હેલ્લારો
શું વાત કરવી એ ગુજરાતી મૂવી વિશે કે જેનું નામ હેલ્લારો છે. જ્યારે ખબર મળી કે આખા ભારતની બધી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી આ વર્ષના ઉત્કૃષ્ટ ચલચિત્રનું ઇનામ હેલ્લારોને મળ્યુ એ જ દિવસથી પગ અને દલડુ થિરકતા હતા કે ક્યારે મૂવી થિયેટરમાં પડે ને હું ઝીલી લઉં??!! રીલીઝ પહેલ્લાં યુ-ટ્યુબ પર ટ્રેલર જોયું પછી તો ઉત્સુકતાના ભડાકે ભડાકા. દિવસમાં એક વાર તો ટ્રેલર જોઇ જ નાખતી. ઉત્સુકતાની આગમાં ઘી હોમતું વીડિયો સોંગ “અસવાર……”જોયાને તો ધરવ જ ન આવે. ગમે તે જગ્યાએ હોઉં ટાંટિયામાં જોમ આવી જાય ગરબે ઘૂમવાનુ. થિયેટરમાં પિક્ચર પડે એ અગાઉ બીજા બે ઓડિયો સોંગ યુ-ટ્યુબ પર પડ્યા. આપણે રાઇટ મોમેન્ટે બે ગીતડાના કેચ પકડ્યા.. એક “વાગ્યો રે ઢોલ…..” જેવું નખશીખ ગરબાસોંગ અને બીજું અવ્યક્ત અભિવ્યક્તિઓના ભારનું દુ:ખ વર્ણવતું ગીત……”સપના વિનાની રાત….” શબ્દો એવા કે કાળમીંઢ કાળજાને ય કંપાવી દે.
હવે તો રોજ યુ-ટ્યુબ ખૂલે ને આંખો ચકળવકળ થાય કે કંઇક હેલ્લારો સામગ્રી પામી જવાય. રીતસરની આંખો- કાન- આત્માને તલબ લાગેલી કે શું હશે મૂવીમાં????કે જેનું ટ્રેલર આવું ચિત્તચોર છે, લોકસંગીત-લોકનૃત્ય આવું મનમોહક છે. ગીતો સાંભળુ કે જોઉં ત્યારે તો એમ જ થાય કે ઔરંગઝેબ જો આ ગીતો જોવે કે સાંભળે તો તાત્કાલિક ગરબા રમવા માંડે.
યુ-ટ્યુબ માધ્યમથી જેટલી જોવાય એટલી ઝલકીઓ પર ઇંતેજારના દિવસો કાઢવા લાગી. જેમ પેલો નગરજન કડકડતી ઠંડીમાં અકબરના મહેલની બહાર હોજમાં આખી રાત મહેલના ટોડલે ટમટમતા દીવડાને જોઇ ટકી ગયેલો એ જ રીતે. કલાકારોના ઇન્ટરવ્યુ,મેકિંગ ઓફ અસવાર સોંગ જોયુ. મારા પર્સનલી પ્રિય એવા સૌમ્ય જોશી કે જેમણે હેલ્લારોના ગીત-સંવાદ લખ્યા એમણે એમના શબ્દોમાં સમજાવેલું “અસવાર સોંગ” તો દિલદ્વારે બમણા જોરે દસ્તક દેવા લાગ્યુ. જેટલો પીછો કે પંચાત મેં હેલ્લારોની કરી એટલી જાસૂસી તો મારા હૈયાના હાર સમાન હિમલાની પણ નથી કરી.
ખરી ઘડી આવી. નસીબે યારી આપી જેથી શુક્રવારે હેલ્લારો રીલીઝ થયુ અને અમે રવિવારે અમે ઉપડી ગયા. બાપુજી બપોરે ઘેર આવવાના હતા. અપુન બોલા….બપોરે હેલ્લારોને અપોઇન્ટમેન્ટ આપી છે તમે સાંજે પધારજો. મૂવીલવર બેટીના મૂવીલવર બાપ માની ગયા.
મૂવીમાં દર્શાવેલી પ્રથાઓ, રુઢિઓ,નિયમોને મારા અંગત જીવન સાથે નહાવા નીચોવવાનો ય સંબંધ નથી. હું તો એકતાલીસ વરસે પણ કાર ડ્રાઇવ કરતા કરતા ફુલ વોલ્યુમ મ્યુઝિક સાથે બરાડા પાડીને ગાઉં છું. ઘણીવાર મારા સસરાજી કારની બાજુની સીટ પર હોય તો પણ હું બેશરમ બની રાગડા તાણું છું. અભિવ્યક્તિની અગાધ મુક્તિ છે મને ઘરમાં. છતાં એકે એક સીન-સંવાદ સાથે આત્મા જોડાયો. એ એક ટીમની સફળતા ગણાય મારા મતે. કોઇ એક કલાકાર કે કલાકારોની ટીમ પોતાની ક્રિએટીવિટીનું ટીપે-ટીપું નીચોવી દે ત્યારે જ આવા મહાન સર્જનનો લ્હાવો પ્રેક્ષકોને મળે.
દરેક સમાજ, વર્ણ, દેશ, સમયખંડમાં સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત, બર્બરતા હોય જ છે માત્ર સમય સાથે એનું પ્રમાણ અને રીત બદલાય છે. સૌથી ગમતી વાત એ હતી કે મૂવીની બાકીની સ્ત્રીઓ જીવંતતા છોડી ઘરેડમાં પડી મશીન કે મડદુ બની ગયેલી. પરંતુ હીરોઇન મંજરી જિદ્દી હતી કે જીવંતતાવિહીન જીવન મને ના ખપે. એ બધી સ્ત્રીઓમાં એ સાત ચોપડી ભણેલી હતી એ મને બહુ અગત્યનું ના લાગ્યુ. કેમકે મારા અંગત અનુભવો કહે છે કે હાઇલી એજ્યુકેટેડ સ્ત્રીઓને પણ મેં જોઇ છે જિદ છોડી યંત્રવત્ જીવતા. ખૂબ ભણેલી કે કરિયર ઓરિએન્ટેડ મહિલાઓ જ મહાન કામ કરી શકે એવો ભ્રમ મંજરીને નહતો. એને તો પોતાની ખોબા જેવડી દુનિયામાં પોતાને યોગ્ય લાગતી કોઇપણ બાબત માટે પહેલ કરવાની સમજ હતી. એ જ વાતે એ મૂવીનું કેન્દ્રબિંદુ બની જાય છે.
આ ઉપરાંત અનેક સીન કે જે દર્શકને હચમચાવી દે, ખડખડાટ હસાવી દે અને ગરબા તો એવા કે મન મોર,પોપટ બની થનગાટ કરવા માંડે. ગરબાના સ્ટેપ્સ વખતે તો બધા જ સ્ત્રીપાત્રો સાક્ષાત્ જીવતી જોગમાયા જ બની જાય છે. મડદા ય બેઠા થઇ જાય એવું વાતાવરણ સર્જાય પડદે. પુરુષપાત્રોનો તલવાર રાસ અદમ્ય જોશ-જુસ્સાપૂર્ણ. અનેક પ્રસંગો ઘટનાઓ. જેમાંથી એક સંવાદે મને મૂંઝવી મૂકી. રખડતો ઢોલી જ્યારે ગામમાં આશરો માંગવા જાય એ સમયે ઢોલ પર તાલબધ્ધ સતત દાંડી પીટે. પછી મુખીબાપા ખમૈયા કહી નામ પૂછે. ઢોલી પ્રત્યુતર વાળે કે મૂળજી. મુખીબાપા પૂછે કે …..કેવા???!!! ત્યારે ઢોલી કહે….હરિજન. આ સાંભળી મારી બાજુમાં બેઠેલી મારી અગિયાર વર્ષીય દીકરીએ મને પૂછ્યુ કે….મા કેવા પૂછ્યુ તો ઢોલીએ પોતાની ન્યાત કેમ જણાવી???!!! તમે કેવા???!! નો જવાબ અમે સારા કે ખરાબ અથવા અમે ભણેલા કે અભણ….અથવા અમે ડોક્ટર,એન્જિનિયર, સાયન્ટિસ્ટ એવો કેમ ના આવે???!!! મેં એને કહ્યું કે બેટા!!!!ગુજરાતમાં તમે કેવા???!!! સવાલનો એક અને માત્ર એક જ અર્થ થાય.
ગુજરાતી-નોન ગુજરાતી દરેકે દરેક સિનેમાપ્રેમીએ મોતીડે વધાવવા જેવો લાગ્યો મને તો હેલ્લારો.
~ હેમાંગિની આર્ય
Leave a Reply