હું ગાંધીનગરવાસી અને શાંતિ અમને પ્રિય છે પણ છતાંય ‘મસ્તીખોર’ અમદાવાદ અમારું પાડોશી છે એ વાતનો અમને ગર્વ ખરો. એક મોટાભાઈનો ‘આશીર્વાદ રૂપી પડછાયો સતત અમારા પર પડતો રહે એ ગમે.
આ એ જ અમદાવાદ છે જ્યાં રીક્ષાવાળાને પગથી સાઈડ આપતા આવડે છે, આ એ જ અમદાવાદ છે જ્યાં લોકો ફૂટપાથ પર પણ બાઈક ચલાવતા અચકાતા નથી. અમદાવાદને ભીડ પ્રિય છે. આણંદ અને ગાંધીનગર જેવા શાંત શહેર પડોશી છતાંય તેણે મસ્તી કરવી ગમે છે. અડધી રાતે ત્યાં દિવસ ઉગે છે અને ખાવાનો ખજાનો ખુલે છે. આખો દિવસ કામ કર્યા છતાય તેને થાક નથી લાગતો. એટલે જ એ રાતે ૩ વાગે પણ ખાવાની ભીડ ઉભરાઈ છે.
અમદાવાદીને કોઈ છેતરી ન શકે, પણ અમદાવાદી આખી દુનિયાને છેતરી આવી શકે એ તેની ખુબી છે. આ એ જ અમદાવાદ છે, જ્યાં એક સમયે સસલું કુતરા સામે થયું. અહમદશાહે જોયું તો તેને આશ્ચર્ય થયું, અને થયું આ માટીમાં કઈક હોવું જોઈએ ખરું. અને અહમદશાહનાં નામ પરથી આવ્યું અમદાવાદ. ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને નગર બસાયા’ એ તેની જાણીતી કહેવત છે.
આ એજ અમદાવાદ છે, જે ભારતનું પહેલું વર્લ્ડ હેરીટેજ સિટી બન્યું અને ભારત-ગુજરાતનું નામ દુનિયાના નકશામાં છપાઈ ગયું. અલગ ઓળખ સાથે અંકાઈ ગયું. ભલે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર, પણ તમે ઘણાં ભારતીયોને પૂછો તો એનો પહેલો જવાબ અમદાવાદ હોય. ૧૪૧૧થી લઈને આઝાદીમાં ગુજરાતનું મુખ્ય સેન્ટર અમદાવાદ. દાંડી યાત્રાની શરૂવાત અમદાવાદ, ગાંધીજીને પ્રિય શહેર અમદાવાદ, અને ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ, અને જ્યાં પહેલી વિધાનસભા ભરાઈ હતી એ પણ અમદાવાદ, કલાનું કેન્દ્ર અમદાવાદ, અને ગુજરાતનું કેન્દ્ર અને કેટલાક લોકોના જીવનનું કેન્દ્ર પણ અમદાવાદ..!!
ભલે ગાંધીનગર રાજધાની અને ગાંધીનગર અમને પ્રિય, પણ પ્લેન અને ટ્રેન પકડવા તો અમદાવાદ જ આવવું પડે..!! 😉
છેલ્લું દ્રશ્ય : છતાંય મોટાભાઈ ‘અમદાવાદ’ તબિયત સાચવજો..!! ગાંધીનગરને તમારા પ્રદુપણની ચિંતા અચૂક થાય છે..!!
હેપી બર્થડે મોટાભાઈ અમદાવાદ..!!
~ જય ગોહિલ
( નોંધ : આ જુનો આર્ટિકલ છે. )
Leave a Reply