Sun-Temple-Baanner

The Seven Year Itch – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


The Seven Year Itch – Hollywood 100


ઊઈ અમ્મા ઊઈ અમ્મા… તૂ હૈ મેરી ફેન્ટસી!

Mumbai Samachar – Matinee supplement – 7 June 2013

મેરિલીન મનરોમાં એવું તે શું દાટ્યું હતું? જો આ સવાલ તમારા મનમાં ખદબદ્યા કરતો હોય તો એનો જવાબ મેળવવા આ ફિલ્મ જોઈ લેવી.

Column: હોલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

* * * * *

ફિલ્મ ૨૫ : ધ સેવન યર ઈચ

પચ્ચીસ અઠવાડિયાથી લાગલગાટ ચાલી રહેલી ‘હોલીવૂડ હન્ડ્રેડ’ શૃંખલાની, ફિલ્મી ભાષામાં કહીએ તો, આજે સિલ્વર જ્યુબિલી છે. આ અવસર પર થોડી ઝાકઝમાળ તો થવી જોઈએ અને મેરિલીન મનરો કરતાં વધારે ઝાકઝમાળ બીજું કોણ કરી શકવાનું. આજે એની ‘ધ સેવન યર ઈચ’ ફિલ્મ વિશે વાત કરીશું. અહીં ‘ઈચ’ એટલે ઈ-એ-સી-એચ ઈચ (પ્રત્યેક) નહીં, પણ આઈ-ટી-સી-એચ ઈચ અર્થાત ખણ આવવી, ખુજલી થવી.

ફિલ્મમાં શું છે?

આ એક અમેરિકન રોમેન્ટિક કોમેડી છે. રિચર્ડ શર્મન (ટોમ ઈવેલ) નામનો એડવર્ટાઈઝિંગની લાઈનમાં કામ કરતો એક મધ્યમવર્ગીય, મધ્યવયસ્ક આદમી છે. એને પત્ની છે, બચ્ચું છે. મિડલાઈફ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહેલો રિચર્ડ પરિવારપ્રેમી છે અને પત્નીને સંપૂર્ણપણે વફાદાર છે. કમસે કમ અત્યાર સુધી તો ખરો જ. એક ઉનાળામાં ન્યુયોર્કની ગરમીથી બચવા પત્ની અને દીકરો બહારગામ જતાં રહે છે. ઘરે એકલો પડેલો રિચર્ડ પહેલી રાતે ટેસથી બાલ્કનીમાં રેડિયો સાંભળતો હોય છે ત્યાં ઉપલા માળેથી એક કૂંડું લગભગ એના માથાં પર પડતું પડતું રહી જાય છે. આ ગરબડ ઉપરના ફ્લેટ પર રહેવા આવેલી નવી પાડોશણે કરી હતી. સોરી… સોરી કહી રહેલી પાડોશણ (મેરિલીન મનરો) ભારે ઈન્ટરેસ્ંિટગ ઔરત છે – યુવાન, સેક્સી, માદક. રિચર્ડનો ગુસ્સો ગાયબ થઈ જાય છે. પાડોશીધર્મ નિભાવવા એ ક્ધયાને ડ્રિન્ક માટે આમંત્રણ આપે છે. આખી ફિલ્મમાં મેરિલીનનાં પાત્રનું અનામી રહે છે. એનો ઉલ્લેખ ‘ધ ગર્લ’ તરીકે થતો રહે છે. આપણે એેને પાડોશણ કહીશું. એનાં નખરાં જોઈને રિચર્ડના અરમાન જાગી ઉઠે છે. એ ખુદને અપરિણીત તરીકે ઓળખાવે છે. વાતવાતમાં પાડોશણનો હાથ પકડી લે છે અને બન્ને ભફાંગ કરતાં પિયાનોની બેન્ચ પરથી નીચે પટકાય છે. રિચર્ડ છોભીલો પડી જાય છે, પણ પાડોશણ કહે છે કે એમાં શું, આવું તો મારી સાથે હંમેશાં થતું રહે છે.

રિચર્ડ માટે ‘પત્ની પિયર લાઈન ક્લીઅર’ જેવો ઘાટ છે. વાઈફની ગેરહાજરીમાં પાડોશણ સાથેની એની નજદિકીયાં વધતી જાય છે. આ નજદિકીયાં જોકે અસલી કરતાં કાલ્પનિક વધારે છે.

રિચર્ડ મનોમન ઘોડા દોડાવતો રહે છે. પાડોશણ પર એના કહેવાતા ચાર્મની કોઈ અસર થતી નથી. પત્ની બહારગામથી ફોન પર ફોન કરતી રહે છે, પણ રિચર્ડભાઈને એમાં ક્યાંથી રસ હોય. એને ડર લાગે છે કે આ પાડોશણ મેનકાના પ્રલોભનને વશ થઈને એ ક્યાંક એક હી ભુલ ન કરી બેસે. એ માનસચિકિત્સકની મદદ સુધ્ધાં લે છે, પણ પરિસ્થિતિમાં કશો ફરક પડતો નથી. એની ફેન્ટસીઓ વધુ ને વધુ ‘વાઈલ્ડ’ બનતી જાય છે. ખેર, આખરે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. રિચર્ડની સાન ઠેકાણે આવે છે. કોઈ કાંડ કરી બેસે તે પહેલાં જ એ ડાહ્યોડમરો થઈને ન્યુયોર્ક છોડીને પત્ની-બચ્ચા પાસે પહોંચવા ટ્રેન પકડી લે છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ આ જ ટાઈટલ ધરાવતા બ્રોડવેના એક ત્રિઅંકી નાટક પરથી બની છે. ફિલ્મ બે બાબતો માટે યાદગાર બની ગઈ છે. એક તો, સિનેમાના ઈતિહાસમાં અવિસ્મરણીય બની ગયેલી મેરિલીન મનરોની પેલી ઈમેજ, જેમાં એ ખિલ-ખિલ કરતી બિન્દાસ ઊભી છે અને એનું સફેદ સ્કર્ટ હવામાં ઉડી રહ્યું છે. મેચિંગ અંત:વસ્ત્ર આખેઆખું દેખાઈ ન જાય એ માટે એણે આડો હાથ દઈ દીધો છે. મેરિલીનની આ અદાની આજ સુધીમાં અઢળક નકલ થઈ ચુકી છે. (યાદ કરો, ‘જો જીતા વહી સિકંદર’ની પૂજા બેદી.) બીજી વસ્તુ છે, ફિલ્મનું ટાઈટલ ‘ધ સેવન યર ઈચ’ જેને અંગ્રેજી ભાષામાં રુઢિપ્રયોગ કક્ષાની વ્યાપક સ્વીકૃતિ મળી ચૂકી છે. લગ્નજીવનમાં કે પ્રેમસંબંધમાં સાત વર્ષ જેવો લાંબો ગાળો પસાર થઈ જાય એટલે મનમાં ખુજલી ઉપડે, સાથી બોરિંગ લાગવા માંડે, મન ચંચળ થઈ જાય, નજર આમતેમ ભટકવા માંડે અને તક મળતાં જ થોડી-સી યા તો જ્યાદા બેવફાઈ કરવા માટે અધીરાઈ પેદા થઈ જાય. આ સ્થિતિને ‘સેવન યર ઈચ’ કહે છે. માનસચિકિત્સકો પણ આ શબ્દપ્રયોગ છૂટથી કરે છે.

ફિલ્મના ડિરેક્ટર બિલી વાઈલ્ડર છે. ગયા સપ્તાહે જેની વાત કરેલી તે ‘સનસેટ બુલેવાર્ડ’ ફિલ્મ પણ એમણે જ બનાવેલી. ‘ધ સેવન યર ઈચ’ નાટક પરથી ફિલ્મમાં રુપાંતરણ કરતી વખતે પ્લોટમાં એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો. નાટકમાં હીરો અને પાડોસણ સહશયન કરે છે, જ્યારે ફિલ્મમાં નાયકને ફક્ત ફેન્ટસીમાં જ રાચતો બતાવ્યો છે. નાટકના નાયક ટોમ ઈવેલને જ ફિલ્મમાં મેરિલીનનો હીરો બનાવવામાં આવ્યો. નાટકના ૧૧૪૧ શોઝ થયા હતા. ફિલ્મ રિલીઝ થઈ એના બે મહિના પછી નાટક ક્લોઝ કરવામાં આવ્યું.

આ ફિલ્મ સ્વીકારી તે વખતે મેરિલીન મનરો લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ચુકી હતી. પેલો ઊડતા સ્કર્ટવાળો સીન ન્યુયોર્કની એક સડક પર મોડી રાતે શૂટ કરવામાં આવેલો. મેરિલીનની આ મારકણી અદાનો નઝારો લેવા પ્રેસ ફોટોગ્રાફરો સહિત હજારો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. શૂટનો ઉદ્દેશ જ એ હતો- ફિલ્મની પબ્લિસિટી કરવાનો. મેરિલીનનો એ વખતનો પતિદેવ જા ડિમેગીઓ (જે જાણીતો બેઝબોલ સ્ટાર હતો) પણ શૂટ વખતે હાજર હતો. પોતાની પત્ની આ રીતે જાહેરમાં પેન્ટી દેખાઈ જાય એ રીતે સ્કર્ટ ઉડાડતી હોય અને લોકોનું ટોળું તે જોઈને સીટીઓ મારતું હોય ને ચિચિયારીઓ પાડતું હોય એ કયા પતિથી સહન થાય. શૂટ પછી પતિ-પત્ની વચ્ચે જોરદાર તૂ-તૂ-મૈં-મૈં થઈ ગઈ હતી. એક મહિના કરતાંય ઓછા સમયમાં બન્ને વચ્ચે ડિવોર્સ પણ થઈ ગયા.

જોકે ફિલ્મમાં જે શોટનો ઉપયોગ થયો છે એનું શૂટિંગ તો પાછળથી સેટ પર કરવામાં આવ્યું હતું. મેરિલીનનું ડિપ્રેશન આ ગાળામાં શરુ થઈ ચુક્યું હતું. શૂટિંગ દરમિયાન એ વારેવારે લાઈનો ભૂલી જતી. સ્કર્ટવાળો શોટ ઓકે કરાવવા એણે ચાળીસ જેટલા રીટેક્સ આપવા પડ્યા હતા. ‘ધ સેવન યર ઈચ’નું પ્રિમીયર યોજાયું ત્યારે મેરિલીનના ઉડતા સ્કર્ટવાળી અદાનું બાવન ફૂટ ઊંચાઈવાળું તોતિંગ કટ-આઉટ થિયેટરની ઉપર ગોઠવવામાં આવ્યું હતું. કમબખ્તી જુઓ કે ફિલ્મમાં જે સીન છે એમાં ઊડતા સ્કર્ટવાળી આખેઆખી મેરિલીન દેખાડાતી નથી.

સીન એવી રીતે એડિટ કરવામાં આવ્યો છે કે પહેલાં મેરિલીનના ખુલ્લા પગ દેખાય અને પછી રિએક્શન શોટસ આવે. મેરિલીનના આ વ્હાઈટ ડ્રેસની જૂન ૨૦૧૧માં લિલામી થઈ હતી. એક ચાહકે ૪.૬ મિલિયન ડોલર (વર્તમાન ભાવ પ્રમાણે લગભગ ૨૬ કરોડ કરતાંય વધારે રુપિયા) જેટલી અધધધ રકમ ચૂકવીને એ વર્ષોજૂનું કોસ્ચ્યુમ ખરીદી લીધું. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

‘ધ સેવન યર ઈચ’ રિલીઝ થતાં જ સુપરડુપર હિટ થઈ. ઓડિયન્સ ઉપરાંત સમીક્ષકાને પણ ફિલ્મ ગમી. મૂળ નાટક વધારે બોલ્ડ હતું, પણ સેન્સરના કડક નિયમોને કારણે ફિલ્મના સેક્સ્યુઅલ ક્ધટેન્ટને મંદ કરી નાખવું પડ્યું હતું. એમાંય આજની સેક્સ કોમેડીના ધારાધોરણ પ્રમાણે તો આ ફિલ્મ તદ્દન ફિક્કી લાગે. લોકોએ મેરિલીન મનરોનું નામ અસંખ્ય વખત સાંભળ્યું-વાંચ્યું હોય છે, પણ એની ફિલ્મો જોઈ હોતી નથી. જો તમારા મનમાં સવાલ ખદબદ્યા કરતો હોય કે મેરિલની મનરોમાં એવું તે શું દાટ્યું હતું, તો એનો જવાબ મેળવવા ‘ધ સેવન યર ઈચ’ જોઈ શકાય. તે સમરકંદ-બુખારા ઓવારી જવાનું મન થાય એવી ક્લાસિક ફિલ્મ નથી, તો પણ.

* * * * *

ફેક્ટ ફાઈલ

* ડિરેક્ટર : બિલી વાઈલ્ડર
* મૂળ નાટ્યલેખક : જ્યોર્જ એક્સલોર્ડ
* સ્ક્રીનપ્લે: બિલી વાઈલ્ડર, જ્યોર્જ એક્સલોર્ડ
* કલાકાર : મેરિલીન મનરો, ટોમ ઈવેલ
* રિલીઝ ડેટ : ૩ જૂન ૧૯૫૫

* મહત્ત્વના અવોર્ડઝ : ટોમ ઈવેલને બેસ્ટ એક્ટર – મોશન પિક્ચર મ્યુઝિકલ ઓર કોમેડી માટેનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.