હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૯: ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’
મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) – હોલીવૂડ હંડ્રેડ – તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
આગ હૈ… યે બદન!
માર્લોન બ્રાન્ડોને ચમકાવતી આ ફિલ્મ સપાટી પરથી એેક સેક્સપ્રચુર વિકૃત ફિલ્મ લાગી શકે, પણ ખરેખર તો એ ખાલીપાની, જખ્મી થઈ ગયેલા આત્માની, અપરાધભાવની અને એકલતાની વાત કરે છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એમાં સેક્સનું તદ્દન ઉઘાડું અને આંચકાજનક ચિત્રણ જોઈને હોબાળો મચી ગયો હતો, પણ ક્રમશ: એની ગણના એક ક્લાસિક ફિલ્મ તરીકે થવા લાગી.
* * * * *
ફિલ્મ નંબર ૯: ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’
આજે વાત કરવી છે સર્વકાલીન મહાનતમ અભિનેતાઓમાં સ્થાન પામતા માર્લોન બ્રાન્ડોની એક વિવાદાસ્પદ ફિલ્મની. ટાઈટલમાં ટેન્ગો શબ્દ ભલે રહ્યો, પણ આ કંઈ ટેન્ગો ડાન્સ વિશેની ફિલ્મ નથી. લાંબી પ્રસ્તાવના બાંધ્યા વગર સીધા મુદ્દા પર જ આવી જઈએ.
ફિલ્મમાં શું છે?
પૉલ (માર્લોન બ્રાન્ડો) એક આધેડ વયના અમેરિકન હોટલમાલિક છે. એની પત્નીએ તાજેતરમાં જ અણધારી આત્મહત્યા કરી છે એટલે દુખથી તૂટી ચૂક્યા છે. એક વાર શોકમગ્ન થઈને રસ્તા પર કશેક જઈ રહ્યા હતા ત્યારે એમની આકસ્મિક મુલાકાત એક અજાણી યુવતી (મારિયા સ્નાઈડર) સાથે થાય છે. કોણ જાણે બન્ને વચ્ચે વચ્ચે કેવી કેમિસ્ટ્રી રચાઈ ગઈ કે તેઓ એકદમ જ એકબીજા તરફ તીવ્રતાથી આકર્ષાય છે. યુવતીની ઉંમર પૉલ કરતાં અડધી માંડ હશે. અઠવાડિયા-દસ દિવસમાં એનાં લગ્ન કોઈ બેવકૂફ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર પ્રેમી સાથે થવાનાં છે. પૉલ યુવતીને હોટલ પર લાવે છે અને એકદમ જ, કશી જ પૂર્વભૂમિકા વગર જ, એમની વચ્ચે શારીરિક સંબંધ બંધાઈ જાય છે. ખરેખર તો આ મામલા પર અહીં જ પૂર્ણવિરામ મૂકાઈ જવું જોઈતું હતું, પણ એવું બનતું નથી. તેમનું સેક્સ્યુઅલ અફેર આગળ વધે છે. બન્ને વચ્ચે શ‚આતથી જ ચોખવટ થઈ જાય છે: આપણે એકબીજાનું નામ પણ નહીં પૂછવાનું, ન એકમેકની પર્સનલ લાઈફ વિશે કંઈ જાણવાની કોશિશ કરવાની. આપણી વચ્ચે ફક્ત સેક્સનો સંબંધ રહેશે, બસ.
એક તરફ પૉલ પત્નીની અંતિમ વિધિની તૈયારી કરે છે અને બીજી બાજુ આ યુવતીનો પાશવી ઉપભોગ કરતો રહે છે. બન્ને જાણે કે ભૂતકાળ ભૂંસી, દુનિયાની તમામ બારીઓ બંધ કરી એકમેકમાં રત થઈ જવા માગે છે. પૉલનું વર્તન એવું છે કે જેનાથી પેલી સતત અપમાનિત થતી રહે. એની સાથે શરીરસંબંધ બાંધતી વખતે પૉલ હેવાનિયત પર ઉતરી આવે છે. યુવતીનું શરીર તો એને મળી ગયું, પણ પૉલને એનાથી સંતોષ નથી. એને યુવતીનાં મન પર પણ કબ્જો જોઈએ છે. યુવતી આખરે એનાથી ત્રાસીને એવો પીછો છોડાવવા માગે છે, પણ પૉલને જાણે યુવતીની લત લાગી ચૂકી છે. એ આખરે કબૂલાત કરી જ નાખે છે: ‘આઈ લવ યુ, યુ ડમી!’ પછી શું થાય છે? યુવતીને પણ આ વિષાદયુક્ત પુરુષની, એની જંગલીની જેમ પ્રેમ કરવાની રીતની આદત પડી ગઈ છે? ના, ફિલ્મના શોકિંગ એન્ડ વિશે કશું જ નહીં બોલીએ. એ તમે ખુદ જોઈ લેજો, જો જોવાના હો તો.
કથા પહેલાંની અને પછીની
આ ફિલ્મ બનાવવાનો વિચાર એના બર્નાર્ડો બર્ટુર્ચી નામના ઈટાલિયન ડિરેક્ટરને ખુદની સેક્સ્યુઅલ ફેન્ટસીમાંથી આવ્યો હતો: એક ખૂબસૂરત અજાણી યુવતી મને રસ્તા પર મળી જાય છે, અમે એકબીજાનું નામ પણ જાણતા નથી, પણ તોય અમારી વચ્ચે કામાવેગથી ભડકતો સંબંધ વિકસી જાય છે. આ ફ્રેન્ચ-ઈંગ્લિશ ફિલ્મ રિલીઝ થતાં જ હોબાળો મચી ગયો. માર્લોન બ્રાન્ડો જેવા પીઢ અદાકાર આવી નગ્નતા અને સેક્સ્યુઅલ વાયોલન્સથી લથબથતી ફિલ્મ કરે? ફિલ્મનું ખાસ કરીને એક ચોક્કસ દશ્ય અતિ વિવાદાસ્પદ બન્યું હતું. એનલ સેક્સ દર્શાવતા આ લાંબા સીનમાં બ્રાન્ડો યુવતી પર લગભગ બળાત્કાર કરે છે. ‘પ્લેબોય’ મેગેઝિને બ્રાન્ડો અને મારિયાનાં નગ્ન સંવનન દશ્યોને ફોટો-સ્પે્રડ તરીકે ચમકાવ્યાં. ‘ટાઈમ’ અને ‘ન્યુઝવીક’ બન્નેએ આ ફિલ્મ પર કવરસ્ટોરી કરી. ‘ટાઈમે’ લખ્યું: ‘જે દર્શકને આ ફિલ્મ જોઈને આઘાત ન લાગે, ગલગલિયા ન થાય, ઘૃણા ન પામે કે એનું લોહી ન ઊકળે તો એ નક્કી માનસિક રીતે બીમાર હોવાનો.’ અખબારોમાં રિપોર્ટસ છપાતા કે આ ફિલ્મ જોતી વખતે સારાં ઘરની સ્ત્રીઓને રીતસર ઊલટી થાય છે! કોઈએ લખ્યું: આ પોર્નોગ્ર્ાફી જ છે, એને માત્ર કળાનું મહોરું પહેરવી દેવામાં આવ્યું છે, એટલું જ.
ફિલ્મ બની ત્યારે એક્ટ્રેસ મારિયા સ્નાઈડર સાવ નવીસવી હતી. એણે પછી ખૂબ બખાળા કાઢ્યાં હતાં: ‘પેલો એનલ સેક્સવાળો સીન સ્ક્રિપ્ટમાં હતો જ નહીં. ખરેખર તો શૂટિંગ વખતે જ મારે મારા એજન્ટઅને વકીલનો સંપર્ક કરવાની જ‚ર હતી. માર્લોને મને સમજાવેલી કે મારિયા, બહુ ટેન્શન ન લે. ઈટ્સ જસ્ટ અ મુવી. એ સીનમાં અફકોર્સ, બ્રાન્ડો માત્ર અભિનય કરતા હતા, પણ મારી ચીસો અને આંસુ સાચાં હતાં. એ વખતે મને એવુ ફીલ થતું હતું કે જાણે બ્રાન્ડો અને બર્નાર્ડો બન્ને મારા પર રેપ કરી રહ્યા છે.’ માર્લોન બ્રાન્ડોએ ખુદ જ્યારે ફિલ્મને સ્ક્રીન પર જોઈ ત્યારે ડઘાઈ ગયા હતા. એમણે કલ્પના કરી નહોતી કે આ ફિલ્મ આટલી તીવ્ર અસર પેદા કરશે. બ્રાન્ડોએ એ પછી બર્નાર્ડો સાથે પંદર વર્ષ સુધી બોલવાનો વહેવાર પણ નહોતો રાખ્યો! ઈટાલીમાં બર્નાર્ડો પર કેસ ચાલ્યો. એમને સજા થઈ અને ફિલ્મની તમામ પ્રિન્ટ્સનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો. વર્ષો પછી ઈટાલીમાં જ્યારે સેન્સરશિપ કમિશનને બરખાસ્ત કરી દેવામાં આવ્યું ત્યારે ફિલ્મની ઓરિજિનલ કોપી ચમત્કારિક રીતે પ્રગટી. ફિલ્મને કાપકૂપ કરી નવેસરથી રિલીઝ કરવામાં આવી.
રોજર ઈબર્ટ નામના બહુ જ સન્માનનીય વિવેચકે ફિલ્મ પહેલીવાર રિલીઝ થઈ એ જ વખતે લાલચોળ વિવાદોના માહોલની વચ્ચે લખ્યું હતું: ‘આ ફિલ્મ સેક્સ વિશેની છે જ નહીં. સેક્સ તો અહીં માત્ર એક માધ્યમ છે. અહીં હીરો ગિલ્ટથી, પોતાની જાત પ્રત્યેના ધિક્કારથી એટલી હદે છટપટાઈ રહ્યો છે કે એ સૌથી નાજુક અને અંગત ગણાય એવી સેક્સની ક્રિયા પણ ખુદને પીડા આપવા માટે કરે છે. લોકો કહ્યા કરે છે કે આ ફિલ્મમાં છોકરીને અબળા બતાવી છે, હીરો એના પર અત્યાચાર કરે છે વગેરે. હું એવું નથી માનતો. અહીં અત્યાચાર હીરો પોતાની જાત પર કરે છે. છોકરી તો માત્ર એક સાક્ષી છે. એણે હજુ જિંદગી જોઈ જ નથી. વેદના શું છે એની પણ એને પૂરી ખબર પણ નથી, પણ માર્લોન બ્રાન્ડો જાણે છે કે વેદના શું છે, બર્નાર્ડો બર્ટુચી જાણે છે કે વેદના શું છે અને તેથી જ તેઓ આવી માતબર ફિલ્મ બનાવી શક્યા છે.’
ફિલ્મના એક દશ્યમાં માર્લોન બ્રાન્ડો પોતાની પત્નીના મૃતદેહ પાસે વિલાપ કરતાં કરતાં પ્રલાપ કરે છે. એમાં પત્ની પ્રત્યેનો પ્રેમ અને ધિક્કાર બન્ને છલકાય છે. એક વાર જુઓ તો કદી ન ભુલી શકાય એવો અદભુત અભિનય બ્રાન્ડોએ આ સીનમાં કર્યો છે. વિશ્વસિનેમાના શ્રેષ્ઠ મોનોલોગ્સ (એકોક્તિઓ)માં આ દશ્ય સ્થાન પામે છે. આ ફિલ્મ માટે બ્રાન્ડો અને બર્ટુર્ડોને અનુક્રમે બેસ્ટ એક્ટર અને બેસ્ટ ડિરેક્ટરનાં ઓસ્કર નોમિનેશન જરુર મળ્યાં. સપાટી પરથી ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’ એક સેક્સપ્રચુર વિકૃત ફિલ્મ લાગી શકે, પણ ખરેખર તો એ ખાલીપાની, જખ્મી થઈ ગયેલા આત્માની, અપરાધભાવની અને એકલતાની વાત કરે છે. વિવાદો શમ્યા પછી આ ફિલ્મ ધીમે ધીમે વખણાવા લાગી ત્યારે લાગતું હતું ટોપ એક્ટર્સને ચમકાવતી પશ્ચિમની મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં હવે ગ્ર્ાાફિકલ સેક્સને પરિપક્વ કથાનકના ભાગ ‚પે પેશ કરવાનો ટ્રેન્ડ શ‚ થઈ જશે. એવું ભલે બન્યું નહીં, પણ ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’ એક ક્લાસિક ફિલ્મ તરીકે ઓલટાઈમ-ગ્રેટ ફિલ્મોની સૂચિમાં ફિલ્મ હંમેશાં હકથી સ્થાન પામતી રહી. ‘’
‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર : બનાર્ડો બર્ટુચી
કલાકાર : માર્લોન બ્રાન્ડો, મારિયા સ્નાઈડર
કથા : બર્નાર્ડો બર્ટુચી
દેશ : ઈટાલી, ફ્રાન્સ
રિલીઝ ડેટ : ૧૪ ઓક્ટોબર, ૧૯૭૨ (અમેરિકા)
અવોર્ડઝ : બેસ્ટ એક્ટર અને બેસ્ટ ડિરેક્ટરનાં ઓસ્કર
નોમિનેશન્સ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply