Sun-Temple-Baanner

Titanic – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Titanic – Hollywood 100


હૉલીવુડ હન્ડ્રેડ : ટાઈટેનિક

Mumbai Samachar – Matinee – 20 Sept 2013

હૉલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ચલ દરિયા મેં ડૂબ જાએ…

જગતમાં પ્રેમ જેવું કંઈ છે જ નહીં એવું થવા લાગે ત્યારે ‘ટાઈટેનિક’ જોઈ લેવી. પ્રેમની લાગણીમાં ફરીથી વિશ્ર્વાસ બેસી જશે.

* * * * *

ફિલ્મ ૪૦ : ટાઈટેનિક

જેમ્સ કેમેરોનની ‘ટાઈટેનિક’ ફિલ્મ આપણે સૌએ જોઈ છે. એક કરતાં વધારે વખત જોઈ છે. ફિલ્મનું કથાનક આપણે જાણીએ છીએ એટલે એના વિશે સાવ ટૂકમાં વાત કરી લઈને બીજા મુદ્દા પર આવી જઈએ.

૧૦ એપ્રિલ ૧૯૧૨ની વાત છે. ‘ટાઈટેનિક’ નામનું ભવ્યાતિભવ્ય જહાજની આજે પહેલી સફર છે. આ જહાજનો યુએસપી એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ એ છે કે તે ‘અનસિન્કેબલ’ છે. મતલબ કે તે કોઈ કાળે દરિયામાં ડૂબી ન શકે એવું સૌનું માનવું છે- જહાજ બનાવનારાઓ, એના માલિક સહિત તેમાં સફર કરી રહેલા તમામ ૨૨૧૯ લોકોનું. ડૉક પર પત્તા રમી રહેલો જેક ડૉસન (લિઓનાર્ડો ડિકેપ્રિયો) નામનો ગરીબ યુવાન બાજી જીતી જતાં દોસ્ત સાથે ‘ટાઈટેનિક’માં સફર કરવાનો હકદાર બને છે. જહાર પર જેકનું ધ્યાન રોઝ ડીવિટ (કેટ વિન્સલેટ) પર પડે છે. સત્તર વર્ષની રુપકડી રોઝ સમાજના ઉચ્ચ વર્ગનું ફરજંદ છે, જેણે ફરજિયાત કેલેડન હોકલી (બિલી ઝેન) નામના અતિ ધનાઢ્ય પણ ભારે ઘમંડી અને છીછરા યુવાન સાથે લગ્ન કરી લેવા પડે એમ છે. રોઝને થાય છે કે આવા માણસને પરણીને આખી જિંદગી પીડાવા કરતાં આપઘાત કરીને જીવ ટૂંકાવી દેવો સારો. એ દરિયામાંથી છલાંગ લગાવવાની અણી પર હોય છે ત્યાં જેક એને બચાવી લે છે. પોતાની ફિયોન્સેની બચાવી લેવા બદલ કેલએનો આભાર માને છે અને ઔપચારિકતા ખાતર ડિનર પર આમંત્રણ આપે છે. રોઝ અને કેલ રહ્યાં ફર્સ્ટ-ક્લાસનાં પેસેન્જર્સ. અહીં બધાં અતિ ચાંપલા, અતિ સોફિસ્ટીકેટેડ લોકો છે. જેક ક્ધયાને ગુપચુપ પોતાના થર્ડ-ક્લાસના વિભાગમાં લાવેછે. અહીં શિષ્ટાચારની ઐસીતૈસી કરીને સૌ નાચવા-ગાવામાં ને મજા કરવામાં રમમાણ છે. જિંદગીમાં ક્યારેય ન પડ્યો હોય એટલો જલસો રોઝને આ માહોલમાં પડે છે. જેક અને રોઝનો એકમેક પ્રત્યેનો પ્રેમ ઘૂંટાતો જાય છે. જેક મૂળ આર્ટિસ્ટ છે એટલે રોઝ એની સામે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને પોતાનો ન્યુડ સ્કેચ બનાવડાવે છે, જેકને પોતાનું શરીર પણ સોંપે છે.

સંવનનનો નશો હજુ ઊતર્યો પણ નહોતો ત્યાં ‘ટાઈટેનિક’ એક વિરાટ હિમશીલા સાથે ટકરાઈ જાય છે. ‘ટાઈટેનિક’ માટે થયેલા દાવા પોકળ પૂરવાર થાય છે. થોડી કલાકોમાં જહાજનું ડૂબવું નિશ્ર્ચિત છે. જહાજ પર ભયાનક અંધાધૂંધીનો માહોલ સર્જાય છે, પણ આ ધમાલ વચ્ચેય રોઝ અને જેકના પ્રેમના ઘાંઘા થઈ ગયેલા કેલ પર ભૂત સવાર છે. જહાજ પરની ગણીગાંઠી લાઈફબોટ્સ થોડાક જ મુસાફરો સમાવી શકે તેમ છે. રોઝ સહીસલામત નીકળી જવાને બદલે જહાજના સાવ તળિયે એક કેબિનમાં બાંધી દેવામાં આવેલા જેકનો જીવ બચાવે છે. આખરે ‘ટાઈટેનિક’ વચ્ચેથી ચીરાઈને દરિયામાં જળસમાધિ લઈ લેછે ત્યારે લાકડાના ટુકડા પર રોઝને ચડાવીને જેક પોતાનો જીવનું બલિદાન આપે છે.

કથા પહેલાંની અને પછીની

‘ટાઈટેનિક’ ફિલ્મ એક સિનેમેટિક વંડર છે. ભૂતકાળમાં ‘એલિયન્સ’, ‘અબીઝ’, ‘ટર્મિનેટર’ અને ‘ટ્રુ લાઈઝ’ જેવી સુપરડુપર હિટ ફિલ્મો આપનાર જેમ્સ કેમરોન આ તમામ કરતાં ચાર ચાસણી ચડી જાય તેવી ‘ટાઈટેનિક’ જેવી માસ્ટરપીસ ફિલ્મ આપશે એવું કદાચ હોલીવૂડે પણ કલ્પ્યું નહોતું. હીરોના રોલ માટે એમણે ઘણા એસ્ટાબ્લિશ્ડ એક્ટરોનું ઓડિશન લીધું હતું, ઈવન ટોમ ક્રુઝને આ રોલમાં એમાં રસ પડેલો, પણ આ બધા ઉંમરમાં મોટા પડતા હતા. આખરે બાવીસ વર્ષના લિઓનાર્ડો દકેપ્રિયોની વરણી કરવામાં આવી ને એની લાઈફ બની ગઈ. નાયિકા રોઝની ભુમિકા માટે જેમ્સ કેમેરોને ઓડ્રી હેપબર્ન (‘રોમન હોલીડે’, ‘માય ફેર લેડી’) ટાઈપની એક્ટ્રેસ જોઈતી હતી. ગીનીથ પેલ્ટ્રો સહિતની ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ કશાક કારણસર કોઈએ ફિલ્મ સ્વીકારી નહીં. કેટ વિન્સલેટ નામની બાવીસ વર્ષની બ્રિટિશ એક્ટ્રેસને જોકે આ રોલમાં બહુ રસ પડી ગયો હતો. એ જેમ્સ કેમરોનની રીતસર પાછળ પડી ગઈ હતી. ઈંગ્લેન્ડમાં બેઠી બેઠી એ ડિરેક્ટરને ફોન પર ફોન કર્યા કરે, એકધારા કાગળો લખે, ફુલોના બુકે મોકલતી રહે. આખરે અમેરિકા તેડાવીને એનું ઓડિશન લેવામાં આવ્યું. જેમ્સ કેમેરોનને એનું પર્ફોર્મન્સ ગમ્યું તો ખરું,પણ તેઓ હજુ અવઢવમાં હતાં. એક વાર લિઓનાર્ડો સાથે એની સહિયારી સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવી. લિઓનાર્ડોના અભિનયથી કેટ એટલી પ્રભાવિત થઈ કે એણે જેમ્સ કેમેરોનને કહ્યું: ‘સર, ગજબનો છે આ છોકરો. તમે મને હિરોઈન તરીકે લો કે ન લો, પણ આ છોકરાને હીરો તરીકે જરુર લેજો!’ જેમ્સ કેમરોને લિઓનાર્ડો અને કેટ વિન્સલેટ બન્નેને લીધાં.

વિખ્યાત ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટની વાત બિલકુલ સાચી છે કે, ‘ટાઈટેનિક’ પ્રકારની ફિલ્મ ઉત્તમ રીતે બનાવવાનું કામ માત્ર કઠિન નહીં, પણ લગભગ અશક્ય કહેવાય એવું છે. એનાં ટેક્નિકલ પાસાં જ એટલાં કોમ્પ્લીકેટેડ છે કે તમને થાય કે ફિલ્મમેકર એ બધી કડાકૂટની વચ્ચે લવસ્ટોરીને અને ઐતિહાસિક તથ્યોને કેવી રીતે ન્યાય આપશે? અગાઉ ટાઈટેનિક જહાજની દુર્ઘટના પર બારથી તેર ફિલ્મો ઓલરેડી બની ચૂકી હતી. ડિરેક્ટર જેમ્સ કેમરોનનને એવી ફિલ્મ બનાવવી હતી કે જેમાં ઐતિહાસિક તથ્યો અકબંધ રહે અને સાથે સાથે ઓડિયન્સને ઈમોશનલ લેવલ પર પણ સ્પર્શી શકાય.

કેમરોને અગાઉ એટલાન્ટિક સમુદ્રના તળિયે પડેલા અસલી ટાઈટેનિકના ભંગારનું પુષ્કળ શૂટિંગ કરીને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. આ ડોક્યુમેન્ટી બનાવતી વખતે જ એમને ટાઈટેનિક જહાજમાં આકાર લેતી લવસ્ટોરી બનાવવાનો આઈડિયા આવ્યો હતો. બેઝિક રિસર્ચ તો ડોક્યુમેન્ટરી બનાવતી વખતે જ થઈ ગયું હતું. હવે વિગતોમાં ઓર ઊંડા ઊતરવાનું હતું. કેમરોનને એવું કશું જ સ્ક્રીનપ્લેમાં નહોતું લખવું જે અસલી ટાઈટેનિક જહાજ પર સંભવ ન હોય. ઉદાહરણ તરીકે, રોઝ અને જેકનાં પાત્રો ભલે કાલ્પનિક છે, પણ જહાજના ભંડકિયામાં જે કારની પાછલી સીટ પર તેઓ સંવનન કરે છે તે કાર ખરેખર અસલી ટાઈટેનિક જહાજમાં અસ્તિત્ત્વ ધરાવતી હતી (૩૫ હોર્સપાવરની ટુરિંગ કાર, ૧૯૧૧નું મોડલ, હોલ્ડ નંબર ટુ). કોઈ વિલિયમ સી. કાર્ટર નામના પ્રવાસીની એ ગાડી હતી. ૩૫૦૦ ડોલરમાં એનો વિમો ઉતરાવવામાં આવ્યો હતો. અસલી ટાઈટેનિક ડૂબી ત્યારે જે થોડાઘણા ભાગ્યશાળી લોકો બચી ગયા એમાં આ વિલિયમ સી. કાર્ટર પણ હતા. તેમને વિમાના પૈસા પણ મળી ગયા હતા. આ કારનો અવશેષો હજુયસમુદ્રના તળિયે ટાઈટેનિકના ભંગારમાં અટવાયેલો પડ્યા છે.

હવે એક સ્ટીલના એક વિરાટ સ્ટ્રક્ચર પર જહાજનો તોસ્તાનછાપ સેટ બનાવવાનો હતો જેને પાણીમાં ઉપર-નીચે કરી શકાય. પાણી ક્યાં છે? તો કહે, વિશાળ હોજમાં. ક્યા હોજમાં? હોજ તૈયાર નથી, તે પણ બનાવવાનો છે. આ બધું ક્યાં બનાવવાનું છે? સ્ટુડિયોમાં. પણ હોલીવૂડમાં તે વખતે એવો એક પણ સ્ટુડિયો નહોતો જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ હોય. તો? બનાવો સ્ટુડિયો! પાંચ સાઉન્ડ સ્ટેજવાળો એક અલાયદો સ્ટુડિયો ખાસ ‘ટાઈટેનિક’ માટે ઊભો કરવામાં આવ્યો. સિનેમાના ઈતિહાસમાં શૂટિંગ માટે પાણીની આટલો વિરાટ હોજ ક્યારેય બાંધવામાં નહોતો આવ્યો. ગિનેસ બુકે રીતસર એની નોંધ લીધી છે.

જૂન ૧૯૯૬માં ટ્વેન્ટીએથ સેન્ચુરી સ્ટુડિયોએ ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવવા માટે લીલી ઝંડી દેખાડી. જુલાઈ ૧૯૯૭માં ફિલ્મ રિલીઝ કરી દેવાની હતી. મતલબ કે વચ્ચેના બાર મહિનામાં શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન પૂરું કરી નાખવાનું હતું. માર્ચ ૧૯૯૭માં સહિત સૌને સમજાઈ ગયું કે બોસ, આપણે શેડ્યુલ કરતાં ક્યાંય પાછળ છીએ. જુલાઈમાં કોઈ કાળે ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે. કેમેરોને કહ્યું: ડેટ પાછળ ઠેલો. આપણે જુલાઈને બદલે ક્રિસમસમાં ફિલ્મ રિલીઝ કરીશું! ફિલ્મ ચાર-પાંચ મહિના પાછળ ઠેલવાનો મતલબ એ થયો કે ૧૩૦ મિલિયનના મૂળ બજેટમાં ફિલ્મ નહીં જ બને. બજેટનો નવો આંકડો મૂકાયો – ૨૦૦ મિલિયન ડોલર્સ! સ્ટુડિયોના માલિકોએ સમજાઈ લીધું કે આટલી મોંઘીદાટ ફિલ્મ કોઈ કાળે પ્રોફિટ નહીં કરી શકે! તેઓ કેમરોનને કહેવા માંડ્યા: ભાઈ, કરકસર કરવી પડશે. પૈસા બચાવવા પડશે. એટલે સ્ક્રિપ્ટમાંથી આ કાઢી નાખો, પેલું કાઢી નાખો. કેમરોને કહ્યું: ‘જો હું ફલાણું કાઢીશ તો ઢીંકણું પણ કાઢવું પડશે અને ઢીંકણું કાઢીશ તો આ-આ-આ પણ કાઢી નાખવું પડશે કારણ કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. એના કરતાં જે છે એમ રહેવા દો.’ પ્રોજેક્ટ પાસ થાય તે માટે કેમરોને શરુઆતથી જ ડિરેક્ટર તરીકેની પોતાની ફી અડધી કરી નાખી હતી. બજેટ વધતું ગયું એટલે કેમરોને કહ્યુ: તમે મને હવે અડધી ફી પણ ન આપતા. જો તમને કમાણી થાય તો અને તો જ થોડાઘણા પૈસા આપજો, નહીં તો નહીં! મતલબ કે ધારો કે ફિલ્મ ન ચાલી તો કેમરોનની ત્રણ વર્ષની મહેનત બદલ ફદિયું પણ ન મળે!

ફિલ્મ બની. જે રીતે બનાવવી હતી તે રીતે જ બની…અને એટલી અદભુત બની કે દુનિયાભરના દર્શકો અભિભૂત થઈ ગયા. સવા ત્રણ કલાકની આ ફિલ્મમાં જહાજ તૂટવાના અને ડૂબવાના ગજબનાક કમ્પ્યુટર-જનરેટેડ દશ્યો હતાં જ, પણ કંઈ એને કારણે ફિલ્મની સુપરડુપર સફળતા મળી નથી. ફિલ્મની સફળ થઈ એની ટકોરાબંધ સ્ક્રીપ્ટ, નાનામોટાં તમામ પાત્રોનાં સુરેખ આલેખન અને ખાસ તો કદી ન ભુલી શકાય તેવી લવસ્ટોરી અને ફિલ્મના ઓવરઓલ ઈમોશનલ પંચને કારણે. છેલ્લે જેકની લાશ પાણીમાં ડૂબી જાય છે ત્યારે અને બીજાં કેટલાંય દશ્યોમાં દર્શકની આંખોમાંથી આંસુ છલકાઈ ઊઠતાં. સેલિન ડિઓનનું ‘માય હાર્ટ વિલ ગો ઓન’ગીત પણ કેટલું અદભુત. ‘ટાઈટેનિકે’ બોક્સઓફિસને ધ્રુજાવી દીધી. ૨૦૦ મિલિયનમાં બનેલી આ ફિલ્મે ૨૧૮૫ મિલિયન એટલે કે આજના હિસાબે ૧૩૮ અબજ રુપિયાની અધધધ કમાણી કરીને સિનેમાના ઈતિહાસની સૌથી સફળ તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું. ૧૧ ઓસ્કર સહિત દુનિયાભરના અવોર્ડઝનો વરસાદ વરસી ગયો.

જગતમાં પ્રેમ જેવું કંઈ છે જ નહીં એવું થવા લાગે ત્યારે ‘ટાઈટેનિક’ જોવી લેવી. પ્રેમની લાગણીમાં તમારો વિશ્ર્વાસ ફરી બેસી જશે. o o o

‘ટાઈટેનિક’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર-લેખક: જેમ્સ કેમરોન

કલાકાર: લિઓનાર્ડો દકેપ્રિયો, કેટ વિન્સલેટ

રિલીઝ ડેટ : ૧૯ ડિસેમ્બર ૧૯૯૭

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, આર્ટ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફી, કોસ્ચ્યુમ ડિઝાઈન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, એડિટિંગ, મ્યુઝિક, સોંગ, સાઉન્ડ અને સાઉન્ડ એડિટિંગના ઓસ્કર અવોર્ડઝ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.