હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’
Mumbai Samachar – Matinee – 25 July 2014
હૉલીવૂડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
કોઈ અણઘડ માણસના હાથમાં ન્યુક્લિયર શસ્ત્રોની ચાવી આવી ગઈ તો? પૃથ્વી પર અકસ્માતે ન્યુક્લિયર વોર શરૂ થઈ જાય તો? આ વિચાર ભલે ખોફનાક રહ્યો, પણ આ આઈડિયા પરથી સ્ટેન્લી કુબ્રિકે બનાવેલી ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’ સોલિડ રમૂજી છે!
* * * * *
Film 80 : ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’
આજે સ્ટેન્લી કુબ્રિકની ઓર એક ફિલ્મ વિશે વાત કરવી છે. આ માણસની રેન્જ જુઓ. એક તરફ એ ‘૨૦૦૧ – અ સ્પેસ ઓડિસી’ નામની સાયન્સ ફિક્શન બનાવે છે, જે આજેય આ પ્રકારના સિનેમા માટે એક માપદંડ ગણાય છે. બીજી તરફ એ ‘લોલિટા’ નામની અતિ વિવાદાસ્પદ કથાનક ધરાવતી સોશિયલ ફિલ્મ બનાવે છે, જેમાં આધેડ પુરુષ અને ટીનેજર ક્ધયા વચ્ચેના સંંબંધની વાત છે. ત્રીજી તરફ સ્ટિફન કિંગની ‘ધ શાઈનિંગ’ નવલકથા પરથી એ જ ટાઈટલ ધરાવતી ફિલ્મ બનાવે છે જે ઓલ-ટાઈમ-ગ્રેટ હોરર ફિલ્મોમાં સ્થાન પામી છે. આ ત્રણેય ફિલ્મો વિશે આપણે ‘હોલીવૂડ હંડ્રેડ’ સિરીઝમાં વાત કરી ચુક્યા છીએ. આજે જેના વિશે ચર્ચા કરવાના છીએ તે ‘ડો. સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’ આગલી ત્રણેય ફિલ્મો કરતાં સાવ જુદી છે. આ એક યાદગાર બ્લેક કોમેડી છે. બ્લેક કોમેડી એટલે એવી રમૂજ જેમાં વાત વિનાશ, આતંક કે વેદનાની ચાલતી હોય પણ તેનાથી ગભરાટ, અરેરાટી, દયા કે અનુકંપા થવાને બદલે આપણને ખડખડાટ હસવું આવે. ફિલ્મનું લાંબુંલચ્ચ ટાઈટલ જ કેટલું ફની છે. મહાન કોમેડિયન પીટર સેલર્સે કરેલા ટ્રિપલ રોલ આ ફિલ્મની હાઈલાઈટ છે.
ફિલ્મમાં શું છે?
એક પ્રચલિત માન્યતા છે કે હવે જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થયું તો ખતરનાક ન્યુક્લિયર બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને બાયોલોજિકલ વેપન્સના પાપે દુનિયાનો સર્વનાશ થઈ જશે. ચોથા વિશ્ર્વયુદ્ધ સૃષ્ટિનું નવસર્જન પછી ખેલાશે. તે વખતે આપણે પાછા આદિમાનવ બની ગયા હોઈશું ને પથ્થરો, તીર-કામઠાં આપણાં અસ્ત્રોશસ્ત્રો હશે. આ બધી તો ખેર થિયરીઓ છે, પણ ન્યુક્લિયર બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ એક વાસ્તવિકતા છે. ધારો કે આ વિનાશક બોમ્બનો કંટ્રોલ ખોટા માણસના હાથમાં આવી ગયો તો? આ પ્રશ્ર્ન ‘ડો. સ્ટે્રન્જલવ’નો પાયો છે (સરળતા ખાતર આ લેખમાં આપણે ફિલ્મનું ટાઈટલ ટૂંકમાં જ લખીશું).
આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મનો સમયગાળો અમેરિકા અને રશિયા વચ્ચેના કોલ્ડવોરનો છે. સોવિયેત રશિયાના ટુકડા થવાની હજુ વાર છે. ફિલ્મની શરૂઆતમાં જ અમેરિકાના બ્રિગેડિયર જનરલ જેક ડી. રિપર (સ્ટર્લિંગ હેડન) ૩૪ બી-ફિફ્ટીટુ ફાઈટર પ્લેનના જવાનોને ઓર્ડર આપે છે: સાવધાન… રશિયા પર આક્રમણ કરવા માટે રેડી થઈ જાઓ! આ યુદ્ધ જહાજ પર ન્યુક્લિયર બોમ્બ લદાયેલા છે, જે મહાવિનાશ કરવા માટે સક્ષમ છે. બ્રિગેડિયર જનરલને આવો ખતરનાક આદેશ શા માટે આપ્યો? એના મનમાં તરંગ આવ્યો કે અમેરિકનોને પાણી પૂરું પાડતાં જળાશયોમાં રશિયનોએ ઘાતક ઝેર ભેળવી દીધું છે, જેનાથી માણસના ‘પ્રીશિયસ બોડીલ ફ્લડ’માં ઊથલપાથલ મચી જવાની છે. મતલબ કે રશિયાએ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. આવી સ્થિતિમાં અમેરિકા કેવી રીતે ચુપ બેસે? ચક્રમ બ્રિગેડિયરે એક પણ સિનિયર કે ઈવન અમેરિકન પ્રેસિડન્ટને પૂછ્યાગાછ્યા વિના ન્યુક્લિયર વૉરનો પલીતો ચાંપી દીધો!
બ્રિગેડિયરનો એક એક્ઝિક્યુટિવ ઓફિસર છે – ગ્રુપ કેપ્ટન લિઓનેલ મેન્ડ્રેક (પીટર સેલર્સ નંબર વન). મુછાળા મેન્ડ્રેકનો દાવો છે કે એનેય બોમ્બર વિમાનોને પાછા બોલાવતા આવડે છે, પણ આ કામ હું તો જ કરું જો પહેલાં આખી દુનિયાને આ કારનામાની જાણ કરવામાં આવે.
પેન્ટાગોનના વોરરૂમમાં ધમાલ મચી જાય છે. લશ્કરના ચીફ જનરલ ટર્ગીડસન (જ્યોર્જ સી. સ્કોટ) અમેરિકન પ્રેસિડન્ટ મર્કિન મફલી (પીટર સેલર્સ નંબર ટુ)ને બ્રેકિંગ ન્યુઝ આપે છે કે સર, અણુયુદ્ધ શરુ થઈ ચુક્યું છે. ટકલુ પ્રેસિડન્ટ રાતાપીળા થઈ જાય છે. વોરરૂમમાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટ ડો. સ્ટ્રેન્જલવ (પીટર સેલર્સ નંબર થ્રી), રશિયાનો રાજદૂત સહિત બીજા કેટલાય ચાવીરૂપ માથાં પણ બેઠાં છે. ડો. સ્ટ્રેન્જલવ વ્હીલચેર સાથે બંધાયેલો છે ને એના ચહેરા પર ચોવીસે કલાક સ્માઈલ ચીપકેલું રહે છે.
બાઘ્ઘો પ્રેસિડન્ટ હોટલાઈન પર મોસ્કો ફોન જોડીને દારૂડિયા રશિયન વડા દિમિત્રી સાથે ડરતાં ડરતાં વાત શરૂ કરે છે: ‘હેલો દિમિત્રી… આઈ એમ ફાઈન… હવે વાત એમ છે કે આપણે અગાઉ ઘણી વાર બોમ્બમાં કંઈક ગરબડ થાય તો શું પરિણામ આવે એના વિશે ચર્ચા કરી છે, યાદ છે?… અરે બોમ્બ, બોમ્બ, દિમિત્રી. હાઈડ્રોજન બોમ્બ… હવે થયું છે એવું કે કે અમારો એક કમાન્ડર છે… કોણ જાણે એના મનમાં શું ધૂનકી ચડી… એણે જરાક બેવકૂફી કરી નાખી છે… શું છે, એણે તમારા દેશ પર એટેક કરવા પ્લેન છોડી મૂક્યા છે… ના, ના… પ્લેન ઓલરેડી રવાના થઈ ગયા છે, ભાઈ… રશિયા પર અટેકે કરે એટલી જ વાર છે…’ જબરો રમૂજી છે આ સીન.
આ બધી ગરમાગરમીમાં રશિયન એમ્બેસેડર નવું પપલુ છોડે છે. એ કહે છે કે રશિયાએ ડૂમ્સડે ડિવાઈસ નામનું એક ઉપકરણ વિકસાવ્યું છે. એમાં એવું છે કે જેવો રશિયા પર એટેક થાય કે આ ડિવાઈસ આપોઆપ એક્ટિવેટ થઈ જાય. પચાસ જેટલા રેડિયોએક્ટિવ કોબાલ્ટ થોરિયમ ધરાવતા મહાઘાતક બોમ્બ દુશ્મન દેશ પર ઝીંકાય અને એનું ધનોતપનોત કાઢી નાખે! એટલું જ નહીં, તે પછીના દસ જ મહિનામાં સમગ્ર પર્યાવરણ એટલું દૂષિત થઈ જાય કે પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામે! ભારે અફરાતફરીનો માહોલ છે. પેલો મેન્ડ્રેક એસટીડી પીસીઓ પરથી રશિયન વડા સાથે વાત કરવાની કોશિશ કરે છે. કોઈ પણ ભોગે પેલા રવાના થઈ ચુકેલા બોમ્બર વિમાનોને પાછાં વાળવાં જ પડે તેમ છે. એક પાયલટ મેજર ટી.જે. કિંગ કોંગ સાથે કોન્ટેક્ટ થાય છે, પણ એ કંઈક ભળતુંસળતું સમજે છે. તો પછી એન્ડમાં શું થાય છે? રશિયા પરનું આક્રમણ ટળ્યું? પેલી મહાખેપાની ડૂમ્સડે ડિવાઈસ એક્ટિવેટ થઈ કે ન થઈ? આ બધા પ્રશ્ર્નોના જવાબ તમારે જાતે મેળવી લેવાના છે, ફિલ્મની ડીવીડી જોઈને.
કથા પહેલાંની અને પછીની
સ્ટેન્લી કુબ્રિકનો મૂળ આઈડિયા તો પીટર જ્યોર્જ લિખિત ‘રેડ એલર્ટ’ નવલકથા પરથી દિલધડક થ્રિલર બનાવવાનો હતો. સ્ક્રિપ્ટ લખતાં પહેલાં રિચર્સ માટે કુબ્રિકે ન્યુક્લિયર વોરને લગતી પચાસેક ચોપડીઓ વાંચી નાખી હતી. સ્ક્રિપ્ટ લખતાં લખતાં એમને થયું કે અમુક સિચ્યુએશન ટેન્શનવાળી કરતાં ફની વધારે છે. તેઓ ટેરી સધર્ન નામના લેખકને ખેંચી લાવ્યા. સ્ક્રિપ્ટનું સટાયર એટલે કે કટાક્ષિકામાં રૂપાંતર ટેરીએ કર્યું. ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા. ફિલ્મનું ટાઈટલ બદલવામાં આવ્યું. સ્ટ્રેન્જલવ અને કિસઓફ જેવી વિચિત્ર અટકો ઊપજાવી કાઢવામાં આવી. ફિલ્મનો ડાયલોગ યા તો શબ્દરચના જે-તે ભાષાનો હિસ્સો બની જાય તે સંવાદલેખનની સૌથી મોટી સફળતા ગણાય. આ ફિલ્મમાં એવું બન્યું છે. વીર્ય માટે અંગ્રેજીમાં વપરાતો ‘પ્રીશિયસ બોડીલી ફ્લડ’ આ શબ્દપ્રયોગ ‘ડો. સ્ટે્રન્જલવ’ની દેન છે. ફિલ્મમાં તમે જોશો કે વોરરૂમના તોતિંગ ટેબલ પર સૌની આગળ નાસ્તાની પ્લેટો પડી છે. કુબ્રિકની ઈચ્છા હતી કે બધા મોટાં માથાં એકબીજા સાથે કેક-ફાઈટ કરતા હોય ને એકમેકના ચહેરા પર કસ્ટર્ડ પાઈ રગડતા હોય એવા દશ્યથી ફિલ્મ પૂરી કરવી. આ સીનનું શૂટિંગ પણ કરવામાં આવ્યું, પણ એડિટિંગ દરમિયાન કુબ્રિકને લાગ્યું કે સ્લેપસ્ટિક કોમેડીવાળો આ સીન વધારે પડતો લાઉડ બની ગયો છે. આખી ફિલ્મના ટોન સાથે એ બંધબેસતો ન હોવાથી સીન પડતો મૂકવામાં આવ્યો. એમ તો સ્ક્રિપ્ટના એક વર્ઝનમાં પરગ્રહવાસીઓ પૃથ્વી પર થઈ રહેલા સર્વનાશને અવકાશમાંથી જોઈ રહ્યા હોય તેવો સીન પણ હતો. આ સીન જોકે શૂટ જ નહોતો થયો.
ફિલ્મમાં ટ્રિપલ રોલ કરનાર પીટર સેલર્સને એ જમાનામાં એક મિલિયન ડોલરની ફી ચુકવવામાં આવેલી, જે આખેઆખી ફિલ્મના કુલ બજેટનો ૫૫ ટકા હિસ્સો જેટલી હતી! પીટર સેલર્સ ઈમ્પ્રોવાઈઝેશનના એક્કા હતા. એમના મોટા ભાગના ડાયલોગ્ઝ સેટ પર ઈમ્પ્રોવાઈઝ થયેલા છે. સ્ટેન્લી કુબ્રિક ખડુસ ડિરેક્ટર છે. એક્ટરે સારો શોટ આપ્યો હોય તોય ચહેરા પર હરામ બરાબર સ્માઈલ લાવતા હોય તો! પણ ‘ડો. સ્ટ્રેન્જલવ’ના શૂટિંગ દરમિયાન પીટસ સેલર્સનો અભિનય જોઈને એટલું બધું હસતા કે આંખોમાં પાણી આવી જતું.
સેલર્સ વાસ્તવમાં ફાઈટર પ્લેનના પાયલટ મેજર ટી.જે. કિંગ કોંગનો ચોથો રોલ પણ કરવાના હતા, પણ એમને ટેક્સાસની એક્સેન્ટ પકડવામાં તકલીફ પડી રહી હતી. અધૂરામાં પૂરું એમની કોણી પણ ઈન્જર્ડ થઈ ગઈ. આથી સ્ટેન્લી કુબ્રિકે આ રોલ સ્લિમ પિક્ધસ નામના એક્ટરને આપી દીધો. મજાની વાત એ હતી કે સ્લિમ પિક્ધસને છેક સુધી કહેવામાં આવ્યું નહોતું કે આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ જોતી વખતે પણ તમને સમજાશે કે એણે બધાં સીન બહુ સિરિયસલી કર્યાં છે. લક્ષ્ય તરફ આગળ વધી રહેલા બોમ્બની ઉપર ઘોડો-ઘોડો કરીને બેઠેલા મેજર કિંગ કોંગનું દશ્ય યાદગાર બની ગયું છે. જનરલ ટર્ગીડસનનો રોલ કરનાર જ્યોર્જ સી. સ્કોટને શૂટિંગ દરમિયાન સ્ટેન્લી કુબ્રિક સતત ઓવર-એક્ટિંગ કરવાનું દબાણ કર્યા કરતા હતા. સ્કોટ ખૂબ ચિડાતા. એમણે પાણી મૂક્યું હતું કે હવે પછી લાઈફમાં ક્યારેય કુબ્રિક સાથે કામ નહીં કરું. બન્યું એવું કે ફિલ્મમાં પીટર સેલર્સ પછી સૌથી વધારે ધ્યાન જ્યોર્જ સી. સ્કોટના રોલે જ ખેંચ્યું. ખૂબ પ્રશંસા થઈ છે એમનાં પર્ફોર્મન્સની. પછી તો સ્કોટે ખુદ સ્વીકારવું પડ્યું કે ‘ડો. સ્ટે્રન્જલવ’નો રોલ એમની કરીઅરનો મોસ્ટ ફેવરિટ રોલ છે. વોરરૂમના એક દ્શ્યમાં જનરલ ટર્ગીડસન વાત કરતા કરતા ગડથોલું ખાઈને ગબડી પડે છે ને પછી બીજી જ સેક્ધડે ઊભા થઈને વાતને એવી રીતે કન્ટિન્યુ રાખે છે જાણે કશું થયું જ નથી. વાસ્તવમાં જ્યોર્જ સી. સ્કોટ ચાલુ શોટ દરમિયાન ખરેખર પડી ગયેલા. ક્ુબ્રિકે ફિલ્મમાં આ શોટ યથાતથ વાપર્યો છે. કેટલીય સિરિયલો અને હિન્દી ફિલ્મોમાં તેની નકલ થઈ છે.
૧૯૬૦ના દાયકામાં બી-ફિફ્ટીટુ બોમ્બર વિમાન ખૂબ આધુનિક ગણાતા. એની કોકપિટની ડિઝાઈન બનાવવા માટે કુબ્રિકે પેન્ટાગોનની મદદ માગી હતી, પણ આ નેશનલ સિક્યોરિટીનો મામલો હતો એટલે પેન્ટાગોનના અધિકારીઓએ ચોખ્ખી ના પાડી દીધી. કુબ્રિકે પછી એક બ્રિટિશ મેગેઝિનમાં છપાયેલી તસવીરના કટિંગથી કામ ચલાવ્યું. જોકે કોકપિટની ડિઝાઈન આબેહૂબ બની હતી.
કુબ્રિક ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં કરવા માગતા હતા, પણ ઈંગ્લેન્ડવાસી પીટર સેલર્સ છુટાછેડાના કેસમાં અટવાયા હોવાથી દેશ છોડી શકે તેમ નહોતા. તેથી ફિલ્મ પછી ઈંગ્લેન્ડમાં શૂટ કરવામાં આવી. ફિલ્મનું ટેસ્ટ સ્ક્રિનિંગ ૨૨ નવેમ્બર ૧૯૬૩ના રોજ થવાનું હતું, પણ એ જ દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ. કેનેડીની હત્યા થઈ ગઈ. આવા આઘાતજનક માહોલમાં કોમેડી ફિલ્મ જોવા કોણ આવવાનું. પબ્લિકનો મૂડ પારખીને રિલીઝ ડેટ જાન્યુઆરી ૧૯૬૪ સુધી પાછળ ધકેલવામાં આવી. ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ. સર્વકાલીન શ્રેષ્ઠતમ કોમેડી ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું. ઓસ્કર માટે નોમિનેટ થયેલી કે ઓસ્કર જીતેલી કોઈ ફિલ્મનું આટલું લાંબું તેર તેર શબ્દોવાળું ટાઈટલ હજુ સુધી નથી આવ્યું! છેક ૧૯૯૫માં કુબ્રિકે ફિલ્મની સિક્વલ બનાવાની હિલચાલ શરૂ કરી હતી. એનું ટાઈટલ રાખવામાં આવ્યું હતું, ‘સન ઓફ સ્ટે્રેન્જલવ’. એની સ્ક્રિપ્ટ જોકે ક્યારેય પૂરી જ ન થઈ શકી. ખેર, તમે આ ફિલ્મ જોજો. મજ્જા પડશે.
‘બ્લેક સ્વાન’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર : સ્ટેન્લી કુબ્રિક
સ્ક્રીનપ્લે : સ્ટેન્લી કુબ્રિક, પીટર જ્યોર્જ, ટેરી સધર્ન
મૂળ નવલકથાકાર : પીટર જ્યોર્જ (‘રેડ એલર્ટ’)
કલાકાર : પીટર સેલર્સ, જ્યોર્જ સી. સ્કોટ, સ્ટર્લિંગ હેડન, કીનવ વાઈન, સ્લિમ પિક્ધસ
રિલીઝ ડેટ : ૨૯ જાન્યુઆરી ૧૯૬૪
મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ પિક્ચર, લીડિંગ એક્ટર (પીટર સેલર્સ), ડિરેક્ટર અને અડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટેનાં ઓસ્કર નોમિનેશન્સ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply