હોલીવૂડ હંડ્રેડ: સિટીઝન કેન : ખાલી હાથ આએ થે હમ, ખાલી હાથ જાએંગે…
મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) – તા. 28 જૂન 2013
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
વિશ્વની શ્રેષ્ઠ સો નહીં, પણ કેવળ દસ જ ફિલ્મોનું લિસ્ટ બનાવવામાં આવે અને એમાં ‘સિટીઝન કેન’ ન હોય તો તે અધૂરું ગણાય. આજની તારીખે પણ મોડર્ન અને પ્રસ્તુત લાગતી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ એક ‘સિનેમેટિક વંડર’ ગણાય છે.
* * * * *
ફિલ્મ નંબર 28. સિટીઝન કેન
પ્રવાહ પલટાવી દેતી કલાકૃતિઓ દેખીતી રીતે બહુ ઓછી હોવાની. ‘સિટીઝન કેન’ ફિલ્મે હોલીવૂડમાં ફિલ્મમેકિંગની, વાર્તા કહેવાની શૈલીની સિકલ બદલી નાખી. આ એક માસ્ટરપીસ છે, જેના પાયામાં પાક્કું આયોજન કે ઠંડી ગણતરીઓ નહીં, પણ એના મેકરનું ક્રિયેટિવ સ્વાતંત્ર્ય અને રૉ એનર્જી છે.
ફિલ્મમાં શું છે?
વર્ષ ૧૯૪૧. દેશ અમેરિકા. ફિલ્મના પ્રારંભમાં જ લાર્જર-ધેન-લાઈફ ઈમેજ ધરાવતા નાયક ચાર્લ્સ ફોસ્ટર કેન (ઓર્સન વેલ્સ)નું પાકી વયે મૃત્યુ થાય છે. ચાર્લ્સ કેન અત્યંત વગદાર અને ધનિક સેલિબ્રિટી છે. કંઈકેટલાય છાપાં-મેગેઝિનોનો માલિક હતો એટલે એણે માત્ર સમાચારો આપવાનું નહીં, બલકે અમેરિકનોના અભિપ્રાયો ઘડવાનું કામ કર્યું હતું. આ સિવાય પણ એના કંઈકેટલાય બિઝનેસ હતા. આખી ટાઉનશિપ ઊભી થઈ જાય એવડી પ્રાઈવેટ પ્રોપર્ટીમાં એનો ભવ્ય બંગલો હતો. કેન મૃત્યુ પામ્યો ત્યારે તેની જીભ પર આવેલો છેલ્લો શબ્દ હતો, ‘રોઝબડ’ (ગુલાબની ખુલ્યા વિનાની કળી). ચાર્લ્સ કેને અંતિમ ઘડીએ આ શબ્દ કેમ ઉચ્ચાર્યો હતો? શું આ કોઈ કોડવર્ડ છે? ન્યુઝરીલ બનાવતી એક એજન્સીનો એડિટર પોતાના રિપોર્ટરને કામે લગાડી દે છે: જા, આ ‘રોઝબડ’નો ભેદ ઉકેલી લાવ.
હવે શરુ થાય છે રિર્પોટરનું ઈન્વેસ્ટિગેટિવ ફિલ્ડવર્ક. ચાર્લ્સ કેનથી નિકટ રહી ચુકેલા લોકોને એ એક પછી એક મળતો જાય છે અને કેનનું જીવન ક્રમશ: ટુકડાઓમાં ખૂલતું જાય છે. કેનને સારી એવી ધનસંપત્તિ ઉપરાંત ‘ડેઈલી ઈન્કવાયર’ નામનું તગડી ખોટ કરતું છાપું પોતાના પાલક પિતા તરફથી વારસામાં મળ્યું હતું. એ કંઈ પહેલેથી મૂડીવાદી નહોતો. યુવાનીમાં તો એ ઠીક ઠીક આદર્શવાદી હતો અને સિદ્ધાંતનિષ્ઠ પત્રકારત્વમાં માનતો હતો. ધીમે ધીમે એણે અખબારને મજબૂત અને કમાતું-ધમાતું બનાવ્યું. પછી એમિલી (રુથ વોરિક) નામની અમેરિકન પ્રેસિડન્ટની ભત્રીજી સાથે લગ્ન કર્યાં. ખુદ રાજકારણમાં ઝંપલાવ્યું, પણ ગર્વનરની ચુંટણીમાં આગળ વધે તે પહેલાં સુસન (ડોરોથી કમિન્ગોર) નામની ઊભરતી ગાયિકા સાથેનું એનું અફેર છાપામાં ચગ્યું. ચાર્લ્સ કેને રાજકીય કારકિર્દી અને પત્ની બન્ને ગુમાવ્યાં.
એ સુસનને પરણી ગયો. સુસન ઉત્સાહી ખૂબ હતી પણ બાપડીમાં ટેલેન્ટની કમી હતી. છતાંય એના માટે ચાર્લ્સ કેને એક ઓપેરા હાઉસ બનાવ્યું, ખર્ચાળ ઓપેરા પ્રોડ્યુસ કર્યું. સુસનનાં પર્ફોર્મન્સમાં ભલીવાર નથી તે કેન અંદરખાને સમજતો હતો. એના અખબાર માટે સમીક્ષક તરીકે કામ કરતા એના જ દોસ્તે સુસનની તીખી ટીકા કરતો રિવ્યુ લખ્યો. લખવાનું પૂરું કરે તે પહેલાં એ દારુના નશામાં ઢળી પડ્યો. ચાર્લ્સ કેને તે અધૂરો રિવ્યુ એ જ નેગેટિવ સૂરમાં પૂરો કર્યો અને બીજા દિવસે પોતાનાં તમામ અખબારોમાં બેધડક છાપ્યો પણ ખરો. સુસન દુખી દુખી થઈ ગઈ. એ કરીઅર પર પૂર્ણવિરામ મૂકી દેવા માગતી હતી, પણ કેન તેને આગળ વધવા પ્રોત્સાહિત કરતો રહ્યો. પેલા સમીક્ષકને એણે નોકરીમાંથી છુટો કરી નાખ્યો હતો. ફ્રસ્ટ્રેટ થયેલી સુસન આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કેને એના માટે મહેલ જેવો ભવ્ય આવાસ તૈયાર કર્યો, પણ દોમ દોમ સાહ્યબી વચ્ચે પણ સુસનના જીવને ચેન નહોતો. એની એક જ ફરિયાદ હતી: તું મને પ્રેમ કરતો નથી, તું ફક્ત પૈસા ફેંકી જાણે છે. એક વાર પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. સુસન એને છોડીને જતી રહી. ક્રોધે ભરાયેલો કેને સુસનના ઓરડાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. શો-પીસ તરીકે વપરાતો એક પારદર્શક નાનકડો ગોળો (સ્નો-ગ્લોબ) એના હાથમાં આવી ગયો. એના મોંમાંથી એક શબ્દ નીકળ્યો: ‘રોઝબડ’. કેનના બટલર તરીકે કામ કરતા રેમન્ડ (પોલ સ્ટુઅર્ટ)ના કાન પર આ શબ્દ બરાબર ઝીલાયો.
જીવનના અંતિમ વર્ષોમાં એકલો પડી ગયેલો કેન બીમારી ભોગવીને મૃત્યુ પામ્યો. જીવ છોડતી વખતે એના મુખ પર ‘રોઝબડ’ શબ્દ ફરી આવ્યો.
ચાર્લ્સ કેનના મૃત્યુ પછી એના આવાસની કિમતી ચીજવસ્તુઓને નાનામોટાં બોક્સમાં પેક કરી દેવામાં આવી. અમુક સામાનનો નાશ કરવામાં આવ્યો. નષ્ટ થયેલા સામાનમાં પેલો નાનો પારદર્શક ગોળો પણ છે. ફિલ્મના અંતે રેમન્ડ પેલા ન્યુઝ રિપોર્ટરને કહે છે: ‘રોઝબડ શબ્દનો કંઈ મતલબ છે જ નહીં. ચાર્લ્સ કેન પાસે બધું જ હતું, પણ એ બધું જ ખોઈ બેઠો. કદાચ રોઝબડ એવી વસ્તુ હોવી જોઈએ જેને તે ગુમાવી ચુક્યો હતો અને પછી તે વસ્તુ એને ફરી ક્યારેય મળી નહીં.’ આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
ઓર્સન વેલ્સ થિયેટર અને રેડિયો આર્ટિસ્ટ તરીકે જાણીતા થઈ ચુક્યા હતા, પણ ડિરેક્ટર તરીકે ‘સિટીઝન કેન’ એમની પહેલી જ ફિલ્મ. મુખ્ય હીરોની ભુમિકા પણ એમણે જ ભજવી. આરકેઓ સ્ટુડિયોએ એમને ફિલ્મ લખવાથી માંડીને ડિરેક્ટ કરવાની અને ફાયનલ કટ સુધીનું એડિટિંગ કરવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ફર્સ્ટ-ટાઈમ ડિરેક્ટરને આટલી સ્વતંત્રતા મળી હોય એવું હોલિવૂડમાં પહેલી વાર બની રહ્યું હતું. હર્મન મેન્કીવીક્ઝ નામના સિનિયર આલ્કોહોલિક સ્ક્રિપ્ટ-રાઈટરને ઓર્સને સાથે લીધા. ફિલ્મની વાર્તા લખતી વખતે વિલિયમ રેનડોલ્ફ હેર્ટ્ઝ નામના તે સમયના અમેરિકન મિડિયાના અસલી માંધાતાને રેફરન્સ પોઈન્ટ બનાવવામાં આવ્યા. પોતાની લાઈફ પરથી આરકેઓ સ્ટુડિયોવાળા ફિલ્મ બનાવી રહ્યા છે એવી ખબર પડતાં જ હેર્ટ્ઝ ધૂંઆફૂંઆ થઈ ગયા હતા. આ પ્રોજેક્ટ અટકાવી દેવા માટે સ્ટુડિયો પર ખૂબ દબાણ પણ લાવ્યા, પણ સ્ટુડિયોના સાહેબો અડગ રહ્યા. ફિલ્મ બની અને જોરદાર પ્રમોશનને અંતે રિલીઝ પણ થઈ.
‘સિટીઝન કેન’ જોઈને દર્શકો અને સમીક્ષકો ચકિત થઈ ગયા. હોલીવૂડની ફિલ્મો અત્યાર સુધી જે બીબાંમાં બની રહી હતી તેનો ‘સિટીઝન કેન’માં ભુક્કો બોલી ગયો હતો. એક સામાન્ય સમજ એવી છે કે ફિલ્મની વાર્તા કોઈ એક જ વ્યક્તિના પોઈન્ટ-ઓફ-વ્યુથી કહેવાવી જોઈએ (ઈન ફેક્ટ, આપણી મોટા ભાગની ફિલ્મો, સિરિયલો અને નાટકો આજની તારીખે પણ આ નિયમને વળગી રહ્યાં છે), પણ ‘સિટીઝન કેન’માં વાર્તા અલગ અલગ કેટલાય લોકોના દષ્ટિકોણથી, ફ્લેશબેકમાં, સીધી લીટીમાં (લિનીઅર) નહીં, પણ આડીઅવળી ગતિ કરતી આગળ વધે છે. ફિલ્મમેકિંગની આવી સ્ટાઈલ હોલીવૂડે અત્યાર સુધી ક્યારેય જોઈ નહોતી. નવો ફ્લેશબેક શરુ થાય એટલે થોડીક વાર્તા રિપીટ થાય, ફરી પાછાં ચાર્લ્સ કેનના કોમ્પ્લીકેટેડ વ્યક્તિત્ત્વનાં નવાં પાસાં સામે આવે. વાર્તા આગળ વધતી જાય તેમ તેમ જવાબ મળવાને બદલે સવાલો ઘૂંટાતા જાય. ફિલ્મની સિનેેમેટોગ્રાફી અને મેકઅપમાં પણ ઈન્ટરેસ્ંિટગ અને નવતર અખતરા કરવામાં આવ્યા હતા.
ડિરેક્ટર-એક્ટર-રાઈટર ઓર્સન વેલ્સને પછી પૂછવામાં આવ્યું હતું કે કરીઅરની પહેલી જ ફિલ્મમાં આવી તદ્ન જુદી શૈલી અપનાવવાનો કોન્ફિડન્સ તમારામાં કેવી રીતે આવ્યો હતો? ઓર્સને વેલ્સનો જવાબ સાંભળોેે: ‘ફ્રોમ ઈગ્નોરન્સ… શીઅર ઈગ્નોરન્સ! મને ખબર જ નહોતી કે ફિલ્મ કેવી રીતે બનાવાય. હું તો મારી રીતે ફિલ્મ બનાવતો ગયો. આપણે આપણાં ફિલ્ડનાં નીતિ-નિયમો વિશે થોડુંઘણું જાણતા હોઈએ તો સભાન બની જઈએ, પણ કશી ખબર જ ન હોય તો શું કરવાનું. જે મનમાં આવે તે પ્રમાણે આગળ વધતા જવાનું. ‘સિટીઝન કેન’ના કેસમાં એક્ઝેક્ટલી એવું જ થયું હતું હતું.’
જે પ્રશ્નના આધાર પર આખી ફિલ્મ ઊભી છે તે ‘રોઝબડ’ આખરે છે શું? વિખ્યાત ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે કે રોઝબડ કદાચ સલામતીની ભાવના, આશા અને બાળપણની નિર્દોષતાનું પ્રતીક છે. આપણે મોટા થતા જઈએ તેમ તેમ નાનપણના નિર્ભેળ આનંદને વધુને વધુ મિસ કરતા જઈએ છીએ. ચાર્લ્સ કેને ચિક્કાર સફળતા મેળવી, દુનિયાભરની સમૃદ્ધિ મેળવી, ખૂબ ફેમસ થયો પણ પછી શું? એ એકલો પડી ગયો અને અંદરથી ખાલી ને ઉદાસ જ રહ્યો. જીવનની ઈતિ શું છે? ફિલ્મનો ફિલોસોફિકલ સૂર એ છે કે જો આખરે એકલતા અને વિષાદ જ સાંપડવાનો હોય તો જિંદગીભર ઉધામા કરતા રહેવાનો ખાસ મતલબ હોતો નથી. ‘સિટીઝન કેન’ની ડીવીડીના સ્પેશિયલ ફીચર્સ સેક્શનમાં રોજર ઈબર્ટની મસ્ત રનિંગ કોમેન્ટ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોજર ઈબર્ટની વેબસાઈટ પર જઈને એમણે લખેલો ‘સિટીઝન કેન’નો અફલાતૂન રિવ્યુ ખાસ વાંચજો.
બીજા વિશ્વયુદ્ધને કારણે ‘સિટીઝન કેન’ યુરોપમાં રિલીઝ નહોતી થઈ શકી. આ ફિલ્મ થોડાં વર્ષો પછી એકાએક લાઈમલાઈટમાં આવી. પછી તો એના વિશે ખૂબ લખાયું, ડોક્યુમેન્ટરી ફિલ્મો બની. દુનિયાભરના ફિલ્મમેકરો ‘સિટીઝન કેન’થી પ્રભાવિત થયા છે. એની નરેટિવ શૈલીની પછી તો ઘણી નકલ થઈ. આ ફિલ્મ એક ‘સિનેમેટિક વંડર’ ગણાય છે. આજની તારીખે પણ આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ ખૂબ જ રેલેવન્ટ અને મોડર્ન લાગે છે. ક્લાસિક ફિલ્મો સામાન્યપણે બહુ ધીમી, આર્ટી-આર્ટી અને કંટાળજનક હોય છે એવી એક છાપ છે. ‘સિટીઝન કેન’ના કિસ્સામાં આ બાબતે નિશ્ચિંત થઈ જજો. આ છેક સુધી જકડી રાખતી ગતિશીલ ફિલ્મ છે. ડોન્ટ મિસ ઈટ!
‘સિટીઝન કેન’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર : ઓર્સન વેલ્સ
સ્ક્રીનપ્લે : હર્મન મેન્કીવીક્ઝ, ઓર્સન વેલ્સ
કલાકાર : ઓર્સન વેલ્સ, ડોરોથી કમિન્ગોર, જોસેફ કોટન, રુથ વોરિક
રિલીઝ ડેટ : ૧ મે, ૧૯૪૧
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર ૦ ૦ ૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply