હૉલીવૂડ હન્ડ્રેડ – 98 – ‘ધ એડવન્ચર’
Mumbai Samachar – Matinee – 3 Dec 2014
હૉલીવૂડ હન્ડ્રેડ
* * * * *
માઈકલેન્જેલો એન્ટોનિયોનીની ‘ધ એડવન્ચર’માં નૈતિકતાના છોતરાં ઊડી ગયાં છે. હિરોઈન ખોવાઈ જાય અને તે સાથે જ તેનો પ્રેમી અને બહેનપણી એકબીજા સાથે લફરું કરી દે એ કેવું? કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયરમાં જ ઓડિયન્સે હૂરિયો બોલાવ્યો! પણ બીજા સ્ક્રીનિંગ પછી બાજી નાટ્યાત્મક રીતે પલટી. દુનિયાભરમાંથી આવેલા કેટલાક ઉત્તમ ફિલ્મ સમીક્ષકોને ફિલ્મને ‘અદ્ભુત’ ગણાવી. એન્ટોનિયોનીની તદ્દન મૌલિક, બોલ્ડ સિનેમેટિક સ્ટાઈલ, ‘કવિ કહેવા શું માગે છે’ એ સંદેશો સ્પષ્ટ થયાં અને તે સાથે જ ‘ધ એડવન્ચર’ ચર્ચાનો વિષય બની ગઈ. એટલી હદે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એને જ્યુરીનું પ્રાઈઝ સુધ્ધાં મળ્યું!
ખાલી હાથ શામ આઈ હૈ… ખાલી હાથ જાએગી
આપણે આ સિરીઝમાં અગાઉ મહાન ઈટાલિયન ફિલ્મમેકર ફેલિની અને તેમની ‘લા ડોલ્ચ વિતા’ વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે ઑર એક ગ્રેટ ઈટાલિયન ફિલ્મમેકર માઈકલેન્જેલો એન્ટોનિયોનીની ‘ધ એડવેન્ચર’ વિશે વાત કરવી છે. ‘ધ એડવન્ચર’નું ઓરિજિનલ ઈટાલિયન ટાઈટલ જોકે અલગ છે. આ ફિલ્મ તમને ‘લા ડોલ્ચ વિતા’ની સહેજ યાદ અપાવશે, પણ સાથે સાથે તે પણ સમજાશે કે બન્ને વચ્ચે આભ-જમીનનો ફરક છે.
ફિલ્મમાં શું છે?
રોમમાં વસતા ધનિક સોશ્યલાઈટ્સનું એક ઝુંડ એકવાર પિકનિકનું આયોજન કરે છે. યાટમાં સવાર થઈને તેઓ નજીકના એક નિર્જન ટાપુ તરફ રવાના થાય છે. આ વરણાગી લોકોમાં એક ઍના (લિઆ મેસરી) છે, એનો પ્રેમી સેન્ડ્રો (ગેબ્રિએલ ફર્ઝેેટી) છે અને ઍનાની ખાસ બહેનપણી ક્લોડિયા (મોનિકા વિટ્ટી) છે. આ સિવાય પણ કેટલાક લોકો છો. ઍના અને સેન્ડ્રો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે, પણ તેમના વર્તન-વ્યવહાર પરથી સ્પષ્ટપણે સમજાય છે કે બન્ને વચ્ચે ઓલ-ઈઝ-વેલ નથી. ટચુકડા ટાપુ પર એકલાં પડે છે ત્યારે પોતાની રિલેશનશિપ વિશે ચર્ચા કરતી વખતે તેઓ બાખડી પડે છે. સેન્ડ્રો લાંબી લાંબી બિઝનેસ ટ્રિપ પર જાય છે તે ઍનાને જરાય પસંદ નથી. સેન્ડ્રો ચિડાય છે. ઍના અકળાઈને કહે છે – તું જા, મને થોડીવાર એકલી રહેવા દે. સેન્ડ્રો બીજા દોસ્તો પાસે જતો રહે છે. ઍના એક ખડક પર લાંબી થાય છે.
બસ, તે ઘડી ને આજનો દી’. ઍના પછી કોઈની નજરમાં જ ન આવી! થોડી કલાકો પછી દરિયો તોફાને ચડતાં સૌ પાછાં વળવાનું નક્કી કરે છે ત્યાં સૌનું ધ્યાન જાય છે કે ઍના ક્યાં? ક્લોડિયા એને શોધવા નીકળે છે પણ ઍનાનો ક્યાંય પત્તો નથી. સેન્ડ્રો વ્યાકુળ થવાને બદલે ઊલટો ચીડાય છે – ઍના છે જ એવી. એક નંબરની બિનજવાબદાર. આમ કોઈને કહ્યા વગર જતા રહેવાતું હશે? એવું નક્કી થાય છે કે ક્લોડિયાએ સેન્ડ્રો અને બીજા એક આદમી સાથે ટાપુ પર રોકાઈને શોધખોળ કરવી, જ્યારે બાકીના લોકોએ પાછા ફરીને લાગતાવળગતાઓને જાણ કરવી.
બીજા દિવસે ઍનાના પિતા અને પોલીસના માણસો ટાપુ પર આવે છે. નવેસરથી શોધખોળ થાય છે, પણ પરિણામ શૂન્ય. ઍનાના પિતાને શંકા છે કે દીકરીએ આપઘાત કર્યો છે, જ્યારે પોલીસને લાગે છે કે થોડી કલાકો પહેલાં જે સ્મગલરો પકડાયા છે એ જ ઍનાને કિડનેપ કરી ગયા હોવા જોઈએ. ટાપુને અલવિદા કરતાં પહેલાં સેન્ડ્રો યાટ પર ક્લોડિયાને એકલી જુએ છે. અચાનક એને શું સૂઝે છે કે એ ક્લોડિયાને પકડીને કિસ કરી લે છે. ક્લોડિયા એને હડસેલીને જતી રહે છે. એને નવાઈ લાગે છે કે કેવો છે આ માણસ? પ્રેમિકા ગાયબ થઈ ગઈ છે એ વાતને બે દિવસ પણ થયા નથી ને આને અટકચાળાં સૂઝે છે? નવાઈની વાત એ છે કે કોઈને સેન્ડ્રો પર શંકા સુધ્ધાં જતી નથી. ક્લોડિયા એકલી જ ઍનાની શોધ કરવાનું નક્કી કરે છે, પણ સેન્ડ્રોની નજરમાં હવે ક્લોડિયા વસી ગઈ છે. એ ટ્રેનમાં ક્લોડિયાનો પીછો કરે છે. પેલી પાછી ભડકે છે, પણ અંદરખાને હવે એનેય સેન્ડ્રો પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું છે! મિસિંગ ઍના વિશે છાપાંમાં લખનાર એક રિપોર્ટરને સેન્ડ્રો મળે છે. એે ક્લુ આપે છે કે નજીકના એક ગામના કેમિસ્ટ પાસે કદાચ છેલ્લે ઍના જોવા મળી હતી. સેન્ડ્રો તે ગામ તરફ નીકળે છે. ક્લોડિયા પણ એની સાથે જોડાય છે. આખરે જે થવાનું હતું તે થાય જ છે. ઍનાનું પગેરું શોધતાં શોધતાં આ બન્ને એકબીજામાં ગુલતાન થવા લાગે છે. ઍનાની શોધ જાણે કે એમનાં અફેર માટેનું બહાનું બની રહે છે.
એક હોટલમાં બન્ને ચેક-ઈન કરે છે. અહીં પાર્ટીમાં છેલછોગાળા સેન્ડ્રોની નજરમાં એક ઊભરતી એક્ટ્રેસ પર પડે છે. આ બાજુ ક્લોડિયાને હવે ફફડાટ એ વાતનો છે કે ઍના ખરેખર જો પાછી આવશે તો સેન્ડ્રો પોતાને મૂકીને એની પાસે જતો રહેશે. એને ક્યાં ખબર છે કે સેન્ડ્રોની નજરમાં કોઈક ત્રીજું જ છે? એ હોટલમાં સેન્ડ્રોને શોધવા નીકળે છે તો જુએ છે કે સેન્ડ્રો અને પેલી ઊભરતી એક્ટ્રેસ એકાંત માણી રહ્યાં છે. ક્લોડિયા દોડતી હોટલની અગાસી પર જઈને રડવા લાગે છે. પાછળ પાછળ સેન્ડ્રો પણ આવે છે. એ પણ રડવાનું શરૂ કરે છે. ક્લોડિયા થોડીક ખચકાય છે ને પછી સેન્ડ્રોના મસ્તક પર હાથ મૂકે છે. બસ, આ અસ્પષ્ટતાવાળી મોમેન્ટ પર ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
આ ફિલ્મની વાર્તા ડિરેક્ટર માઈકલેન્જેલો એન્ટોનિયોનીએ જ લખી છે. શૂટિંગ દરમિયાન ગણ્યા ગણાય નહીં એટલા વિઘ્નો આવ્યાં હતાં. એન્ટોનિયોનીનો અંદાજ એવો હતો કે ટાપુ પર જે સીન શૂટ કરવાનાં છે એ ત્રણ વીકમાં આટોપાઈ જશે, પણ ત્રણ વીકનાં ચાર અઠવાડિયાં થયાં. શૂટિંગનું હજુ એક અઠવાડિયું માંડ થયું હતું ત્યાં ફિલ્મને પ્રોડ્યુસ કરનારી કંપનીએ દેવાળિયું ફૂક્યું. યુનિટના લોકોને પૂરતું ખાવાપીવાનું આપવાનાય પૈસા નહીં. સારું હતું કે એન્ટોનિયોની પાસે ફિલ્મનો સ્ટોક પડ્યો હતો એટલે કમસે કમ શૂટિંગ અટક્યું નહીં.
એક વાર એવું બન્યું કે ટ્રાન્સપોર્ટેશન કરતી શિપના માલિકને પૈસા અપાયા નહીં, તો એણે સર્વિસ આપવાનું બંધ કરી દીધું. આખી ટીમ ત્રણ દિવસ સુધી ટાપુ પર લટકી પડી. ક્રૂના મેમ્બરો બરાબરના બગડ્યા. એમણે સ્ટ્રાઈક શરૂ કરી દીધી – અમે એન્ટોનિયોની સાથે ધોળે ધરમેય કામ નહીં કરીએ! એન્ટોનિયોનીના આસિસ્ટન્ટે સમજાવ્યા ત્યારે માંડ એના ડિરેક્શનમાં કામ ચાલુ રાખવા ક્રૂના મેમ્બરો રાજી થયા. અધૂરામાં પૂરું, ઍનાનો રોલ કરતી લિઆ મેસરીને ચાલુ શૂટિંગે હાર્ટ એટેક આવી ગયો. બે દિવસ સુધી એ કોમામાં રહી હતી. સદ્ભાગ્યે એ જલદી રિકવર થઈ ગઈ. એન્ટોનિયોનીની આર્થિક સ્થિતિ પર ધીમે ધીમે રિકવર થવા લાગી. કેટલાય અઠવાડિયાં કડકીમાં પસાર કર્યા પછી કોઈક ફાયનાન્સર મળી ગયો ને શૂટિંગ આગળ વધ્યું.
ફિલ્મ આખરે બની, પણ મુસીબતોનો અંત હજુય નહોતો આવ્યો. ફિલ્મનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં ગોઠવવામાં આવ્યું હતું. પ્રીમિયરમાં જ ઓડિયન્સે હૂરિયો બોલાવ્યો! યાદ રહે, આ કાન ફિલ્મ ફેસ્ટિવલનું કેળવાયેલું ક્રીમ ઓડિયન્સ હતું, એસીમાં એમ જ ટાઈમપાસ કરવા પિક્ચર જોવા બેસી ગયેલા વંઠેલ લોકોનું ટોળું નહીં. ‘ધ એડવન્ચર’માં ફિલ્મમેકિંગનાં તમામ ધારાધોરણોનો ભાંગીને ભુક્કો કરી નાખવામાં આવ્યો હતો. ઓડિયન્સ માટે આવી ફિલ્મ જોવાનો અનુભવ આ સાવ નવો હતો. લાંબાં લાંબાં સીન, સમજાય નહીં એવો પ્લોટ. જાણે ફિલ્મમાં કશું બનતું જ નથી અને સ્ટોરી એક જ જગ્યાએ ઠપ્પ થઈને ઊભી રહી ગઈ છે એવું લાગે. ઓડિયન્સે એટલી બધી રાડારાડ કરી કે એન્ટોનિયોની અને હિરોઈન મોનિકા વિટ્ટી (ક્લોડિયા)એ ધી એન્ડ પહેલાં ડરીને થિયેટર છોડીને નાસી જવું પડ્યું!
પણ બીજા સ્ક્રીનિંગ પછી બાજી નાટ્યાત્મક રીતે પલટી. આ વખતે પ્રીમિયર કરતાં સાવ વિપરીત રિએક્શન આવ્યું. દુનિયાભરમાંથી આવેલા કેટલાક ઉત્તમ ફિલ્મ સમીક્ષકોને ફિલ્મને ‘અદ્ભુત’ ગણાવી. સિનેમાના માધ્યમનો આ રીતે ઉપયોગ અગાઉ કોઈએ નહોતો કર્યો. એન્ટોનિયોનીની તદ્દન મૌલિક, બોલ્ડ સિનેમેટિક સ્ટાઈલ, ‘કવિ કહેવા શું માગે છે’ એ સંદેશો સ્પષ્ટ થયાં અને તે સાથે જ ‘ધ એડવન્ચર’ ચર્ચાનો વિષય બની ગઈ. એટલી હદે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એને જ્યુરીનું પ્રાઈઝ સુધ્ધાં મળ્યું! માત્ર ચશ્મિશ ફિલ્મ-વ્યુઅરોએ જ વખાણ કર્યા એમ નહીં, દુનિયાભરમાં બોક્સઓફિસ પર તે હિટ પુરવાર થઈ.
‘ધ એડવન્ચર’ એક સાદી બ્લેક-એન્ડ-વ્હાઈટ આર્ટ ફિલ્મ છે. એની વાર્તામાં નૈતિકતાના છોતરાં ઊડી ગયાં છે. હિરોઈન ખોવાઈ જાય અને તે સાથે જ તેનો પ્રેમી અને બહેનપણી એકબીજા સાથે લફરું કરી દે એ કેવું? ફિલ્મમાં ઘણાં કામુક દશ્યો છે. અલબત્ત, આજની તારીખે તે બાળનાટક જેવાં સીધાસાદાં લાગે છે તે અલગ વાત થઈ. હાઈ સોસાયટીના રુડારુપાળા લોકો અંદરથી કેટલા એકલવાયા હોય છે, તેમના પારસ્પરિક સંબંધો કેટલા ખોખલા અને સંવેદનહીન હોય છે તે હકીકત આ ફિલ્મમાં તીવ્રતાથી પેશ થઈ છે. સમાજના આ વર્ગ માટે પ્રેમ કદાચ ટાઈમપાસનું સાધન છે. રોજર ઈબર્ટ કહે છે તેમ, ખરેખર તો આ પાત્રોમાં પ્રેમમાં હોવાની, પ્રેમ કરવાની કે ભવિષ્યમાં ક્યારેય કોઈને ચાહી શકવાની ક્ષમતા જ નથી. પૉલીન કેઈલને આ કિરદારોમાં જિંદગીથી ભયંકર કંટાળેલા છીછરા લોકો દેખાય છે. કંટાળાથી બચવા તેઓ એકમેક તરફ ઢળે છે, પણ એકબીજા પાસેથી તેમને કંટાળો જ મળે છે. સેક્સ એમના માટે કંટાળાને ક્ષણિક દૂર કરવાનું સાધન છે. કદાચ સેક્સ વખતે જ તેઓ બીજા જીવતાજાગતા માણસના અસ્તિત્વનો સ્પર્શ કરી શકે છે.
ફિલ્મમાં ઍનાની શોધનો કોઈ નીવેડો આવતો નથી. ફિલ્મ એમ જ પૂરી થઈ જાય છે. એક છેડો જાણે હવામાં અધ્ધર લટકતો રહી જાય છે. આ આખી વાતને પ્રતીકાત્મક રીતે જોઈ શકાય. પૈસાદાર અને કહેવાતા સુખી પાત્રોનું જીવન પણ આવું જ છે – અધૂરું, અર્થ વગરનું, લય વગરનું, કોઈપણ પ્રકારની લોજિકલ ગતિ કે અંત વગરનું. ફિલ્મમેકર એન્ટોનિયોનીને ઍનાનું પછી શું થયું તે કહેવામાં રસ જ નથી. એને ખરેખર તો ઍનાના ગયા પછી ક્લોડિયા શું કરે છે તે તપાસવામાં રસ છે.
‘ધ એડવન્ચર’ જોતી વખતે તમને કદાચ લાગશે કે આવી આર્ટ ફિલ્મો તો ઘણી જોઈ છે. યાદ રાખવાની હકીકત એ છે કે એન્ટોનિયોનીએ ‘ધ એડવેન્ચર’ બનાવી ત્યારે એની સામે બીજી કોઈ ફિલ્મોનો રેફરન્સ નહોતો. ‘ધ એડવેન્ચર’ની ઓરિજિનાલિટી અને પ્યોરિટી એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. સમયાંતરે નવો પ્રવાહ ઊભી કરતી ફિલ્મો વર્લ્ડ-સિનેમાના અભ્યાસુઓ નહીં જુએ તો બીજું કોણ જોશે.
* * * * *
‘ધ એડવેન્ચર’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર – માઈકલેન્જેલો એન્ટોનિયોની
રાઈટર – માઈકલેન્જેલો એન્ટોનિયોની, ઈલિઓ બાર્ટોેલિની, ટોનિનો ગુએરા
કલાકાર – ગબ્રિએલ ફર્ઝેેટી, મોનિકા વિટ્ટી, લિઆ મેસરી
રિલીઝ ડેટ – ૨૯ જૂન, ૧૯૬૦
ભાષા – ઈટાલિયન
મહત્ત્વના અવૉર્ડઝ – માઈકલેન્જેલો એન્ટોનિયોનીને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી પ્રાઈઝ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply