હૉલીવુડ હન્ડ્રેડ : રોઝમેરી’ઝ બેબી
Mumbai Samachar – Matinee Supplement – 13 Sept 2013
હૉલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
આયેગા આનેવાલા…
રોઝમેરી કેવા ચક્રવ્યુહમાં ફસાઈ ગઈ હતી? એના બાળકનું પછી શું થયું? શું ખરેખર એની આસપાસ અસુરી તત્ત્વોમાં માનતા લોકોની જમઘટ થઈ ગઈ હતી? કે પછી આ બધો રોઝમેરીના મનનો વહેમ હતો? ભેદભરમથી ભરપૂર ‘રોઝમેરી’ઝ બેબી’ રોમન પોલન્સ્કીની ઉત્તમ કૃતિઓમાંની એક છે.
* * * * *
ફિલ્મ 39. ‘રોઝમેરી’ઝ બેબી’.
ક્લાસિક ફિલ્મો મોટે ભાગે બોરિંગ, અટપટી અને ઢીલીઢાલી જ હોય એવી એક છાપ છે. ખોટી છાપ છે. તમને સીટ સાથે ચોંટાડી રાખે એવી હોરર ફિલ્મ પણ સિનેમેટિક કલાનો ઉત્તમ નમૂનો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આજની ફિલ્મ, ‘રોઝમેરી’ઝ બેબી’.
ફિલ્મમાં શું છે?
એક સરસ મજાનું યંગ અમેરિકન કપલ છે. પતિ ગાય વૂડહાઉસ (જોન કેસેવેટ્સ) વ્યવસાયે અભિનેતા છે. ઘણાં ટીવી-નાટકો અને જાહેરાતોમાં અભિનય કર્યો છે. હવે મોટા અને મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં કામ કરવાની એની મહત્ત્વાકાંક્ષા છે. પત્ની રોઝમેરી (મિઆ ફેરો) સ્વભાવે સીધીસાદી, ભોળી અને આજ્ઞાકિંત હાઉસવાઈફ છે. ફિલ્મની શરુઆતમાં જ બન્નેને ન્યુયોર્ક શિફ્ટ થતાં દેખાડાય છે. એક ખૂબસૂરત અપાર્ટમેન્ટનો વિશાળ ફ્લેટ તેમને ગમી જાય છે. અગાઉના ભાડૂઆતે યા તો મકાનમાલિકે કોણ જાણે કેમ એક જગ્યાએ તોતિંગ આલમારી વિચિત્ર રીતે ગોઠવેલી હતી. આ આલમારીની પાછળ દીવાલમાં બનાવેલો ઓર એક કબાટ છે. હચ (મોરિસ ઈવાન્સ) નામનો તેમનો દોસ્ત ચેતવણી આપે છે કે આ બિલ્ંિડગમાં ભુલેચુકેય રહેવા ન જતા… એમાં કંઈક થાય છે. કહે છે કે એમાં માનવભક્ષીઓનો વાસ છે! રોઝમેરી અને ગાય આ વાતને હસી કાઢે છે. શું પાગલ જેવી વાત કરે છે. મેનહટન જેવા ધમધમતા વિસ્તારમાં માનવભક્ષીઓ ક્યાંથી આવવાના. બન્ને બિન્દાસ નવા ફ્લેટમાં શિફ્ટ થઈને પોતાના ટેસ્ટ પ્રમાણે આકર્ષક ઈન્ટિરીયર કરાવીને ઘરને મસ્ત ચમકાવી દે છે.
એક દિવસ ટેરી નામની ખુશમિજાજ પાડોશણ સાથે રોઝમેરીની દોસ્તી થાય છે. કમનસીબે ઓળખાણ થઈ એના થોડા જ દિવસોમાં ટેરી ફ્લેટની બારીમાંથી કૂદીને આપઘાત કરી નાખે છે. ટેરી બાજુના ફ્લેટમાં એક વૃદ્ધ દંપતી સાથે રહેતી હતી. રોમન (સિડની બ્લેકમેર) અને મિની (રુથ ગોર્ડન) નામનાં આ સિનિયર સિટીઝન એક દિવસ રોઝમેરી-ગાયને ડિનર માટે આમંત્રણ આપે છે. પાડોશીઓ સાથે સંબંધ રાખવો જોઈએ એમ વિચારી બન્ને એમને ત્યાં જાય છે. વૃદ્ધ કપલ જરા વધારે પડતા પ્રેમાળ અને ઉત્સાહી છે. ખાસ કરીને ડોસીમા. એક દિવસ ગાયને પ્રોડક્શન ટીમમાંથી ફોન આવે છે કે મેઈન હીરો બનનાર એક્ટર ઓચિંતો આંધળો થઈ ગયો છે એટલે એ રોલ હવે તારે કરવાનો છે. ગાય રાજી રાજી થઈ જાય છે. એ એકદમ જ ઘોષણા કરે છે: રોઝમેરી, આપણે બચ્ચું પેદા કરી નાખીએ! રોઝમેરી એમ વિચારીને ખુશ થાય છે કે ચાલો, મારો વર બાપ બનવા માટે રેડી થઈ ગયો. બન્ને જેવા સંવનનમાં મગ્ન થાય છે કે કશોક વિચિત્ર અવાજ આવે છે. એમને થાય છે કે હશે કંઈક. સાંજે પાડોશમાં રહેતા ડોસીમા ડિઝર્ટ જેવી આઈટમ બનાવીને આપી જાય છે. ગાય તો ફટાફટ ખાઈ જાય છે, પણ રોઝમેરીને એનો સ્વાદ કંઈ વિચિત્ર લાગે છે. અડધુંપડધું ખાઈને એ ડિઝર્ટને કચરામાં પધરાવી દે છે. એકદમ જ રોઝમેરીને ચક્કર આવવા લાગે છે. બેહોશીની સ્થિતિમાં એ ભયાવક સપનું જુએ છે. જાણે કે એ કોઈ શિપમાં જઈ રહી છે. એને સંપૂર્ણ નગ્ન હાલતમાં બિસ્તર સાથે બાંધી દેવામાં આવે છે. આજુબાજુ ભેગા થઈ ગયેલા લોકો પણ નિર્વસ્ત્ર છે. કશોક મંત્રોચ્ચાર કરતા કરતા તેઓ રોઝમેરીના શરીર પર લોહીના નિશાન બનાવે છે. દરમિયાન ભયાનક દેખાવ ધરાવતા અર્ધમાનવ જેવું કશુંક આવે છે અને રોઝમેરી પર પાશવી બળાત્કાર કરે છે.
રોઝમેરી જાગી જાય છે. દુ:સ્વપ્ન તો ગાયબ થઈ ગયું, પણ રોઝમેરીના શરીર પર ભેદી નિશાન પડી ગયા છે. ગાય કહે છે કે સોરી રોઝી, તું બેભાન હતી ત્યારે મેં તને ભોગવી હતી. ખેર, આ ભોગવટો સફળ થાય છે. રોઝમેરી ગર્ભવતી બને છે. પતિ-પત્ની ખુશખુશ છે. બાજુમા રહેતાં પેલું વૃદ્ધ દંપતી પણ રાજી થાય છે. ડોસીમા દિવસમાં પાંચ વખત રોઝમેરી પાસે ચક્કર લગાવી જાય, એના હાલચાલ પૂછે, એના માટે વિટામિન ડ્રિન્કસ બનાવી લાવે. માજીના વધારે પડતા અટેન્શનથી રોઝમેરી ક્યારેક અકળાઈ જાય છે, પણ પછી વિચારે કે ભલેને કરે, મારા ભલા માટે જ કરે છેને. રોઝમેરી જેને ક્ધસલ્ટ કરે છે તે ડોક્ટર અબ્રાહમ ન્યુયોર્કના શ્રેષ્ઠ ગાયનેક ગણાય છે. એ કહે છે કે તારી પાડોશી તને જે વિટામિન ડ્રિન્ક્સ આપે છે એ તો પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે ઉત્તમ છે. તું બિન્દાસ પી.
જેમ જેમ મહિના વીતતા જાય છે તેમ તેમ રોઝમેરીની બેચેની વધતી જાય છે. એના ચહેરા પરથી નૂર ઊડી ગયું છે. ક્યારેક સખ્ખત દુખાવો ઉપડે, પણ ડોક્ટર સહિત સૌ કોઈ કહ્યા કરે છે કે ડોન્ટ વરી, પ્રેગનન્સીમાં તો આવું બધું થયા કરે. એક વાર રોઝમેરી ઘરે પાર્ટી રાખે છે ત્યારે બહેનપણીઓને એની હાલત જોઈને ચિંતામાં પડી જાય છે. એ સલાહ આપે છે કે તું ડોક્ટર બદલી નાખ, સેક્ધડ ઓપિનિયન લે. જોકે પતિદેવ આ વાત સાંભળવા બિલકુલ તૈયાર નથી. એક દિવસ એમના પેલો જૂનો મિત્ર હચ મળવા આવે છે. પછી સમાચાર મળે છે કે એેકાએક કોમામાં સરી પડ્યા બાદ હચનું મૃત્યુ થયું છે. હચ રોઝમેરી માટે એક પુસ્તક રાખતો હતો ગયો. પુસ્તકનું નામ છે, ‘ઓલ ઓફ ધેમ વિચીસ’ અર્થાત આ સૌ ડાકણ યા તો મેલી વિદ્યા કરનારા નઠારા માણસો છે. આ સૌ એટલે કોણ? પુસ્તકનાં પાનાં ફરતાં જાય છે તેમ તેમ રોઝમેરીના હોશકોશ ઊડતા જાય છે…
બસ, હવે આગળની વાર્તા નહીં કહીએ. રોઝમેરી અને એના બાળકનું પછી શું થયું? એ કેવા ચક્રવ્યુહમાં ફસાઈ ગઈ હતી? શું ખરેખર એની આસપાસ અસુરી તત્ત્વોમાં માનતા લોકોની જમઘટ થઈ ગઈ હતી? કે પછી આ બધો રોઝમેરીના મનનો વહેમ હતો? આ સવાલોના જવાબ મેળવવા માટે તમારે ડીવીડી પર આખેઆખી ફિલ્મ જોવી પડે.
કથા પહેલાંની અને પછીની
આ સાઈકોલોજિકલ હોરર ફિલ્મ ઈરા લેવિને લખેલી અને ૧૯૬૭માં પ્રકાશિત થયેલી આ જ નામની નવલકથા પર આધારિત છે. જોકે પેરેમાઉન્ટ સ્ટુડિયોના સાહેબોએ પુસ્તક બહાર પડે તે પહેલાં જ એના પ્રૂફ વાંચી લીધા હતા. એટલું જ નહીં, આના પરથી મસ્ત મજાની કમર્શિયલ ફિલ્મ બની શકે એમ છે તેવું લાગતાં લેખિકા પાસેથી એના અધિકારો પણ ખરીદી લીધા. નવલકથાનાં છૂટાં પાનાં પછી ઉત્તમ યુરોપિયન ફિલ્મમેકર તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલા રોમનપોલન્સ્કીને મોકલવામાં આવ્યાં. એમને વાર્તામાં એવો રસ પડ્યો કે આખી રાત જાગીને વાંચી ગયા. ‘રોઝમેરી’ઝ બેબી’ એમની પહેલી અમેરિકન ફિલ્મ. કોઈ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો પણ આ પહેલો અનુભવ.
સ્ક્રિપ્ટ રોમન પોલન્સ્કીએ સ્વયં લખી છે. મૂળ નવલકથાને તેઓ ખાસ્સા વફાદાર રહ્યા છે. કેટલાય સંવાદો પુસ્તકમાંથી સીધી લેવાયા છે. ઈવન ફ્લેટના ઈન્ટીરિયરની કલર સ્કીમ તેમજ પાત્રોનાં કપડાં પણ પુસ્તકના વર્ણન પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યાં હતાં. પુસ્તક હજુ બેસ્ટસેલર બન્યું નહોતું એટલે પોલન્સ્કીની ઈચ્છા હતી કે મેઈન હિરોઈન તરીકે કોઈ જાણીતો ચહેરો લેવો કે જેથી એના નામે ઓડિયન્સ થિયેટર તરફ ખેંચાઈ આવે. જોકે રોઝમેરી તરીકે કાસ્ટિંગ આખરે મિઆ ફેરોનું થયું. એની હજુ સુધી એક જ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમાંય એ મેઈન લીડ નહોતી. જોકે એક હિટ ટીવી સિરિયલ અને પોપ્યુલર સિંગર-એક્ટર ફ્રેન્ક સિનાત્રા સાથે લગ્ન કરવાથી એને સેલિબ્રિટી સ્ટેટસ જરુર મળી ગયું હતું. મિઆએ આ ફિલ્મ સ્વીકારી તે ફ્રેન્ક સિનાત્રાને જરાય ગમ્યું નહોતું. એ નહોતા ઈચ્છતા કે પત્ની એક્ટ્રેસ તરીકેની કરીઅર આગળ ધપાવે. ‘રોઝમેરી’ઝ બેબી’નું શૂટિંગ હજુ ચાલતું હતું તે દરમિયાન સેટ પર જ સિનાત્રાએ મિઆને ડિવોર્સના કાગળિયાં મોકલી આપ્યાં હતાં!
હીરોના પાત્ર માટે રોબર્ટ રેડફોર્ડ (‘ઈન્ડીસન્ટ પ્રપોઝલ’)પહેલી ચોઈસ હતા. જેક નિકોલસન સાથે પણ મિટીંગ થઈ, પણ એમનો દેખાવ જ ‘દુષ્ટ માણસ’ જેવો છે એટલે પોલન્સ્કીએ વાત આગળ ન વધારી (યાદ કરો સ્ટીફન કિંગની નવલકથા પરથી સ્ટેન્લી ક્યુબ્રિકે બનાવેલી અફલાતૂન હોરર ફિલ્મ ‘ધ શાઈનિંગ’માં જેક નિકોલસનનો શેતાની અભિનય). નાયક તરીકે પછી સ્વીટ, નોર્મલ દેખાવ ધરાવતા જોન કેસેવેટ્સને લેવામાં આવ્યા.
‘રોઝમેરી’ઝ બેબી’ રિલીઝ થતાં જ સુપરહિટ થઈ. એટલું જ નહીં, સર્વકાલીન શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાં એનું સ્થાન નિશ્ર્ચિત થઈ ગયું. આ ફિલ્મની મજા એ છે કે એમાં શરુઆતથી જ ઓડિયન્સને કહેતા રહેવામાં આવે છે કે રોઝમેરીની આસપાસ કંઈક રમત રમાઈ રહી છે. ફિલ્મ અડધી ખતમ થાય ત્યાં સુધીમાં આપણને પાક્કી ખાતરી થઈ ચુકી હોય છે કે નક્કી બાજુુના ફ્લેટમાં કોઈક ભેદ છે. ફિલ્મના એન્ડમાં સસ્પેન્સ ખુલે ત્યારે આપણને ધક્કો નથી લાગતો, પણ શૉક લાગે છે કે મારું બેટું જેનો ડર હતો એવું જ નીકળ્યું! આ ફિલ્મની પછી સિક્વલ પણ બની – ‘લૂક વોટ્સ હેપન્ડ ટુ રોઝમેરી’ઝ બેબી’. ઓસ્કર નોમિનેટેડ એડિટર સેમ ઓ’સ્ટીને તે ડિરેક્ટ કરી હતી.
‘રોઝમેરી’ઝ બેબી’ જોજો. તમે એક મિનિટ માટે પણ તમે ચસકી નહીં શકો એ વાતની ગેરંટી.
* * * * *
ફેક્ટ ફાઈલ
ડિરેક્શન – સ્ક્રીનપ્લે : રોમન પોલન્સ્કી
મૂળ નવલકથાકાર : ઈરા લેવિન
કલાકાર : મિઆ ફેરો, જોન કેસવેટર્સ, રુથ ગોર્ડન, સિડની બ્લેકમેર
રિલીઝ ડેટ : ૧૨ જૂન ૧૯૬૮
મહત્ત્વના અવોર્ડઝ : રુથ ગોર્ડનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply