Sun-Temple-Baanner

Thelma & Louise – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Thelma & Louise – Hollywood 100


હોલીવુડ હન્ડ્રેડ: આજ મૈં ઉપર… આસમાં નીચે

Mumbai Samachar – Matinee Supplement – 22 May 2013

Column: હોલીવુડ હન્ડ્રેડ

અતિ મૂલ્યવાન હોય છે મુક્તિનો અહેસાસ. જીવ આપીને પણ સાચવી રાખવો ગમે એવો. ‘થેલ્મા એન્ડ લુઈસ’ ઉપર-ઉપરથી રોડ-મૂવી લાગે, પણ ખરેખર તો એમાં બે સ્ત્રીની પર્સનાલિટીમાં આવતા જબરદસ્ત બદલાવની વાત છે

* * * * *

ફિલ્મ ૨૩ – થેલ્મા એન્ડ લુઈસ

આજથી ૨૨ વર્ષ પહેલાંના શુક્રવારે ‘થેલ્મા એન્ડ લુઈસ’ રિલીઝ થઈ હતી. આ ફેમિનિસ્ટ ફિલ્મ હતી કે રોમાંચક રોડ મૂવી? કે પછી તે સંબંધો અને મનની ન ઉકેલાયેલી ગૂંચ વિશે વાત કરતી ફિલ્મ છે? સવાલ-જવાબમાં પડતાં પહેલાં ફિલ્મના ક્ધટેન્ટ વિશે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

થેલ્મા અને લુઈસ નામની બે પાક્કી બહેનપણી છે. થેલ્મા (જીના ડેવિસ) યુવાન અને ભીરુ હાઉસવાઈફ છે. જડભરત જેવા પુરુષ સાથે લગ્ન કરીને ફસાઈ ગઈ છે બિચારી. લુઈસ (સુસાન સેરેન્ડન) એના કરતાં સાવ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. એ સ્વતંત્ર દિમાગની મજબૂત સ્ત્રી છે. ઉંમરમાં થેલ્મા કરતાં દસેક વર્ષ મોટી હશે. એક રેસ્ટોરાંમાં વેઈટ્રેસ તરીકે કામ કરે છે. એણે લગ્ન કર્યાં નથી, પણ એક બોયફ્રેન્ડ જરૂર છે. ફિલ્મની શરૂઆતમાં જ બન્ને જણીઓ ફોન પર વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન ઘડે છે. કાર લઈને દૂર ગામડાગામમાં એક પરિચિતનું ફાર્મહાઉસ છે ત્યાં જવાનું, રહેવાનું અને બે દિવસમાં પાછા આવી જવાનું. થેલ્માને પાક્કી ખાતરી છે કે જો હું હસબન્ડ ડેરિલ (ક્રિસ્ટોફર મેક્ડોનાલ્ડ)ની પરવાનગી માગીશ તો એ ના જ પાડશે. તેથી એક ચિઠ્ઠી પર મેસેજ લખીને એ ફટાફટ નીકળી જાય છે. એ ડેરિલની રિવોલ્વર પણ સાથે લઈ લે છે. એમ જ, સેફ્ટી ખાતર.

ફાર્મહાઉસ પર પહોંચતાં પહેલાં રસ્તામાં એક ક્લબહાઉસ જેવી જગ્યામાં બન્ને બિયર-બ્રેક લેવા રોકાય છે. અહીં હાર્લેન (ટિમોથી કારહર્ટ) નામનો માણસ થેલ્મા સાથે ફ્લર્ટ કરવા લાગે છે. સંવેદનહીન પતિની અવગણનાથી અતૃપ્ત રહી ગયેલી થેલ્માને આ અજાણ્યા પુરુષનું એટેન્શન મીઠું લાગે છે. એ ખૂબ ઢીંચે છે અને હાર્લેન સાથે ઝૂમતી ઝૂમતી ડાન્સ પણ કરે છે. પેલો આને ગ્રીન સિગ્નલ માની લે છે. એ થેલ્માને અંધારિયા પાર્કિંગ લોટમાં લઈ જઈને છૂટછાટ લેવાનું શરૂ કરી દે છે. થેલ્મા રોકે છે તો પેલો જબરદસ્તી પર ઊતરીને એને લાફો ઠોકી દે છે. ડઘાઈ ગયેલી થેલ્માનો બધો જ નશો ઊતરી જાય છે. હાર્લેેન એના પર રેપ કરવાની અણી પર પહોંચે છે ત્યાં જ લુઈસ આવી પહોંચે છે. એના હાથમાં ગન છે.

હાર્લેન કહે છે: ના… ના, તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે. અમે બે તો જસ્ટ મજા કરતાં હતાં.

લુઈસ ત્રાડ પાડે છે: આંધળો છે તું? દેખાતું નથી તને? આ છોકરી રડી રહી છે, કરગરી રહી છે તોય તને લાગે છે કે એને મજા આવી રહી છે?

હાર્લેન થેલ્માને છોડી દે છે. બન્ને સ્ત્રીઓ બહાર નીકળવા પગ ઉપાડે છે ત્યાં જ પાછળથી પેલો ગંદી ગાળ બોલીને કંઈક ઘટિયા અને અપમાનજનક કમેન્ટ કરે છે. લુઈસની કમાન છટકે છે. ક્રોધથી કાળઝાળ થઈને એ ગોળી મારી દે છે. પેલાના રામ રમી જાય છે.

પોલીસ આવી પહોંચે તે પહેલાં થેલ્મા અને લુઈસ કારમાં ભાગે છે, પણ એમનું પગેરું શોધતાં પોલીસને કેટલી વાર લાગવાની. હવે શરૂ થાય છે ઉંદર-બિલાડીની દિલધડક રમત. થેલ્મા અને લુઈસ એક મોટેલના કમરામાં છુપાઈ ગઈ છે. થેલ્માને સમજાતું નથી કે પેલા માણસને જાનથી મારી નાખવાની શી જરૂર હતી? કેમ એની કમેન્ટથી લુઈસ આટલી ભયાનક રીતે ભડકી ઊઠી? લુઈસ પોતાના બોયફ્રેન્ડ જિમી (માઈકલ મેડસન)ને ફોન કરે છે: જો, હું મુસીબતમાં છું. મને પૈસાની સખત જરૂર છે. તું તાત્કાલિક અમુક રકમ મારા બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, પ્લીઝ. લુઈસનું પ્લાનિંગ એવું છે કે કારમાં દક્ષિણ તરફ ભાગતા રહેવું અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને મેક્સિકોમાં ઘૂસી જવું. આમ કરવા માટે ટેક્સાસમાંથી પસાર થવું પડે, પણ આ શહેરનું નામ પડતાં જ લુઈસ આતંકિત થઈ જાય છે. શું લુઈસ સાથે ભૂતકાળમાં કોઈ દર્દનાક ઘટના બની ચૂકી છે જેનો સંબંધ ટેક્સાસ સાથે હતો? લુઈસ એક શબ્દ બોલવા તૈયાર નથી. એ થેલ્માને ચોખ્ખું કહે છે: તું આના વિશે મને ક્યારેય કશુંય પૂછતી નહીં.

લાંબા રૂટથી મેક્સિકોમાં ઘૂસતાં પહેલાં રસ્તામાં જેડી (બ્રેડ પિટ) નામનો એક હેન્ડસમ યુવાન લિફ્ટ માગે છે. લુઈસની ઈચ્છા નહોતી, પણ થેલ્મા એનાથી મોહિત થઈ જાય છે. જેડી ટપોરી છે, હાઈવે પર દુકાનો લૂંટવાનું એનું કામ છે. રાતે હોટેલના કમરામાં પોતે કેવી રીતે લૂંટ મચાવે છે એનું આખું વર્ણન એ થેલ્માને કરી બતાવે છે. થેલ્માને મજા પડી જાય છે. જેડી સાથે એ સ્વેચ્છાએ શરીરસંબંધ પણ બાંધે છે. એને કલ્પના નથી કે આ એક રાતની મજા કેટલી મોંઘી પડી જવાની છે. બીજા દિવસે જેડી લુઈસના તમામ પૈસા ચોરીને રફુચક્કર થઈ જાય છે. બીજા દિવસે ગિલ્ટ અનુભવતી થેલ્મા હાઈવે પરની કોઈ દુકાનમાં ઘૂસીને ગલ્લા પરથી તમામ પૈસા લૂંટી લે છે. અદ્દલ જેડીની સ્ટાઈલથી. આ બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે. પોલીસ સતત બન્નેનો પીછો કરી રહી છે. આ બન્ને માનુનીઓનાં કારનામાં જોકે હજુય અટક્યાં નથી. રસ્તામાં એક ટ્રકવાળો વલ્ગર ચાળો કરે છે તો લુઈસ એની આખેઆખી ટ્રક ફૂંકી મારે છે! એમના અપરાધોની સંખ્યા વધતી જ જાય છે. ભાગી ભાગીને બન્ને કેટલું ભાગવાની. આખરે પોલીસની ગાડીઓ, હેલિકોપ્ટરો વગેરે એમના સુધી પહોંચી જાય છે. એેક બાજુ ઊંડી ખાઈ છે. સામે સશસ્ત્ર પોલીસ છે. પકડાવાનું નિશ્ર્ચિત છે. લુઈસ કહે છે: હું પોલીસના હાથે પકડાવા માગતી નથી. થેલ્માને સમજાય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી પોતે જે મુક્તિનો અહેસાસ કરી રહી હતી તેેના પર હવે પૂર્ણવિરામ મુકાઈ જવાનું છે. એ સહમત થાય છે: સાચી વાત છે તારી. પકડાવું તો નથી જ. તો પછી હવે એક જ રસ્તો બાકી રહે છે અને તે છે…

કમાલનો અંત છે ફિલ્મનો. એના વિશે વધારે નહીં કહીએ. એ તમારે ડીવીડી પર જોઈ લેવાનો છે.

કથા પહેલાંની અને પછીની

સામાન્યપણે રોડ મૂવીઝનો અંદાજ મર્દાના હોય છે. આ ફિલ્મમાં, ફોર અ ચેન્જ, બન્ને મુખ્ય પાત્રો સ્ત્રીઓનાં છે. અહીં કેવળ એક્શન, એડવન્ચર અને કોમેડી નથી, અહીં સપાટીની નીચે પણ ઘણું બધું બનતું રહે છે. આ સ્ત્રીઓ શું કામ આ રીતે વર્તી રહી છે? શું ચાલી રહ્યું છે તેમનાં દિલ-દિમાગમાં? લુઈસના જીવનમાં એવું તે શું બની ગયું હતું? કદાચ એ ભૂતકાળમાં બળાત્કારનો ભોગ બની ચૂકી હતી. કદાચ આ દુર્ઘટના ટેક્સાસમાં બની હતી. આખી ફિલ્મમાં ક્યારેય લુઈસ આ વિશે ફોડ પાડીને વાત કરતી નથી. આ અસ્પષ્ટતા ફિલ્મને વધારે અર્થગંભીર, વધારે ખૂબસૂરત બનાવી દે છે. તગડી સ્ક્રિપ્ટ આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. મૂળ તો લેખિકા કેલી ખોરી પોતાની સ્ક્રિપ્ટ પરથી ખુદ ડોક્યુમેન્ટરી પ્રકારની લો-બજેટ ફિલ્મ બનાવનું વિચારતી હતી, પણ આખરે બની ગઈ બિગ બજેટ બ્લોકબસ્ટર. કાસ્ટિંગ દરમિયાન કેટકેટલી અભિનેત્રીઓનાં નામ વિચારાયાં હતાં – નિકોલ કિડમેન, જેસિકા લેન્જ, શેર, મેડોના, એમા થોમ્પસન, ગ્લેન ક્લોસ વગેરે. એક તબક્કે મેરિલ સ્ટ્રિપ અને ગોલ્ડી હોન પણ કન્સિડર થઈ રહ્યાં હતાં, પણ આ જોડીએ પછી ‘ડેથ બિકમ્સ હર’માં સાથે કામ કરવાનું પસંદ કર્યું.

પુરુષપાત્રો માટે પણ ઘણા વિકલ્પો વિચારાયા હતા. બ્રેડ પિટવાળા રોલ માટે એ વખતે હોલીવુડમાં સ્ટ્રગલ કરી રહેલા જ્યોર્જ ક્લૂનીએ એક કરતાં વધારે ઓડિશન આપેલાં. મજાની વાત એ છે કે આમાંનાં કોઈ એક્ટર-એક્ટ્રેસને હવે આ ફિલ્મમાં કલ્પી શકાતાં નથી. ઉત્તમ ફિલ્મનું આ જ લક્ષણ છે. એમાં કાસ્ટિંગ એટલું પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયું હોય કે ફલાણાને બદલે ઢીંકણો (કે ઢીંકણી) હોત તો ફિલ્મ વધારે જામત એવો વિચાર જ ન આવે.

આ ફિલ્મને છ ઓસ્કર નોમિનેશન મળ્યાં. સુસાન સેરેન્ડન અને જીના ડેવિસ બન્ને બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં નામાંકિત થઈ. જોકે અવોર્ડ તાણી ગઈ જોડી ફોસ્ટર, ‘ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બ્સ’ માટે. ડિરેક્શનમાં પણ એવું જ થયું. ‘ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બ્સ’વાળા જોનાથન ડેમ ઓસ્કર લઈ ગયા, ‘થેલ્મા એન્ડ લુઈસ’વાળા રિડલી સ્કોટ રહી ગયા. ‘થેલ્મા એન્ડ લુઈસ’ને અલબત્ત, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર જરૂર મળ્યો. કોઈએ ફિલ્મને ‘નીઓ-ફેમિનિસ્ટ રોડ મૂવી’ તરીકે વર્ણવી. અમુક વર્ગે આ ફિલ્મની ટીકા પણ કરી છે. એમનું કહેવું હતું કે ‘થેલ્મા એન્ડ લુઈસ’માં કારણ વગર પુરુષોને ધિબેડવામાં આવ્યા છે. પુરુષપાત્રોને જે રીતે નેગેટિવ રીતે ચીતરવામાં આવ્યાં છે તે યોગ્ય નથી. તમને શું લાગે છે? આનો જવાબ આ લેખ પરથી નહીં મળે. તમારે એ માટે આખી ફિલ્મ જોવી પડશે.

ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર : રિડલી સ્ક્રિપ્ટ
સ્ક્રીનપ્લે : કેલી ખોરી
કલાકાર : સુસાન સેરેન્ડન, જીના ડેવિસ, બ્રેડ પિટ
રિલીઝ ડેટ : ૨૪ મે, ૧૯૯૧
મહત્ત્વના એવોર્ડ્સ : બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર વત્તા પાંચ નોમિનેશન્સ 000

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.