હોલીવૂડ હંડ્રેડ: ‘ધ ટ્રી ઓફ લાઈફ’: જિંદગી… કેસી હૈ પહેલી હાય
મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) – હોલીવૂડ હંડ્રેડ – તા. ૧ મે ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
મંત્રમુગ્ધ કરી નાખે તેવાં વિઝ્યુઅલ્સ ધરાતવી આ ફિલ્મ બે વાત કરે છે. એક તો, બ્રહ્માંડના તમામ તત્ત્વો – એકકોષી અમીબાથી લઈને લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા તારાઓ સુધીનું બધું જ – એકમેક સાથે કોઈને કોઈ રીતે સંબંધ ધરાવે છે. બીજું, આવડા મોટા બ્રહ્માંડમાં આપણા વ્યક્તિગત દુખનું કશું મૂલ્ય નથી. સો, ચિયર્સ!
* * * * *
ફિલ્મ નં. ૨૦. ‘ધ ટ્રી ઓફ લાઈફ’
ગયા અઠવાડિયે આપણે ‘સેટરડે નાઈટ ફીવર’ નામની એક મસ્તીભરી ઢિન્ચાક ફિલ્મ માણી. આજે એક ‘અઘરી અઘરી આર્ટ ફિલ્મ’ વિશે વાત કરીએ. ‘ધ ટ્રી ઓફ લાઈફ’ જેટલી અઘરી છે એટલી અદભુત પણ છે. ખાસ કરીને એનાં વિઝ્યુઅલ્સ. આપણે ખુદને સિનેમાના પ્રેમી કહેડાવતા હોઈએ ત્યારે આર્ટ ફિલ્મોથી ડરીને દૂર નાસી છૂટીએ તે ન ચાલે. સત્ત્વશીલ આર્ટ ફિલ્મોનો ટેસ્ટ કેળવવો જ જોઈએ. ‘ધ ટ્રી ઓફ લાઈફ’થી આમેય દૂર નાસવાની જરુર નથી, કારણ કે એમાં મેઈનસ્ટ્રીમ હોલીવૂડની દિલની ધડકન કહેવાતો બ્રેડ પિટ પણ છે. તે આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે.
ફિલ્મમાં શું છે?
જેક ઓ’બ્રિએન (શૉન પેન) એક આર્કિટેક્ટ છે. સફળ પણ મૂંઝાયેલો, એકલો. મૂળ એ ટેક્સાસનો. એક શાંત મજાના ટાઉનમાં રહેતાં મિસ્ટર એન્ડ મિસિસ ઓ’ બ્રિએન (બે્રડ પિટ, જેસિકા ચેસ્ટેઈન)નો એ સૌથી મોટો દીકરો. પછી બે નાના ભાઈઓ અવતર્યા. ફ્લેશબેકમાં આપણે જોઈએ છીએ કે મમ્મીની પ્રકૃતિ બહુ જ શાંત અને પ્રેમાળ. પપ્પા વહાલ ખૂબ કરે, પણ સ્વભાવે આકરા. શિસ્તમાં ખૂબ માને. એમનાં ફ્રેસ્ટ્રેશનનું એક કારણ એ હતું કે તેમને થવું હતું સંગીતકાર, પણ બની ગયા એન્જિનીયર. મમ્મીએ દીકરાઓને શાલીનતા શીખવી, જ્યારે પપ્પાએ તેમને દુનિયાદારીના પાઠ શીખવ્યા.
ટીનેજર બની ગયેલા જેકને સમજાતું નથી કે શાલીનતા અને દુનિયાદારી બન્ને એકસાથે કેવી જાળવી શકાય. બે ઘટનાઓ એવી બને છે, જેના લીધે જેક અંદરથી આખેઆખો હલી જાય છે. એનો એક દોસ્તાર તળાવમાં ડૂબી ગયો, જ્યારે બીજો પોતાના ઘરમાં ફાટી નીકળેલી આગમાં જીવતો ભૂંજાઈ ગયો. જેક વિદ્રોહી બનતો જાય છે. એક દિવસ તે પપ્પા સામે ભડકી ઉઠે છે: તમે દંભી છો, તમે બોલો છો એક વસ્તુ અને કરો છો કંઈક જુદું જ. જેક મા પર પણ ગુસ્સે થાય છે: તું કેમ બધું પપ્પાનું ધાર્યું થવા દે છે? એક વાર પપ્પા બહારગામ ગયા હતા ત્યારે જેક તોફાની દોસ્તારો સાથે પોતાના એરિયામાં ભાંગફોડ કરે છે, જંગલમાં જઈ નાનાં જનાવરનો શિકાર કરે છે, પાડોશના ઘરમાંથી ચોરી સુધ્ધાં કરે છે. એને ખુદને સમજાતું નથી કે પોતે આવું શું કામ કરે છે. ધીમે ધીમે જુવાન બની રહેલું શરીર પણ સમસ્યાઓ વધારી રહ્યું છે. દરમિયાન પપ્પાની નોકરી જતી રહે છે. જીવન ચાલતું રહે છે. વર્ષો વીતે છે. એક દિવસ મિસ્ટર એન્ડ મિસિસ ઓ’ બ્રિએનને ટેલિગ્રામ મળે છે: તમારો ઓગણીસ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે. આ દીકરો એટલે જેકનો નાનો ભાઈ. પતિ-પત્ની તૂટી જાય છે. અત્યંત કઠિન છે જુવાનજોધ દીકરાના અણધાર્યા મોતને પચાવવું.
ફિલ્મનું ફોર્મેટ નોન-લિનીઅર હોવાથી વાર્તાનો પ્રવાહ સીધી લીટીમાં વહેતો નથી. ઉપર વર્ણવેલી ઘટનાઓ ફિલ્મમાં આડાઅવળા ક્રમમાં રજૂ થઈ છે. જેમ કે, મિસ્ટર એન્ડ મિસિસ ઓ’ બ્રિએનના યુવાન પુત્રના મૃત્યુવાળી સિકવન્સ શરુઆતમાં આવી જાય છે. સવાલ એ છે કે આવડા મોટા બ્રહ્માંડની તુલનામાં પૃથ્વી નામના કોઈ એક ટચૂકડા ગ્રહ પર એકાદ માણસ મરે કે જીવે તેનાથી શો ફર્ક પડે છે? પૃથ્વી પર મનુષ્ય જન્મ્યો એના અબજો વર્ષ પહેલાં આ બ્રહ્માંડે આકાર લીધો હતો. ફિલ્મમાં પ્રાગૈતિહાસિક કાળની એક લાંબી સિકવન્સ છે, જેમાં તાજી તાજી જન્મેલી પૃથ્વી, તેના પર ભભૂકતા રહેતા જ્વાળામુખીઓ, એકકોષી અમીબાથી થયેલો જીવસૃષ્ટિનો પ્રારંભ, ધરતીના પટ પર રખડતાં ડાયનોસોર, પૃથ્વી પર ઝીંકાયેલા વિરાટ અવકાશી પદાર્થને લીધે ડાયનોસોરનો બોલી ગયેલો ખાત્મો વગેરે વોઈસ-ઓવરની કોમેન્ટરીની સાથે દેખાડાય છે. પૃથ્વી પર માણસ તો બહુ પાછળથી આવ્યો. આ સિકવન્સ પૂરી થાય પછી જેકના બાળપણની વાત શરુ થાય. ફિલ્મના અંતમાં સ્વપ્ન જેવી સિકવન્સ આવે છે. એમાં જેક પોતાના સ્વજનોને જુએ છે. મૃત્યુ પામેલો નાનો ભાઈ પણ દેખાય છે. એ જાણે ભાઈને લઈને પોતાનાં મા-બાપ પાસે આવે છે. દીકારને જોઈને મા-બાપ રાજી રાજી થઈ જાય છે. જેકની સાથે એક સ્ત્રી છે. મા એને કહે છે: મારો દીકરો જેક હું તને આપું છું. બધા ખુશ છે. કોઈ ફરિયાદ નથી, કોઈ વેદના નથી. વિરાટ બ્રહ્માંડ અને અંતહીન સમયના સંદર્ભમાં સ્વજના મૃત્યુનું દુખ જાણે સાવ હળવું બની જાય છે. ફિલ્મનો પ્રારંભ ઘોર અંધકારમાં ઝહળહતી પ્રકાશમય જ્યોતથી થઈ હતી. ફિલ્મનો અંત પણ આ ઈમેજ પર થાય છે.
કથા પહેલાંની અને પછીની
ફિલ્મના ડિરેક્ટર ટેરેન્સ મલિકે ચાલીસ વર્ષની કરીઅરમાં માત્ર છ જ ફિલ્મો બનાવી છે, પણ તેમનું કામ એટલું દમદાર છે કે વર્તમાન સમયમાં સક્રિય હોય તેવા મહાનતમ ફિલ્મમેકર્સની સૂચિમાં તેઓ સતત સ્થાન પામતા રહે છે. ‘ધ ટ્રી ઓફ લાઈફ’માં તેમણે ફિલોસોફિકલ અંદાજમાં પ્રેમ, પીડા, જીવન, મૃત્યુ અને અસ્તિત્ત્વનો એકબીજા સાથેના સંબંધને પેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું દર્શકની અંદર ધીરે ધીરે ઊઘડે છે. દર્શકની સામે સૌથી પહેલાં મજબૂત રીતે કંઈ ઊભરીને આવતું હોય તો તે છે ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ. એના માટે ‘અદભુત’ કરતાં ઓછો બીજો કોઈ શબ્દ વાપરી શકાય તેમ નથી.
વિઝ્યુઅલ ઈફેક્ટ્સનું ડિપાર્ટમેન્ટ સંભાળનાર ડગ્લાસ ટ્રમબુલ ડિરેક્ટર ટેરેન્સ મલિકના જૂના દોસ્ત થાય. ડગ્લાસે ત્રીસ વર્ષ પહેલાં હોલીવૂડને અલવિદા કહી દીધી હતી, પણ ટેરેન્સ એમને આ ફિલ્મ માટે પાછા ખેંચી લાવ્યા. ટેરેન્સની બ્રીફ બહુ સાદી હતી: આજકાલ હોલીવૂડની ફિલ્મોમાં જે પ્રકારની કમ્પ્યુટર-જનરેટેડ સ્પેશિયલ ઈફેક્ટ્સની ભરમાર જોવા મળે છે એમાંનું કશું જ ‘ધ ટ્રી ઓફ લાઈફ’માં ન હોવું જોઈએ. સવાલ એ ઊભો થયો કે તો પછી બ્રહ્માંડના સર્જન જેવી કેટલીય ઘટનાઓ પડદા પર કેવી રીતે દર્શાવવી. ડગ્લાસ ટ્રમબુલનું ભેજું ઓવરટાઈમ કરવા લાગ્યું. ધાર્યા વિઝ્યુઅલ્સ ક્રિયેટ કરવા માટે તેમણે પેઈન્ટ્સ, કેમિકલ્સ, ડાઈ, ધુમાડો, પાણી, આગની જ્વાળા, જાતજાતની લાઈટિંગ અને હાઈસ્પીડ ફોટોગ્રાફી વડે જાતજાતના અખતરા કર્યા. ટેરેન્સે એમને છુટ્ટો દોર આપી દીધો હતો. અમુક વસ્તુ અમુક રીતે જ દેખાવી જોઈએ એવો તેમનો કોઈ આગ્રહ નહોતો. બ્રહ્માંડના સર્જનવાળાં સીન્સને ફિલ્માવવા માટે ડગ્લાસે સાવ સાંકડા પાત્રમાં ગળણી વડે દૂધ રેડ્યું. ચીવટપૂર્વક લાઈટિંગ કરીને આ આખી ક્રિયાને સ્લો મોશન દેખાડતા હાઈસ્પીડ કેમેરા તેમજ ફોલ્ડેડ લેન્સ વડે શૂટ કરી લીધી. આ રીતે જે ફૂટેજ મળ્યું તે ખરેખર કોસ્મિક અને ભવ્ય દેખાતું હતું.
ફિલ્મમાં આવાં તો કેટલાંય દશ્યો છે. થિયેટરની વિશાળ સ્ક્રીન પર તે એટલાં બધાં રુપાળાં દેખાય છે કે, એક રિવ્યઅરે કહ્યું છે તેમ, તેની એકેએક ફ્રેમને પોઝ કરીને દીવાલ પર કલાકૃતિની જેમ ટાંગી શકાય. ‘પડદા પરની કવિતા’ એવો એક ચવાઈ ગયેલો શબ્દપ્રયોગ છે. તે દષ્ટિએ તો ‘ધ ટ્રી ઓફ લાઈફ’ને આખેઆખો કાવ્યસંગ્રહ કહેવો પડે. યાદ રહે, આ ફિલ્મમાં માત્ર હાઈક્લાસ દ્શ્યોની રેલમછેલ નથી. એ તો ફક્ત બાહ્ય માળખું થયું. સંવેદનશીલ અને રિસેપ્ટિવ દર્શકને આ બાહ્ય ટાપટીપ નીચેનું ફિલોસોફિકલ ડહાપણ સ્પર્શી ગયા વગર રહેતું નથી. બ્રહ્માંડના તમામ તત્ત્વો – એકકોષી અમીબાથી લઈને લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા તારાઓ સુધીનું બધું જ – એકબીજા સાથે સંકળાયેલાં છે, સૌ એકમેક સાથે કોઈને કોઈ રીતે સંબંધ ધરાવે છે તે વાત ટેરેન્સ મલિક આ ફિલ્મમાં કુશળતાપૂર્વક કહી શક્યા છે.
‘ધ ટ્રી ઓફ લાઈફ’ અઘરી આર્ટ ફિલ્મ ભલે રહી, પણ તે જોજો. રિવાઈન્ડ કરી કરીને જોજો. ધીરજ રાખીએ તો આ પ્રકારની ફિલ્મોનો ટેસ્ટ ધીમે ધીમે કેળવાતો જાય છે. આવતે અઠવાડિયે આપણે ઓર એક યાદગાર આર્ટ ફિલ્મ વિશે વાત કરવાના છીએ. નામ નોંધી લો: ફેડરિકો ફેલિનીની ઈટાલિયન ફિલ્મ ‘એઈટ એન્ડ હાફ’.
‘ધ ટ્રી ઓફ લાઈફ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર-રાઈટર : ટેરેન્સ મલિક
વિઝ્યઅલ ઈફેક્ટ્સ : ડગ્લાસ ટ્રમબુલ
કલાકાર : બ્રેડ પિટ, શૉન પેન, જેસિકા ચેસ્ટેઈન
રિલીઝ ડેટ : ૧૬ મે, ૨૦૧૧
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફી માટેનાં ઓસ્કર નોમિનેશન્સ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply