Sun-Temple-Baanner

Lolita – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Lolita – Hollywood 100


હૉલીવુડ હન્ડ્રેડ : લોલિટા

Mumbai Samachar – Matinee Supplement – 6 Sept 2013

હૉલીવુડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આધેડ વયનો પુરુષ પોતાની તૈર-ચૌદ વર્ષની સાવકી દીકરીના પ્રેમમાં પડે, એ ચંચળ છોકરી પણ આદમી તરફ આકર્ષાય અને બન્ને વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ બંધાય ત્યારે શું થાય? ‘લોલિટા’ જેવી ફિલ્મ વિવાદાસ્પદ ન બને તો જ આશ્ર્ચર્ય પામવું પડે.

* * * * *

ફિલ્મ ૩૮ – લોલિટા

સૈયાં બૈયાં છોડના… કચ્ચી કલિયાં તોડ ના

સીધા વિષય પર જ આવી જઈએ. ફિલ્મની શરૂઆત એક મર્ડર સીનથી થાય છે. સખત દારુ ઢીંચેલા ક્લેર ક્વિલ્ટી (પીટર સેલર્સ) નામના એક લેખકના અસ્તવ્યસ્ત ઘરમાં હમ્બર્ટ (જેમ્સ મેસન) નામનો માણસ ઘૂસી આવે છે. સખત તૂ-તૂ-મૈં-મૈં પછી આગંતુક નાસવાની કોશિશ કરી રહેલા લેખકને ગોળીથી ઉડાવી દે છે. ત્યાર પછી ફ્લેશબેકમાં મુખ્ય વાર્તા શરૂ થાય છે.

હમ્બર્ટ મૂળ ફ્રેન્ચ કવિતાનો પ્રોફેસર છે. અમેરિકાના રેમ્સડેલ નામના નગરની એક કોલેજમાં પ્રોફેસર તરીકે અપોઈન્ટ થયો છે. એની ઉંમર હશે ૪૫-પ૦ વર્ષ. ડિવોર્સી છે. એકલારામ છે. રેમ્સડેલમાં એને સારું ભાડાંનું ઘર જોઈએ છે. એક મકાનમાં એ પૂછપરછ માટે ગયો તો ખરો પણ એની અતિ ઉત્સાહી માલિકણ શાર્લોટ હેઝ (શેલી વિન્ટર્સ)ના ચાંપલા વર્તાવથી હેરાન થઈ ગયો. શાર્લોટ વિધવા છે ને પાછી ફ્રેસ્ટ્રેટેડ છે. પુરુષના સંગાથમાં જિંદગીને માણવાના એના ઓરતા અધૂરા રહી ગયા છે. હમ્બર્ટને તરત સમજાઈ જાય છે કે જો હું અહીં રહેવા આવીશ તો આ બાઈ મારા ગળે પડશે. એ રફૂચક્કર થવાની તૈયારીમાં જ હતો ત્યાં શાર્લોેટ એને ધરાર ઘરની પાછળ આવેલો બગીચો જોવા લઈ જાય છે. અહીં પગ મૂકતાં જ હમ્બર્ટ થંભી જાય છે. એ જુએ છે કે સામે લૉન પર કુમળી કળી જેવી રૂપકડી છોકરી ટુ-પીસ બિકીની પહેરીને અદાથી બેઠી બેઠી હૂંફાળા તડકામાં સનબાથ લઈ રહી છે. એ લોલિટા (સ્યૂ લ્યોન) છે. શાર્લોટની દીકરી. ઉંમર હશે માંડ તેર-ચૌદ વર્ષ. હમ્બર્ટ તરત કહી દે છે: મેડમ, મને તમારું ઘર પસંદ છે. બોલો, ક્યારે રહેવા આવું? શાર્લોટને નવાઈ લાગે છે કે હજુ હમણાં સુધી હા-ના-હા-ના કરી રહેલા પ્રોફેસરસાહેબને ઓચિંતા ઘર કેમ પસંદ પડી ગયું?

હમ્બર્ટ બેગબિસ્તરા લઈને પેઈંગગેસ્ટ તરીકે રહેવા આવી જાય છે. એક બાજુ હરખપદૂડી શાર્લોટ હેમ્બર્ટને રીઝવવા ઘેલી ઘેલી થઈ રહી છે, બીજી બાજુ હેમ્બર્ટ વર્જિન બ્યુટી લોલિટા તરફ ખેંચાઈ રહ્યો છે. લોલિટા પણ કંઈ ઓછી નથી. એ ઋતુકાળમાં પ્રવેશી ચૂકેલી નખરાળી તરુણી છે. પોતાના પિતાની ઉંમરના હેમ્બર્ટ તરફ એ વિજાતીય આકર્ષણ અનુભવી રહી છે. એના વ્યક્તિત્ત્વમાં નિર્દોષતા અને કામુકતાનું ખતરનાક કોમ્બિનેશન છે. એની ચેષ્ટાઓથી હમ્બર્ટ ઓર ઉશ્કેરાતો રહે છે. લોલિટા પ્રત્યેની રંગીન લાગણીઓને અને શાર્લોટ પ્રત્યેના ઉપહાસયુક્ત વિચારોને એ પર્સનલ ડાયરીમાં ઉતારતો રહે છે.

વેકેશન પડતાં શાર્લોટ દીકરીને સમર કેમ્પમાં મૂકવા જાય છે. જતાં જતાં હમ્બર્ટ માટે ચિઠ્ઠી મૂકતી જાય છે, જેમાં પોતાના પ્રેમનો ઈઝહાર કરીને લખ્યું છે કે હું સાંજે પાછી આવું ત્યાં સુધીમાં તું ઘર ખાલી કરીને જતો રહ્યો નહીં હોય તો હું સમજી જઈશ કે તું પણ મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા તૈયાર છે! આ કાગળ વાંચીને હેમ્બર્ટ મોટેથી હસી પડે છે. ખેર, ઘરને (અને લોલિટાને) છોડીને જતા રહેવાનો એનો કોઈ ઈરાદો નથી. એ કમને શાર્લોટનો સ્વીકાર તો કરી લે છે, પણ આવું કઢંગું લગનગાડું ક્યાં સુધી ચાલવાનું. લોલિટાની ગેરહાજરીમાં હમ્બર્ટ કોચલામાં પુરાતો જાય છે, જ્યારે શાર્લોટ વધુને વધુ રઘવાઈ થતી જાય છે. એક વાર અચાનક એના હાથમાં હમ્બર્ટની ડાયરી આવી જાય છે. લોલિટા વિશેના કામુક ખયાલો તેમ જ પોતાના વિશેના ઘૃણાભર્યા વિચારો વાંચીને શાર્લોટ પાગલ થઈ જાય છે. એ ઘરની બહાર દોટ મૂકે છે ને કારની હડફેટમાં આવી જતાં ત્યાં જ મૃત્યુ પામે છે.

હમ્બર્ટ માટે તો જાણે માર્ગ મોકળો થઈ ગયો. લોલિટાને સમરકેમ્પમાંથી તેડી લાવીને વળતા રસ્તામાં એક હોટલમાં બન્ને ચેક-ઈન કરે છે. ચંચળ લોલિટા સાથે અહીં પહેલી વાર એનો શરીરસંબંધ બંધાય છે. માના મોતના સમાચાર સાંભળીને લોલિટા ખૂબ રડે છે. હમ્બર્ટ એને શાંત કરે છે, હૂંફ આપે છે. કદાચ લોલિટાની લાચારી અને અસહાયતા જોઈને હમ્બર્ટની લાલસા ઓર તીવ્ર થતી હશે. લોલિટા હમ્બર્ટની ગોદમાં લપાઈને કહે છે: સગીર અનાથ બાળકો માટેની સંસ્થામાં મારે નથી જવું… એના કરતાં તમારી સાથે રહેવું સારું.

હમ્બર્ટ બીજા કોઈ શહેરમાં નોકરી શોધીને લોલિટા સાથે રહેવા લાગે છે. જાહેરમાં બન્ને એકમેકને બાપ-બેટી તરીકે વર્તે છે, પણ અસલિયતમાં તેમની વચ્ચે કેવો સંબંધ છે એ તો તેઓ જ જાણે છે. લોલિટા રહી ઉદ્ંડ છોકરી. એનો ચંચળ સ્વભાવ થોડો બદલાવાનો છે? હમ્બર્ટ હવે એના પર સતત શંકા કર્યા કરે છે. પિયાનો ક્લાસ બન્ક કરીને ક્યાં ગાયબ થઈ ગઈ હતી, બોલ? કેમ ઘરે આવતાં મોડું થયું? કેમ મવાલી છોકરાઓ સાથે વાતો કરે છે? નાટકમાં ઊતરવાની જરૂર જ શી છે? બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગે છે. હમ્બર્ટ અને લોલિટાના સંબંધમાં કંઈક ગરબડ છે એવી ગંધ ધીમે ધીમે સૌને આવવા લાગે છે. લોલિટાનું એબનોર્મલ વર્તન જોઈને સ્કૂલના કાઉન્સેલરોની ટીમ હમ્બર્ટને મળવા માગે છે. ફરી પાછા બન્ને ઉચાળા ભરીને ભાગે છે. રસ્તામાં એક્સિડન્ટ થતાં લોલિટાને દવાખાનામાં એડમિટ કરવામાં આવે છે, પણ અહીંથી ડિસ્ચાર્જ લઈને એ ગુપચુપ પોતાના કોઈ અંકલ સાથે ગાયબ થઈ જાય છે. લાંબા અરસા પછી ઓચિંતા

હમ્બર્ટને લોલિટાનો કાગળ મળે છે. એણે કોઈની સાથે લગ્ન કરી લીધાં છે, એ પ્રેગનન્ટ છે ને એને પૈસાની જરૂર છે. પૈસા મોકલી આપવાને બદલે હમ્બર્ટ ખુદ લોલિટાના ઘરે પહોંચી જાય છે. અહીં આવીને એ જુએ છે કે… બસ, આખેઆખી વાર્તા નથી કહેવી. લોલિટા કોને પરણી? પેલો અચાનક ફૂટી નીકળેલો અંકલ કોણ હતો? ફિલ્મની શરૂઆતમાં પેલું જે ખૂન થતું દેખાડ્યું હતું એ શું હતું? હમ્બર્ટ-લોલિટાનું પછી શું થયું? આ બધા સવાલોના જવાબ તમારે જાતે શોધી લેવાના.

કથા પહેલાંની અને પછીની

‘આ લોકોએ ‘લોલિટા’ જેવી ફિલ્મ બનાવી કેવી રીતે?’ એકાવન વર્ષ પહેલાં આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એના પોસ્ટર પર આ વાક્ય છાપવામાં આવતું. વિષય આજેય વિવાદાસ્પદ લાગે છે તો અડધી સદી પહેલાં તો કેટલો ક્ધટ્રોવર્શિયલ લાગવાનો. ફિલ્મનો આધાર વ્લાદિમીર નેબોકોવ નામના લેખકની આ જ શીર્ષક ધરાવતી નવલકથા છે. આ પુસ્તકે પણ ખાસ્સો હોબાળો મચાવેલો. ડિરેક્ટર સ્ટેન્લી ક્યુબ્રિક વિશ્ર્વસિનેમાના મહારથી તો પછી બન્યા (એમની ‘૨૦૧૦- અ સ્પેસ ઓડિસી’ નામની ફિલ્મ વિશે આપણે આ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા છીએ), પણ આ ફિલ્મ બનાવતી વખતે એમનું એટલું હજુ એટલું બધું નામ થયું નહોતું. ‘લોલિટા’ પુસ્તક અમેરિકામાં પ્રકાશિત થઈને બેસ્ટસેલર બને તે પહેલાં જ સ્ટેન્લી ક્યુબ્રિકે દોઢ લાખ ડોલરમાં એના રાઈટ્સ ખરીદી લીધા હતા. ફિલ્મનો સ્ક્રીનપ્લે એમણે મૂળ લેખક પાસે જ લખાવ્યો. ઓરિજિનલ પટકથા ૪૦૦ પાનાંની હતી. જો એના પરથી બેઠી ફિલ્મ બનાવવામાં આવે તો એ સાત કલાકની બનત! સ્ટેન્લીએ કડક થઈને કાતર ચલાવીને લગભગ પોણા ભાગનું મટિરિયલ ઉડાડી દીધું. છતાંય ફિલ્મ જોતી વખતે તમને લાગશે કે દશ્યો બહુ લાંબાં લાંબાં છે. મોટા ભાગના સ્ટુડિયોએ આવી જોખમી સ્ક્રિપ્ટને હાથ લગાડવાની ના પાડી દીધી હતી. આખરે માંડ એમજીએમ સ્ટુડિયોએ તૈયારી બતાવી. હોલીવૂડમાં એ વખતે સેન્સરશિપના કાયદા કડક હતા. શૂટિંગ દરમિયાન અંતરાય ઊભા ન થાય તે માટે સ્ટેન્લીએ મોટા ભાગનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં આટોપ્યુંં.

એક મધ્યવયસ્ક પુરુષનો પોતાની સાવકી દીકરી સાથેનો વિકૃતિની કક્ષાએ પહોંચી જતો આડો સંબંધ ફિલ્મના કેન્દ્રમાં છે, છતાં સ્ક્રીન પર પ્રગટપણે કશું જ દેખાડવામાં આવ્યું નથી. બન્ને મુખ્ય પાત્રો વચ્ચેની સેક્સ્યુઅલ રિલેશનશિપને ફક્ત સૂચક રીતે પેશ કરવામાં આવી છે. લોલિટાનું મુખ્ય પાત્ર અફલાતૂન રીતે પેશ કરનાર ‘બાળકલાકાર’ સ્યૂ લ્યોન શૂટિંગ વખતે ૧૪ વર્ષની હતી. ફિલ્મનું પ્રિમિયર યોજાયું ત્યારે એને થિયેટરમાં એન્ટ્રી આપવામાં નહોતી આવી, કેમ કે ફિલ્મ ‘કેવળ પુખ્ત વયનાઓ માટે’ જ હતી!

સ્ટેન્લીએ આ ફિલ્મને એક ટ્રેજેડી તરીકે ટ્રીટ નથી કરી, બલકે ફિલ્મનો ટોન હલકોફૂલકો રહે છે. સામાજિક નીતિમૂલ્યોને કારણે ગૂંગળાઈ ગયેલા આદમીની આ વાત છે. સ્ટેન્લી કયુબ્રિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ફિલ્મ બનાવતી વખતે મારા પર સેન્સર બોર્ડનું અને ધાર્મિક વડાઓનું એટલું બધું પ્રેશર હતું કે હું હમ્બર્ટ અને લોલિટાના સંબંધનું સેક્સ્યુઅલ પાસું ખાસ ઉજાગર કરી ન શક્યો. તેને લીધે ફિલ્મ જોતી વખતે શરૂઆતથી જ એવું લાગવા માંડે છે કે છોકરીને જોઈને હમ્બર્ટની ડાગળી ચસકી ગઈ છે એ તો જાણે બરાબર છે, પણ એ છોકરીને હૃદયથી પ્રેમ પણ કરે છે. ખરેખર એવું નથી. પુસ્તકમાં આ પ્રેમવાળી વાત છેક એન્ડમાં આવે છે.’ ફિલ્મ રિલીઝ થયા પછી સરસ ચાલી. અમુક સમીક્ષકોએ તેને સાવ વખોડી નાખી, અમુક આફરીન પોકારી ગયા. હોલીવૂડના સેન્સરના નિયમોને હળવા બનાવવામાં આ ફિલ્મની સફળતાનો મોટો ફાળો છે. ૧૯૯૭માં આ ફિલ્મની રિમેક બની હતી, જે ખરાબ રીતે પીટાઈ ગઈ. ‘લોલિટા’ સ્ટેન્લી ક્યુબ્રિકની માસ્ટરપીસ સમાન ફિલ્મ કદાચ નથી, પણ ફિલ્મનાં બન્ને કિરદાર એમણે સ્ક્રીન પર સર્જેલા સૌથી યાદગાર અને ચર્ચાસ્પદ પાત્રોમાં જરૂર સ્થાન પામે છે. જોજો, મજા પડશે.

* * * * *

લોલિટા – ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર: સ્ટેન્લી ક્યુબ્રિક
મૂળ નવલકથા અને સ્ક્રીનપ્લેના લેખક: વ્લાદિમીર નેબોકોવ
કલાકાર : જેમ્સ મેસન, સ્યૂ લ્યોન, પીટર સેલર્સ, શેલી વિન્ટર્સ
રિલીઝ ડેટ: ૧૩ જૂન ૧૯૬૨

મહત્ત્વના એવૉર્ડઝ: બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કરનું નોમિનેશન

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.