Hollywood 100 : માય લેફ્ટ ફૂટ
Mumbai Samachar – Matinee Purti – 4 Oct 2013
હૉલીવુડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
સેરીબ્રલ પાલ્સી નામના ભયાનક રોગથી ગ્રસ્ત એવા સંપૂર્ણ અપંગ છતાંય આશ્ર્ચર્ય થાય એટલી હદે ઝિંદાદિલ આદમીની આ સત્યકથા છે. હતાશા અનુભવતા હો ત્યારે આ ફિલ્મ જોઈ લેવાથી તમારું કોન્ફિડન્સ લેવલ પાછું ઊંચકાઈ જશે એ વાતની ગેરંટી.
કદમ કદમ બઢાયે જા…
* * * * *
ફિલ્મ ૪૨ – માય લેફ્ટ ફૂટ
વ્હીલચેર પર ખડકાયેલો એક માનવદેહ. ચહેરો વિકૃત રીતે ખેંચાયેલો, તણાયેલો. જીભમાંથી શબ્દો નહીં પણ અસ્પષ્ટ સૂસવાટા નીકળે છે. આંખો, ગરદન અત્યંત કષ્ટપૂર્વક માંડ માંડ ઘુમે છે. શરીર સહેજ પણ કહ્યામાં નથી. માત્ર દિમાગ સાબૂત છે અને દેહનું એક જ અંગ છે એવું છે જે મનનો આદેશ માને છે – ડાબો પગ. આખો અચેતન દેહ નિષ્ક્રિયતામાં બંદીવાન હોય ત્યારે એકલા ડાબા પગથી માણસ શું કરી શકવાનો? ‘માય લેફ્ટ ફૂટ’ નામની આ અદભુત ફિલ્મ જોયા પછી સવાલ ઉઠે છે કે માણસ ધારે તો શું ન કરી શકે. બસ, પ્રચંડ મનોબળ અને દઢ ઈચ્છાશક્તિ જોઈએ. સેરીબ્રલ પાલ્સી નામના ભયાનક રોગથી ગ્રસ્ત એવા ઝિંદાાદિલ આદમીની આ સત્યકથા આપણને ચકિત કરી મૂકે છે.
ફિલ્મમાં શું છે?
વાત આયરલેન્ડની છે. એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવાર છે. ગરીબ જ કહોને. ઘરનો પુરુષ મજૂરી કરીને થોડુંઘણું કમાય છે. કમાનારો એક ને ખાનારા અનેક. માનો યા ન માનો પણ એની સ્ત્રીએ એક-એક કરતાં બાવીસ બચ્ચાં જણ્યાં છે. એમાંથી જોકે તેર જ જીવતાં રહ્યાં. આ તેરમાંનો એક એટલે ક્રિસ્ટી બ્રાઉન (બાળકલાકાર હ્યુ ઓ કોનોર). એ સ્પાસ્ટિક છે. સેરેબ્રલ પાલ્સી નામની ખતરનાક બીમારીને કારણે એના ભાગ્યમાં આજીવન અપંગ રહેવાનું લખાયું છે. એનો દેખાવ જોઈને અજાણ્યાઓને એવું લાગે કે એ માત્ર અપંગ નથી, પાગલ પણ છે. હકીકતમાં ક્રિસ્ટીનું દિમાગ નોર્મલ છે, બલકે વધારે પડતું સક્રિય છે. અભણ પિતા આ છોકરા પર કાયમ ગિન્નાયા કરે, પણ મા બ્રિજેટ (બ્રેન્ડા ફ્રિકર)ને એ બહુ વહાલો છે. કહે છેને કે માને નબળાં સંતાન પર આમેય સૌથી વધારે મમતા હોય. ભાઈબહેનોને અને પાડોશના બચ્ચાંઓને પણ ક્રિસ્ટી માટે ખૂબ પ્રેમ છે. એયને ક્રિસ્ટીને લોખંડની પૈડાંવાળી ઠેલણગાડીમાં બેસાડીને તેઓ હો-હો ને દેકારો કરતાં કરતાં સડકો પર એને ઘુમાવતા રહે છે. એને ફૂટબોલ રમાડે ત્યારે ક્રિસ્ટી પોતાના માથાંથી બોલ પણ રોકે ને ડાબા પગથી ગોલ પણ કરે.
એક વાર ઘરમાં દસેક વર્ષનો ક્રિસ્ટી અને મા બે જ હતાં. અચાનક માને હાર્ટએટકે આવે છે. ક્રિસ્ટી ગમે તેમ કરીને પોતાની ખુરસી પરથી શરીરને નીચે ફેંકે છે. જાણે કોઈ નિર્જીવ વસ્તુ દાદરા પરથી દદડતી હોય એમ ધડ-ધડ-ધડ કરતો સરકતો, અથડાતો-કૂટાતો નીચે આવે છે અને બારણા સાથે જોરજોરથી માથું અફળાવવા માંડે છે. અવાજો સાંભળીને માંડ કોઈ પાડોશીનું ધ્યાન જાય છે ને માતાનો જીવ બચાવે છે. એક વાર ક્રિસ્ટી ડાબા પગના અંગૂઠા અને આંગળી વચ્ચે ચોક ફસાવીને ફર્શ પર ત્રિકોણ જેવું કશુંક બનાવે છે. સૌને એમ કે કરતો હશે કંઈક ચિતરામણ. પછી ખબર પડે છે કે ક્રિસ્ટીએ ‘એ’ બનાવ્યો છે. ક્રિસ્ટી ડાબા પગથી જે પહેલો શબ્દ લખે છે, તે છે ‘મધર’. પિતાને પહેલી વાર ક્રિસ્ટીને રસ પડે છે. ક્રિસ્ટી પેઈન્ટિંગનો શોખ કેળવે છે. ડાબા પગની અંગૂઠાથી પીંછી પકડીને એ ધીમે ધીમે સરસ ચિત્રકામ કરવા લાગે છે.
વર્ષો વીતે છે. ક્રિસ્ટી જુવાન થાય છે (ડેનિયલ ડે-લેવિસ). કોઈ પણ યુવાન આદમી જેવી ઝંખનાઓ ક્રિસ્ટીનાં મનમાં પણ જાગે છે, પણ જોબનવંતી છોકરીઓને ક્રિસ્ટી જેવો અપંગ શા માટે ગમે? એક વખત ક્રિસ્ટી એક મનગમતી ક્ધયા માટે સુંદર કાર્ડ બનાવે છે. એમાં સરસ પેઈન્ટિંગ કરી ક્ધયા પ્રત્યેની લાગણી શબ્દોમાં લખીને વ્યક્ત કરે છે. ક્ધયા કાર્ડ પાછું આપી દે છે: સોરી, હું આ સ્વીકારી શકું એમ નથી. એક વખત ખાસ સ્પાસ્ટિક લોકોની સંસ્થામાં કામ કરતી ડોક્ટર આઈલીન કોલ (ફિઓના શો) સાથે એની મુલાકાત થાય છે. ક્રિસ્ટી સંસ્થામાં જાય તો છે, પણ ત્યાં નાનાંનાનાં સ્પાસ્ટિક બાળકોની બહુમતી હોવાથી એને મજા આવતી નથી. આઈલીન ખાસ ઘરે આવીને એને સ્પીચ થેરાપી આપવાનું શરુ કરે છે. નિયમિત એક્સરસાઈઝને કારણે ક્રિસ્ટીના ઉચ્ચારો સ્પષ્ટ બનતા જાય છે. આઈલીન એક પ્રતિષ્ઠિત આર્ટગેલેરીમાં ક્રિસ્ટીના પેઈન્ંિટગ્સનું એક્ઝિબિશન ગોઠવે છે. આ ચિત્રોનાં વેચાણમાંથી ક્રિસ્ટી એટલાં પાઉન્ડ્સ કમાય છે જેટલા એના પિતાજી આખું વર્ષ મજૂરી કર્યા પછી પણ કમાઈ શકતા નથી. આઈલીન ક્રિસ્ટી સામે એક નવી જ દુનિયા ઉઘાડી આપે છે. ક્રિસ્ટી એને મનોમન પ્રેમ કરવા લાગે છે. આર્ટ ગેલેરીના માલિક સાથે કાઈલીનની સગાઈ થઈ ગઈ છે તે વાત એ સહન કરી શકતો નથી. એક પાર્ટીમાં ઘવાયેલા પ્રેમીની માફક એ રીતસર ધમાલ મચાવી મૂકે છે. ડાબા પગના અંગૂઠાથી અસ્ત્રો પકડીને કાંડાની નસ કાપવાની કોશિશ સુધ્ધાં કરે છે. ફિલ્મમાં આ સિકવન્સ કમાલની બની છે.
પછી ઘણું બધું બને છે. ક્રિસ્ટીને પ્રાઈવસી મળે તે માટે ઘરના આંગણામાં મા એના માટે અલગ ઓરડી ચણવાનું શરુ કરે છે. પિતા અને ભાઈઓ પણ હાથ બટાવે છે. ક્રિસ્ટીને વાંચવાનો ખૂબ શોખ છે. ખાસ કરીને કવિતાની ચોપડીઓ. એ પગના અંગૂઠાથી પાનાં ફેરવતાં ફેરવતાં કેટલીય ચોપડીઓ વાંચી નાખે છે. એની પાસે એક નવું સાધન આવે છે- ટાઈપરાઈટર. એ ડાબા પગની આંગળીઓથી ટાઈપ કરવાનું શરુ કરી દે છે. એની ક્રિયેટિવિટી હવે માત્ર પેઈન્ટિંગ પૂરતી સીમિત રહેતી નથી, ક્રિસ્ટી ક્રમશ: નવલકથાકાર અને કવિ તરીકે ઊભરતો જાય છે. એ પોતાના જીવનની કથા આલેખતું પુસ્તક પણ લખે છે, જેનું નામ છે, ‘માય લેફ્ટ ફૂટ’. એક ચેરિટી ઈવેન્ટમાં એની મુલાકાત મેરી કાર (રુથ મકકેબે) નામની નર્સ સાથે થાય છે. દિલફેંક ક્રિસ્ટી એને દિલ દઈ બેસે છે.
આ વખતનો પ્રેમ પરિણામકારક પૂરવાર થાય છે. મેરી કારને આ ભડકતા મિજાજવાળો કલાકાર માણસ ગમી જાય છે. બન્ને લગ્ન કરે છે એવા સૂચન સાથે ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
‘માય લેફ્ટ ફૂટ’, દેખીતી રીતે જ, ક્રિસ્ટી બ્રાઉને લખેલાં આ જ શીર્ષકધારી પુસ્તક પર આધારિત છે. આઈરિશ ડિરેક્ટર જિમ શેરિડનની આ પહેલી જ ફિલ્મ. સહેજે વિચાર આવી જાય કે કોઈ ડિરેક્ટર પોતાની પહેલી જ ફિલ્મમાં આટલા અઘરા વિષયને આટલી ઉત્તમ રીતે અને આટલી પરિપક્વતાથી કેવી રીતે ન્યાય આપી શકે. ડિરેક્શન ઉપરાંત ફિલ્મના સ્ક્રીનપ્લેનું સહલેખન પણ જિમે કર્યું છે. ફિલ્મ બનાવવાની તજવીજ શરૂ થઈ ત્યારે સૌ ચેતવી રહ્યા હતા: રહેવા દ્યો. ઊંધા મોંએ પછડાશો. અપંગ માણસની ફિલ્મ જોવામાં કોને રસ પડશે? પણ જિમ શેરિડન ઉપરાંત ફિલ્મના પ્રોડ્યુસર, લેખક સહિત આખી ટીમ મુસ્તાક રહી. ફિલ્મ જબરદસ્ત બની. પહેલી વાર કોઈ આઈરિશ ડિરેક્ટર ઓસ્કરમાં નોમિનેટ થયો. ફિલ્મ વિવેચકોએ તો વખાણી જ, સાથે સાથે બોક્સઓફિસ પર પણ ધૂમ ચાલી.
આ પ્રકારની ફિલ્મમાં કાસ્ટિંગ સૌથી મહત્ત્વનું હોવાનું. ક્રિસ્ટી બ્રાઉનના ટાઈટલ રોલમાં ડેનિયલ ડે-લેવિસ જે રીતે પર્ફોર્મ કરે છે તે જોઈને શંકા જવા લાગે કે આ માણસ એક્ટિંગ કરે છે કે એ ખરેખર સ્પાસ્ટિક છે? માત્ર ફિઝિકલ એક્ટિંગ જ નહીં, પણ ક્રિસ્ટી બ્રાઉનનો ઈગો, ક્રોધ, ખુદ્દારી, આશિકી, ટૂંકમાં એનો સમગ્ર મિજાજ ડેનિયલે ગજબનો પકડ્યો છે. ‘માય લેફ્ટ ફૂટ’ માટે ડેનિયલને ઓસ્કર ન મળે તો જ આશ્ર્ચર્ય હતું. એમની કરીઅરનો આ પહેલો ઓસ્કર. તે પછી ‘ધેર વિલ બી બ્લડ’ (૨૦૦૭) અને હમણાં ‘Lincoln’ (૨૦૧૨)માટે એમ કુલ ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતીને ડેનિયલે વિક્રમ સર્જ્યો.
ડેનિયલ એમની મેથડ એક્ટિંગ માટે અને જે ગંભીરતાથી પોતાનાં પાત્રો માટે રીસર્ચ કરે છે તેના માટે જાણીતા છે. આ ફિલ્મ માટે એમણે શૂટિંગ શરુ કરતાં આયરલેન્ડમાં મહિનાઓ સુધી સ્પાસ્ટિક લોકોની સંસ્થામાં પસાર કર્યા અને આ દર્દીઓની બોડી લેંગ્વેજનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. એક વાર શૂટિંગ શરુ થયા પછી એ કેરેક્ટરમાં એવા ઘુસ્યા કે શૂટિંગ પૂરું થયું ત્યાં સુધી બહાર નીકળવાનું નામ ન લીધું. લંચબ્રેક પડે ત્યારે પણ વ્હીલચેરમાંથી ઊભા ન થાય. કોઈએ એને ધક્કો મારીને કેન્ટીનમાં લઈ જવાનું, પછી સાચુકલા સ્પાસ્ટિક માણસને જમાડતા હોય એમ મોંમાં કોળિયા દઈને ખવડાવવાનું! શૂટિંગ દરમિયાન મહિનાઓ સુધી ખૂંધ કાઢીને બેસી રહેવાને કારણે એમની નીચેની ત્રણ પાંસડીઓને નુક્સાન થઈ ગયું હતું. કોઈ મામૂલી એક્ટર આવું બધું કરતો હોય તો અધૂરો ઘડો છલકાય ઘણો કહીને અવગણી શકાય, પણ ત્રણ-ત્રણ વખત ઓસ્કર જીતીને ઈતિહાસ સર્જી ચુકેલો અભિનેતા આવું બધું કરતો હોય ત્યારે એમ વિચારાય પણ કેવી રીતે કે એ ખોટાં નખરાં ને દંભદેખાડા કરતા હશે!
આ ફિલ્મમાં લાગણીઓ છે, લાગણીવેડા નથી. ક્રિસ્ટીનાં જીવનનું કારુણ્ય, એની અસહાયતા, એના સંઘર્ષ આપોઆપ જુદા જુદા પ્રસંગોમાંથી ઊપસતાં જાય છે. આ પ્રકારની ફિલ્મો પર મેલોડ્રામેટિક અને લાઉડ બની જવાનું જોખમ સતત તોળાતું હોય છે, પણ ડિરેક્ટરો ક્રિસ્ટી બ્રાઉનના આલેખનમાં જે સંયમ દાખવ્યો છે તે કાબિલે-દાદ છે. તેઓ ઘટનાઓનું ‘રિપોર્ટિંગ’ કરીને તરત આગળ નીકળી જાય છે. એમને ક્રિસ્ટી માટે સહાનુભૂતિ કે દયા ઊઘરાવવામાં રસ નથી. આ પાસું ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. મા-દીકરાનો સંબંધ ફિલ્મમાં ખૂબસૂરતીથી ઊભર્યો છે. માનું કિરદાર નિભાવનાર એક્ટ્રેસ બ્રેન્ડા ફ્રિકરને પણ બેલ્ટ સપોર્ટિંહ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો. ક્રિસ્ટીના બાળપણનો રોલ કરનાર હ્યુ ઓ કોનોરે પણ ડેનિયલની ટક્કરનો અભિનય કર્યો છે. ઓસ્કર સિઝનમાં ફિલ્મની પૂરતી પબ્લિસિટી થાય તે માટે પ્રોડ્યુસરોએ મૂળ બજેટ કરતાં ત્રણ ગણાં પૈસા ખર્ચ્યા હતા.
‘માય લેફ્ટ ફૂટ’માં આત્મબળની, હ્યુમન સ્પિરિટના વિજયની વાત છે. ફિલ્મ જોઈ લીધા પછી ક્યાંય સુધી એની અસર મનમાં ઘુમરાયા કરશે. ફિલ્મનું ઈન-બિલ્ટ પ્રેરણાદાયી તત્ત્વ ખૂબ શક્તિશાળી છે. જો ક્રિસ્ટી જેવો અપંગ માણસ સિદ્ધિઓ હાંસલ કરી શકે અને ખુમારીથી જીવન જીવી શકે તો આપણા જેવા હરતાફરતા સાજા સારા માણસને કોણ રોકી શકે? આપણને શો હક છે કોઈ ફરિયાદ કરવાનો? ‘માય લેફ્ટ ફૂટ’ની ડીવીડી વસાવી રાખવા જેવી છે. હતાશા કે ડિપ્રેશનની ક્ષણોમાં આ ફિલ્મ જોઈ લેવાથી તમારું કોન્ફિડન્સ લેવલ પાછું ઊંચકાઈ જશે એ તો નક્કી.
* * * * *
‘માય લેફ્ટ ફૂટ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્શન : જિમ શેરિડન
મૂળ પુસ્તકનાંલેખક : ક્રિસ્ટી બ્રાઉન
કલાકાર : ડેનિયલ ડે-લેવિસ, બ્રેન્ડા ફ્રિકર, ફિઓના શો, મેરી કાર
રિલીઝ ડેટ : ૨૪ ફેબ્રુઆરી ૧૯૮૯
મહત્ત્વના અવોર્ડઝ : બેસ્ટ એક્ટર (ડેનિયલ ડે-લેવિસ) અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (બ્રેન્ડા ફ્રિકર) માટેના ઓસ્કર અવોર્ડઝ. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, અડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને સપોર્ટિંગ એક્ટર-મેલ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply