હોલીવૂડ હંડ્રેડ: હમને ઘર છોડા હૈ, રસમોં કો તોડા હૈ
મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ – તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૨
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
જિદ્દી છોકરી અને છેલછોગાળો છોકરાની મસ્તમજાની પ્રેમકહાની ઓડિયન્સને હંમેશા આકર્ષતી આવી છે
* * * * *
ફિલ્મ નંબર ૩: ‘ઈટ હેપન્ડ વન નાઈટ’
આ એક હલકીફૂલકી રોમેન્ટિક કોમેડી છે. ફિલ્મ આપણા દાદા-પરદાદાના જમાનાની એટલે કે ૭૮ વર્ષ જૂની છે એટલે દેખીતી રીતે જ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં છે. જેમ જેમ લેખ વાંચતા જશો તેમ તેમ તમને સમજાતું જશે કે ઓત્તારી… આવી સેમ-ટુ-સેમ સ્ટોરીવાળી હિન્દી પિક્ચર તો મેં જોઈ છે!
ફિલ્મમાં શું છે?
એલેન એન્ડ્રુઝ (ક્લોડેટ કોલ્બર્ટ) બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ છે. એણે વેસ્લી નામના લાલચુ યુવાન સાથે ધરાર લગ્ન કરી નાખ્યાં છે. બાપાએ ગુસ્સે ભરાઈને લગ્ન રદ કરી નાખ્યાં એટલે એલેન ઘર છોડીને નાસી જાય છે. પ્રિયતમને મળવા એ ન્યુયોર્ક જતી બસમાં ચડી જાય છે. અહીં એનો ભેટો પીટર (ક્લર્ક ગેબલ) નામના મસ્તમૌલા અને બેકાર પ્રેસ રિપોર્ટર સાથે થાય છે. એ તરત એલેનને ઓળખી જાય છે. એ કહે છે: ‘સાંભળ, તારા પિતાશ્રીએ જાહેરાત કરી છે કે જે કોઈ મારી ગુમશુદા દીકરી વિશે ઈન્ફર્મેશન આપશે એને હું ઈનામ આપીશ. હવે તારી સામે બે વિકલ્પ છે. કાં તો તું મને એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપ. હું આ ધમાકેદાર સ્ટોરી મારે એડિટરને આપીશ તો એ તરત મને નોકરી પર રાખી લેશે. જો તું એમ નહીં કરે તો હું તારા બાપાનો કોન્ટેક્ટ કરીને તને પકડાવી દઈશ. પછી ઈનામના પૈસા લઈને ઘરભેગો જઈ જઈશ. બોલ, શું કરવું છે તારે?’ એલેન, નેચરલી, પહેલો વિકલ્પ પસંદ કરે છે.
હવે શરુ થાય છે બન્નેની ઘટનાપ્રચુર યાત્રા. શરુઆતમાં તો એલેન વાયડા પીટર પર બહુ ગિન્નાયેલી હતી, પણ ધીમે ધીમે ખીજ ઘટતી જાય છે, એટલું જ નહીં, એ પીટરના પ્રેમમાં પડતી જાય છે. રસ્તામાં કેટલાય કિસ્સા બને છે. બેય કડકા હતાં એટલે રસ્તા પર લિફ્ટ માગી માગીને જ આગળ વધવાનું હતું. પીટર કહે છે: ડોન્ટ વરી. લિફ્ટ માગવામાં તો હું ઉસ્તાદ છું. એ અંગૂઠો ધરીને ક્યાંય ઊભો રહે છે, પણ હરામ બરાબર એકેય કાર ઊભી રહે તો. બેઠી બેઠી તાલ જોયા કરતી એલેન આખરે મેદાનમાં આવે છે. એ પોતાનું સ્કર્ટ ઊંચું કરીને અદાથી ઊભી રહે છે. ફટ કરતી એમને એક કારમાં લિફ્ટ મળી જાય છે! એલેન કહે છે: કેમ, મને કોન્ગ્રેચ્યુલેટ નહીં કરે? પીટર એલન કહે છે: કેમ? એલેન કહે છે: વેલ, આઈ પ્રુવ્ડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ લિમ્બ ઈઝ માઈટીઅર ધેન ધ થમ્બ! (મેં સાબિત કરી નાખ્યું કે તારા અંગુઠા કરતાં મારી ખુલ્લી ટાંગમાં વધારે તાકાત છે!)
વચ્ચે વિરામ લેવા સૌ રોકાય છે ત્યારે લિફ્ટ આપનાર ગઠિયો કારમાં પડેલો બન્નેનો સામાન લઈને રફૂચક્કર થવાની નાકામ કોશિશ કરે છે. પીટર એનો પીછો કરે છે અને એની કાર લઈ લે છે. ખૂબ બધી ધમાચકડીને અંતે મુસાફરીની અંતિમ રાત આવે છે. બન્ને એક મોટેલમાં રોકાયાં છે. એલેન આખરે એકરાર કરી જ દે છે: આઈ લવ યુ, પીટર. પીટર પણ એને ચાહવા લાગ્યો છે. એલેનને સૂતી મૂકીને પીટર પૈસાનો બંદોબસ્ત કરવા નીકળી જાય છે. મોટેલનો માલિક જુએ છે કે કાર મિસિંગ છે. એ આકળવિકળ થઈને એલેનને જગાડીને કાઢી મૂકે છે: તારો બોયફ્રેન્ડ તો તને મૂકીને જતો રહ્યો. હવે તું પણ નીકળ. આ ધરમશાળા થોડી છે કે તને મફતમાં રહેવા દઉં? એલેનનું દિલ ભાંગી જાય છે. પીટરે મને દગો દીધો? એ રડતી રડતી પપ્પાને ફોન કરે છે. પપ્પા ઈમોશનલ થઈને કહે છે કે દીકરી, તું બસ એકવાર ઘરે આવી જા. હું વેસ્લી (ઓરિજિનલ બોયફ્રેન્ડ-ટર્ન્ડ-હસબન્ડ) સાથે તારાં વિધિવત લગ્ન પણ કરાવી આપીશ, બસ? એલેનને હવે વેેસ્લીમાં રસ રહ્યો નથી, પણ પીટરે દ્રોહ કરી નાખ્યો એટલે કમને એ વેસ્લી સાથે ફરીથી જોડાવા તૈયાર થઈ જાય છે.
દરમિયાન પીટર પોતાના એડિટર પાસેથી પૈસા લઈને મોટલ પર પાછો આવે છે, પણ ત્યાં સુધીમાં તો એલેન પપ્પાએ મોકલેલી કારમાં જતી રહી છે. ઘરે જઈને એ નોર્મલ દેખાવાનો પ્રયત્ન કરે છે, પણ આખરે ડેડી ડિયર સામે હૈયું ખોલીને પીટર વિશે ખુલીને જણાવી દે છે. દુભાયેલો પીટર પપ્પાજી પાસે આવે છે. ના, ઈનામની રકમ લેવા નહીં, પણ એલેન પાછળ એણે ૩૯ ડોલરનો ખર્ચ કર્યો હતો, એ લેવા. હું પણ એલેનને પ્રેમ કરું છંું એમ કબૂલીને એ પગ પછાડતો નીકળી જાય છે. એલેન -વેસ્લીનાં લગ્નની વિધિ શરૂ થઈ ચુકી છે. વેસ્લીના હાથમાં દીકરીનો હાથ મૂકતાં પહેલાં, છેક છેલ્લી ઘડીએ પિતાજી એલેનને કહે છે કે તું પીટર વિશે ગરસમજ કરી રહી છે. છોકરો પાણીદાર છે, આ વેસ્લી જેવો લાલચુ નથી. હજુય સમય છે. પાછલા ગેટ પર કાર તૈયાર ઊભી છે. નાસી જા! એલેન એવું જ કરે છે. એનું અને પીટરનું મિલન થાય છે.
… એન્ડ હોપફુલી, ધે લીવ્ડ હેપીલી એવર આફ્ટર!
કથા પહેલાની અને પછીની
આ ફિલ્મની કથાવસ્તુ ‘નાઈટ બસ’ નામની ટૂંકી વાર્તા પર આધારિત છે. શૂટિંગ પછી હિરોઈન ક્લોડેટ કોલ્બર્ટે મોં બગાડીને પોતાના દોસ્તને ફરિયાદ કરી હતી: યુ નો વોટ, મેં હમણાં જ દુનિયાની સૌથી વાહિયાત ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું! ૨૨ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ ફિલ્મ રિલીઝ થઈ પછી એના રિવ્યુઝ ઠીક-ઠીક આવ્યા હતા. શરુઆતમાં બિઝનેસ પણ ઠંડો હતો, પણ વર્ડ-ઓફ-માઉથથી વાત ફેલાતી ગઈ અને ફિલ્મ જબરદસ્ત હિટ પૂરવાર થઈ. ઓસ્કરની પાંચ મુખ્ય કેટેગરીમાં નોમિનેટ થઈ અને તમામ અવોર્ડઝ જીતી લીધા: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ રાઈટિંગ. આજ સુધીમાં અન્ય બે જ ફિલ્મો ‘બિગ ફાઈવ’ તરીકે ઓળખાતા આ પાંચેપાંચ ઓસ્કર જીતી શકી છે- ‘વન ફ્લ્યુ ઓવર કકૂઝ નેસ્ટ’ (૧૯૭૫) અને ‘ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ’ (૧૯૯૧). ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ને ‘કલ્ચરલી, હિસ્ટોરિકલી એન્ડ એસ્થેટિકલી સિગ્નિફિક્ધટ ફિલ્મ’ ગણવામાં આવે છે.
એક દશ્યમાં હીરો શર્ટ કાઢે છે ત્યારે નીચે બનિયાન પહેર્યું નથી એવું બતાવવામાં આવે છે. કહે છે કે આ સીનની એટલી જબરદસ્ત અસર થઈ હતી કે ફિલ્મ રિલીઝ થઈ પછી અમેરિકામાં બનિયાનનું વેચાણ ઘટી ગયું હતું!
ફિલ્મનાં કેટલાંય દશ્યોની પછી તો દુનિયાભરમાં ખૂબ નકલ થઈ છે. જેમકે, સ્કર્ટ ઊંચું કરીને લિફ્ટ મેળવવી, છેલ્લી ઘડીએ લગ્નમંડપમાંથી છટકીને પ્રેમી સાથે નાસી જવું, વગેરે…એન્ડ યેસ, બોલીવૂડમાં એક નહીં, બબ્બે વાર ‘ઈન હેપન્ડ વન નાઈટ’ પરથી ફિલ્મો બની છે. એક તો, રાજ કપૂર-નરગીસને ચમકાવતી ‘ચોરી ચોરી’ અને બીજી, આમિર ખાન-પૂજા ભટ્ટવાળી ‘દિલ હૈ કે માનતા નહીં’. આના પરથી એક ક્નડ ફિલ્મ પણ બની છે.
‘ઈટ હેપન્ડ વન નાઈટ’ ફેક્ટ-ફાઈલ
ડિરેક્ટર : ફ્રેન્ક કાપ્રા
કલાકાર : કલર્ક ગોબલ, ક્લોડેટ કોલ્બર્ટ
મૂળ કથા : સેમ્યુઅલ હોપક્ધિસ આડમ્સ
દેશ : અમેરિકા
અવોર્ડઝ : બેસ્ટ પિક્ચર, એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્શન અને રાઈટિંગના ઓસ્કર અવોર્ડઝ ૦૦૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply