હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૬: ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ : ગાતા રહે મેરા દિલ…
મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ – તા. ૧૬ જાન્યુઆરી ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
આપણી ફિલ્મોનાં ‘સોંગ એન્ડ ડાન્સ રુટિન’ માટે આપણે જરાય સંકોચ અનુભવવાની જરુર નથી, કારણે કે હોલીવૂડ જ્યારે મ્યુઝિકલ બનાવે છે ત્યારે ગીતોનો રીતસર વરસાદ વરસાવી દે છે. જેમકે, આ યાદગાર અમેરિકન ફિલ્મમાં પૂરાં ૩૦ ગીતો છે!
* * * * *
ફિલ્મ નંબર ૬: ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’
આજે એક અફલાતૂન મ્યુઝિકલ ફિલ્મની વાત કરીએ. તે મારિયા વોન ટ્રેપ લિખિત પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ધ ટ્રેપ ફેમિલી સિંગર્સ’ પર આધારિત છે. આ પુસ્તક પરથી પહેલાં બ્રોડવે પર ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ નામનું હિટ મ્યુઝિકલ બન્યું અને પછી એ જ નામની ફિલ્મ બની. મા વગરનાં સાત બચ્ચાં, કડક બાપ, બાળકોની સારસંભાળ માટે લાવવામાં આવતી પતંગિયા જેવી નટખટ આયા અને ક્રમશ: બદલાતું જતું ઘરનું વાતાવરણ – આ થીમ અને એના પરથી બનેલી ફિલ્મ બન્ને એવરગ્રીન છે.
ફિલ્મમાં શું છે?
વાત ઓસ્ટ્રિયાના ખૂબસૂરત શહેર સાલ્ઝબર્ગની છે. કેપ્ટન વોન ટ્રેપ (ક્રિસ્ટોફર પ્લમર) એક વિધુર અને રિટાયર્ડ નેવલ ઓફિસર છે. એમને સાત બાળકો છે. મિજાજ લશ્કરી ધરાવતા કેપ્ટને ઘરમાં પણ વધુ પડતી શિસ્તનું વાતાવરણ લાદી દીધું છે. સંતાનો એનાથી ફફડે છે. બીજી બાજુ, મારિયા (જુલી એન્ડ્રુઝ) નામની ચુલબુલી યુવતી છે, જે એક કોન્વેન્ટમાં નન બનવા માટે તાલીમ લઈ રહી છે. મારિયાની હાલત પણ પેલાં છોકરાંવ જેવી છે. એનો મૂળ સ્વભાવ હસતાં-ગાતાં રહેવાનો છે, પણ ખ્રિસ્તી સાધ્વી બનવાનું છે એટલે એણે ધરાર ડિસીપ્લીનમાં રહેવું પડે છે. કેપ્ટન ટ્રેપને સંતાનો માટે આયાની જરુર છે. એ વડાં સાધ્વી એટલે કે મધર અબેસ (પેગી વૂડ)ને વાત કરે છે. વડાં સાધ્વી મારિયાને કેપ્ટનનાં ઘરે મોકલી આપે છે.
મારિયા તરત નોંધે છે કે કેપ્ટનને સંતાનો સાથે પ્રેમાળ બાપ જેવું વર્તન કરતાં આવડતું જ નથી. એ ઘરમાં ય વ્હીસલ મારે છે, કડકાઈથી આદેશ છોડે છે અને છોકરાઓ સેઈલર-સુટનો યુનિફોર્મ પહેરે એવો આગ્રહ રાખે છે. શરુઆતમાં પલટનને આયા દીઠી ગમતી નથી, પણ મારિયા કુનેહપૂર્વક સૌથી સાથે દોસ્તી કરી લે છે. સૌથી મોટી સોળ વર્ષની દીકરીને (જેને એક બોયફ્રેન્ડ પણ છે) એ કહે છે કે તને આ ઉંમરે ભલે ગર્વનેસની જરુર ન હોય, પણ હું તારી ફ્રેન્ડ તો બની જ શકુંને! મારિયા સૌને ગાતાં શીખવે છે, વાદ્યો વગાડતાં શીખવે છે. અત્યાર સુધી શુષ્કતા વચ્ચે જીવી રહેલાં ભાઈબહેનોનું જાણે જીવન પલટાઈ જાય છે. ઘરનો માહોલ બદલે છે. કેપ્ટન પણ સંતાનોની નિકટ આવે છે. કેપ્ટનને સમજાય છે કે મારિયાએ પોતાનાં સંતાનોને આઝાદીનો જે અહેસાસ કરાવ્યો છે એ કેટલો મૂલ્યવાન છે.
ક્ેપ્ટનના જીવનમાં એક સ્ત્રી પણ છે – પૈસાદાર અને સોફિસ્ટીકેટેડ સોશ્યલાઈટ બેરોનેસ (ઈલેનોર પાર્કર), પણ કેપ્ટન હવે મારિયા તરફ ઢળી રહ્યા છે. એ મારિયાના પ્રેમમાં પડે છે. મારિયા પણ કેપ્ટન તરફ ખેંચાઈ રહી છે. એણે તો સાધ્વી બનવાનું છે. એ કોઈ પુરુષના પ્રેમમાં કેવી રીતે પડી શકે? મૂંઝાયેલી મારિયા ઘર છોડીને પાછી કોન્વેન્ટમાં આવી જાય છે. મધર અબેસ એને સમજાવે છે કે તું પરિસ્થિતિથી ભાગ નહીં, એનો સામનો કર. મધર જાણે છે કે મારિયામાં નન બનવાનાં લક્ષણ આમેય પહેલેથી જ નહોતાં! મારિયા પાછી કેપ્ટનના ઘરે આવે છે, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું છે. પેલી સોશ્યલાઈટ બેરોનેસ સાથે કેપ્ટને સગાઈ કરી નાખી છે. કેપ્ટન જોકે બેરોનેસ પાસે નિખાલસતાથી કબૂલે છે કે પોતે મારિયાને પ્રેમ કરે છે. બેરોનેસ કહે છે: મને તો પહેલાંથી આ વાતની ગંધ આવી ગઈ હતી. એ સગાઈ તોડી નાખે છે. મારિયા અને કેપ્ટનનાં ધામધૂમથી લગ્ન થાય છે.
ના, આ ઍન્ડ નથી. પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત. વરઘોડિયાં હનીમૂન માટે પેરિસ ઉપડી જાય છે. પાછળ બચ્ચેલોગ સાલ્ઝબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલની તૈયારીમાં બિઝી થઈ જાય છે. કેપ્ટન અને મારિયા પાછાં ફરે છે ત્યાં સુધીમાં દેશની પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય છે.
કેપ્ટનને આદેશ મળે છે કે તમારે બને એટલા જલદી જર્મન નેવલ હેડક્વાર્ટરમાં હાજર થઈ જવાનું છે. નાઝીવાદના વિરોધી એવા કેપ્ટનની આ આદેશને અનુસરવાની બિલકુલ ઈચ્છા નથી. જોકે નાઝી ગાર્ડસની નજરમાંથી બચવું મુશ્કેલ છે. કેપ્ટન એમને કહે છે કે આજે રાતે યોજાયેલા સાલ્ઝબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલમાં મારા આખા પરિવારે ભાગ લીધો છે અને અમારું ત્યાં જવું જરુરી છે. એમને કહેવામાં આવે છે કે કે ઠીક છે, તમારું પર્ફોર્મન્સ પતાવી લો અને પછી સત્વરે જર્મની માટે રવાના થઈ જાઓ. ફેસ્ટિવલમાં તેઓ જે ગીત પર્ફોર્મ કરે છે એની કોરિયોગ્રાફી એવી છે કે એક પછી એક સૌને છટકતા જવાનો મોકો મળે છે. વિજેતાઓની ઘોષણા થાય છે એ દરમિયાન સૌ ગાયબ થઈ જાય છે. પહેલાં તેઓ કોન્વેન્ટમાં છુપાય છે, નાઝી સૈનિકો સાથે થોડો સંઘર્ષ પણ થાય છે, પણ મધર અને અન્ય સાધ્વીઓની મદદથી ભાગવામાં સફળ થાય છે. ફિલ્મના અંતિમ દશ્યમાં તેઓ આલ્પ્સના પહાડી રસ્તે સ્વિત્ઝર્લેન્ડ તરફ જતાં દેખાય છે.
કથા પહેલાંની અને પછીની
આ ફિલ્મની ઓફર થઈ ત્યારે ડિરેક્ટર રોબર્ટ વાઈઝે પહેલાં તો ના પાડી દીધી હતી. એમને આ ફિલ્મની વાર્તા વધુ પડતી મીઠી અને સુષ્ઠુ સુષ્ઠુ લાગી. એમના ઈન્કાર પછી ‘રોમન હોલીડે’વાળા વિલિયમ વાઈલરને પસંદ કરવામાં આવ્યા. કોઈક કારણસર તેમણે પ્રોજેક્ટ છોડ્યો અને તેમના સ્થાને પાછા રોબર્ટ વાઈઝ ગોઠવાઈ ગયા. એક્ટ્રેસ જુલી એન્ડ્રુઝે અગાઉ ‘માય ફેર લેડી’ના બ્રોડવે વર્ઝનમાં કામ કર્યું હતું. ેમેઈન હિરોઈન તરીકે રોબર્ટ વાઈઝની ફર્સ્ટ ચોઈસ એ જ હતી. ફિલ્મી દુનિયામાં જુલી હજુ નવી હતી. એની પહેલી ફિલ્મ ‘મેરી પોપિન્સ’ હજુ સુધી રિલીઝ થઈ નહોતી.
‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ રિલીઝ થઈ ત્યારે ખાસ કરીને બ્રોડવેના વિવેચકોએ દેખીતા કારણોસર એને વખોડી કાઢી હતી, પણ ફિલ્મ ચાલી, ખૂબ ચાલી. તીવ્ર નાણાભીડ અનુભવી રહેલો ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ આ ફિલ્મને કારણે તરી ગયો. હોલીવૂડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં એની ગણતરી થાય છે. દુનિયાભરની કેટલીય ફિલ્મો પર ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ વત્તીઓછી અસર જાઈ શકાય છે. હોલીવૂડની ‘કલ્ચરલી, હિસ્ટોરિકલી અને એસ્થેટિકલી સિગ્નીફિક્ધટ’ ફિલ્મોમાં તેનું નિશ્ચિત સ્થાન છે. ફિલ્મનું મ્યુઝિક આલ્બમ પણ ધૂમ વેચાયું. દસ ઓસ્કર નોમિનેશન્સ ઉપરાંત તેને ગ્રેમીનું આલ્બમ ઓફ ધ યરનું નોમિનેશન પણ મળ્યું.
‘ધ સાઉન્ડ ઓફ મ્યઝિક’ રિલીઝ થઈ ત્યારે જે પુસ્તક પર તે આધારિત છે એની લેખિકા મારિયા વોન ટ્રેપને ન કોઈએ પ્રિવ્યુ શો માટે બોલાવ્યાં કે ન પ્રિમીયરમાં. મારિયા ટ્રેપે સામેથી સ્ટુડિયોના સાહેબોનો સંપર્ક કર્યો અને ડરતાં ડરતાં કહ્યું: હું પણ પ્રીમિયરમાં આવવા માગું છું. આવુંને? પ્રોડ્યુસરે ધડ દઈને કહી દીધું: સોરી, બધી સીટ્સ ફુલ થઈ ચુકી છે! શું બોલીવૂડ કે શું હોલીવૂડ, લેખકો બાપડાએ પહેલેથી જ સંઘર્ષ કરતા આવ્યા છે!
‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર-પ્રોડ્યુસર : રોબર્ટ વાઈઝ
કલાકાર : જુલી એન્ડ્રુઝ, ક્રિસ્ટોફર પ્લમર
મૂળ લેખિકા : મારિયા વોન ટ્રેપ
ગીત-સંગીત : રિચર્ડ રોજર્સ, ઓસ્કર હેમરસ્ટીન સેક્ધડ
દેશ : અમેરિકા
રિલીઝ ડેટ : ૨ માર્ચ, ૧૯૬૫
અવોર્ડઝ : દસ ઓસ્કર નોમિનેશન્સમાંથી પાંચમાં વિજયી (બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ એડિટિંગ ૦ ૦ ૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply