હૉલીવૂડ હન્ડ્રેડ : ‘બ્લ્યુ’-‘વ્હાઈટ’-‘રૅડ’
Mumbai Samachar – Matinee – 25 Oct 2013
હૉલીવૂડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
ઝિંદગી કે રંગ કઈ રે…
ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કીની ફિલ્મો પ્રમાણમાં ‘અઘરી’ ખરી, પણ આ માસ્ટર ફિલ્મમેકરે દુનિયાના સૌથી પ્રભાવશાળી ફિલ્મમેકર્સમાંના એક ગણાય છે. એમની ‘બ્લ્યુ’, ‘વ્હાઈટ’ અને ‘રૅડ’ ટ્રાયોલોજીમાં જીવન, મૃત્યુ, સંબંધો, પીડા અને પ્રેમની લાગણીના કેટલાય શેડ્ઝ ઝીલાયા છે.
* * * * *
૪૫ : ‘બ્લ્યુ’-‘વ્હાઈટ’-‘રૅડ’
આજે એક નહીં, પણ ત્રણ ફિલ્મોની કરવાની છે. ‘બ્લુ’, ‘વ્હાઈટ’ અને ‘રેડ’ ત્રણેય અલગ ફિલ્મો છે, પણ તે સાથે મળીને એક ટ્રાયોલોજી બનાવે છે. એક વર્ષના ગાળામાં ક્રમબદ્ધ રિલીઝ થયેલી આ ત્રણેય ફિલ્મોને એકસાથે યાદ કરાય છે. ટ્રાયોલોજી બનાવનાર ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કી (૧૯૪૧-૧૯૯૬) વિશ્ર્વસિનેમાનું બહુ મોટું નામ છે. આ પોલિશ ફિલ્મમેકરનાં નામનો સ્પેલિંગ ચક્કર આવી જાય તેવો છે – krzysztof kieslowski! ફિલ્મોની મુખ્ય ભાષા ફ્રેન્ચ છે. એમાં પોલિશ લેંગવેજનો પણ સારો એવો ઉપયોગ થયો છે. ફ્રાન્સના રાષ્ટધ્વજમાં બ્લુ, સફેદ અને લાલ રંગના પટ્ટા છે. બ્લુ આઝાદીનું પ્રતીક છે, સફેદ સમાનતાનું પ્રતીક છે અને લાલ રંગનો સંબંધ ભાઈચારાની લાગણી સાથે છે. આ ત્રણેય તત્ત્વો જે-તે ટાઈટલ ધરાવતી ફિલ્મોનો કેન્દ્રીય ભાવ છે. કિસ્લોવ્સ્કીએ જોકે પછી એક ઈન્ટરવ્યુમાં મજાકમાં કહેલું: ‘ફિલ્મો બનાવવામાં ફ્રાન્સનું નાણું વપરાયું હતું એટલે મેં બ્લુ-વ્હાઈટ-રેડ નામ આપ્યાં. જો બીજા કોઈ દેશનો પૈસો લાગ્યો હોત તો ફિલ્મો તો આ જ રહેત, ફક્ત ટાઈટલના કલર બદલી ગયા હોત!’
ફિલ્મોમાં શું છે?
‘બ્લુ’ વિશે વિગતે વાત કરીએ. બ્લુ એટલે આઝાદી. અહીં રાજકીય આઝાદીની નહીં, પણ લાગણીના સ્તરે મુકત થવાની કોશિશની વાત થઈ છે. ફિલ્મની શરુઆતમાં જ પેરિસમાં રહેતા એક વિખ્યાત સંગીતકાર અને તેની નાનકડી દીકરીનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે. પત્ની જુલી (જુલિએટ બિનોશ) પણ કારમાં સાથે હતી, પણ તે બચી જાય છે. એક ઝાટકામાં આખો પરિવાર વીંખાઈ જાય ત્યારે સામાન્ય સંજોગોમાં સ્ત્રી ફાટી પડે, રડી રડીને અધમૂઈ થઈ જાય, પણ જુલીને જાણે ઈમોશિનલ પેરેલિસિસ થઈ ગયો છે. તે રડી શકતી નથી. એની આંખોમાંથી એક આંસુ પણ ટપકતું નથી. હોસ્પિટલમાં એ ખૂબ બધી ગોળીઓ ગળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી જુએ છે, પણ એમાંય નિષ્ફળ જાય છે.
હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યા પછી એ ઓલિવિયર (બેનોટ રિજન્ટ) નામના ફેમિલી ફ્રેન્ડને ફોન કરીને ઘરે બોલાવે છે. ઓલિવિયર પણ સંગીતકાર છે, એક સમયે પતિનો સહાયક રહી ચુક્યો છે. જુલી જાણે છે કે એ મનોમન એને પ્રેમ કરે છે. તે ઓલિવિયરને ઘરે પૂછે છે: તું મને ખરેખર પ્રેમ કરે છે? પેલો હા પાડે છે. જુલી એની સાથે શરીરસંબંધ બાંધે છે. કદાચ જુલી એ જોવા માગે છે કે સેક્સથી એની થીજેલી લાગણીઓમાં કોઈ સ્પંદન જાગે છે કે કેમ. જુલીને જવાબ મળી જાય છે: સેક્સનું શસ્ત્ર પણ એના માટે હવે નકામું થઈ ગયું છે. તે મોટી હવેલી જેવું ઘર છોડીને કોઈને કશી જાણ કર્યા વગર પેરિસની અજાણી ગલીમાં ઘર ભાડે રાખીને એકલી રહેવા લાગે છે. પતિ એક મહત્ત્વની કોન્સર્ટ માટે સંગીત તૈયાર કરી રહ્યો હતો તેની નોંધો પણ તે ફાડી નાખે છે. આ સંગીત તૈયાર કરવામાં જુલીએ પોતે પણ ઘણો ફાળો આપ્યો હતો. એ તમામ સંંબંધોના જાળાંમાંથી અને અતીતની યાદોમાંથી મુક્ત થવા માગે છે. ભૂતકાળની એક જ યાદ એણે પોતાની પાસે રાખી છે- એક બ્લુ મણકાવાળું ઝુમ્મર, જે કદાચ એની દીકરીને બહુ પ્રિય હતું.
જુલી જે બિલ્ડિંગમાં રહે છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર લ્યુસીલ (શાર્લોટ વેરી) નામની એક ચંચળ યુવતી રહે છે. તે કોલગર્લ છે, જે ક્યારેય પેન્ટી પહેરતી નથી. કોઈ ભમરાળી નાઈટક્લબમાં એ સ્ટ્રિપર તરીકે કામ કરે છે. બિલ્ડિંગવાળા એને કાઢી મૂકવા માગે છે અને તે માટે તમામ રહેવાસીઓની સહી જરુરી છે. જુલી કહે છે: મને એ છોકરી સાથે કશી લેવાદેવા નથી, હું સહી નહીં કરું. પછી લ્યુસીલ સાથે એની દોસ્તી થાય છે. જુલી એકવાર પોતાની મા (ઈમેન્યુએલ રિવા)ને મળવા વૃદ્ધાશ્રમ જાય છે. માને અલ્ઝાઈરની બીમારી હોવાથી જુલીને ઓળખી શકતી નથી. જુલીના સ્ટોરરુમમાં ઊંદરડી પાંચસાત બચ્ચાં જણે છે. ઝીણાં ઝીણાં રમકડાં જેવાં માસૂમ બચ્ચાં. ઊંડરડીને પોતાનાં બચ્ચાં સાથે ગેલ કરતાં જોઈને જુલીનું પથ્થર થઈ ગયેલું હૃદય દ્રવી ઉઠવું જોઈતું હતુંં. એને બદલે એ પાડોશીનો પાલતુ બિલાડો એમના પર છોડી મૂકે છે. લાગણીના સ્તરે તે કેટલી હદે કુંઠિત થઈ ચુકી હતી એનું આ ઉદાહરણ છે.
એક વાર ટીવી પર ન્યુઝમાં જુલી જુએ છે કે પોતાના પતિના અધૂરાં રહી ગયેલાં કમ્પોઝિશન પૂરાં કરવાનું બીડું ઓલિવિયરે ઝડપ્યું છે. જુલીને એ પણ ખબર પડે છે કે પતિને સેન્ડ્રીન (ફ્લોરેન્સ પરનેલ)નામની એક રખાત હતી. જુલી એને શોધી કાઢે છે. સેન્ડ્રીન સઘળું કબૂલી લે છે. તેના પેટમાં પતિનું બાળક છે. જુલી પોતાનું ભવ્ય ઘર સેન્ડ્રીનને આપી દે છે. જુલીને કદાચ ધીમે ધીમે એક વાત સમજાઈ રહી છે કે ભૂતકાળથી ભાગી શકવું શક્ય નથી. સંબંધોથી છેડો ફાડી શકાતો નથી. એ ઓલિવિયર સાથે પુન: નિકટતા સ્થાપે છે. પતિના કમ્પોઝિશન પૂરાં કરવાનાં કામમાં હાથ બટાવવાનું શરુ કરે છે. એક દિવસ ઓલિવિયર એને કહે છે: તારી પાસે બે જ વિકલ્પ છે. કાં તો તું મને એકલાને જેવું આવડે એવું કામ કરવા દે અથવા તારા હસબન્ડના સંગીતમાં તારો હંમેશા મોટો હાથ રહ્યો હતો તે દુનિયાને જણાવા દે. જુલી સહમત થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય છે. છેલ્લાં દશ્યમાં એની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં દેખાય છે.
‘વ્હાઈટ’ ફિલ્મનો પ્રારંભ એક પોલિશ યુવાન અને ફ્રેન્ચ યુવતીના ડિવોર્સ કેસથી થાય છે. યુવતીએ બધું જ હડપી લીધું છે- એમનું જોઈન્ટ સલૂન, ઘર, બેન્ક બેલેન્સ બધું જ. યુવાન રીતસર રસ્તા પર આવી ગયો છે. કોઈક રીતે એ પોતાના પોલેન્ડના વતનમાં પહોંચે છે. આડાટેઢા રસ્તે ખૂબ બધા પૈસા કમાય છે અને અંતે ચાલાકીથી પોતાની એક્સ-વાઈફને પોતાના જ ખૂનકેસમાં ફસાવીને બદલો લે છે. ‘રેડ’માં એક યુવતી અને રિટાયર્ડ જજની કથા છે. બીજાં પાત્રો પણ છે. આ બધાં વચ્ચે કોમન કહેવાય એવું બહુ ઓછું છે, છતાંય તેઓ એક યા તો બીજા તાંતણે પરસ્પર જોડાયેલાં છે.
કથા પહેલાંની અને પછીની
કિસ્લોવ્સ્કીએ ઘોષિત કર્યું હતું કે આ ટ્રિલોજી બનાવીને હું નિવૃત્ત થઈ જઈશ. એવું જ થયું. ‘રેડ’ રિલીઝ થઈ એના બે વર્ષ પછી ફક્ત પ૬ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. અગાઉ તેમણે એક-એક કલાકની દસ ફિલ્મો બનાવી હતી. સંયુક્તપણે આ શૃંખલાને ‘ડેકાલોગ’ તરીખે ઓળખાઈ (ડેકા એટલે દસ). ટેન કમાન્ડમેન્ટ્સના પ્રત્યેક કમાન્ડમેન્ટ પર એક-એક ફિલ્મ. તેની પ્રશંસા ઘણી થઈ, પણ કિસ્લોવ્સ્કીને વિશ્ર્વસ્તરે સ્વીકૃતિ આ ટ્રિલોજીએ અપાવી.
કિસ્લોસ્વસ્કી માત્ર ડિરેક્ટર નથી, પોતાની ફિલ્મોના લેખક પણ છે. એમનો નામેરી એક સાથી લેખક હતો, જેને પેન-પેપર કે કમ્પ્યુટર પર લખવાનું ન ફાવતું. એ વાતો કરી શકે, ઊંડી ચર્ચાઓ કરી શકે. બન્ને કિસ્લોવ્સ્કીઓ ભેગા થઈને ખૂબ ડિસ્કસ કરે ને પછી ડિરેક્ટરસાહેબ એને કાગળ પર ઉતારે. કિસ્લોવ્સ્કી એમની ફિલ્મોમાં બધું પ્રગટપણે કહેતા નથી. અમુક વસ્તુઓ ઓડિયન્સપર છોડી દે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહેલું કે, ‘મારું કામ ફિલ્મો બનાવવાનું છે. મેં જે કંઈ બનાવ્યું છે તેમાંથી કોઈ વિશેષ અર્થ નીકળે છે કે નહીં તે શોધી કાઢવાનું કામ તમારું (એટલે કે ઓડિયન્સનું) છે. મારા માટે દર્શકોનાં અર્થઘટનો બહુ જ મહત્ત્વનાં હોય છે. ઘણી વાર એવું બને કે હું જે કંઈ કહેવા માગતો હોઉં તેના કરતાં કંઈક જુદું જ તેમણે તારવ્યું હોય. હું હું ફિલ્મ લખતો હોઉં, શૂટ કરતો હોઉં કે એડિટ કરતો હોઉં ત્યારે સતત સભાન હોઉં છું કે ઓડિયન્સ કઈ જગ્યાએ રડવાની કે હસવાની કે સરપ્રાઈઝ થવાની અપેક્ષા રાખશે. હું એને એકદમ ધાર સુધી લઈ જઈશ અને પછી અપેક્ષા કરતાં તદ્ન વિપરિત જ કરીશ! મારા ઓડિયન્સ સાથે આ રીતે હું સતત રમત રમતો હોઉં છું.
ધાર્યા કરતાં વિપરીત બનવું આ ટ્રિલોજીમાં કોમન છે. ટ્રિલોજી માટે એક સરસ વાત કહેવાઈ છે કે ‘બ્લુ’ એન્ટી-ટ્રેજેડી છે, ‘વ્હાઈટ’એન્ટી-કોમેડી છે અને ‘રેડ’ એન્ટી-રોમાન્સ છે. ‘બ્લુ’માં સંવાદો બહુ જ ઓછા, જરુર પૂરતાં જ છે. કિસ્લોવ્સ્કી વાર્તાને આગળ વધારવામાં વિઝ્યુઅલ્સનો મહત્તમ સહારો લે છે. સ્ક્રીન પર બ્લુ રંગનું પ્રભુત્વ રહે તે માટે કેટલાંક દષ્યોમાં બ્લુ ફિલ્ટર અને બ્લુ લાઈટિંગ વપરાયાં છે. સ્ક્રીન પર દેખાતી વસ્તુઓનો રંગ પણ બ્લુ છે. એ જ પ્રમાણે ‘વ્હાઈટ’માં પોલેન્ડની બર્ફીલી સફેદી છવાયેલી છે. જોકે ‘વ્હાઈટ’નાં વિઝ્યુઅલ્સ ‘બ્લુ’ જેટલાં પાવરફુલ નથી. કિસ્લોવ્સ્કીની ફિલ્મો ટિપિકલ અર્થમાં મનોરંજક નથી હોતી. વાર્તા બહુ જ ધીમે ધીમે આગળ વધે. દર્શકે ધીરજ રાખવી પડે. હોલિવૂડની રેગ્યુલર બ્લોકબસ્ટર ફિલ્મો યા તો જોવામાં સહેજ પણ કષ્ટ ન પડે એવી ફિલ્મોમાં જ રસ પડતો હોય તેમને કિસ્લોવ્સ્કીની કૃતિઓમાં મજા નહીં આવે. સિનેમાને ગંભીર કળાસ્વરુપ તરીકે જોનારાઓને અન્ય માસ્ટર્સની માફક કિસ્લોવ્સ્કીનાં કામને માણવાની અને તેનો અભ્યાસ કરવાની મોજ પડશે. 0‘બ્લ્યુ-વ્હાઈટ-રૅડ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્શન : ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કી
લેખક : ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કી, ક્રિઝ્ટોફ પીસીવિક્ઝ
ભાષા : ફ્રેન્ચ, પોલિશ
કલાકાર : જુલિયેટ બિનોશ, બેનોટ રિજન્ટ, ફ્લોરેન્સ પરનેલ, જુલી ડિલ્પી, બિગન્યુ ઝેમચોવ્સ્કી, આઈરેન જેકોબ, જ્યોં-લુઈ ટ્રિન્ટીગ્રાન્ટ
રિલીઝ ડેટ : અનુક્રમે ૮ સપ્ટેમ્બર ૧૯૯૩, ૨૬ જાન્યુઆરી ૧૯૯૪, ૮ સપ્ટેમ્બર ૧૯૯૪
મહત્ત્વના અવોર્ડઝ: જુલિયેટ બિનોશને ‘બ્લુ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ, ‘રેડ’ માટે બેસ્ટ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્ક્રીનપ્લેનાં ઓસ્કર નોમિનેશન્સ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply