ફિલ્મ નંબર ૨. ‘સાઈકો’ : આશિક હૂં મૈં, કાતિલ ભી હૂં
મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ – તા. ૧૯ ડિસેમ્બર ૨૦૧૨
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
દિલ ધડકાવી દે એવી ભેદભરમથી ભરપૂર એવી ‘સાઈકો’એ ફિલ્મમેકર આલ્ફ્રેડ હિચકોકને સૌથી વધારે પ્રતિષ્ઠા અપાવી છે. જોકે તે રિલીઝ થઈ ત્યારે એક નારાજ સમીક્ષકે ત્યાં સુધી લખી નાખ્યું હતું કે હિચકોકની તેજસ્વી કારકિર્દી પર આ ફિલ્મ કલંક સમાન છે!
* * * * *
ફિલ્મ નંબર ૨: ‘સાઈકો’
જીવ અધ્ધર કરી નાખે અને રહસ્યના આટાપાટમાં દિમાગને ગૂંચવી નાખે એવી આ ફિલ્મ આલ્ફ્રેડ હિચકોનની સર્વોત્તમ રચના ગણાય છે. હિચકોક એટલે સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોના બેતાજ બાદશાહ. ઘાતકી રીતે હત્યાઓ થતી હોય, ભેદભરમના માહોલમાં લોહીની છાકમછોળ ઉડતી હોય એવી ફિલ્મ માટે ‘સ્લેશર’ શબ્દ વપરાય છે. પચાસ વર્ષ પહેલાં બ્લેક-એન્ડ-વ્હાઈટમાં બનેલી ‘સાઈકો’ને સર્વપ્રથમ સ્લેશર ફિલ્મ માનવામાં આવે છે.
ફિલ્મમાં શું છે?
મેરિઓન ક્લેન (જેનેટ લી) નામની એક અમેરિકન યુવતી છે. એનો એક બોયફ્રેન્ડ છે, જે ડિવોર્સી છે. બાપડો નાણાભીડમાં છે. એને મદદ કરવા મેરિઓન પોતાની બોસના એક ક્લાયન્ટના ૪૦,૦૦૦ ડોલર ચોરીને કારમાં રફૂચક્કર થઈ જાય છે. એનો પ્રેમી બીજા શહેરમાં રહે છે. વરસાદી મોસમ છે અને મંઝિલ દૂર છે. રસ્તામાં તોફાનનો માહોલ સર્જાતા એ સૂમસામ જગ્યાએ આવેલી ‘બેટ્સ’ નામની મોટલમાં રાતવાસો કરવા રોકાય છે. મોટેલના માલિકનું નામ છે નોર્મન બેટ્સ (એન્થની પર્કિન્સ). મોટલની બાજુમાં જ નાનકડી ટેકરી પર ભૂતબંગલા જેવું એનું ઘર છે. નોર્મન એમાં પોતાની મા સાથે રહે છે. નોર્મન શરમાતા શરમાતા મેરિઓનને પોતાની સાથે ભોજન કરવા આમંત્રણ આપે છે. ડિનર પહેલાં નોર્મન પોતાના ઘરે જાય છે ત્યારે મા સાથે એનો ઝઘડો થઈ જાય છે. મેરિઓન દૂરથી જુએ છે કે નોર્મનની મા બારી પાસે ઊભી છે. એનો ચહેરો તો સ્પષ્ટ દેખાતો નથી, પણ અવાજ ચોખ્ખો સંભળાય છે. મા ચિલ્લાઈને દીકરાને કહી રહી છે કે તારી દાનત ખરાબ છે. તને તો મોટલમાં રાત રોકાવા આવેલી પેલી બાઈ સાથે સંબંધ બાંધવામાં રસ છે.
પરવારીને મેરિઓન પોતાના કમરામાં જાય છે, કપડાં બદલે છે. નોર્મન નાના છિદ્રમાંથી એનું ઉઘાડું શરીર તાક્યા કરે છે. મેરિઓન શાવર લેવાનું શરુ કરે છે. અચાનક કોઈ સ્ત્રી બાથરુમમાં ઘુસે છે. એના હાથમાં ધારદાર છરો છે. મેરિઓન કશું સમજે તે પહેલાં પેલી ઔરત ઘાતકી રીતે એની હત્યા કરી નાખે છે. નોર્મનને આ દુર્ઘટનાની જાણ થાય છે. એ તરત સમજી જાય છે મેરિઓનને એની માએ જ ખતમ કરી નાખી છે. મેરિઓનની લાશને એ શાવરના કર્ટનમાં લપેટી એની જ કારમાં નાખે છે. એનો સામાન અને ચોરીના પૈસા પણ સાથે લે છે. નજીકમાં ખાડી જેવી જગ્યા છે. નોર્મન આખેઆખી કારને એમાં ડૂબાડી દે છે.
પૈસા ચોરાયા છે, મેરિઓન ગાયબ છે એટલે એની બોસે એક ડિટેક્ટિવ (માર્ટિન બાલસેમ)ની મદદ લે છે. ડિટેક્ટિવ પગેરું દબાવતો બેટ્સ મોટલ પહોંચે છે. પૂછપરછ કરતાં નોર્મન ગલ્લાંતલ્લાં કરવા લાગે છે. ડિટેક્ટિવ કહે છે: મારે તારી માને મળવું છે. નોર્મન ના પાડી દે છે: નહીં, તમે એને નહીં મળી શકો, એ માંદી છે. ડિટેક્ટિવ તોય લાગ જોઈને નોર્મનના ઘરમાં ઘૂસે છે. ફરી પાછી પેલી સ્ત્રી પ્રગટે છે અને ધારદાર છરાથી ડિટેક્ટિવની કતલ કરી નાખે છે. નોર્મન આતંકિત થઈને માને ઘરના ભંડકિયામાં સંતાઈ જવા કહે છે. મા માનતી નથી. નોર્મન આખરે બળજબરીથી એને ઊંચકીને ભંડકિયામાં પૂરી દે છે. ઓડિયન્સને અત્યાર સુધી માનું માત્ર શરીર જ દેખાયું છે. એનો ચહેરો હજુ સુધી સ્ક્રીન પર આવ્યો નથી.
નોર્મનની વૃદ્ધ માને આખરે થયું છે શું? એ શા માટે એક પછી એક ખૂનો કરતી જાય છે? રહસ્ય ઘૂંટાતું જાય છે. હવે મેરિઓનની બહેન અને પ્રેમી પણ છાનબીનમાં જોડાય છે. એ બન્ને નકલી પતિ-પત્ની બનીને બેટ્સ મોટલમાં ચેક-ઈન કરે છે. પ્રેમી નોર્મનને વાતોમાં પરોવી રાખે છે. બહેન ગુપચુપ એના ઘરમાં પહોંચી જાય છે. નોર્મનને તરત શંકા જાય છે. એ મેરિઓનના પ્રેમીને બેહોશ કરી પોતાના ઘર તરફ દોટ મૂકે છે. બહેન એનાથી લપાતીછૂપાતી ભંડકિયામાં પહોંચે છે. અહીં એ એવું કશુંક બને છે કે એ છળી ઉઠે છે. એ જુએ છેે કે… બસ, આટલું જ. હવે આગળ શું થયું એની વાત અમે નહીં કરીએ. જેણે ‘સાઈકો’ જોઈ છે એ ઓલરેડી જાણે છે કે સસ્પેન્સ શું છે, પણ જે આ લેખ વાંચ્યા પછી જોવાના છે એની મજા શું કામ બગાડવી?
કથા પહેલાની અને પછીની
‘સાઈકો’ આ જ શીર્ષક ધરાવતી અને ૧૯૫૯માં પ્રકાશિત થયેલી એક નવલકથા પર આધારિત છે. લેખક રોબર્ટ બ્લોકે આ કથા એક સત્યઘટના પરથી લખી હતી. હિચકોકે પુસ્તક વાંચ્યું, પ્રભાવિત થયા અને તરત નવલકથાના રાઈટ્સ ખરીદી લીધા. કહે છે કે એમણે માર્કેટમાંથી નવલકથાની તમામ નકલો ખરીદી લીધી હતી કે જેથી ઓડિયન્સ સામે સસ્પેન્સ જળવાયેલું રહે! હિચકોકનો પેરેમાઉન્ટ સ્ટુડિયો સાથે કોન્ટ્રેક્ટ થયો હતો, પણ સ્ટુડિયોના સાહેબોને આ નવલકથા બિલકુલ ગમી નહીં. એમણે કહી દીધું કે આના પરથી ફિલ્મ બની શકે જ નહીં. આથી હિચકોક ખુદ પ્રોડ્યુસર બની ગયા અને ચાર મહિનાની અંદર એકદમ ઓછા બજેટમાં ‘સાઈકો’ બનાવી કાઢી.
મોટેલના બાથરુમમાં શાવર લઈ રહેલી નાયિકાની હત્યાનો સીન સિનેમાના ઈતિહાસનાં સૌથી પ્રસિદ્ધ દશ્યોમાંનું એક ગણાય છે. તે સીન શૂટ કરતાં હિચકોકને છ દિવસ લાગ્યા હતા. ત્રણ મિનિટનાં આ સીનમાં જુદા જુદા ૭૭ કેમેરા એન્ગલ્સ વપરાયા છે અને એમાં કુલ પ૦ કટ્સ છે. આ શાવર-સીન સાથે કેટલીય કથાઓ-દંતકથાઓ જોડાઈ ગઈ છે. હિચકોકની ઈચ્છા એવી હતી કે આ સીનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો બિલકુલ ઉપયોગ ન કરવો, પણ મ્યુઝિક કંપોઝર બર્નાર્ડ હરમેને ખૂબ આગ્રહ કર્યો એટલે સંગીત ઉમેરવામાં આવ્યું.
આ ફિલ્મે ઈતિહાસ સર્જ્યો એટલે ઘણા લોકો જશ ખાટવા આગળ આવવા લાગ્યા. એમાં હિચકોકનો ગ્રાફિક ડિઝાઈનર મુખ્ય છે. એણે હિચકોકની કેટલીક ફિલ્મોની ટાઈટલ સિકવન્સ અને અમુક દશ્યો માટે સ્ટોરીબોર્ડ બનાવ્યાં હતાં. (મહત્ત્વનાં સીન શૂટ કરતાં પહેલાં ઘણી વાર કોમિક્સની ચિત્રપટ્ટીની જેમ એના જુદા જુદા શોટ્સના સ્કેચ તૈયાર કરવામાં આવે છે. એને સ્ટોરીબોર્ડ કહે છે.) આ ડિઝાઈનર મહાશયે દાવો કર્યો કે ‘સાઈકો’નો શાવર-સીન મેં ડિરેક્ટ કર્યો છે, હિચકોકે નહીં! આ દાવો જોકે પોકળ પૂરવાર થયો. આ દશ્યમાં અભિનય કરનાર જેનેટ લીએ ખુદ જ્યારે સ્ક્રીન પર એડિટ થયેલો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સહિતનો શાવર-સીન પહેલી વાર જોયો ત્યારે રીતસર હેબતાઈ ગઈ હતી. એ એટલી ડરી ગયેલી કે પછી કેટલાય દિવસ સુધી નહાવા જતી વખત ઘરનાં તમામ જડબેસલાક બંધ કરી દેતી અને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખતી!
‘સાઈકો’ રિલીઝ થઈ ત્યારે રીવ્યુઝ કંઈ સારા નહોતા આવ્યા. કોઈએ તો ત્યાં સુધી લખી નાખ્યું કે હિચકોકની તેજસ્વી કારકિર્દી પર આ ફિલ્મ કલંક સમાન છે! પણ બોક્સ-ઓફિસ પર ‘સાઈકો’ ગજબની ઉપડી. ઓડિયન્સને ફિલ્મ એટલી બધી પસંદ પડી કે સમીક્ષકોએ નવેસરથી રિવ્યુ કરવો પડ્યો! ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વાર ફિલ્મને વખોડી કાઢી હતી, પણ નવા રિવ્યુમાં ‘સુપરલેટિવ’ અને ‘માસ્ટરલી’ જેવા શબ્દપ્રયોગ કર્યા. આ ફિલ્મને ચાર ઓસ્કર નોમિનેશન્સ પણ મળ્યાં. સિનેમામાં હિંસા અને સેક્સનાં સ્વીકૃત ધોરણોને ઊંચા લાવવામાં જે કેટલીક ફિલ્મોએ ચાવીરુપ કામ કર્યું છે એમાં એક ‘સાઈકો’ પણ છે. તેની સિક્વલ્સ પણ બની છે: ‘સાઈકો-ટુ’ (૧૯૮૩), ‘સાઈકો-થ્રી’ (૧૯૮૬) અને ‘સાઈકો-ફોર: બિગિનિંગ’ (૧૯૯૦). આ ફિલ્મો ઠીકઠીક ચાલી, પણ ઓરિજિનલના તોલે કોઈ ન આવી. ‘સાઈકો’ના મેકિંગ પર એક કરતાં વધારે ડોક્યુમેન્ટરી બની છે. હોલીવૂડ નજીક યુનિવર્સલ સિટીમાં આજે પણ ‘સાઈકો’ની બેટ્સ મોટલ અને પેલા ભૂતિયા ઘરનો સેટ ઊભો છે. ‘સાઈકો’નો સેટ આજે મહત્ત્વનો ટુરિસ્ટ સ્પોટ બની ગયો છે!
‘સાઈકો’ ફેક્ટ-ફાઈલ
ડિરેક્ટર-પ્રોડ્યુસર : આલ્ફ્રેડ હિચકોક
કલાકાર : એન્થની પર્કિન્સ, જેનેટ લી, માર્ટિન બાલસેમ
મૂળ કથા : રોબર્ટ બ્લોક લિખિત નવલકથા ‘સાઈકો’
દેશ : અમેરિકા
રિલીઝ ડેટ : ૧૬ જૂન, ૧૯૬૦
અવોર્ડઝ : ચાર ઓસ્કર નોમિનેશન્સ
‘’
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply