગેરેજમાં કાર છુપાવી દે છે. એ કુતૂહલનો માર્યો આમતેમ ચહલકદમી કરતો હોય છે ત્યાં એક સ્ત્રી એને અંદર બોલાવવાનો હુકમ કરે છે. સ્ત્રીનો પાલતુ ચિમ્પાન્ઝી મૃત્યુ પામ્યો હતો. એને એમ કે આ માણસ એનું ડેડબોડી લેવા આવ્યો છે.
સ્ત્રીને જોતાં જ Joe ચમકે છે: અરે! આ તો નોર્મા ડેસ્મન્ડ (ગ્લોરિયા સ્વેનસન) છે – મૂંગી ફિલ્મોની હિરોઈન!
સાયલન્ટ ફિલ્મોનો દોર પૂરો થયા પછી નોર્મા નવી પરિસ્થિતિમાં એડજસ્ટ નહોતી થઈ શકી. તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તે બહાર ફેંકાઈ ગઈ હતી અને ધીમે ધીમે ભુલાઈ પણ ગયેલી. જા ફિલ્મ-રાઈટર છે એવી ખબર પડતાં જ નોર્મા એના હાથમાં પોતે લખેલી એક સ્ક્રિપ્ટ પકડાવી દે છે. એ ઈન્ડસ્ટ્રીમાં નવેસરથી ધમાકેદાર એન્ટ્રી કરવાનું સપનું જોઈ રહી છે. એ માને છે કો જો મારી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બને અને એમાં હું મેઈન હિરોઈનનો રોલ કરું તો હોલીવૂડમાં હંગામો મચી જશે.
સ્ક્રિપ્ટ પર નજર ફેરવતાં જ Joeને તરત સમજાય જાય છે કે વાતમાં કંઈ દમ નથી, પણ તોય ખોટેખોટા વખાણ કરે છે. નોર્મા એને કામ પર રાખી લે છે. કહે છે: તું મારી સ્ક્રિપ્ટને મઠાર, એને એડિટ કર… અને કામ પૂરું ન થાય ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે, મારા બંગલામાં.
નોર્માનો ભેદી ચહેરાવાળો અટેન્ડન્ટ મેક્સ (એરિસ વોન સ્ટ્રોહીમ) જઈને Joe નો સઘળો સામાન લઈ આવે છે. ચડી ગયેલું ઘરભાડું પણ ભરી આવે છે. Joeને સમજાતા વાર લાગતી નથી કે નોર્મા ભ્રમમાં જીવી રહી છે. એ હજુય પોતાને સુપરસ્ટાર જ માને છે. નવાઈની વાત એ છે કે એને હજુય ચાહકોના પત્રો આવે છે. એનું રહસ્ય એ છે કે મેક્સ ખુદ નકલી નામોથી કાગળો લખી લખીને બહારથી પોસ્ટ કર્યા કરતો હતો. મેડમ ભૂતકાળમાં આત્મહત્યાની કોશિશ કરી ચૂક્યાં હતાં. એની દિમાગી હાલત હજુય નાજુક છે એટલે એણે આવાં નાટક કરવાં પડે છે. નોર્મા રોજ સાંજે Joe ને ફરજિયાત પોતાની જૂની ફિલ્મો દેખાડે છે. પોતાની ટીકા એ બિલકુલ સાંભળી શકતી નથી. જા અકળાઈ ગયો છે. અધૂરામાં પૂરું નોર્મા એની સાથે પ્રેમિકાની જેમ વર્તન કરવા લાગી છે. Joe નછૂટકે બધું નભાવ્યે જાય છે, એને ખુશ રાખે છે.
ઘણી ઘટનાઓ બને છે. ખાનગીમાં પોતાની સ્ક્રિપ્ટ પેરેમાઉન્ટ સ્ટુડિયોને વેચવાની Joe ની કોશિશ ચાલુ જ છે. આ બાજુ નોર્માની સ્ક્રિપ્ટનું કામકાજ પૂરું થાય છે. સ્ક્રિપ્ટને પેરેમાઉન્ટ સ્ટુડિયોમાં મોકલી નોર્મા જવાબની રાહ જોઈ રહી છે. એક દિવસ સ્ટુડિયોમાંથી ખરેખર ફોન આવે છે. નોર્માને સરસ તૈયાર થઈને પોતાની વિન્ટેજ કારમાં અદાથી સ્ટુડિયો પહોંચે છે. સાથે Joe અને મેક્સ પણ છે. અહીં ખબર પડે છે કે સ્ટુડિયોના સાહેબોને નોર્માની સ્ક્રિપ્ટમાં નહીં, બલકે એની વિન્ટેજ કારમાં રસ છે. કોઈ ફિલ્મના શૂટિંગ માટે એમને આ કાર જોઈએ છે!
Joe વિનંતી કરે છે કે તમે લોકો પ્લીઝ કોઈ ખુલાસો ન કરતા. સતત કલ્પનાની દુનિયામાં વિહરતી નોર્મા બ્યુટી ટ્રીટમેન્ટ લેવા માંડે છે અને પોતાની ‘કમબેક’ ફિલ્મની તૈયારી આરંભી દે છે! ફિલ્મ ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી છે. Joe ની સહનશક્તિની હદ આવી ગઈ છે. એ નોર્માની જેલમાંથી આઝાદ થવા માગે છે.
એક દિવસ એ નોર્માને બધું સાચેસાચું કહી દે છે: ભાનમાં આવ, તારી કચરા જેવી સ્ક્રિપ્ટમાં કોઈને રસ નથી, તને હવે ભૂતિયો ભાઈ પણ યાદ કરતો નથી, તારા પેલા ચાહકોના જે કાગળ આવે છે તે મેક્સે લખેલા છે… અને હું જાઉં છું, હંમેશ માટે.
નોર્મા સ્વીકારવા તૈયાર નથી. એ Joe સામે બંદૂક તાકે છે. Joe ગણકારતો નથી. નોર્મા ખરેખર એને ગોળીથી વીંધી નાખે છે. Joe નું શરીર સ્વિમિંગ પુલમાં ફેંકાઈ જાય છે. વાત ફેલાતાં જ પોલીસ અને પ્રેસ ફોટોગ્રાફરોનું ધાડું બંગલામાં ધસી આવે છે. નોર્માની સચ્ચાઈ અને હકીકત વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ બિલકુલ જતી રહી છે. એને એમ જ લાગે છે કે હું ફિલ્મોમાં ગ્રાન્ડ કમબેક કરી રહી છું એટલે પત્રકારો અને ફોટોગ્રાફરો શૂટિંગને કવર કરવા આવ્યા છે!
નોર્માને પોતાના કમરામાંથી નીચે બોલાવવા મેક્સે ખરેખર નાટક કરવું પડે છે. એ કહે છે કે શોટ રેડી છે, તારે પગથિયાં પરથી ધીમે ધીમે નીચે ઉતરવાનું છે. પછી રાડ પાડે છે: ‘એક્શન!’ નોર્મા જાણે શૂટિંગ ચાલતું હોય તેમ અદાથી પગથિયાં ઉતરતી નીચે આવે છે. ફ્લેશલાઈટ્સની છોળો ઊડે છે. મિડીયા સમક્ષ એ ટૂંકી સ્પીચ સુધ્ધાં આપે છે. ફિલ્મોમાં પુનરાગમન થવાથી પોેતે બહુ ખુશ છે ને એવું બધું. પછી એ ફિલ્મનો સૌથી ફેમસ ડાયલોગ બોલે છે:
‘ઓલરાઈટ, મિસ્ટર ડીમિલ, આઈ એમ રેડી ફોર માય ક્લોઝઅપ!’
ભ્રાંતિની ચરમસીમા પર ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
નોર્માનો રોલ ભજવનાર અભિનેત્રી ગ્લોરિયા સ્વેનસન ખરેખર મૂંગા જમાનાની ફિલ્મોની ખૂબસૂરત હિરોઈન હતી. એની લાઈફસ્ટાઈલ નોર્મા જેવી જ ગ્લેમરસ હતી. નોર્માની જેમ તે પણ ફિલ્મો બોલતી થઈ પછી નવા માહોલમાં એડજસ્ટ ન થઈ શકવાથી ધીમે ધીમે વિસરાઈ ગઈ હતી. ગ્લોરિયા અને એણે ભજવેલા કેરેક્ટર વચ્ચે બસ આટલું જ કોમન છે. ગ્લોરિયાએ લાઈફમાં ક્યારેય ગાંડા નહોતા કાઢ્યા. કરીઅર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું પછી એ શાંતિથી ન્યુયોર્ક શિફ્ટ થઈ ગયેલી અને રેડિયા-ટીવીમાં કામ કરવા લાગી હતી. હોલીવૂડમાં પુનરાગમન કરવાના એના કોઈ અભરખા નહોતા, પણ ‘સનસેટ બુલેવાર્ડ’ની સ્ક્રિપ્ટ તેને ઈન્ટરેસ્ટિંગ લાગી એટલે વર્ષો પછી ફરી ફિલ્મોમાં અભિનય કરવા તૈયાર થઈ ગઈ. તેના વફાદાર આસિસ્ટન્ટ મેક્સનો રોલ ભજવનાર એરિક વોન સ્ટ્રોહીમ એક જમાનામાં હોલીવૂડના ફિલ્મ ડિરેક્ટર હતા. તેઓ ગ્લોરિયા સ્વેનસને કોઈ ફિલ્મમાં ડિરેક્ટ સુધ્ધાં કરી ચુક્યા હતા.
રિલીઝ થતાં પહેલાં હોલીવૂડના મોટાં માથાં માટે ‘સનસેટ બુલેવાર્ડ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયેલું. ફિલ્મમાં હોલીવૂડની ફુલગુલાબી ઈમેજનાં છોતરાં ઉડી જતાં હતાં. કેટલાય હોલીવૂડવાળા ફિલ્મ જોઈને ચોંકી ઉઠેલા. એમણે ડિરેક્ટર બિલી વાઈલ્ડર પર ગાળોનો વરસાદ વરસાવ્યો: હાઉ ડેર યુ? હોલીવૂડનું અપમાન કરતી ફિલ્મ તું બનાવી જ કેવી રીતે શકે? બિલી યહૂદી છે એટલે કોઈએ ત્યાં સુધી કહી નાખ્યું કે આ નમકહરામને પાછો જર્મની ભેગો કરી દો!
ખેર, બિલી પોતાની ફિલ્મ પર મુસ્તાક હતા. ફિલ્મ રિલીઝ થતાં જ સુપરહિટ પૂરવાર થઈ. મોટા ભાગના સમીક્ષકો એના ભરપૂર વખાણ કર્યા. ‘ટાઈમ’ મેગેઝિને લખ્યું કે, ‘હોલીવૂડ એટ ઈટ્સ વર્સ્ટ ટોલ્ડ બાય હોલીવૂડ એટ ઈટ્સ બેસ્ટ’ મતલબ કે હોલીવૂડનાં સૌથી ખરાબ સ્વરુપ વિશે વાત કરતી આ ફિલ્મ ખરેખર તો હોલીવૂડની સૌથી ઉત્તમ સ્વરુપનાં પ્રતીક જેવી છે.
‘સનસેટ બુલેવાર્ડ’ને અધધધ કહી શકાય એટલાં ૧૧ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી ત્રણમાં એની જીત થઈ. એને ક્લાસિકનો દરજ્જો મળ્યો. ફિલ્મ મસ્તમજાની અને ગતિશીલ છે. આજની તારીખેય તે જોવાની મજા આવે છે. આ પ્રકારની થીમ ધરાવતી પછી ઘણી ફિલ્મો બની, પણ ફિલ્મી દુનિયાની ભ્રમજાળ અને નકલી ચમકદમકની વાત આવે છે ત્યારે હજુય ‘સનસેટ બુલેવાર્ડ’નું નામ સૌથી પહેલું લેવાય છે.ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર-સહલેખક : બિલી વાઈલ્ડર
કલાકાર : વિલિયમ હોલ્ડન, ગ્લોરિયા સ્વેનસન, એરિક વોન સ્ટ્રોહીમ, નેન્સી ઓલ્સન
સંગીત : ફ્રાન્ઝ વેક્સમેન
રિલીઝ ડેટ : ૪ ઓગસ્ટ, ૧૯૫૦
મહત્ત્વના અવોર્ડઝ : કુલ ૧૧ ઓસ્કર નોમિનેશન્સમાંથી બેસ્ટ રાઈટિંગ, સેટ ડિઝાઈન અને મ્યુઝિક કેટેગરીમાં વિજેતા. * * * * *
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply