હૉલીવૂડ હન્ડ્રેડ – Film 81 – ‘અમાદીઉસ’
Mumbai Samachar – Matinee – 25 July 2014
હૉલીવૂડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
મશહૂર બ્રિટિશ નાટ્યલેખક પીટર શેફરે ‘ઈક્વસ’ નામનું યાદગાર નાટક લખ્યું હતું. એનું ગુજરાતી રૂપાંતરણ એટલે સિતાંશુ યશશ્ર્ચંદ્રની કલમે સર્જાયેલું અદ્ભુત નાટક, ‘તોખાર’. આ જ પીટર શેફરે પછી અમર સંગીતકાર મોઝાર્ટ અને તેના પ્રતિસ્પર્ધી પરથી પહેલાં ‘અમાદીઉસ’ નામનું નાટક લખ્યું, જેના પરથી પછી ફિલ્મ બની. પ્રોફેશનલ જેલસીની વાત કરતી આ સંગીતમય કૃતિ માણવાલાયક છે
* * * * *
Film 81 – ‘અમાદીઉસ’
રોક સકો તો રોક લો
અમાદીઉસ એટલે ઈશ્ર્વરના પ્યારા. પ્રભુને જેના પ્રત્યે ખૂબ વહાલ છે, એ. જગવિખ્યાત સંગીતકાર મોઝાર્ટનું આખું નામ છે, વુલ્ફગાન્ગ અમાદીઉસ
મોઝાર્ટ. એના જીવન પર આધારિત આ ફિલ્મ એક મસ્તમજાની કોસ્ચ્યુમ-કમ-પિરિયડ ડ્રામા છે.
ફિલ્મમાં શું છે?
કથા અઢારમી સદીમાં થઈ ગયેલા અમર ઓસ્ટ્રિયન સંગીતકાર વુલ્ફગાન્ગ અમાદીઉસ મોઝાર્ટ (ટોમ હલ્સ) અને તેના કટ્ટર હરીફ એન્ટોનિયો સેલીરી (એફ. મુરે અબ્રાહમ)ની છે. એન્ટોનિયો ભગવાનથી ડરનારો અને અઠંગ સંગીતપ્રેમી માણસ છે. રોમન સમ્રાટ જોસેફ બીજાના શાહી સંગીતકાર તરીકે એની ભારે પ્રતિષ્ઠા છે. આખું જીવન કોઈ અવરોધ વિના સંગીતને સમર્પિત કરી શકાય તે માટે યુવાનીમાં જ એણે બહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી.
એક વાર યુવાન સંગીતકાર મોઝાર્ટ સાલ્ઝબર્ગના પ્રિન્સ આર્કબિશપ સાથે વિએના આવે છે. એનીય સારી એવી નામના છે. એન્ટોનિયો મોઝાર્ટનું સંગીત સાંભળીને ચકિત થઈ જાય છે. એને થાય છે કે આવું દિવ્ય સંગીત ઈશ્ર્વરની કૃપા હોય તો જ જન્મે. મોઝાર્ટ વિશે વધારે જાણવાની ચટપટી જાગવાથી એ ગુપચુપ મોઝાર્ટ પર નજર રાખે છે. એણે મોઝાર્ટના ભવ્ય વ્યક્તિત્વની કલ્પના કરી હતી, પણ એનું વર્તન-વ્યવહાર જોયા પછી એન્ટોનિયો અતિ નિરાશ થાય છે – આવો ટેેલેન્ટેડ માણસ આટલો ઉછાંછળો અને વિચિત્ર કેવી રીતે હોઈ શકે? સમ્રાટ સાથે તેની મુલાકાત કરાવતી વખતે એન્ટોનિયો ખાસ સ્વાગત-સંગીત વગાડે છે. મોઝાર્ટ આ સ્વાગત-સંગીતમાંથી કેટલીય ભુલો શોધી કાઢે છે. કેવળ સ્મરણના આધારે એ સ્વાગત-સંગીત ખુદ વગાડે છે, એમાં થોડા ફેરફાર કરે છે અને કમાલની અસર ઊપજાવે છે.
એક તરફ બાલિશ વર્તન કરતા મોઝાર્ટ પર એન્ટોનિયોનો ગુસ્સો વધતો જાય છે અને બીજી બાજુ એની મેધાવી પ્રતિજ્ઞા જોઈને બળી બળીને ખાખ થઈ જાય છે. એને થાય છે કે ઈશ્ર્વરે દિવ્ય સંગીતની અભિવ્યક્તિ માટે વાતે વાતે ખિખિયાટા કરતા આવા ચક્રમ જેવા મોઝાર્ટને માધ્યમ બનાવ્યો? જાણે મોઝાર્ટને મોકલીને ઈશ્ર્વરે એની મજાક કરી રહ્યો છે. ભગવાન પરની એની શ્રદ્ધા ખળભળી ઊઠી છે. એને સતત થયા કરે છે કે મોઝાર્ટની તુલનામાં પોતે તદ્દન મીડિયોકર સંગીતકાર છે.
મોઝાર્ટ પત્ની કોન્સ્ટેન્ઝ (એલિઝાબેથ બેરિજ) અને દીકરા કાર્લ સાથે વિએના આવ્યો તો ખરો, પણ એની આર્થિક હાલત વખાણવાલાયક નથી. પિતા સાથે પણ એને બનતું નથી. આ વાત એન્ટોનિયો જાણે છે. પિતાનું મૃત્યુ થવાથી એ દુખી દુખી છે. પોતે પુત્ર તરીકે નિષ્ફળ ગયો છે તે વાતનું ગિલ્ટ પણ છે. એન્ટોનિયો મોઝાર્ટની લાચારીનો લાભ ઉઠાવવાનું નક્કી કરે છે. એ વેશપલટો કરીને મોઝાર્ટને મળવા જાય છે. એને એક કમ્પોઝિશન તૈયાર કરવાનું અસાઈન્મેન્ટ ઉપરાંત એડ્વાન્સ પૈસા પણ આપે છે. કામ પૂરું થયા પછી તોતિંગ રકમ મળવાની હતી એટલે મોઝાર્ટ માંડ્યા સંગીત તૈયાર કરવા. એન્ટોનિયો મનોમન કલ્પનાના ઘોડા દોડાવે છે કે કમ્પોઝિશન તૈયાર થશે એટલે ભરી સભામાં તેને હું મારી રચના તરીકે પેશ કરીશ. બધા ઝુમી ઊઠશે, વાહવાહ કરશે. એકલા મને અને ઉપરવાળાને જ ખબર હશે કે કમ્પોઝિશનનો ખરો સર્જક તો મોઝાર્ટ છે.
મોઝાર્ટ જે કંઈ નાણાં મળ્યાં હતાં તે ઉડાવી મારે છે. એને ધ મેજિક ફ્લ્યુટ નામનું બીજું એક કમ્પોઝિશન તૈયાર કરવાનું કામ પણ મળ્યું છે. ધ મેજિક ફ્લ્યુટ અને એન્ટોનિયોએ આપેલાં અસાઈન્મેન્ટ પર એકસાથે કામ થઈ રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ચણભણ થઈ જતા એક દિવસ કોન્સ્ટેન્ઝ દીકરાને લઈને જતી રહે છે. મોઝાર્ટની તબિયત બગડતી જાય છે. એને ટીબી સહિતના જાતજાતના રોગ થયા છે.
ધ મેજિક ફ્લ્યુટના પ્રીમિયર વખતે જ બીમાર મોઝાર્ટ ઢળી પડે છે. એન્ટોનિયો એને એના ઘરે લાવે છે. મોઝાર્ટ મરવા પડ્યો છે, પણ એન્ટોનિયો જીદ કરે છે કે ગમે તેમ કરીને તું મેં આપેલું અસાઈન્મેન્ટ પૂરું કર. મોઝાર્ટ સંગીતની નોટ્સ ડિક્ટેટ કરતો જાય છે, ઘાંઘો થઈ ગયેલો એન્ટોનિયો ફટાફટ લખતો જાય છે. આખી રાત આ કામ ચાલે છે. સવારે મોઝાર્ટની પત્ની આવે છે. એન્ટોનિયોને એ જતા રહેવાનું કહે છે. એન્ટોનિયોની ના કહેવા છતાં એની મેન્યુસ્ક્રિપ્ટ પર નજર ફેરવે છે. એ પતિની જગાડે છે, પણ બહુ મોડું થઈ ચૂક્યું છે. મોઝાર્ટ મૃત્યુ પામ્યો છે. એન્ટોનિયોનું અસાઈન્મેન્ટ જ નહીં, એનું વાહવાહી મેળવવાનું સપનું પણ અધૂરું રહી જાય છે. વિયેનાની બહાર મોઝાર્ટને દફન કરવામાં આવે છે.
ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. ફિલ્મની શરૂઆત વાસ્તવમાં ફ્લેશબેકથી થઈ હતી. પાગલખાનામાં અંતિમ દિવસો વીતાવી રહેલા વૃદ્ધ એન્ટોનિયોના મન પર બોજ છે કે એણે મોઝાર્ટને મારી નાખ્યો છે. એક યુવાન પાદરી એની કબૂલાત સાંભળવા માટે આવ્યો છે.
એન્ટોનિયો કહે છે કે મોઝાર્ટ અતિ પ્રતિભાશાળી હતો એટલે જ એનો જીવ ગયો. ઉપરવાળાએ એના ભાગની થોડી ટેલેન્ટ મને કેમ ન આપી? હું તો મીડિયોકર બનીને રહી ગયો… એન્ટોનિયોને વ્હીલચેર પર લઈ જવામાં આવે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
‘અમાદીઉસ’ મૂળ તો બ્રોડવેનું પ્રોડક્શન. ૧૭ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ ઓપન થયેલા આ મ્યુઝિકલના કુલ ૧૧૮૧ શોઝ થયા હતા. થિયેટરની દુનિયામાં અતિપ્રતિષ્ઠિત ટોની એવૉર્ડ એને મળ્યો છે. નાટ્યલેખક પીટર શેફરને જ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ સોંપાયું. પીટર શેફરે અગાઉ ‘ઈક્વસ’ નામનું સુપરડુપર નાટક લખ્યું હતું. આ નાટકનું ગુજરાતી રૂપાંતર એટલે સિતાંશુ યશશ્ર્ચંદ્રનું અદ્ભુત ‘તોખાર’. ઘણાના મનમાં સવાલ જાગતો હોય છે કે મોઝાર્ટ તો જાણે બરાબર છે, પણ એન્ટોનિયો સેલીરી કાલ્પનિક કિરદાર છે કે આ નામનો સંગીતકાર ખરેખર થઈ ગયો? જવાબ એ છે કે એન્ટોનિયો સેલીરી, મોઝાર્ટ જેટલો જ અસલી છે. આ ઈટાલિયન મ્યુઝિક કમ્પોઝર અને ક્ધડક્ટર એના જમાનામાં ખાસ્સો ફેમસ હતો. મોઝાર્ટ સાથે એની કટ્ટર હરીફાઈ હતી તે વાત સાચી, પણ એ મોઝાર્ટનો જીવ લેવા માગતો હતો તેનું પ્રમાણ મળતું નથી. ઈતિહાસ કહે છે કે પ્રતિસ્પર્ધી હોવા છતાં બન્ને વચ્ચે દોસ્તીનો સંબંધ હતો. ઈન ફેક્ટ, મોઝાર્ટનો દીકરો સંગીત શીખવા એન્ટોનિયો પાસે જતો. એન્ટોનિયો ગુરુ તરીકે ઉત્તમ હતા. વિખ્યાત સંગીતકાર બિથોવન એના જ શિષ્ય.
ફિલ્મ ક્રિટીક રોજર ઈબર્ટે ત્રણ જ વાક્યમાં આખી ફિલ્મનો અર્ક આપી દીધો છે – ‘આ ફિલ્મ મોઝાર્ટની ટેલેન્ટ વિશે નહીં, પણ એના પ્રતિસ્પર્ધી એન્ટોનિયોની ઈર્ષ્યા વિશે છે. એન્ટોનિયોની સંગીત પરખવાની પ્રતિભા અત્યંત ઉચ્ચ કક્ષાની છે, પણ સંગીત સર્જવાની પ્રતિભા સાવ મામૂલી છે. એ ફર્સ્ટ-રેટ મ્યુઝિક લવર છે, પણ મ્યુઝિક કમ્પોઝર તરીકે થર્ડ-રેટ છે. તેથી એને સતત ભાન થતું રહે છે કે મોઝાર્ટ કેટલો મહાન છે અને પોતે કેટલો વાહિયાત છે.’
એન્ટોનિયાનો ઈર્ષ્યાભાવ, લાચારી અને ગિલ્ટ એક્ટર એફ. મુરે અબ્રાહમે આબાદ ઊપસાવ્યા છે. ડિરેક્ટર મિલોસ ફોરમેને એને મૂળ બીજા કોઈ રોલ માટે બોલાવ્યા હતા. ઓડિશન વખતે એમણે એમ જ વૃદ્ધ એન્ટોનિયોના ડાયલોગ્ઝનું ભાવવાહી પઠન કરવાનું કહ્યું. એન્ટોનિયો એટલી સરસ રીતે સંવાદ બોલ્યા કે ડિરેક્ટરે એ જ વખતે એમને આ રોલ અબ્રાહમને આપી દેવાનો નિર્ણય કરી લીધો. આ ડિસિઝન ફિલ્મને ખૂબ ફળ્યું. અબ્રાહમ અને મિલોસ ફોરમેન બન્ને ઓસ્કર જીતી ગયા. ઈન ફેક્ટ, એન્ટોનિયો અને મોઝાર્ટ બનેલા ટોમ હલ્સ બન્ને બેસ્ટ એકટર ઈન લીડિંગ રોલ માટે નોમિનેટ થયા હતા. આવું સામાન્યપણે ઓછું બનતું હોય છે. ટોમ હલ્સના ફાળે ગયેલા મોઝાર્ટના રોલ માટે મેલ ગિબ્સનનું ઑડિશન પણ લેવામાં આવ્યું હતું. મોઝાર્ટનો રોલ નિભાવવાની જવાબદારી કેટલી મોટી છે તે ટોમ હલ્સ બહુ સારી રીતે સમજતા હતા. પૂર્વતૈયારીના ભાગ રૂપે તેઓ મહિનાઓ સુધી રોજના ચાર કલાક પિયાનો પર પ્રેક્ટિસ કરતા કે જેથી સ્ક્રીન પર એમનુું પર્ફોેર્મન્સ બનાવટી ન લાગે. ફિલ્મ પ્રાગમાં શૂટ કરવામાં આવી છે. આ શહેરે અઢારમી સદીના ઈતિહાસના ઘણા અવશેષોને સરસ સાચવ્યા છે. ફક્ત ચાર જ સેટ બનાવવાની જરુર પડી હતી – એન્ટોનિયોનો હૉસ્પિટલ રૂમ, મોઝાર્ટનું ઘર, સિડી અને થિયેટર. બાકીનાં લોકેશન અસલી છે. અદ્ભુત પેલેસો, સુંદર વસ્ત્રો, વરણાગી વિગ્ઝ વગેરેને કારણે ફિલ્મ માત્ર કાનને નહીં, આંખોને પણ ગમે તેવી બની છે. ‘અમાદીઉસ’ને અગિયાર-અગિયાર ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી આઠ અવોર્ડ એણે જીતી લીધા. બેસ્ટ સ્ટેજ પ્રોડક્શન માટે ટોની અને બેસ્ટ પિક્ચરનો ઓસ્કર એમ બન્ને એવૉર્ડ જીતી લીધા હોય એવા કુલ ચાર જ નાટક-કમ-ફિલ્મો છે- ‘માય ફેર લેડી’ (૧૯૬૪), ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ (૧૯૬૫), ‘અ મેન ઑફ ઓલ સિઝન્સ’ (૧૯૬૬) અને ‘અમાદીઉસ’.
મજાની ફિલ્મ છે. તમને પિરિયડ ડ્રામા જોવામાં રસ પડતો હશે તો ઑર મોજ પડશે.
* * * * *
‘અમાદીઉસ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્શન – મિલોસ ફોરમેન
સ્ક્રીનપ્લે – પીટર શેફર
મૂળ નાટ્યકાર – પીટર શેફર
કલાકાર – એફ. મુરે અબ્રાહમ, ટોમ હલ્સ, એલિઝાબેથ બેરિજ
રિલીઝ ડેટ – ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૪
મહત્ત્વના એવૉર્ડ્ઝ – બેસ્ટ એક્ટર (એફ. મુરે અબ્રાહમ), ડિરેક્ટર, પિક્ચર, અડેપ્ટેડ સ્ક્રીનપ્લે, આર્ટ ડિરેક્શન, કોસ્ચ્યુમ ડિઝાઈન, મેકઅપ અને સાઉન્ડ મિક્સિગં માટેનાં ઓસ્કર એવૉર્ડઝ. બેસ્ટ એક્ટર (ટોમ હલ્સ), સિનેમેટોગ્રાફી અને એડિટિંગ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply