Sun-Temple-Baanner

The GodFather – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


The GodFather – Hollywood 100


હૉલીવૂડ હન્ડ્રેડ : ૫૦ : ‘ધ ગૉડફાધર’

Hollywood 100 – Mumbai Samachar – Matinee Purti – 29 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ગંદા હૈ પર ધંધા હૈ યે…

ધ ગૉડફાધર’ એટલી માતબર ફિલ્મ છે કે વિશ્ર્વસિનેમાની શ્રેષ્ઠતમ સો નહીં, પણ ટોપ-ટેન ફિલ્મોની તમામ સૂચિમાં અધિકારપૂર્વક સામેલ થાય છે.

* * * * *

ફિલ્મ ૫૦ – ‘ધ ગૉડફાધર’

સારું છે કે ‘હોલિવૂડ હંડ્રેડ’ કોલમમાં ક્રમનું મહત્ત્વ નથી, નહીં તો ‘ધ ગૉડફાધર’ જેવી સુપર ક્લાસિક ફિલ્મ છેક પચાસમા ક્રમે મુકવી મોટો અપરાધ ગણાઈ જાત. આજે ‘હોલિવૂડ હંડ્રેડ’નું ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન આ સોના જેવી મહામૂલી અને મહાપ્રભાવશાળી ફિલ્મ વિશે વાત કરીને કરીશું. ‘ધ ગૉડફાધર’ વિશ્ર્વની સર્વકાલીન શ્રેષ્ઠ સો નહીં, પણ શ્રેષ્ઠતમ દસ ફિલ્મોમાં સ્થાન પામતી માતબર કૃતિ છે.

ફિલ્મમાં શું છે?

આ એક અન્ડરવર્લ્ડ ડૉનની પારિવારિક અપરાધકથા છે. ૧૯૪૫થી ૧૯૫૫નો સમયગાળો છે. ન્યુયોર્કનું લોકાલ છે. ઈટાલિયન મૂળિયાં ધરાવતા ડૉનનું નામ છે, વિતો કૉર્લીઓન (માર્લોેન બ્રાન્ડો). એમના ત્રણ દીકરા. સૌથી મોટો સૉન્ટિનો (જેમ્સ કાન), જે સનીના હુલામણા નામે ઓળખાય છે. ભારે રુઆબી અને રંગીલો. બીજો દીકરો ફ્રેડરિકો અથવા તો ફ્રેડો (જાન ક્રેઝલ). મોટો જેટલો તેજતર્રાર છે એટલો જ આ ઠંડો છે. ત્રીજો માઈકલ (અલ પચીનો) ઘરના બધા પુરુષો કરતાં સાવ જુદો છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈન્યનો હિસ્સો બની ચુકેલા માઈકલને માફિયાગિરીમાં નહીં, પણ નોર્મલ લાઈફ જીવવામાં રસ છે.

ફિલ્મની શરુઆત ડૉનની દીકરી કૉનીનાં લગ્નથી થાય છે. ડૉન અને તેમનો ફેમિલી લૉયર ટોમ હેગન (રોબર્ટ ડુવેલ) સભા ભરીને બેઠા છે. અનાથ ટોમને ડૉન પોતાના દીકરા જેવો ગણે છે. સભામાં લોકો ફરિયાદ અથવા તો કંઈને કંઈ માગણી લઈને આવ્યા છે. ડૉન વારાફરતી સૌનો ન્યાય તોળતા જાય છે. ઈટાલિયનોમાં રિવાજ છે કે દીકરીનાં લગ્ન હોય તે દિવસે કોઈની વિનંતીને નકારી ન શકાય. દરમિયાન માઈકલ પોતાની ગર્લફ્રેન્ડ કય એડમ્સ (ડિએન કીટન)ને લઈને રિસેપ્શનમાં આવે છે. પરિવારમાં સૌની ઓળખાણ કરાવે છે, એમના ક્રાઈમકથાઓ કહે છે અને ખાતરી પણ આપે છે કે પોતે આવાં કામોથી દુનિયાની દૂર જ રહેવા માગે છે.

ભપકાદાર રિસેપ્શનમાં જાણીતો ગાયક જાની ફોન્ટેન (અલ માર્ટિનો) પણ આવ્યો છે. એને હોલિવૂડની એક ફિલ્મમાં રોલ જોઈએ છે. એ ઈચ્છે છે કે ડૉન કંઈક ચક્કર ચલાવીને આ રોલ એને અપાવે કે જેથી એની ઠંડી પડી ગયેલી કરીઅરમાં કંઈક જીવ આવે. સ્ટુડિયોનું મોટું માથું ગણાતા જેક વોલ્ટ્ઝને જાનીને રોલ આપવામાં કોઈ રસ નથી. જાનીને દિલાસો આપીને ડૉન પેલો યાદગાર ડાયલોગ બોલે છે, ‘આઈ એમ ગોન્ના મેક હિમ અન ઓફર હી કાન્ટ રિફ્યુઝ.’ મતલબ કે હું સ્ટુડિયોના બૉસ સામે એક એવી ઓફર મૂકીશ કે એ તને ના પાડવાની હિંમત નહીં કરી શકે. રિસેપ્શન પછી ડૉન ટોમને લોસ એન્જલસ મોકલે છે, વોલ્ટ્ઝને મળવા. વોલ્ટ્ઝ ગુસ્સે થઈને ચોખ્ખી ના પાડી દે છે કે મારી ફિલ્મમાં જાનીને ચાન્સ નહીં જ આપું. બીજા દિવસે સવારે કોઈ હિરોઈન સાથે બિસ્તરમાં પડેલો વોલ્ટ્ઝને ચાદર અચાનક ભીની ભીની લાગે છે. ચાદર ખસેડતાં એ શું જુએ છે? લોહીમાં લથપથતું એના સૌથી પ્રિય ઘોડાનું કપાયેલું માથું.

વર્જિલ સોલોઝો (અલ લેટીરી) નામનો આદમી ડૉનના પરિવારને મળે છે. ડૉનના હરીફ ગણાતા ટેટાગ્લીઆ ફેમિલી સાથે પણ એનો સંબંધ છે. સોલોઝો ઈચ્છે છે કે નશીલી દવા ઈમ્પોર્ટ કરવાના અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના કામમાં ડૉન કૉર્લીઓન પોતાની વગનો ઉપયોગ કરીને એને મદદ કરે. આ કામમાં પુષ્કળ પૈસા છે,પણ ડૉન નશીલી દવાઓમાં પડવા માગતા નથી. મોટા દીકરા સનીને જોકે આ લાઈનમાં ઝુકાવી દેવામાં બહુ રસ છે. ડૉન લુકા નામના પોતાના એક આદમીને ટેટેગ્લીઆના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને અંદરની માહિતી લઈ આવવા મોકલે છે. લુકાનું ખૂન થઈ જાય છે.

આ તો શરુઆત છે. ડૉન કૉર્લીઓન પર એમની ઓફિસની બહાર જ ગોળીબાર થાય છે અને પરિસ્થિતિ વણસવા લાગે છે. ડૉનનો જીવ જતો રહ્યો છે કે કેમ તે તરત સ્પષ્ટ થતું નથી, પણ એમના બોડીગાર્ડની ગેરહાજરીમાં ફ્રેડો પિતાનું રક્ષણ કરવા માટે બિલકુલ સમર્થ નથી તે ઘીના દીવા જેવું સ્પષ્ટ થઈ જાય છે. સોલોઝો ટોમ હેગનનું અપહરણ કરે છે. સની ટેટેગ્લીઆ એન્ડ કંપનીને ચેતવણી આપે છે, પણ તેની અવગણના કરવામાં આવે છે. માઈકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડૉનને મળવા આવે છે. પિતાજીનું રક્ષણ કરવા કોઈ જ હાજર નથી તે જોઈને એ ચોંકે છે. ડૉન પર ફરી ખૂની હુમલો થઈ શકે તેમ છે. આ ધમાલમાં માઈકલ પણ ઘવાય છે. બાપ-દીકરાને ઘરે ખસેડવામાં આવે છે. દુશ્મન ડૉનનો સૌથી મોટા દીકરાનો જીવ જાય છે અને પછી તો ઘણું બઘું બને છે. બધાને નવાઈ ત્યારે લાગે છે જ્યારે માઈકલ પોતાના હાથ લોહીથી રંગવા તૈયાર થાય છે. માઈકલ સોલોઝો અને મેકક્લ્સ્કી નામના કરપ્ટ પોલીસને ઉડાવી દે છે. માઈકલને સિલિલી મોકલી આપવામાં આવે છે.

દરમિયાન બહેન કૉનીનું લગ્નજીવન ખરાબે ચડે છે. લફડેબાજ બનેવી કાર્લો રિઝી એક વાર પ્રેગનન્ટ કૉની પર હાથ ઉપાડે છે તેથી સનીનો પિત્તો જાય છે. એ જિજાજીને ભરબજારે ધીબેડે છે. ગિન્નાયેલો કાર્લો દુશ્મન ગેંગ સાથે હાથ મિલાવે છે. પરિણામ: સનીની પણ હત્યા થઈ જાય છે. ડૉન કૉલીઓન વધારે ખૂનખરાબા ઈચ્છતા નથી. એ દુશ્મન ગેંગ સાથે સંધિ કરીને તેમને નશીલી દવામાં પોલિટિકલ પ્રોટેક્શન અપાવવાની બાંહેધરી આપે છે.

પછી શું થાય છે? બન્ને દુશ્મન ગેંગ વચ્ચે સાચા અર્થમાં કોમ્પ્રો થાય છે? ખૂનામરકી પર પૂર્ણવિરામ મૂકાય છે? દેશનિકાલની સજા પામેલા કેદીની માફક સિસિલીમાં સમય વીતાવી રહેલો માઈકલ ક્યારે પાછો અમેરિકા આવે છે? એની પ્રેમિકાનું શું થયું? માઈકલ પુન: સીધુસાદું જીવન તરફ આગળ વધે છે કે ડર્ટી બિઝનેસના કાદવમાં ઊંડો ખૂંપતો જાય છે? આ બધા સવાલોના જવાબ તમારે સ્વયં ‘ધ ગૉડફાધર’ની ડીવીડી જોઈને મેળવી લેવાનો છે. ફિલ્મ જોવા ઉપરાંત તમારે એક ઑર કામ કરવાનું છે – જે પુસ્તક પર આ ફિલ્મ આધારિત છે તે મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ નવલકથાનો સૌરભ શાહે ગુજરાતીમાં કરેલા અફલાતૂન અનુવાદને વાંચી જવાનું. જલસો પડશે.

કથા પહેલાંની અને પછીની

પેરેમાઉન્ટ સ્ટુડિયોનો મૂળ આઈડિયા તો એ લૉ-બજેટ ગેંગસ્ટર ફિલ્મ બનાવવાની હતી. મૂળ નવલકથા ‘ધ ગૉડફાધર’ના જ લેખક મારિયો પૂઝોએ સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ એ જ રીતે લખેલો, પણ ડિરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વર્ઝન રિજેક્ટ કરી નાખ્યું. વાસ્તવમાં ‘ધ ગૉડફાધર’ ડિરેક્ટ કરવા માટે ‘ધ ગુડ, ધ બેડ, ધ અગ્લી’ જેવી એકાધિક અફલાતૂન ફિલ્મોના ડિરેક્ટર સર્જીઓ લિઓનનો અપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ સર્જીઓને લાગ્યું કે આ ફિલ્મથી માફિયાઓ નાહકના ગ્લોરિયાફાય થઈ જશે. તેથી તેમણે ઓફર ઠુકરાવી દીધી. જોકે ફિલ્મે પછી જે કક્ષાની સફળતા મેળવી તે જોઈને સર્જીઓ પોતાના નિર્ણય બદલ પેટ ભરીને પસ્તાયા હતા. આ ફિલ્મ ઓફર થઈ ત્યારે બાલબચ્ચાવાળા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા દેવામાં ડૂબેલા હતા.

ગૉડફાધરના ટાઈટલ રોલ માટે કેટલાય એક્ટરોનાં નામ વિચારાયાં હતાં. ફ્રાન્સિસ ફોર્ડ કપોલાના મનમાં જોકે બે જ એક્ટર હતા – લોરેન્સ ઓલિવિઅર અને માર્લોેન બ્રાન્ડો. પહેલાં લોરેન્સ ઓલિવિયરનો સંપર્ક કરવામાં આવ્યો. એ દિવસોમાં તેઓ બીમાર રહેતા હતા અને નવાં કામ સ્વીકારતાં નહોતા તેથી એમનાં નામ પર ચોકડી મૂકાઈ ગઈ. તે પછી ૪૭ વર્ષના માર્લોેન બ્રાન્ડોને ડૉન કૉર્લીઓન તરીકે ફાયનલાઈઝ કરવામાં આવ્યા. ફ્રેન્ક સિનાત્રાએ આ રોલની સામેથી માગણી કરી હતી, પણ કોપોલા બ્રાન્ડોની પસંદગી પર મક્કમ રહ્યા.

બ્રાન્ડોની આગલી ફિલ્મ ‘બર્ન!’ સુપરફ્લોપ થઈ હતી. હોલિવૂડમાં કહેવાતું હતું કે બ્રાન્ડોની કરીઅર હવે ખતમ થઈ ગઈ છે. માર્લોન બ્રાન્ડોની છાપ હંમેશા એક બહુ જ ડિફિકલ્ટ એક્ટર તરીકેની રહી છે. એમને હેન્ડલ કરવામાં ડિરેક્ટરોને પરસેવો વળી જાય. ડાયલોગ્ઝ ગોખવાની તસ્દી ન લે એટલે એ શોટ આપતા હોય ત્યારે સંવાદ લખેલા પતાકડા પકડીને સામે માણસો ઊભા રાખવા પડે અથવા સંવાદોના કાગળિયાં કેમેરામાં દેખાઈ ન જાય તે રીતે આસપાસ ચીટકાડવા પડે. સ્ુટડિયોના સાહેબોએ Coppola સામે શરત મૂકી હતી કે અમે તમને તો જ બ્રાન્ડોને કાસ્ટ કરવા દઈશું જો એ પોતાની ફી ઓછી કરશે, સ્ક્રીન ટેસ્ટ આપીને એમાં પાસ થશે તેમજ લિખિતમાં ખાતરી આપશે કે પોતે ક્યારેય શૂટિંગ નહી રખડાવે!

ડૉનના કિરદાર માટે બ્રાન્ડોએ પોતાનો અવાજ બદલ્યો હતો. અવાજ બદલવાનો આઈડિયા તેમને ફ્રેન્ક કોસ્ટેલો નામના અસલી ગેંગસ્ટરનો ટીવી ઈન્ટરવ્યુ જોઈને આવ્યો હતો. ‘ધ ગૉડફાધર’નું શૂટિંગ ૭૭ દિવસ ચાલ્યું. એમાંથી બ્રાન્ડોએ કુલ ૩૫ દિવસ કામ કર્યું, કારણ કે આ જ અરસામાં તેમને ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’નું શૂટિંગ પણ ભેગાભેગું પતાવવાનું હતું. વિવાદાસ્પદ ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’ની ગણના પણ એક ક્લાસિક ફિલ્મ તરીકે થાય છે (‘હોલિવૂડ હંડ્રેડ’માં આપણે એના વિશે વાત કરી ચુક્યા છીએ). કલ્પના કરો, બ્રાન્ડો વિશ્ર્વસિનેમાની બબ્બે ઓલ-ટાઈમ-ગ્રેટેસ્ટફિલ્મોમાં એકસાથે કામ કરી રહ્યા હતા!

માઈકલના રોલ માટે સ્ટુડિયોની ઈચ્છા રોબર્ટ રેડફોર્ડ યા તો રાયન ઓ’નીલને લેવાની હતી, પણ કપોલા કોઈ ઓછા જાણીતા એક્ટરને કાસ્ટ કરવા માગતા હતા, જેનો દેખાવ અમેરિકન-ઈટાલિયન જેવો હોય. આ રીતે અલ પચીનોની પસંદગી થઈ. પચીનોએ અગાઉ બે તદ્દન મામૂલી ફિલ્મો કરી હતી.

સ્ટુડિયોના સાહેબોને પચીનોના સિલેક્શન સામેય વાંધો હતો. એમને એની હાઈટ ઓછી લાગતી હતી! ડૉનના નઠારા જમાઈ કાર્લો રિઝીનો રોલ મેળવવા માટે ગિઆની રુસો નામના તદ્દન બિનઅનુભવી એક્ટરે ખરેખરા અન્ડરવર્લ્ડ કનેક્શનનો ઉપયોગ કર્યો હતો! એ પોતાની કેમેરા ટીમને લઈને ધરાર ઓડિશન આપવા પહોંચી ગયેલો. એનું સિલેક્શન પણ થઈ ગયું. જોકે માર્લોન બ્રાન્ડો નારાજ થઈ ગયા હતા. એમનું કહેવું હતું કે જે માણસને એક્ટિંગના ‘એ’ની પણ ખબર નથી એ શું રોલ કરવાનો. રુસોની કમાન છટકી. એ રાતોપીળો થઈને બ્રાન્ડોને ધમકાવવા પહોંચી ગયો. એની આ ટપોરીગીરી ફાયદારુપ સાબિત થઈ. એના તેવર જોઈને બ્રાન્ડો કન્વિન્સ થઈ ગયા કે આ માણસ જો આવું જ વર્તન કેમેરા સામે કરશે તો કામ ચાલી જશે! નવોદિત સિલ્વેસ્ટર સ્ટોલને પણ બનેવીના રોલ માટે ઓડિશન આપ્યું હતું, પણ તેમને રિજેક્ટ કરવામાં આવેલા. ફ્રાન્સિસ કપોલાના કેટલાય પરિવારજનોએ ફિલ્મમાં નાનામોટા રોલ કર્યા છે. કપોલાની મા, પિતા, બહેન, બન્ને દીકરા અને દીકરી કોઈકને કોઈ સીનમાં દેખાય છે. બહેન ટેલીયા શાઈરે તો ફિલ્મના ત્રણેય ભાગમાં ડૉનની દીકરી કૉની કૉર્લીઓનના મહત્ત્વનો રોલ કર્યો છે.

‘ધ ગૉડફાધર’માં અંધારું-અંધારું ખૂબ છે. ઈન્ટીરિયર સીન્સમાં સિનેમેટોગ્રાફર ગોર્ડન વિલિસે જાણી જોઈને શોટ્સને ખૂબ બધી લાઈટ્સથી ઝળહળતો કરી દેવાને બદલે જરુર કરતા ઓછો પ્રકાશ વાપર્યો છે. પેરેમાઉન્ટ સ્ટુડિયોના સાહેબો તો રફ ફૂટેજમાં અધારું-અંધારું જોઈને મૂંઝાઈ ગયા હતા. તેમને શંકા ગઈ કે પ્રિન્ટ ડેવલપ કરતી વખતે લેબોરેટરીમાં કંઈ ગરબડ થઈ કે શું? પણ કપોલા અને ગોર્ડન વિલિસે એમને સમજાવ્યું કે આ ડાર્કનેસ ફિલ્મની ડાર્ક થીમનું અને ગેંગસ્ટર્સનાં કાળાં કારનામાંનું પ્રતીક છે. પછી તો ખાસ કરીને ગેંગસ્ટરની થીમવાળી ફિલ્મોમાં આ પ્રકારની ડિમ-લિટ સિનેમેટોગ્રાફીની ખૂબ નકલ થઈ છે. આજની તારીખે પણ થઈ રહી છે.

ઈટાલિયનો ખાધોકડી પ્રજા છે. ફિલ્મમાં ખાવા-પીવાના અધધધ ૬૧ દશ્યો છે! સામાન્યપણે ડિરેક્ટર ફિલ્મ એડિટ કર્યા પછી પહેલો કટ અથવા તો વર્ઝન તૈયાર કરે તે પ્રમાણમાં લાંબો હોય. ‘ધ ગૉડફાધર’ના કેસમાં ઊલટું થયું. ફર્સ્ટ કટ ફક્ત ૧૨૬ મિનિટનો હતો. હોલિવૂડના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોકે આ પણ વધારે જ કહેવાય. પ્રોડક્શન ચીફ રોબર્ટ ઈવાન્સે સૂચના આપી કે ફિલ્મને ઑર લાંબી કરો, એમાં ફેમિલીનાં દશ્યો ઉમેરો. આથી Coppolaએ એડિટ થઈ ચુકેલા મટિરીયલમાંથી કુલ પચાસ મિનિટ જેટલાં દશ્યો ઉમેરીને બીજું અને ફાઈનલ વર્ઝન તૈયાર કર્યું. શૂટિંગ દરમિયાન રોબર્ટ ઈવાન્સને લાગતું હતું કે ફિલ્મ ગેંગસ્ટર વિશેની છે, પણ આમાં એક્શન સીન્સ માંડ સમ ખાવા પૂરતાં છે. તેઓ વધારાનો એક્શન ડિરેક્ટર લેવા માગતા હતા. ઈવાન્સના જીવને નિરાંત થાય તે માટે કપોલાએ કૉની અને તેના વર કાર્લોના લાંબા ઝઘડાવાળો સીન ઉમેરવો પડ્યો!

વક્રતા જુઓ. Coppola સરસ કામ કરી રહ્યા હતા, પણ શૂટિંગ દરમિયાન પેરેમાઉન્ટ સ્ટુડિયોના બોસલોકો કાચું ફૂટેજ જોઈને એટલા બધા અસંતુષ્ટ હતા કે તેઓ Coppolaને ડિરેક્ટરપદેથી તગેડી મૂકવા માગવા હતા! તેઓ એલિયા કઝાન નામના ડિરેક્ટરને લાવવા માગતા હતા. મેનેજમેન્ટનું માનવું હતું કે કઝાન પાસે માર્લોન બ્રાન્ડો સીધા ચાલશે. માર્લોેન બ્રાન્ડોને જેવી આ હિલચાલની ગંધ આવી કે તેમણે ચોખ્ખું સંભળાવી દીધું કે જો તમે Coppolaને કાઢી મૂકશો તો હું પણ ફિલ્મ અધૂરી મૂકીને જતો રહીશ! સાહેબલોકોએ નછૂટકે Coppolaને ફિલ્મ પૂરી કરવા દેવી પડી. કોઈ પણ કંપનીની મેનેજમેન્ટ ટીમમાં બુદ્ધિશાળી માણસો બેઠા હોય છે તેવી એક માન્યતા છે, પણ આ નોન-ક્રિયેટિવ લોકો કેટલી હદે બાલિશ, ખોટા અને ઈવન હાનિકાકર હોઈ શકે છે એનું ‘ધ ગૉડફાધર’ ઉત્તમ ઉદાહરણ છે. ફ્રાન્સિસ ફોર્ડ Coppola માટે આ ફિલ્મ બનાવવાનો અનુભવ પીડાદાયી સાબિત થયો. તેમને સતત ફફડાટ રહેતો હતો કે સાહેબલોકો એને ગમે તે ઘડીએ તગેડી મૂકશે. તેમનો આત્મવિશ્ર્વાસ એટલો બધો નીચે ઉતરી ગયો હતો કે ફિલ્મ પૂરી થઈ પછીય તેમને ખાતરી થતી નહોતી કે પોતે એક સારી ફિલ્મ બનાવી છે. એમને થતું હતું કે ‘ધ ગૉડફાધર’ પછી એક પણ નવી ફિલ્મ ડિરેક્ટ કરવા નહીં મળે.

પણ ‘ધ ગૉડફાધર’ રિલીઝ થતાંની સાથે જ સુપરડુપર હિટ થઈ. એણે કેટલાય બોક્સઓફિસ રેકાર્ડ્સ તોડી નાખ્યા. જે કાસ્ટિંગ માટે સ્ટુડિયોના સાહેબો Coppolaનું લોહી પી ગયા હતા તે પરફેક્ટ પૂરવાર થયું. અવોર્ડ્ઝનો વરસાદ વરસ્યો. અલ પચીનોને એમની કરીઅરનું પહેલું ઓસ્કર નોમિનેશન મળ્યું, પણ રાજી થવાને બદલે તેઓ ક્રોધે ભરાઈ ગયા. તેમનું કહેવું હતું કે મને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં માટે શા માટે નોમિનેટ કરવામાં આવ્યો છે? મારો રોલ વધારે લાંબો છે, સ્ક્રીન પર હું માર્લોેન બ્રાન્ડો કરતાં વધારે દેખાઉં છું તો મને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ કરવો જોઈતો હતો! અલ પચીનો એટલા બધા નારાજ થઈ ગયેલા કે તેઓ ઓસ્કર ફંકશનમાં હાજર સુધ્ધાં ન રહ્યા. ઉપસ્થિત રહ્યા હોત તો કદાચ એમને ઑર બળતરા થઈ હોત, કેમ કે બ્રાન્ડો બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ગયા. બ્રાન્ડો પણ અવોર્ડ ફંકશનમાં પ્રતીકાત્મક રીતે હાજર રહ્યા ન હતા. તેમનો વાંધો એ વાત સામે હતો કે અમેરિકન ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અમેરિકાના મૂળ વતનીઓ એવા રેડ ઈન્ડિયનોનું ચિત્રણ નકારાત્મક કરવામાં આવે છે.

ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જ એની એટલી સરસ હવા બની ગઈ હતી કે ‘ધ ગૉડફાધર’ પાર્ટ ટુ અને થ્રી બનાવવાનો નિર્ણય લઈ લેવામાં આવેલો. આ ફિલ્મો બની પણ ખરી અને તે પણ પહેલા પાર્ટ જેટલી જ અદભુત પૂરવાર થઈ. આ બન્ને સિક્વલ વિશે ‘હોલિવૂડ હંડ્રેડ’ સિરીઝના ઉત્તરાર્ધમાં ફરી ક્યારેક.

‘ધ ગૉડફાધર’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર : ફ્રાન્સિસ ફોર્ડ Coppola

મૂળ નવલકથાકાર અને સ્ક્રિપ્ટરાઈટર: મારિયો પૂઝો

કલાકાર : માર્લોન બ્રાન્ડો, અલ પચીનો, જેમ્સ કાન, રોબર્ટ ડુવોલ, ડીએન કીટન, જોન કેઝન, અલ લિટેરી

રિલીઝ ડેટ : ૧૫ માર્ચ ૧૯૭૨

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, એક્ટર ઈન લીડીંગ રોલ અને એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર અવોર્ડ્ઝ. બેસ્ટ ડિરેક્ટર, એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (અલ પચીનો, જેમ્સ કાન, રોબર્ટ ડુવોલ), કોસ્ચ્યુમ ડિઝાઈન, એડિટિંગ, સાઉન્ડ અને ઓરિજિનલ મ્યુઝિક માટે ઓસ્કર નોમિનેશન્સ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.