Sun-Temple-Baanner

One Flew Over The Cuckoos Nest – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


One Flew Over The Cuckoos Nest – Hollywood 100


વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ : દુનિયા પાગલ હૈ યા ફિર મૈં દીવાના

મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ – તા. ૩ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આ ફિલ્મમાં પાગલપણાની ધાર પર ફેંકાઈ ગયેલા માણસોની રોમાંચક કથા છે. જેક નિકોલસન શા માટે મહાન અભિનેતા ગણાય છે તે સમજવા માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે.

* * * * *

ફિલ્મ નંબર ૧૬. વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ

સમજણા થયા હોઈએ ત્યારથી અમુક ક્લાસિક ફિલ્મોનાં નામ સતત કાને પડતાં હોય છે અથવા વાંચવામાં આવતાં હોય છે. આખરે તે જોવાની તક મળે ત્યારે સમજાય કે શા માટે આ ફિલ્મ આટલી મહત્ત્વની ગણાય છે. ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ આવી જ એક ફિલ્મ છે.

ફિલ્મમાં શું છે?

એક પાગલખાનું છે. અહીં જાતજાતના પાગલોને રાખવામાં આવ્યા છે. તેમને સમયસર દવા આપવામાં આવે, એક્સરસાઈઝ કરાવવામાં આવે. નિયમો અને શિસ્તના નામે તેમના પર કેટલાય પાબંદીઓ લગાડવામાં આવી છે. એક દિવસ રેન્ડલ મેકમરફી (જેક નિકોલસન) નામના ‘દર્દી’ને અહીં લાવવામાં આવે છે. તે સાથે જ પાગલખાનાનો આખો માહોલ બદલાઈ જાય છે. મેકમરફી ભારાડી માણસ છે. ભૂતકાળમાં કેટલાય ગુના કરી ચુક્યો છે. એને જેલવાસની સજા કરવામાં આવી હતી, પણ આ સજા ભોગવવી ન પડે તે માટે એ પોતાની જાતને ચક્રમ જાહેર કરે છે. એની ગણતરી એવી છે કે ભલે ગાંડા ગણાઈએ પણ મેન્ટલ હોસ્પિટલમાં પ્રમાણમાં આરામદાયક જીંદગી તો જીવવા મળે. પાગલખાનાના સાહેબોએ નક્કી કરવાનું છે કે મેકમરફી ખરેખર કેટલો પાગલ છે.

રેચેડ (લુઈસ ફ્લેચર) નામની મહિલાનું મેન્ટલ હોસ્પિટલમાં સૌથી વધારે ઉપજે છે. એને તમે નર્સ, કાઉન્સેલર, હેડ મેટ્રન કે કંઈ પણ કહી શકો. વર્તાવ અને દેખાવે તો એ શરુઆતમાં સૌમ્ય લાગે છે, પણ ધીમે ધીમે એના અસલી રંગ બહાર આવતા જાય છે. દર્દીઓ પર એની ખૂબ ધાક છે. એવા કેટલાય દર્દીઓ એવા છે, જે પાગલપણામાંથી બહાર આવી ગયા હોવા છતાં સ્વેચ્છાએ અહીં હીણપતભર્યું જીવન જીવે છે. દેખીતું છે કે મેકમરફી જેવો ટપોરી નર્સ રેચેડને તાબે ન જ થાય. હવે શરુ થાય છે નર્સ રેચેડ અને મેકમરફી વચ્ચેની ચડસાચડસી. જેમ કે, એક વાર કાઉન્સેલિંગ સેશનમાં મેકમરફી માગણી કરે છે કે અમારું શેડ્યુલ બદલવામાં આવે કે જેથી અમે ટીવી પર બેઝબોલની વર્લ્ડ સિરીઝ જોઈ શકીએ. આ માગણી પૂરી થતી નથી તો એ ધરાર આઠ-દસ પાગલોને બહાર ભગાડીને કારનામા કરે છે.

પાગલખાનાના દર્દીઓ પ્રત્યે મેકમરફીને સાહજિક હમદર્દી છે. તેમની સાથેના એના સંબંધો ધીમે ધીમે ગાઢ બનતા જાય છે. તેમાંથી એક છે ચીફ બ્રોમડેન (વિલ સેમ્પસન) નામનો સાડા-છ ફૂટીયો અને બહેરો-મૂંગો આદમી. એનો પથરીલો ચહેરો કાયમ ભાવશૂન્ય રહે છે. મેકમરફી એને સરસ રીતે વોલીબોલ રમાડતો કરી દે છે. એક વાર પાગલખાનામાં ધમાલ થઈ જાય છે. તોફાનીઓને ઈલેક્ટ્રિક શૉક આપવા લઈ જવામાં આવે છે ત્યારે મેકમરફીને ખબર પડે છે કે ચીફ તો મારો બેટો શકે છે. મૂક-બધિર હોવાનું એ ખાલી નાટક કરી રહ્યો છે!

મેકમરફીનો ઉત્પાત વધતો જાય છે. નર્સ રેચેડ નક્કી કરે કે મેકમરફી ભલે સડતો રહે અહીં પાગલખાનામાં. સાલો એ જ લાગનો છે. એક પછી એક કેટલીય ઘટનાઓ બનતી જાય છે. મેકમરફી અને ચીફ અહીંથી છટકીને કેનેડા નાસી જવાનો પ્લાન કરે છે. આ પ્લાનિંગના ભાગરુપે મરફી નાઈટ-ડ્યુટી કરતા વોર્ડબોયને ફોડે છે અને પોતાની બે મહિલા-મિત્રોને શરાબની ખૂબ બધી બાટલીઓ લઈને મેન્ટલ હોસ્પિટલમાં બોલાવે છે. પાગલખાનામાં પાર્ટીનો માહોલ ઊભો થાય છે. બિલી (બ્રેડ ડોરિફ) નામના તોતડા અને યુવાન પાગલને એક યુવતી ગમી જાય છે. મેકમરફી બન્નેને એક ઓરડીમાં ધકેલે છે: જાઓ, ઍશ કરો તમતમારે. બન્ને ઍશ કરીને બહાર આવે તે પહેલાં દારુ ઢીંચેલા પાગલો, મેકમરફી, વોર્ડબોય સહિત સૌ ઊંધી જાય છે. નાસી જવાના પ્લાન પર દારુ ફરી વળે છે. સવારે નર્સ રેચેડ કમઠાણ જોઈને ચોંકી ઉઠે છે. દર્દીઓની ગણતરી કરવામાં આવે છે. બિલી ક્યાંય દેખાતો નથી. શોધખોળ કરતાં ખબર પડે છે કે એ તો નગ્નાવસ્થામાં કોઈ સ્ત્રી સાથે પથારીમાં પડ્યો છે. નર્સ રેચેડ એને ધધડાવી નાખે છે: શરમ નથી આવતી તને? તારી મા મારી જૂની બહેનપણી છે. કહી દઉં એને કે અહીં તું કેવા ધંધા કરે છે? બિલી ફફડી ઉઠે છે: ના ના, મારી માને કંઈ ન કહેતા, પ્લીઝ. રડતા-કકડતા બિલીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. બિલી ગ્લાસ ફોડી એના કાચથી કાંડાની નસ કાપી નાખે છે. એનો જીવ ઉડી જાય છે. મેકમરફીને ભયાનક ગુસ્સો આવે છે. તે રેચેડ પર હિંસક હુમલો કરી એનું ગળું દબાવી દે છે. જોકે છેલ્લી ઘડીએ રેચેડને બચાવી લેવામાં આવે છે.

ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. મેકમરફી ગાયબ છે. પાગલ દોસ્તોને કશી જ ખબર નથી કે એનું શું થયું. એક રાત્રે અચાનક બે વોર્ડબોય મેકમરફીને લાવીને એના પલંગ પર સૂવડાવી દે છે. ચીફનું ધ્યાન જતાં એ ઊભો થઈને મેકમરફી પાસે આવે છે. એ શું જુએ છે? મેકમરફીને ઈલેક્ટ્રિક શૉક આપી આપીને જીવતી લાશ જેવો બનાવી દેવામાં આવ્યો છે. ચીફનો જીવ કકડી ઉઠે છે. આ શું હાલત કરી નાખી છે મારા દોસ્તની? અમે તો અહીંથી મુક્ત થઈને કેનેડા જતા રહેવાનાં સપનાં જોયા હતા. ચીફ કશુંક વિચારી લે છે. અહીંથી કોઈપણ હાલતમાં મુક્ત થવાનું છે એ તો નક્કી છે. ચીફ હવે એક અકલ્પ્ય અને હેબતાવી દે એવું પગલું ભરે છે. ચીફ એક્ઝેક્ટલી શું કરે છે અને બન્ને દોસ્તારોને કેવી રીતે મુક્તિ મળે છે તે અમે નહીં કહીએ. એ તમારે ડીવીડી પર જોઈ લેવાનું.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ કેન કેસી નામના લેખકે ૨૬ વર્ષની ઉંમરે લખેલી નવલકથા પર આધારિત છે. ન્યુ અમેરિકન લાયબ્રેરીના બેસ્ટસેલર લિસ્ટમાં તે લાગલગાટ ૨૫૮ અઠવાડિયાં સુધી અડીખમ ટકી રહી હતી. જોકે અભિનેતા કર્ક ડગ્લસે (એક્ટર અને આ ફિલ્મના પ્રોડ્યુસર માઈકલ ડગ્લસના પપ્પા) નવલકથા છપાઈ તે પહેલાં જ વાંચી લીધી હતી અને તેના થિયેટ્રિકલ રાઈટ્સ પણ ખરીદી લીધા હતા. નવલકથા પરથી પહેલાં તો ૧૯૬૩માં નાટક બન્યું. ત્યાર બાદ ફિલ્મ તો છેક બાર વર્ષ પછી બની. મહેનતાણાના મામલામાં કેન કેસીને તીવ્ર અસંતોષ રહી ગયો હતો. ચેકોસ્લોવેકિયન ડિરેક્ટર મિલોસ ફોરમેનને આ ફિલ્મ થકી હોલીવૂડમાં પ્રવેશ કરવાની તક દેખાતી હતી.

મેકમરફીની મુખ્ય ભુમિકા અન્ય એકાદ એક્ટર સહિત માર્લોેન બ્રાન્ડોને પણ ઓફર થઈ હતી, પણ આખરે જેક નિકોલસન ફાયનલાઈઝ થયા. એ વખતે હોલીવૂડના તેઓ ઝપાટાભેર ઊપસી રહેલા તેજસ્વી સિતારા હતા. નર્સ રેચેડનું ‘પોલિટિકલી ઈનકરેક્ટ’ કિરદાર આગળ પડતી પાંચ અભિનેત્રીઓએ નકારી કાઢ્યું હતું. શેલી ડુવોલને છેલ્લી ઘડી સુધી સ્ટેન્ડ-બાય તરીકે રાખવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું ત્યાર બાદ તેને લીલી ઝંડી દેખાડવામાં આવી હતી. સૌથી કઠિન કાસ્ટિંગ ચીફનું હતું. સારી અભિનય કરી શકતો હોય એવો મહાકાય એેક્ટર ક્યાંથી શોધવો? લગભગ ચમત્કારિક રીતે ડિરેક્ટરને વિલ સેમ્પસન મળી ગયા, જે ખરેખર તો ટ્રક ડ્રાઈવર અને હોર્સ-ટ્રેડર હતા. આ ફિલ્મની જબરદસ્ત વાત એ છે કે માત્ર મુખ્ય પાત્રો જ નહીં, પણ નાનાંમોટાં તમામ પાત્રો માટે અફલાતૂન કાસ્ટિંગ થયું છે. ડિરેક્ટર એક વાતે બહુ સ્પષ્ટ હતા કે તમામ પાગલોના દેખાવ એકબીજા કરતાં સાવ જુદાં તેમજ જોતાં જ યાદ રહી જાય તેવાં હોવાં જોઈએ. એવું જ થયું. અમેરિકાભરમાંથી સેંકડો એક્ટરોના ઓડિશન લેવામાં આવેલાં. બિલીના પાત્રમાં દેખાતા બ્રેડ ડોરિફ સહિતના કેટલાય અેક્ટરો રંગભૂમિના કલાકારો છે. ફિલ્મને અધિકૃત લૂક મળે તે માટે ઓરેગોનની એક સાચુકલી મેન્ટલ હોસ્પિટલમાં શૂટિંગ કરવામાં આવ્યું. બેકગ્રાઉન્ડમાં દેખાતાં કેટલાંક પાગલો એક્ટરો નથી બદલે ખરેખરા દર્દી છે. તબક્કાથી જ દરમિયાન કલાકારો સેટ પર જ પડ્યા-પાથર્યા રહેતા અને અસલી દર્દીઓનો વર્તન-વ્યવહારનો ઝીણવટભેર અભ્યાસ કરતા. એક મજાની આડવાત. આપણા ફેવરિટ મધુ રાયે આ ફિલ્મ પરથી ગુજરાતી નાટક લખ્યું હતું, જેનું નામ હતું ‘ચાન્નસ’. કેતન મહેતાએ તે ડિરેક્ટ કરેલું. રંગભૂમિના કેટલાય ધુરંધર એક્ટરોએ તેમાં કામ કરેલું. જેક નિકોલસનવાળો રોલ પરેશ રાવલે ભજવેલો.

દુનિયાભરના ઓડિયન્સે ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ને જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો. ઓસ્કરની નવ-નવ કેટેગરીમાં તે નોમિનેટ થઈ. જેક નિકોલસનને અગાઉ ચાર વાર નોમિનેશન્સ મળી ચુક્યાં હતા, પણ જીત્યા ક્યારેય નહોતા. ઓસ્કર સમારોહમાં આવવાની આ વખતે એમની જરાય ઈચ્છા નહોતી. અવોર્ડ ફંક્શન શરુ થયું. શરુઆતની એક પછી એક કેટેગરીમાં ફિલ્મ હારતી ગઈ. પણ પછી જોરદાર સપાટો બોલ્યો. તમામ મહત્ત્વના અવોર્ડઝ આ ફિલ્મ તાણી ગઈ. ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પછી ચાલીસ વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું કે કોઈ એક ફિલ્મે પાંચેપાંચ મેજર ઓસ્કર (બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે, પિક્ચર) જીતી લીધાં હોય. ક્લાસિક ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મ મસ્ટ-વોચ છે. શરુઆતથી અંત સુધી સતત જકડી રાખતી આ ફિલ્મ પૂરી થઈ ગયા પછીય ક્યાંય સુધી તમારા મનમાં ઘુમરાયા કરશે. એમાંય પાગલપણાની ધાર પર પહોંચી ગયેલા આદમીનાં પાત્રમાં જેક નિકોલસનની અદભુત એક્ટિંગ જોઈને તમે, વેલ, પાગલ થઈ જશો.

* * * * *

‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર : મિલોસ ફોરમેન
મૂળ નવલકથાકાર : કેન કેસી
સ્ક્રીનપ્લે : લોરેન્સ હોબેન, બો ગોલ્ડમેન
કલાકાર : જેક નિકોલસન, લૂઈસ ફ્લેચર, વિલ સેમ્પસન
રિલીઝ ડેટ : ૧૯ નવેમ્બર, ૧૯૭૫

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે અને પિક્ચરના ઓસ્કર અવોર્ડઝ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.