હોલીવૂડ હંડ્રેડ: સેટરડે નાઈટ ફીવર : ચાંદ પર સે આયા હૂં મૈં ડાન્સ કરને…
Mumbai Samachar – 24 April 2013
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
દુનિયાભરમાં ડિસ્કો કલ્ચરને સૌથી વધુ પોપ્યુલર કરનારી કોઈ ફિલ્મ હોય તો તે આ. મજાની વાત એ છે કે તે કેવળ એક ડાન્સ ફિલ્મ બનીને અટકી નથી ગઈ. એમાં સિત્તેરના દાયકાની યુવાન અમેરિકન પેઢીની છૂટછાટવાળી જીવનશૈલી, ફ્રસ્ટ્રેશન અને દિશાહીનતાની ઝલક પણ મળે છે.
* * * * *
ફિલ્મ નંબર ૧૯. સેટરડે નાઈટ ફીવર
ફિલ્મમાં શું છે?
ટોની મનેરો (જોન ટ્રવોલ્ટા) નામનો ઓગણીસ વર્ષનો એક ઈટાલિયન-અમેરિકન જુવાનિયો છે. ન્યુયોર્કમાં મા-બાપ અને નાની બહેન સાથે રહે છે. મોટો ભાઈએ પાદરી બનવા સંસારત્યાગ ર્ક્યો છે. ટોની કોલેજ-બોલેજનાં પગથિયાં ક્યારેય ચડ્યો નથી. હાર્ડવેરની દુકાનમાં મામૂલી નોકરી કરીને થોડુંઘણું કમાઈ લે છે. ઘરમાં એનું ખાસ કંઈ માન નથી. રાતે રખડીને ઘરમાં પગ મૂકે ત્યારે મા-બાપ એને ખખડાવવા માટે તૈયાર બેઠાં જ હોય. ટોનીને જોકે રોજની કટ-કટથી ટેવાઈ ગયો છે. એ શોખીન જીવડો છે. શનિવાર આવે એટલે એયને નવી ફેશનનાં કપડાં પહેરીને બ્રૂકલિન વિસ્તારમાં આવેલી ‘૨૦૦૧ ઓડિસી’ નામની ડિસ્કોક્લબમાં સ્ટાઈલ મારતો પહોંચી જાય. એ ફાંકડો ડાન્સ કરી જાણે છે. એ નાચે એટલે બીજાઓની નજર એના પરથી હટે નહીં. ઘરમાં ભલે ભાવ પૂછાતો ન હોય, પણ આ નાઈટક્લબમાં એને ભારે માનપાન મળે છે. એના ચાર દોસ્તારો છે, જે વાતવાતમાં મા-બેનની ગાળો બોલે છે, રસ્તા પર પાર્ક કરેલી કારની પાછલી સીટ પર છોકરીને લઈ જઈને નિર્લજ્જ થઈને અવિચારીપણે સેક્સ કરી નાખે છે, સ્ત્રીઓનો આદર કરવામાં સમજતા નથી, કોઈ ઊંચા ધ્યેય નથી, જીવનમાં આગળ શું કરવું છે તેની કોઈ સ્પષ્ટતા નથી. ટોની પણ વત્તેઓછે અંશે એમના જેવો જ છે. આ ટોળકીમાં એનેટ (ડોના પેસ્કો) નામની છોકરી પણ સામેલ છે. તેને ટોની પસંદ છે. ડોના ઈચ્છે છે કે તેમની વચ્ચે માત્ર કામચલાઉ કે શારીરિક નહીં, પણ કાયમી સંબંધ વિકસે.
નાઈટક્લબમાં એક ડાન્સ કોમ્પિટીશન થવાની છે. ડોનાનો પાર્ટનર બનવા પહેલાં તો ટોની હા પાડી દે છે, પણ પછી એનું મન ઢચુપચુ થવા લાગે છે. એનું કારણ છે સ્ટેફની (કરેન લિન ગોર્ની) નામની એક છોકરી, જે આજકાલ ક્લબમાં અવારનવાર દેખાય છે અને જેને નાચતા પણ સારું આવડે છે. સ્ટેફની જરા સોફિસ્ટીકેટેડ છોકરી છે, સારા એરિયામાં રહે છે, સરસ જોબ કરે છે, સારું કમાય છે. એ પહેલાં તો ટોનીને ડાન્સ પાર્ટનર બનવાની ચોખ્ખી ના પાડી દે છે, પણ પછી માની જાય છે. દરમિયાન પાદરી બનવા ગયેલો ટોનીનો મોટો ભાઈ ફ્રેન્ક ઘોયેલા મૂળાની જેમ ઘરે પાછો આવી જાય છે. દુખી દુખી થઈ ગયેલા મા-બાપનું માથું શરમથી ઝૂકી જાય છે. અરરર… લોકોને હવે શું મોઢું બતાવીશું. બન્ને ભાઈઓ વચ્ચે હૂંફાળો સંબંધ છે. ફ્રેન્ક પાછો સંસારમાં આવી ગયો તેનાથી ટોની અંદરખઆને આનંદિત થાય છે કે ચાલો, ઘરમાં હું એકલો જ નાલાયક નથી, મોટો પણ મારા જેવો જ નીકળ્યો! બીજાઓની જેમ મોટો ભાઈ પણે ટોનીને સલાહ આપે છે કે તારો જીવ ડાન્સમાં છે તો તું ડાન્સના ફિલ્ડમાં જ કરીઅર બનાવ.
ટોનીના ફ્રેન્ડ બોબીએ કાંડ કર્યો છે. તેણે એક છોકરીને પ્રેગ્નન્ટ કરી નાખી છે. બાળક પડાવી શકાય એવું પણ નથી. એનાં અને છોકરીનાં મા-બાપ સાથે મળીને બળજબરી કરી રહ્યાં છે કે તું સોરી કહીને છૂટી જાય તે ન ચાલે, તારે છોકરી સાથે કાયદેસર લગ્ન કરવા પડશે. બોબી જબરો ફસાયો છે. આ કંઈ ઉંમર છે લગ્ન કરવાની? ટોની બોબીને ઉપરછલ્લું આશ્વાસન આપવા સિવાય બીજું કરી શકતો નથી.
પેલી ડાન્સ કોમ્પિટીશન આખરે યોજાય છે. સ્ટેફની કરતાંય ચડિયાતા ડાન્સર્સ હોવા છતાં આ બન્નેને ફર્સ્ટ પ્રાઈઝ ફક્ત એટલા ખાતર મળે છે કે તેઓ અમેરિકન છે. ટોની ડાન્સનો પારખુ માણસ છે. એ પોતાના કરતા બહેતર ડાન્સ કરનાર જોડીને ઈનામ આપીને નારાજ થતો બહાર નીકળી જાય છે. એનો ગુસ્સો હજુ ઉતર્યો નથી. રોષમાં ને રોષમાં તે સ્ટેફની પર બળજબરી કરવાની કોશિશ કરે છે. સ્ટેફની નાસી જાય છે. દરમિયાન ટોનીના દોસ્તો અને ડોના કાર પાસે આવે છે. ડોનાને બરાબરનો દારુ ચડી ગયો છે. એક દોસ્તાર ઘોષણા કરે છે કે ચાલો ચાલો, આજે તો ડોના સૌની સાથે વારાફરતી સેક્સ કરવાની છે. ટોની ડોનાને એક બાજુ લઈ જઈને સમજાવવાની કોશિશ કરે છે, પણ એનું સાંભળે કોણ. ડોના જાણે છે કે ટોની એના હાથમાંથી જતો રહ્યો છે. એ ટોનીને જલાવવા માગે છે. એ સાચેસાચ ચાર છોકરાઓ સાથે કારમાં નીકળી પડે છે. સૌથી પહેલાં એક છોકરો પાછલી સીટ પર એની સાથે સેક્સ માણે છે. પછી બીજાનો વારો આવે છે. દરમિયાન ડોનાનો નશો ઉતરી જાય છે. તે આનાકાની કરે છે, પણ હવે ના પાડવાનો કોઈ મતલબ નથી. તે રહે છે, પણ બીજો છોકરો પોતાની હવસ સંતોષીને જ માને છે. કાર આખરે એક બ્રિજ પર ઊભી રહે છે. અહીં છાકટા થયેલા છોકરાઓ બ્રિજની પાળી પર ચડીને છાતી બેસી જાય એવા જોખમી સ્ટંટ્સ કરે છે. એમાં પેલો બોબી છે. એ ટોનીને ટોણો મારે છે કે હું ફસાઈ ગયો હતો, પણ તેં મને મદદ ન કરી. ટોની એને બહુ સમજાવે છે કે મહેરબાની કરીને તું પાળી પરથી નીચે ઉતરી જા, પણ બોબી કોઈનું સાંભળ્યા વિના બસ્સો ફૂટની ઊંચાઈથી કૂદકો મારી આત્મહત્યા કરી લે છે. સૌ આઘાતથી મૂઢ થઈ જાય છે.
ટોનીના જીવન વિશેના બધા ભ્રમ હવે ભાંગી ચૂક્યા છે. તીવ્ર એકલતા અનુભવતો એ આખી રાત લોકલ ટ્રેનોમાં નિરુદ્દેશ રખડતો રહે છે. બીજા દિવસે સવારે એ સીધો પોશ ગણતા મેનહટન વિસ્તારમાં રહેતી સ્ટેફનીના ઘરે પહોંચી જાય છે. દિલથી એની માફી માગે છે. કહે છે કે બસ, બહુ થઈ ગઈ આવારાગર્દી. મારે હવે નવું જીવન શરુ કરવું છે, મને તારા સહારાની જરુર છે. સ્ટેફની માની જાય છે. સાથે સાથે ઉમેરે છે કે આપણે વચ્ચે સાદી દોસ્તીનો સંબંધ રહેશે, એનાથી વધારે બીજું કશું નહીં. ટોની માટે આટલું પણ ઘણું છે. બન્ને શેકહેન્ડ કરે છે અને આ આશાભર્યા વણાંક પર ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
નિક કોહન નામના પત્રકારે ‘ન્યુ યોર્ક’ મેગેઝિનમાં ‘ટ્રાઈબલ રાઈટ્સ ઓફ ધ ન્યુ સેટરડે નાઈટ’ નામનો લેખ લખ્યો હતો. આ લેખ ફિલ્મની પટકથાનો આધાર બન્યો.આ કંઈ સીધીસાદી ડાન્સ ફિલ્મ નથી. તેમાં ૩૬ વર્ષ પહેલાંના અમેરિકાના જુવાનિયાઓના ફ્રસ્ટ્રેશન, દિશાહીનતા અને લાઈફસ્ટાઈલની નક્કર ઝલક મળે છે. ફિલ્મનાં પાત્રો કાર્ડબોર્ડ કટ-આઉટ જેવાં લાગવાને બદલે સાચુકલાં લાગે છે. અગ્રેજીમાં જેને ‘કમિંગ ઓફ એજ’ કહે છે તે પ્રકારની આ ફિલ્મ છે. આજે ડીવીડી પર જોતી વખતે ફિલ્મના ડાન્સ ભલે સામાન્ય લાગે, પણ તે વખતે ડિસ્કો કલ્ચર નવું હતું. દુનિયાભરમાં ડિસ્કોનેે લોકપ્રિય કરવામાં આ ફિલ્મનો સિંહફાળો છે. ફિલ્મનાં ગીતો બી જીઝ (Bee Gees) નામનાં મ્યુઝિકલ બેન્ડનાં છે. ‘સ્ટેઈંગ અલાઈવ’ જેવાં કેટલાંક ગીતો આજે પણ ઝુમાવી દે તેવાં છે. ‘સેટરડે નાઈટ ફીવર’નાં ગીતો એટલા બધા હિટ થયાં કે ઈતિહાસનું તે સૌથી વધારે વેચાયેલું આલબમ બન્યું. છેક છ વર્ષ પછી માઈકલ જેક્સનના ‘થ્રિલર’ આલબમે એનો રેકોર્ડ તોડ્યો.
સાવ ઓછા બજેટમાં બનેલી ‘સેટરડે નાઈટ ફીવર’ આવી તે પહેલાં હીરો જોન ટ્રવોલ્ટા એક-બે હિટ ટીવી સિરિયલોને કારણે અમેરિકામાં ઓલરેડી જાણીતા થઈ ચૂક્યા હતા, પણ આ ફિલ્મે તેમને ડાન્સિંગ સ્ટાર તરીકે આતંરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. જોન ટ્રવોલ્ટા એટલા ચાર્મિંગ માણસ છે કે જરાય ન ગમે એવા અણધડ યુવાનનાં પાત્રને પણ એમણે ગમતીલું બનાવી દીધું.
‘સેટરડે નાઈટ ફીવર’માં એટલી બધી ગાળાગાળી છે કે ફિલ્મને સેન્સરનું એડલ્ટ સર્ટિફિકેટ જ મળશે અને ટીવી પર ક્યારેય ટેલિકાસ્ટ નહીં થઈ શકે તે નિશ્ચિત હતું. તેથી શૂટિંગ દરમિયાન બે વર્ઝન શૂટ કરવામાં આવતાં – એક ડર્ટી વર્ડઝ સહિતનું મૂળ વર્ઝન અને બીજું, ગાળો ગાળી લીધા પછીનું વેજીટેરિઅન વર્ઝન. જોેકે વિવેચકો સહિત સૌએ એક વાત સ્વીકારી કે જે એનર્જી ઓરિજિનલ વર્ઝનમાં ફીલ થાય છે તે ગાળો વગરની આવૃત્તિમાં નથી જ થતી! ‘સેટરડે નાઈટ ફીવર’ હોલીવૂડની પહેલી ફિલ્મ છે જેમાં મુખમૈથુન માટે વપરાતો ‘બ્લો-જોબ’ શબ્દ સ્ક્રીન પર બોલાયો હતો. જોન ટ્રવોલ્ટા આ ડાયલોગ બોલતા ત્યારે ઓડિટોરિયમમાં રીતસર સન્નાટો છવાઈ જતો. ચાલતી કારની પાછલી સીટમાં છોકરી પર લગભગ ગેંગ-રેપ થઈ જાય છે તે દશ્ય ફિલ્માવતી વખતે ખુદ ડિરેક્ટર જોન બેડહેમને લાગતું હતું કે આ જરાક વધારે પડતું થઈ રહ્યું છે. જોકે સ્ક્રીનપ્લે રાઈટર રોબર્ટ વેક્સલર પોતાના કન્વિક્શન પર મુસ્તાક હતા. ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જોન બેડહેમને બીજી એક ફિલ્મ ઓલરેડી ઓફર થઈ ચૂકી હતી. બીજી ફિલ્મના પ્રોડ્યુસર ‘સેટરડે નાઈટ ફીવર’ જોઈને એવો હેબતાઈ ગયો કે એણે પોતાની ઓફર પાછી ખેંચી લીધી. ખેર, આ ફિલ્મની સુપર સફળતાએ તરંગો જન્માવ્યા. તેનું સંગીત, અભિનય, અમેરિકન યંગસ્ટર્સનું વાસ્તવિક ચિત્રણ આ બધું ખૂબ વખણાયું. કેટલાંય ઈન્ટરનેશનલ અવોર્ડઝ માટે તે નોમિનેટ થઈ.
ડીવીડી પર ફિલ્મ જોઈ લીધા પછી ડિરેક્ટરની રમૂજી કમેન્ટરીવાળું સ્પેશિયલ ફીચર ખાસ જોજો. મૂળ ફિલ્મ જેટલી જ મજા તેમાં પણ આવશે.
‘સેટરડે નાઈટ ફીવર’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર : જોન બેડહેમ
મૂળ લેખક : નિક કોહન
સ્ક્રીનપ્લે : રોબર્ટ વેક્સલર
કલાકાર : જોન ટ્રવોલ્ટા, ડોના પેસ્કો, કરેન લિન ગોમી
ગીતો : બી જીઝ
દેશ : અમેરિકા
રિલીઝ ડેટ : ૧૪ ડિસેમ્બર ૧૯૭૭
મહત્ત્વના અવોર્ડઝ: જોન ટ્રવોલ્ટાને બેસ્ટ એક્ટર માટેનું ઓસ્કર નોમિનેશન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply