હૉલીવૂડ હન્ડ્રેડ : ૪૮ : ‘ગ્રીઝ’
Mumbai Samachar – Matinee – 15 Nov 2013
હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
બોલ બેબી બોલ… રૉક એન્ડ રૉલ
હોલીવૂડની મ્યુઝિકલ ફિલ્મોની એક અલગ જ મજા છે. ‘ગ્રીઝ’ એક ટીનએજ લવસ્ટોરી છે. જોન ટ્રવોલ્ટા એના મેઈન હીરો હોવાથી ફિલ્મનો ચાર્મ બેવડાય છે.
* * * * *
ફિલ્મ ૪૮ : ‘ગ્રીઝ’
આ ફિલ્મ તમને બે કારણોસર ગમી શકે: એક, જો તમે જોન ટ્રવોલ્ટાના ચાહક હો તો અને બે, જો તમને હોલિવૂડની મ્યુઝિકલ્સમાં જલસો પડતો હોય તો. આ જ નામનું એક સુપરહિટ બ્રોડવે મ્યુઝિકલ હતું, જે ફેબ્રુઆરી ૧૯૭૨માં ઓપન થયું હતું. તેના કુલ ૩૩૮૮ શોઝ થયા છે. ઈવન રએલ પદમસીએ પ્રોડ્યુસ કરેલું દેસી ‘ગ્રીઝ’ના પ્રીમિયર શોઝ મુંબઈસ્થિત એનસીપીએમાં ગયા ઓગસ્ટમાં યોજાયા હતા. ફિલ્મ આ જ બ્રોડવે પ્રોડકશન પર આધારિત છે. ‘ગ્રીઝ’ શબ્દ એક અમેરિકન સ્લેન્ગ છે, જેનો એક અર્થ છે, જુની રુઢિઓને તોડીફોડી નાખવી. બીજો અર્થ છે, સેક્સ માણવું અને ત્રીજો મતલબ છે, કોઈને બરાબરનો ધીબેડવો. ફિલ્મમાં આ ત્રણેય અર્થો લાગુ પડે છે.
ફિલ્મમાં શું છે?
‘ગ્રીઝ’ એક ટીનએજ ફેન્ટસી યા તો મ્યુઝિકલ લવસ્ટોરી છે. ૧૯૫૦ના દાયકાની એક અમેરિકન હાઈસ્કૂલનું બેકગ્રાઉન્ડ છે. અમેરિકામાં હાઈસ્કૂલ એટલે મુંબઈમાં આપણે જેને જુનિયર કોલેજ કહીએ છીએ, તે. અહીં ભણતાં છોકરા-છોકરીઓ માંડ સોળ-સત્તર વર્ષનાં છે. ફિલ્મની શરુઆતમાં હીરો ડેની (જોન ટ્રવોલ્ટા) અને હિરોઈન સેન્ડી (ઓલિવિયા ન્યુટન-જોન) એક બીચ પર રોમાન્સ કરતાં દેખાય છે. વેકેશન પૂરું થતાં જ સેન્ડી ઓસ્ટ્રેલિયા જતી રહેવાની છે. પોતાની લવસ્ટોરીનો આ રીતે અંત આવી જવાનો હોવાથી એ દુખી-દુખી છે, પણ ડેની એને સધિયારો આપે છે કે દેશ અલગ થઈ જવાથી આપણી રિલેશનશિપમાં કશો ફર્ક નહીં પડે.
વેકેશન ખૂલતાં જ ડેની પોતાના ટપોરીછાપ દોસ્તો સાથે રાઈડેલ હાઈસ્કૂલમાં પાછો ફરે છે. બોય્ઝ ગેન્ગનું નામ ‘ધ ટી-બર્ડ્ઝ’ છે. ડેની આ સૌનો લીડર છે. છોકરાઓની જુવાની ફાટ ફાટ થઈ રહી છે અને સૌનું મન ચોવીસે કલાક સેક્સ અને છોકરીઓના વિચારોમાં રમમાણ રહે છે. હાઈસ્કૂલમાં છોકરીઓની પણ એક ગેન્ગ છે. એનું નામ ‘ધ પિન્ક લેડીઝ’ છે. બને છે એવું કે સેન્ડીનું ઓસ્ટ્રેલિયા જવાનું કેન્સલ થાય છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એ પણ રાઈડેલ હાઈસ્કૂલમાં એડમિશન લે છે. સેન્ડી બિચારી સાવ સીધીસાદી છોકરી છે. ‘ધ પિન્ક લેડીઝ’ એને પોતાના ગ્રુપમાં ખેંચી લે છે. એક બાજુ એ શરમાતી શરમાતી બહેનપણીઓને વેકેશનમાં થઈ ગયેલા પ્રેમની વાત કરે છે, તો બીજી બાજુ જોન આ જ વાત પોતાના દોસ્તોને વધારી-વધારીને, સેક્સમાં ઝબોળી-ઝબોળીને વર્ણવે છે. ટિપિકલ હિન્દી ફિલ્મોમાં હોય એવી આ સોંગ-એન્ડ-ડાન્સ સિકવન્સ છે. બન્નેને હજુ સુધી ખબર નથી પડી કે તેઓ એક જ જગ્યાએ ભણે છે.
સેન્ડીની એક બહેનપણીને ત્યાં બધી છોકરીઓ રાત રોકાય છે. સેન્ડી નથી સિગારેટ પીતી, નથી દારુને હાથ અડાડતી. એક જણી એના કાન વીંધવાની કોશિશ કરે છે પણ લોહીનું એક ટીપું જોતાં જ એને ઊલટી થઈ જાય છે. ગેન્ગલીડર રિઝો (સ્ટોકાર્ડ ચેનિંગ) એનાથી કંટાળી જાય છે. નીચે છોકરાઓ ધમાલ કરી રહ્યા છે. બિન્દાસ રિઝો બાલ્કનીમાંથી નીચે ઉતરીને પોતાના બોયફ્રેન્ડ કેનીકી (જેફ કોનવે) સાથે કારમાં નીકળી પડે છે. એક જગ્યાએ કાર પાર્ક કરીને પાછલી સીટ પર બન્ને હોશકોશ ગુમાવીને ફાટી ગયેલા કોન્ડોમની પરવા કર્યા વિના સેક્સમાં ગુલતાન થઈ જાય છે.
એક વાર સેન્ડી અને જોન અચાનક આમનેસામને થઈ જાય છે. જોન એની સાથે એકદમ શુષ્કતાથી વર્તે છે. કેમ? સાથે ભાઈબંધો છે, એટલે. રોમાન્સના ટાયલાં તો સ્ત્રૈણ છોકરાઓ કરે, બાકી મર્દાનગીભર્યા મચો છોકરાઓએ તો છોકરીને પગની જૂતી સમજવાની હોય, એનો ઉપભોગ કરીને ફેંકી દેવાની હોય. આવું કરે તો જ એ ‘કૂલ’ ગણાય! જોકે ડેનીને પછી પોતાની ભુલ સમજાય છે. એને સેન્ડી ખરેખર પસંદ છે. સેન્ડીને ઈમ્પ્રેસ કરવાની એ ખૂબ કોશિશ કરે છે. સેન્ડી આખરે માની જાય છે. પછી સામાન્યપણે હાઈસ્કૂલ-કોલેજમાં જે પ્રકારની ભંકસ થતી હોય છે તે બધું જ અહીં થાય છે. રિસામણા-મનામણા, હરીફ ગેન્ગ સાથે મારામારી, કાર રેસ, ટીચરો સામે દાંડાઈ, ડાન્સ કોમ્પિટીશન, ઈર્ષ્યા, માલિકીભાવ, વગેેરે. ડેની બહુ સરસ નાચી જાણે છે. એક ડાન્સ-શોમાં એ અધવચ્ચેથી સેન્ડીને છોડીને બીજી કોઈ ક્ધયાને પકડે છે એટલે પેલી પાછી વીફરે છે. ડ્રાઈવ-ઈન થિયેટરમાં એ સેન્ડી સાથે છૂટછાટ લેવાની કોશિશ કરે છે ત્યારે પણ એને માઠું લાગી જાય છે. દરમિયાન રિઝોને ખબર પડે છે કે પોતે પ્રેગનન્ટ છે. વાયુવેગે આખી હાઈસ્કૂલમાં વાત ફેલાઈ જાય છે. રિઝોની છાપ આમેય વંઠેલ છોકરીની છે. પોતાના બોયફ્રેન્ડને એ કહી દે છે: તારે ટેન્શન લેવાની જરુર નથી. મારા પેટમાં છે બાળક છે તે તારું નથી, બીજા કોઈનું છે. જોકે પ્રેગનન્સીવાળી વાત પછી ખોટી સાબિત થાય છે. બસ, આવું જ બધું ચાલતું રહે છે. ફિલ્મના એન્ડમાં સેન્ડીનું અણધાર્યું મેકઓવર થાય છે. એ રાતોરાત અતિ સ્ટાઈલિશ ક્ધયા બની જાય છે. નાચતાં-ગાતાં જોન અને સેન્ડી સૌને બાય-બાય કરીને સરસ મજાની કારમાં રવાનાં થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
‘ગ્રીઝ’ જોતી વખતે એક વાત ખાસ યાદ રાખવી પડે કે ફિલ્મની વાર્તાનો સમયગાળો ૧૯૫૦ના દાયકાનો છે. આ સંદર્ભ સતત મનમાં નહીં રાખીએ તો ફિલ્મ સાવ મામૂલી લાગશે અને મનમાં થયા કરશે કે આમાં શું નવું છે. આવી સ્ટોરી, આવાં ડાન્સ સ્ટેપ્સ આપણે અસંખ્ય વખત જોઈ ચુક્યા છીએ.
ફિલ્મનાં તમામ કિરદાર સોળ-સત્તર વર્ષનાં છે, પણ સમ ખાવા પૂરતો એક પણ મુખ્ય કલાકાર આ એજગ્રુપનો નથી. ફિલ્મ બની ત્યારે જોન ટ્રવોલ્ટા ૨૩ વર્ષના હતા, હિરોઈન ઓલિવિયા ૨૮ની હતી, જેફ કોનવે ૨૬નો હતો અને રિઝો બનતી સ્ટોકાર્ડ ચેનિંગ તો ૩૩ વર્ષની હતી! આ જ કારણ છે કે ફિલ્મ જોતી વખતે બધા જ છોકરા-છોકરીઓ બહુ મોટાં-મોટાં દેખાય છે. ‘ગ્રીઝ’નો આ મોટો માઈનસ પોઈન્ટ છે. જોકે ફિલ્મનું મુખ્ય આકર્ષણ જોન ટ્રવોલ્ટા છે. અમેરિકામાં એમને એક કલ્ચરલ આઈકોન તરીકે જોવાય છે. શુઝમાં સ્પ્રિંગ ફિટ કરાવી હોય તેમ એમની કૂદતા કૂદતા ચાલવાની સ્ટાઈલ, એમનું ડાન્સિંગ, છબઢબ આ બધું ખૂબ ચાર્મિંગ છે. લીડ હિરોઈન ઓલિવિયા ન્યુટન-જોનને ‘ગ્રીઝ’ની પહેલાં અભિનયનો ખાસ અનુભવ નહોતો. ક્ાસ્ટ કરતાં પહેલાં ઓડિશન લેવામાં આવ્યું ત્યારે એની પાસે ડ્રાઈવ-ઈન થિયેટરવાળો સીન કરાવવામાં આવ્યો હતો.
ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઈ. એક સમયે તે સિનેમાના ઈતિહાસની સૌથી વધારે કમાણી કરનારી ત્રીજા નંબરની ફિલ્મ હતી. પહેલી બે ફિલ્મો હતી, ‘જાઝ’ અને ‘સ્ટાર વોર્સ’. ‘ગ્રીઝ’ નાટકમાં સેકસ્યુઅલ ઉલ્લેખો ઘણા વધારે હતા, પણ સેન્સરના ડરે ફિલ્મમાં ઘણું બધું ગાળી લેવામાં આવ્યું છે. બ્રોડવે મ્યુઝિકલનાં ઘણાં ગીતો ફિલ્મમાં સમાવી શકાયાં નથી. જોકે ફિલ્મનું મ્યુઝિક આલબમ પણ ધૂમ વેચાયું. એમાં કુલ ૨૬ ગીતો છે. ‘હોપલેસલી ડીવોટેડ ટુ યુ’, ‘યુ આર ધ વન ધેટ આઈ વોન્ટ’, ટાઈટલ સોંગ સહિતનાં કેટલાંય ગીતો ચાર્ટબસ્ટર બન્યાં. ૧૯૮૨માં ‘ગ્રીઝ-ટુ’ નામની સિક્વલ બની હતી. તેમાં મેક્સવેલ કોલફિલ્ડ અને મિશેલ ફાઈફર લીડ એક્ટર્સ હતાં. આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. વાસ્તવમાં પેરેમાઉન્ટ સ્ટુડિયોનું પ્લાનિંગ તો ત્રણ સિક્વલ અને એક ટીવી સિરીઝ બનાવવાનું હતું, પણ ‘ગ્રીઝ-ટુ’ ન ચાલી એટલે બધું પડતું મૂકાયું.
લેખની શરુઆતમાં કરી હતી તે વાત ફરી એક વાર. જો તમે જોન ટ્રવોલ્ટા યા તો મ્યુઝિકલ્સના ચાહક હો તો જ આ ફિલ્મ જોજો. જોન ટ્રવોલ્ટાની ઑર એક સુપરડુપર હિટ મ્યુઝિકલ ‘સેટરડે નાઈટ ફિવર’ વિશે આપણે આ સિરીઝમાં અગાઉ વાત કરી ચુક્યા છીએ. ‘ગ્રીઝ’ અને ‘સેટરડે નાઈટ ફિવર’માંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો ‘સેટરડે…’ને સિલેક્ટ કરજો, કારણ કે ‘ગ્રીઝ’ કરતાં તે અનેકગણી બહેતર ફિલ્મ છે.
‘ગ્રીઝ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્શન : રેન્ડલ ક્લીઝર
મૂળ બ્રોડવે મ્યુઝિકલ : જિમ જેકોબ્સ અને વોરન કેસી રચિત ‘ગ્રીઝ’
સ્ક્રીનપ્લે : બ્રોન્ટ વૂડાર્ડ, એલન કાર
કલાકાર : જોન ટ્રવોલ્ટા, ઓલિવિયા ન્યુટન-જોન, સ્ટોકાર્ડ ચેનિંગ, જેફ કોનવે
રિલીઝ ડેટ : ૧૬ જૂન, ૧૯૭૮
મહત્ત્વના અવોર્ડઝ : જોન ફેરરે ગાયેલાં ‘હોપલેસલી ડીવોટેડ ઈન લવ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગનું ઓસ્કર નોમિનેશન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply