લોકો કહે છે ટેવ પાડો તેવી પડે.
તમને ખબર છે આ ટેવમાં આપણી લાગણીઓનો સમાવેશ પણ થઈ જાય છે. એક વખત ગુસ્સાની ટેવ પડી એટલે પત્યું. વારંવાર ને વાતેવાતમાં ગુસ્સો આવ્યા કરે, તેવી જ રીતે દુઃખની પણ ટેવ.
અમુક દુઃખી આત્માઓ હંમેશા દુખણા જ રડ્યા કરે, ગમ્મે તેટલી સારી સ્થિતિ કે પરિસ્થિતિમાં પણ તે ગમ્મે ત્યાંથી દુઃખી થવાનું કારણ શોધી જ લેશે.
ખરેખર, તે તેની આદત બની ચુકી હોય છે અને આ આદતનું પણ એવું છે. સાલ્લી જેટલી જલ્દી પડી જાય તેટલી જલ્દી છૂટે નહિ.
મતલબ કે તે વ્યક્તિ જ્યાં સુધી મનથી મક્કમ ન બને કે ધારે કે ઈચ્છે નહિ ત્યાં સુધી આ આદતનો પીછો છોડવો મુશ્કેલ નહિ પણ નામુમકીન બની જાય.
એવું કહેવાય છે કે સતત ૨૧ દિવસ કે ૪૦ દિવસ કોઈ વાત, વિચાર કે કાર્ય કરો તો તે ધીમે ધીમે આદત બની જાય છે. આનાથી ઉલ્ટું આદત છોડવા માટે પણ આવું જ કઈક હશે ને !!
એ પણ કેવું વિચિત્ર કે સારી આદત પાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડે, ને ખરાબ આદત આપોઆપ પડી જાય. એવી જ રીતે ખરાબ આદતને છોડવા માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે, પણ સારી આદતો આપોઆપ છૂટી જાય.
ગુસ્સો કરવાની આદત પાડવી પડતી નથી, એ તો પડી જાય. પણ તેની આદત છોડવા માટે કેટલું બધું ધ્યાન રાખવું પડે આવી દરેક પ્રકારની આદતો… વસ્તુઓની, સંબંધોની, લાગણીઓની… બધી જ આદતોમાં લાગુ પડે.
ગુસ્સો, રડવું આ બધી તો જાણે લાગણીઓની કુટેવો થઈ. પણ અમુક ટેવો ક્યારેક રમુજ તો ક્યારેક્ય યાદગાર ને ક્યારેક કોઈની યાદ અપાવતી જાય.
વસ્તુઓની સાથે લાગણી બંધાય અને તે વસ્તુની જાણે આદત પડી જાય. ખાસ કરીને આજે મોબાઈલ વગર તો ચાલે જ નહિ. પણ અમુક પહેરવેશ, ડાયરી-પેન, જમવા માટે ખાસ થાળી કે ચોક્કસ કોઈ જગ્યા, આ બધી વસ્તુઓની પણ આપણને ટેવ પડી જાય છે. એમ કહીએ કે આ વસ્તુઓ સાથે આપણે લાગણી વિવશ બની જઈએ છીએ.
સંબંધોમાં પણ લાગણીઓ સાથે જ ટેવને સાંકળી શકાય. અમુક મિત્રો સાથે રોજ મનભરીને વાત કરવાની ટેવ, રોજ એ મિત્ર સાથે ફોન પર વાત ન થાય કે અવાજ ન સંભાળીએ ત્યાં સુધી દિવસ અધુરો લાગે. ખાસ કરીને બાળકોને મિત્રો, સાથીદારો અને ગ્રાન્ડ પેરેન્ટ્સની આદત ખુબ અસરકારક રીતે પડી જાય છે. થોડો સમય પણ તેનાથી અળગા રહે કે બાળકો બીમાર પડી જાય. તો વડીલોમાં પણ એક સાથીદારની કમી લાગે એટલે કાં તો બીમારીમાં સપડાઈ જાય અને કાં તો જીવન લાંબુ ટકાવી શકતા નથી. તો ક્યારેક સ્વજન, પ્રિયજનની ટેવ આપણે આજે પણ વાગોળતા હોઈએ કે બીજાને તેની ઉપમા આપીએ પણ તેમની ટેવ ભૂલી શકતા નથી.
દરેકમાં કોઈ ખાસ આદત કે ટેવ પડેલી જ હોય છે. કદાચ આ કારણે જ વ્યક્તિ વ્યક્તિથી જુદો પડે છે અથવા તો એમ કહીએ કે દરેક વ્યક્તિની વિશેષતામાં સમાવેશ થાય છે.
ઘણા લોકોને અમુક પ્રકારના ખાસ શબ્દો બોલવાની ટેવ હોય… જેમકે, હઅ, હમમ, બરાબર, હે મા માતાજી, એ છે ને હે જેવા તકિયા કલામ બની જાય તો ક્યારેક વાત વાતમાં એક્ચ્યુલી, એગ્રી, લીટ્રલી, સ્યોર, ઓકે, જી..જી.., અંગ્રેજી અને હિન્દી ભાષાનો શબ્દ પ્રયોગ પણ ટેવ બની જાય.
ઘણા લોકોને બોલવાની નહિ પણ શારીરિક ટેવ પડી જતી હોય છે. પગ હલાવવાની આદત, બાજુમાં બેઠા હોઈએ એટલે આપણને વારંવાર માર્યા કરવાની આદત, ઘણા લોકો એવી પણ ટેવ હોય છે કે વાત વાતમાં હાથ લંબાવે ને આપણે એના હાથમાં તાલી આપવાની.
ઘણી વખત નાનપણમાં પડેલી અમુક આદતો યાદ આવે, ત્યારે એ વાગોળવાની જેટલી મજા આવે તેના કરતા રમુજી વધુ લાગે.
હવે તો મોબાઈલ, ટીવી, વિડીયો ગેઈમ આ બધાની પણ આદત પડી જ જાય છે.
આમ જોઈએ તો આ બધી ટેવોની પાછળ કોઈ માનસિકતા કે રોગ કારણભૂત હોય શકે. કારણ કે, બધી જ ટેવો આપણી લાગણી કે માગણી એટલે કે ક્યારેક જાણતા-અજાણતા થઈ જાય ને કાં પડી જાય છે. ઘણા કિસ્સાઓમાં જોઈએ તો થોડા કોન્સીયસ હોઈએ, એટલે પગ હલાવવાની તેમની આદત સમજાય. તેવી જ રીતે તણાવમાં હોઈએ એટલે કઈ ને કઈ ખાવાની કે વધુ પડતા સુવાની આદત પણ પડી જતી હોય છે.
દરેક ટેવો પાછળ આપણી માનસિક અને શારીરિક તકલીફો ક્યાંક ને ક્યાંક છુપાયેલ રહેતી હોય છે. તો ટેવ પડે ત્યારે ક્યાંક ફોલ્ટ છે બોસ, એવું દ્રઢપણે માની લેવા કરતા, થોડું આ ટેવ પાછળનો સંકેત જાણી લેવો જરૂરી બને. જેથી ટેવની સાથે તેની પાછળ રહેલા કારણથી પણ મુક્તિ મેળવી શકાય.
સંબંધ હોય કે વસ્તુ, માનસિક હોય કે શારીરિક દરેક ટેવ કે આદતનો આપણી લાગણી સાથે સંબંધ રહેતો હોય છે. પણ આપણે ટેવને કોઈ વખત લાગણી સાથે કેમ સરખાવતા કે પરખતા નથી હવે કોઈને કઈ પણ ટેવ જોઈએ તો પહેલા ટીકા કરવા કે મજાક ઉડાવ્યા કરતા તેની લાગણીના તારનો તરવરાટ ચોક્કસ જોઈ લઈએ. જેથી કરીને ટેવ, કુટેવ કે વ્યસનનો પ્રસંગ જ ન બને.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૬ )
Leave a Reply